અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હર્ષદ ત્રિવેદી /પરંપરા
હર્ષદ ત્રિવેદી
ઑફિસેથી આવીને
ટેવ મુજબ
ડોરબેલ વગાડવાને બદલે
બારીમાંથી ડોકિયું કરીને
દીકરાને હાઉક કરવા વિચારું છું
પણ, થીજી જાય છે મારું હાઉક,
ખોડાઈ જાય છે નજર!
ઘરમાં
દીકરો મારા સ્વર્ગસ્થ બાપુજીની
બંડી પહેરી,
બેય હાથ ખિસ્સામાં નાંખી રોફભેર
આંટા મારી રહ્યો છે!
હું તેને ખબર કે ખલેલ ન પડે એમ
પાછલે બારણેથી
ચૂપચાપ આવી જાઉં છું
અંદરના ઓરડામાં.
એક જૂની
પતરાની પેટીમાં જાળવીને રાખેલો
મારા દાદાનો ફાટેલા અસ્તરવાળો,
કોટ કાઢું છું.
મારો એક હાથ એની બાંયમાં જાય છે,
અદ્ધર જ રહી જાય છે બીજો હાથ,
કેમ કે
કોટ ખભેથી ટૂંકો પડે છે!
હતો એમ પાછો ગડી વાળીને મૂકી દઉં છું,
ફિનાઈલની ગોળીની ગંધ ઘેરી વળે છે
આગળ આવીને જોઉં છું તો –
બંડી અસ્તવ્યસ્ત પડી છે પલંગ પર
ખુલ્લું ફટ્ટાસ બારણું મૂકીને
દીકરો તો રમવા ચાલ્યો ગયો છે શેરીમાં
ક્યાંક દૂર!
હું બંડી અને કોટની સાથે
મારું ઈસ્ત્રીબંધ શર્ટ મૂકીને
એક ઊંડો શ્વાસ લઈ લઉં છું!