પૂર્વોત્તર/કલકત્તા

Revision as of 10:21, 23 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કલકત્તા|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} <center>ફેબ્રુઆરી ૨૭</center> ઇચ્છ્યું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કલકત્તા

ભોળાભાઈ પટેલ

ફેબ્રુઆરી ૨૭

ઇચ્છ્યું તો એમ હતું કે સવારમાં હાવરા આવે તે પહેલાં જાગી જવું, ગાડીમાં જ શેવિંગ, બ્રશ વગેરે કરી લેવું. પણ ગાડી છેક પ્લૅટફૉર્મમાં પ્રવેશી ત્યારે જ જાગ્યો. જલદી જલદી સામાન લપેટી લીધો. પ્લૅટફૉર્મ પર ઊતરી દસબાર ડગલાં ચાલું તો સામે સાક્ષાત્ શિવકુમારભાઈ! મહાનગરના ભારે ભીડભર્યા પ્લૅટફૉર્મ પર આપ્તબંધુને જોતાં કેવો તો આનંદ થયો હશે!

કલકત્તા અઢાર વર્ષ પછી આવતો હતો. વચ્ચેનાં વર્ષોમાં કલકત્તા કેટલું બધું બદલાઈ ગયું હશે! સતત વાંચતા હતા કલકત્તાની વધતી જતી વસ્તી વિષે, પથરાઈ રહેતી ગંદકી વિષે, નકસલ આંદોલનો વિષે… પણ આ સવારે જ્યારે સૂર્યના ડોકાવા સાથે જ મેં કલકત્તામાં પગ મૂક્યો ત્યારે કચરાના ગંજ પણ અસુન્દર ન લાગ્યા. આ હાવરાબ્રિજ, અને નીચે વહેતી હુગલી. શિવકુમારભાઈ વેગથી કાર ચલાવતા હતા. હજી અવરજવર વધી નહોતી. કલકત્તા ગમતું જતું હતું! ગાડી શરત બોઝરોડની એક ઇમારતમાં પ્રવેશી. ‘દર્શના.’ શિવકુમારભાઈનું ઘર.

ઘરમાં પ્રવેશી સામાન મૂકીએ, તે વખતે જ બાજુના રૂમનું બારણું ખોલી સાક્ષાત્ ઉમાશંકરભાઈ ‘ગુડમોર્નિંગ’થી અભિવાદન કરી રહ્યા હતા. તેઓ ગઈ કાલે સાંજે જ કલકત્તા આવી ગયા હતા. અમે શિવકુમારભાઈને ત્યાં મળવાના હતા એ નક્કી હતું, તેમ છતાં તેમને જોઈને આનંદ થઈ રહ્યો. સત્યવતીબહેને ચાનો ગરમ પ્યાલો હાથમાં આપી દીધો. ચા પીધા પછી બ્રશ, સ્નાન આદિ. ‘દર્શના’ના ચોથે માળે શિવકુમારભાઈના નિવાસમાં પૂર્વ દિશાની બારીમાંથી પ્રભાતનાં સૂર્યકિરણોય અભિવાદન કરી રહ્યાં હતાં.

ત્યાં બારણું ઊઘડ્યું અને શિવકુમારભાઈના પ્રતિબેશી-પડોશી કનુભાઈ ભાલરિયા અને જ્યોતિબહેન પ્રવેશ્યાં. કનુભાઈ તરત જ જતા હતા જમશેદપુર. સ્વાગત અને વિદાય સાથે જ કહેવા આવ્યા હતા. ઉમાશંકરભાઈ પણ આજે જ બપોરના નીકળી જવાના હતા. પટણામાં જે. પી. ની તબિયતના ખબર કાઢી પછી દિલ્હી જવાના હતા. પણ તે પહેલાં તેઓ કલકત્તાની સાહિત્ય અકાદેમીની પ્રાદેશિક કચેરીની મુલાકાતે જવાના હતા.

