અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/કોણ કહે

Revision as of 06:25, 23 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોણ કહે|પ્રદ્યુમ્ન તન્ના}} <poem> કોણ કહે વ્રજ વીસરાયું વ્રજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કોણ કહે

પ્રદ્યુમ્ન તન્ના


કોણ કહે વ્રજ વીસરાયું વ્રજ વિલસે રે કણ કણમાં!
‘અવ કેવું વ્રજ, કેવો કાનો?!’
કહી કહી છો તમીં કરો સહુ હાંસી,
અનહદ તોયે રોમરાજિ મહીં એ જ સુણાયે બાંસી!
રે ઘેલી ઘેલી ઘૂમી રહું ચિતવનની ગલન ગલનમાં!
કોણ કહે વ્રજ વીસરાયું વ્રજ વિલસે રે કણ કણમાં…

નિત નિત જેથી થાય પ્રતીતિ એ વીત્યું ક્યમ માનું!
અલપઝલપ કૈં અલપઝલપ આ મોહન મુખ પરખાણું,
રે હરખ હિલોળે લિયે લ્હેરિયાં યમુના દોઉ નયનમાં!
કોણ કહે વ્રજ વીસરાયું વ્રજ વિલસે રે કણ કણમાં…

ને વ્રજ નવ એક જગ્યા કે દાખું જ્યહીં જાવાના રસ્તા
નહીં બાલપણ, નહીં જરા, વ્રજ ભરજોવન-શી અવસ્થા!
એ જ એ જ ચિર ગોપન-લોપન લીલા ચલત ક્ષણ ક્ષણમાં!
કોણ કહે વ્રજ વીસરાયું વ્રજ વિલસે રે કણ કણમાં…
(છોળ, પૃ. ૧૦૨)