અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિભા નાયક/અવકાશ-અરીસો

Revision as of 09:27, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs)


અવકાશ-અરીસો

વિભા નાયક

સમયની સડક પર
પૂરપાટ દોડતા જતા...
અકસ્માતે
પડ્યો
અવકાશ-અરીસો.
તરડાયેલા એ અવકાશમાં
જોઉં તો...
ઝળૂંબે મારું આકાશ.
વડ, પીપળ ને બોરડી
પલાશ-પારિજાત
આસોપાલવ, શીમળો
શેતૂર-જાંબુનાં ઝાડ
બતાવતાં સરનામું
લઈ ચાલ્યાં...
બાળપણની વાટ.
પરીક્ષાની લ્હાયમાં
લાગી’તી ઠોકર
અહીં જ હાય.
ઓ... પણે...
મોચીના ટેભામાં શ્વસે
હજી વડલાની છાંય!
ચૈતર ચમ્મર ઢાળતાં
લીમડા લૂમેઝૂમે
તળેની મજારમાં
ચિર સૂતું
કબ્રસ્તાન.
થડને ટેકે
અડધી પડથી
આમલીનો અવકાશ
ધૂળભર્યા પરબ-હવાડે
ફંફોસે આકાર...
વ્રત-સૂતરમાં
સમાઈ બેઠાં
વડ-પીપળનાં પાન
દેશવટાના વેશ અજાયબ!
હત્ ખોવાયાં ક્યાં ગાન?
શીમળાનું
શિયળ રોળાયું
એની પલપલ
પાંપણ ભીંજે...
કહો,
મન કેમ કરીને રીઝે?
ફ્લાયઓવરની સોડમાં
ચીમળાતી દીવાલ...
પરતોમાં પીઢેલાં ચિત્રો
પથરાયાં પળવાર...
મેળે જતાં —
ફરકાવેલી એ ફરકડી,
ભમરડાં ને વાંસળી,
ડુગડુગીના નાદ...
ઓ... ફંગોળાતો સાપ!
બાયસ્કોપ-બારીનાં દૃશ્યો
ને પરસેવાની વાસ...
ચગડોળના ચિચૂડે ચઢ્યો
એ વિસરાયેલો સાદ!
સમય-સળી પર રમતું
મરકટ મન
આમતેમ મૂકે દોટ
ઓ રે...
શું આ ઠાલી પોઠ?
વાડ કૂદી
અહીં વગડો નાઠો
નાઠાં ટગરનાં ફૂલ.
અંધારાં ઘર કરી બેઠાં
લાધાજીને પૂર.
પોલાદી પાટાનો જાદુ
ઓટ બની પથરાયો
જતી-આવતી ટ્રેનો વચ્ચે
સમય
હવે અફળાયો.
style="text-align:right"|