તેઓ તૈયાર થઈ નીકળ્યા. મનેય સાથે લીધો. રવીન્દ્ર સરોવર આવ્યું. રવીન્દ્ર સરોવરની પેલી વાત, સ્ત્રીઓની સામૂહિક છેડતીની, યાદ આવી. આખી વાત જ ઘડી કાઢવામાં આવેલી ને! રવીન્દ્ર સ્ટેડિયમમાં છે અકાદેમીની ઑફિસ. અકાદેમીના પ્રાદેશિક મંત્રી હતા શ્રી શુભેન્દુબાબુ. પહેલાં શાંતિનિકેતનમાં બંગાળીના અધ્યાપક હતા. અહીં થતાં પ્રકાશનોની વાત નીકળી. મણિપુરીમાં અને ઓડિઆમાં કેમ ઓછાં પ્રકાશનો છે, તેનાં કારણો અકાદેમીના અધ્યક્ષ પ્રાદેશિક મંત્રીને પૂછી રહ્યા હતા. અધ્યક્ષની ચિંતા સકારણ હતી. મણિપુરવાસીઓને તો સતત ભારતના મુખ્યપ્રવાહથી અલગ હોવાની લાગણી થયા કરે છે.

થોડીવાર પછી ઘેર આવી, જમી, ઉમાશંકરભાઈને ઍરપોર્ટ પર મૂકવા નીકળ્યા. સતુબહેન અને રુચિર પણ સાથે હતાં. ઍરપોર્ટ પર ઉમાશંકરભાઈએ એક અસમિયા સાહિત્યકારની ઓળખાણ કરાવી. મહેશ્વર નેઓગ. તેમના એક પુસ્તક ‘શંકરદેવ’નો ગુજરાતી અનુવાદ કર્યો હતો, એટલે પાંચસાત મિનિટની મુલાકાત પણ આત્મીયતાભરી બની રહી.

સાંજના ચાર વાગ્યે જાદવ૫ુર યુનિવર્સિટીના તુલનાત્મક સાહિત્ય વિભાગને આશ્રયે વાર્તાલાપ ગોઠવ્યો હતો, આયોજક હતા સુવીર રાયચૌધુરી. રાયચૌધુરી ન્હાનાલાલ શતાબ્દી વખતે અમદાવાદ આવ્યા હતા, એ અને કવિ સુભાષ મુખોપાધ્યાય. તે વખતે બંને સાહિત્યકાર સાથે યશવંતભાઈ તથા હું તેમની ઇચ્છાથી ‘ગુજરાતના એક ગામડા’ની મુલાકાતે પણ ગયા હતા. વળી ઘરે પણ આવેલા અને બકુલ સાથે ક્રિકેટ રમેલા.

રાયચૌધુરીને મારા કલકત્તા આવવા વિષે પત્ર લખ્યો હતો. કંઈક તારીખની સમજણફેર થવાથી એ તો ગઈ કાલે જ શિવકુમારભાઈને ત્યાં આવી ગયા હતા. આજે મને લેવા તેમના વિભાગનાં વિદ્યાર્થિની શ્રીમતી શુકલા બસુ આવ્યાં હતાં. રૂપાળાં અને વાચાળ. તેમના પતિ માનવેન્દ્ર અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઇનમાં ઑફિસર છે. તેઓ અમદાવાદ પણ આવેલાં છે, કદાચ એ રૂએ તેઓને મોકલ્યાં હશે.

જાદવપુર કલકત્તાનો જ એક વિભાગ છે, કહો કે દક્ષિણ કલકત્તા. કલકત્તામાં કલકત્તા યુનિવર્સિટી ઉપરાંત આ બીજી યુનિવર્સિટી છે. (એક રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી પણ છે) મૂળ તે નેશનલ કૉલેજ, જેના આચાર્ય શ્રી અરવિંદ એક કાળે હતા, તેમાંથી આ યુનિવર્સિટી બની છે. અનેક વિભાગો છે. દેશની કદાચ એક માત્ર યુનિવર્સિટી છે, જ્યાં ‘તુલનાત્મક સાહિત્ય’ — (‘કમ્પેરેટિવ લિટરેચર’)નું સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન થાય છે.

