અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કૃષ્ણ દવે/સહજ

Revision as of 09:22, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સહજ|કૃષ્ણ દવે}} <poem> બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સહજ

કૃષ્ણ દવે

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું,
ઝૂલવું! ખૂલવું, ને તરવું ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન, આમંત્રણો પણ નહીં, આવવાનાં કશાં કારણો પણ નહીં,
તે છતાં ઊમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઈ જાણે નહીં મૂળ શું ગણગણે? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે,
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે,
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું! કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્ત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું,
ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.
ગુજરાત દીપોત્સવી, ૨૦૬૧