ધીરેન્દ્ર મહેતાની કવિતા/તુલસીશ્યામમાં રાત્રિ

Revision as of 02:42, 21 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૨.
તુલસીશ્યામમાં રાત્રિ

અંધાર... અંધાર ન એ વિના કૈં
અહીં કને દૂર ન પાસ...
શો અંધકાર,
ઝૂઝે-ઝઝૂમે ક્ષણમાં, ક્ષણમાં જ ચૂમે!
એનો લઈ આશ્રય હુંય ઘૂમું...

આ કૃષ્ણવર્ણું થઈ સ્પર્શતું શું
ઘડીઘડીમાં...!
સૂતા સ્મરે કૃષ્ણ હતા નિહાળ્યા
વીંધાઈ શાપે
આ મારગે જ્યાં વળતાં સવારે
વીંધાઈ શાપે.
થાતું ક્ષણે આ થઈ વિદ્ધ સૃષ્ટિ
આખી જ શાપે.

છૂટું, અચાનક પડી જઈ એક ત્રાડે,
આ તો પહાડો ડણકી ઊઠ્યા ત્યાં
તાણી જતો યાળ હલાવતો ક્યાં
છલાંગતો સાવજ શૂર આવી!

જાગું પછી જે ઘડીએ સફાળો
જ્યાં ઊંચકે આમ બધેબધેથી
કોઈ મને
મારા મહીંથીઃ
કેકા મયૂરોની દિશા ભરીને
ના, કાન મારા હરીને!

ને ઢાળ આ ઊતરીને નિહાળું,
સૂર્યો જલે છે જલકુંડમાં ત્યાં!
૨૭-૭-૧૦
૧૯૭૭