અહીં આવતાં જ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ (એ દિવસે જ જેમણે અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો) કવિ જગન્નાથ ચક્રવર્તી અને દેવવ્રત મુખોપાધ્યાય તથા વિશ્વનાથ ચટ્ટોપાધ્યાય મળ્યા. આ ત્રણે છ વર્ષ પહેલાં ભરાયેલ અખિલ ભારતીય અંગ્રેજીના અધ્યાપકોની કૉન્ફરન્સમાં અમદાવાદ આવ્યા ત્યારે થોડા દિવસ મારે ઘરે રહ્યા હતા. જગન્નાથ ચક્રવતીને સૌ પ્રથમ મળવાનું થયેલું પતિયાળાની પી. ઈ. એન.માં. અમે સાથે ચંડીગઢ ભાખરા નાંગલની મુસાફરી કરેલી. તે વખતે તેમના સરળ, પ્રસન્ન કવિ વ્યક્તિત્વનો પરિચય થયેલો.

જાદવપુર યુનિવર્સિટીમાં બંગાળીમાં લખતા અનેક કવિઓ લેખકો છે. તરુણ કવિ માનવેન્દ્ર બંદોપાધ્યાય મળ્યા, બુદ્ધદેવ બસુના પુત્ર શુદ્ધશીલ બસુ (જેમની એક વાર્તા ગુજરાતીમાં અનુવાદિત થઈ છે— ‘સત્ય પ્રસન્ન વિષે પહેલું અને છેલ્લું’) તેય મળ્યા. બધા ખૂબ રાજી થયા — અન્યોન્યને મળીને. ઉપરાંત અહીં છે પ્રસિદ્ધ બંગાળી કવિ શંખ ઘોષ અને પ્રણવેન્દુ દાસગુપ્ત. પ્રણવેન્દુ ‘અલિન્દ’ નામે સામયિક ચલાવે છે, કવિતા અને કાવ્ય વિવેચનનું. એ બધા કવિઓ બંગાળી વિભાગમાં છે.

તુલનાત્મક સાહિત્ય વિભાગના અધ્યક્ષ શ્રી નરેશ ગુહને મળ્યા. આ વિભાગ શરૂ કર્યો હતો કવિ શ્રી બુદ્ધદેવ બસુએ. પ્રાજ્ઞ કવિ સુધીન્દ્રનાથદત્તે પણ આ વિભાગમાં સેવાઓ આપી હતી. વિભાગના વિદ્યાર્થીઓે આગળ ‘અદ્યતન ગુજરાતી સાહિત્યના પ્રવાહો’ વિષે વાત કરી. ૨૫ વિદ્યાર્થીઓના આ વિભાગમાં બહેનોની સંખ્યા ધ્યાન ખેંચતી હતી. શરૂઆતમાં થોડાં વાક્યો હું બંગાળીમાં બોલ્યો—પછી અંગ્રેજીમાં. છેલ્લે ઉપસંહારમાં મેં એમ કહેલું કે બંગાળીઓ વિષે અમારામાં એવી છાપ છે કે તેઓ ભારતવર્ષમાં માત્ર બંગાળી સાહિત્યને જ સૌથી સમૃદ્ધ ગણે છે, અને અન્ય ભારતીય ભાષાઓના સાહિત્ય પ્રત્યે ઉપેક્ષાભાવ ધરાવે છે. તેઓ અનુવાદ કરે છે, પણ પરદેશી ભાષાઓમાંથી, ભારતીય ભાષાઓમાંથી તો ભાગ્યે જ. તુલનાત્મક સાહિત્યના આ અભ્યાસક્રમમાં પણ વિદેશી સાહિત્યનો બંગાળી સાહિત્યસંદર્ભે અભ્યાસ થાય છે, પણ ભારતીય સાહિત્યનો નહિવત્.

