અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/મારી સાથે આવો

Revision as of 09:19, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારી સાથે આવો |કૃષ્ણ દવે}} <poem> મારી સાથે આવો લ્યો પહેરી લ્યો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મારી સાથે આવો

કૃષ્ણ દવે

મારી સાથે આવો
લ્યો પહેરી લ્યો પવનપાવડી
શબ્દોની, છંદોની, લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની
હું દેખાડું નર્તન એનું જેની રૂમઝૂમ પગલીઓમાં તમેય તાલ મિલાવો
મારી સાથે આવો.
ત્યહીં દૂર દખણાદા તટ પર
પનિહારીશી કૈંક વાદળી હેત ભરે જાણે પનઘટ પર
મમતાથી ભરપૂર નીકળે, વરસે જેની ઉપર વરસે, પળભરમાં તો ન્યાલ કરી દે
કેવળ માલામાલ કરી દે
છત છોડી નીકળો નીકળો આ પથ્થર દૂર હઠાવો
મારી સાથે આવો.
જરા કાન દઈને સાંભળજો
આ પર્વતની ભીતર ભીતર ક્યાંક કશીક તૈયારી ચાલે
પહેલાં લીલીછમ ઘટનાઓ પછી અચાનક ખળખળ વહેતા જળની એક સવારી ચાલે
પૃથ્વી જેનો લેપ કરીને અંતરને નિર્લેપ કરે છે
એવાં આ જળની વચ્ચે જઈ જળનું તિલક લગાવો
મારી સાથે આવો૰
કેટકેટલાં બીજ સમાધિમાં બેઠાં લીલાંછમ બનવા
કેટકેટલી કૂંપળ થનગનતી ધરતીના ખોળે રમવા
અહીં ક્યાંક ઝરણુંય વહે છે, આ માટીની મ્હેક કહે છે
લ્યો અહીં જ વાવી દઉં તમને, તમેય કંઈ ફણગાવો
મારી સાથે આવો૰