નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ગઝલ સમાધિ (૧)

Revision as of 17:14, 22 February 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગઝલ-સમાધિ (૧)

આંખ બિડાતાં જ શબ્દો ઊઘડે
ને પછી ઝળહળતાં દૃશ્યો ઊઘડે,

કૈં કમળ જેવી હરફર હોય છે,
શ્વાસમાં સૂતેલ રસ્તો ઊઘડે.

ૐમાં અણદીઠ જ્યોત ઝળહળે;
મૌનમાં મઘમઘતા મંત્રો ઊઘડે.

રત્નમંડિત સૂર્યનો રથ લો, ઊભો,
ને પૃથુલ નભનાં કમાડો ઊઘડે.

આ નિકટમય ગુંજતો શંખધ્વનિ,
અવ અતલ નાભિમાં આંખો ઊઘડે.