શ્રી નરેશ ગુહે કહ્યું કે આ વર્ષથી તેમણે ભારતીય સાહિત્યનો અભ્યાસક્રમ પણ લીધો છે. અમને ભારતીય સાહિત્યની કૃતિઓના સારા અનુવાદો મળતા નથી, એ અમારી મુશ્કેલી છે..

મેં કહ્યું, અમે ગુજરાતીઓ બીજી ભાષાઓમાંથી અનુવાદ કરીએ છીએ તેમ બંગાળીઓએ બીજી ભાષાઓમાંથી બંગાળીમાં અનુવાદો કરવા જોઈએ. કેટલાય બંગાળીઓ ગુજરાતી જાણે છે, પણ કદાચ બીજી ભારતીય ભાષાઓમાંથી અનુવાદ કરવામાં સ્વભાષાગર્વ આડે આવે છે, પરદેશમાંથી અનુવાદ કરવામાં એ આડે નથી આવતો.

વાત એવી હતી કે તેઓ ના પાડી શકે તેવી સ્થિતિમાં નહોતા. તેમણે, છતાં કહ્યું, વધારે ને વધારે ભારતીય સાહિત્યને ‘ઇન્ટ્રોડ્યુસ’ કરવાનો અમારોે ખ્યાલ છે. ગુજરાતી સાહિત્યના અંગ્રેજીમાં ઉત્તમ અનુવાદો હોય તો કહો—એનો મારી પાસે તરત જવાબ નહોતો. અંગ્રેજી વિભાગના અધ્યાપકોેએ પણ વાર્તાલાપમાં ભાગ લીધો. વાર્તાલાપ જીવંત બની રહ્યો. વાર્તાલાપ પછી રાયચૌધુરીએ મને પરિચય કરાવ્યો ફાધર રોબર્ટ આંતવાનો. તેઓ આ જ વિભાગમાં અધ્યાપક છે. ફાધર આંતવાએ બેલ્જીયમમાંથી ગ્રીક અને લેટિન કલાસિક્સમાં ડિગ્રી લીધેલી છે અને કલકત્તા યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં અનુસ્નાતકની ડિગ્રી. સંસ્કૃતમાં તેઓ રચનાઓ કરે છે, એટલું જ નહિ તેનું ‘ગાન’ પણ કરે છે. તેમણે સાત ગ્રીક ટ્રેજેડીનો મૂળ ગ્રીકમાંથી અને વર્જિલના લેટિન મહાકાવ્યનો મૂળ લેટિનમાંથી બંગાળીમાં અનુવાદ કર્યો છે. (એક બંગાળી અનુવાદકના સહયોગથી) કાલિદાસના રઘુવંશનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. રામાયણના અધ્યયનનો તેમનો એક ગ્રંથ તો શ્રી રાયચૌધુરીએ મને આપ્યો—‘રામ એન્ડ ધ બાર્ડજ, એપિક મેમરી ઇન ધ રામાયણ.’

શક્તિઓ મર્યાદિત છતાં, મને કંઈક આવો આદર્શ રાખવાનું ગમે.

કલકત્તા આવીએ અને નાટક ન જોઈએ તે ચાલે? અને તેમાંય શિવકુમારભાઈ જ્યારે યજમાન હોય ત્યારે? શિવકુમારભાઈએ ‘જગન્નાથ’ નાટક માટે ટિકિટ લઈ રાખી હતી.

કલકત્તામાં રંગમંચ જીવતી જાગતી હસ્તી છે. પરંપરાગત રંગભૂમિ અને પ્રયોગશીલ રંગભૂમિ—બન્નેની યુગપત્ ઉપસ્થિતિ. બાદલ સરકારનું કોઈક નાટક જોવાની ઇચ્છા હતી; પણ આ દિવસોમાં એનું મંચન નહોતું. શિવકુમારભાઈએ ‘જગન્નાથ’ની ભલામણ કરી હતી —એ પોતેય નાટકના માણસ, સાથે આવ્યા.

