ધીરેન્દ્ર મહેતાની કવિતા/એકાન્ત વાતે વળે

Revision as of 15:24, 19 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨.
એકાન્ત વાતે વળે

જોયું, એકાન્ત જ્યાં આમ વાતે વળે,
ઓરડો શાન્ત બેસી રહી સાંભળે?

પ્હાડ ધુમ્મસ બનીને બધે પીગળેઃ
પથ્થરોનાં હૃદય તો ગજબ ખળભળે!

ટેકરી પાર ઓ સૂર્ય જ્યારે ઢળે,
પળ પ્રતીક્ષા તણી સામટી સહુ બળે.

આગિયાઓ કરે રોશની ચોદિશે,
ગીત બાંધી ફરે કૈંક તમરાં ગળે!

શબ્દ ને મૌન બન્ને વિવશ થઈ રહે,
વાતમાં વાત એની અગર નીકળે.

આંખ ને હોઠને થાય અવઢવ કશીઃ
આ રૂપે તો ફરી એ મળે-ના મળે.

મુજ ચરણમાં હરણ પેઠું, રોકાય ના,
લો, હવે આંખમાં ઝાંઝવાં ઝળહળે!
૨૫-૪-’૭૬