જગન્નાથ એક ગામડાગામનો મજૂર માણસ છે, જ્યાં ગામના જમીનદારનું શેષણ તો છે જ; જગન્નાથને અન્ય સૌ પણ પ્રતાડિત કરે છે. મંદિરની એક ઓરડીમાં તે સૂવે છે. ક્યારેક ખાવા પણ મળે નહિ. માર અવશ્ય મળે. બધા એની મશ્કરી-મજાક કરે. ત્યાં જમીનદારની દાસીનો થોડો સ્નેહ એને મળે. પણ એથી જમીનદારને ત્યાં કામ મળતું તે પણ બંધ થઈ જાય. એને બદલે બીજા માણસને લેવામાં આવે છે. બન્ને લડે છે, પણ જગન્નાથ પહોંચી શકતો નથી. એ જ ગડદાપાટુ, માર, આ બધું તે સહે છે. ગામમાં ક્રાન્તિકારીઓ આવે છે. જગન્નાથ એમની સાથે જોડાવા માગે છે, પણ જગન્નાથ પકડાય છે અને દેહાંતદંડની સજા પામે છે, ક્રાન્તિકારીઓને મદદ કરનાર તરીકે. એને તો એનો ખ્યાલે ય નથી.

આવા એક માણસ વિષે એક જીવનચરિતકારને સાચું વૃત્તાન્ત લખવું છે. નાટક આ ચરિતલેખનકારની સમસ્યાથી શરૂ થાય છે. વૃત્તાન્તને ચરિત્ર કહેવું, આત્મકથા કહેવી, ઇતિહાસ કહેવો? — મંચનો એવી રીતે ઉપયોગ થાય છે કે એક બાજુ વચ્ચે વચ્ચે જીવન-ચરિતકાર આવે, બીજી બાજુ ચરિતનાયકના જીવનની ઘટનાઓ આવે.

જગન્નાથને બહુ જ ઓછું બોલવાનું છે. પણ એનું આખું શરીર બોલે છે. અભિનયમાં કાયાનો એવો પ્રભાવકારી ઉપયોગ જવલ્લે જ જોવા મળે. શરીર જાણે મીણનું ન હોય. નાટક ક્રાંતિનો સંદેશ આપે છે—મધ્યવર્ગીય માનસ પ્રત્યે વિરોધ જગવે છે. જગન્નાથ કંઈ કરી શકતો નથી, અલબત્ત માનસિક વિજયોમાં રાચે છે. પણ એમાંથી જ પ્રબળ યુયુત્સાનો ભાવ ભાવકના ચિત્તમાં પ્રકટી રહે છે.

આમેય બંગાળમાં, વામપંથી વિચારસરણી વધારે પુરસ્કૃત થાય છે. વચ્ચે તો અનેક કલાકારો અને બુદ્ધિજીવીઓ માટે માઓ આદર્શ હતા. માઓ માત્ર ચીનના નહિ, ‘તેમના’ પણ ચેરમેન હતા! અને આ નાટક પણ ચીનની એક લઘુનવલનું નાટયરૂપાંતર છે. પરોક્ષ રીતે ચીનની ક્રાંતિની ભૂમિકા સાથે, બંગાળી કલાચેતનાની સગોત્રતા સ્થપાય છે.

મૂળ લેખક છે લુ શુન. અને કૃતિનું નામ છે—‘આહ ક્યુની સાચી વાત’ (અંગ્રેજી — ‘ધ ટ્રુ સ્ટોરી ઑફ આહ ક્યૂ). એ વાર્તા લખાઈ છે. ૧૯૨૧માં, પણ તેમાં સમયગાળો છે ૧૯૧૧નો. બંગાળ પણ લગાતાર ક્રાંતિકારીઓનો પ્રદેશ રહ્યો છે. ત્યાંની ભૂમિકામાં નાટક સ્વાભાવિકપણે જડાઈ જાય છે. ચીની વાર્તાનું બંગાળી નાટ્યરૂપાંતર અને મંચન પ્રશંસા માગી લે તેવાં હતાં. જગન્નાથ એક ચરિત્ર તરીકે ક્યારેય ભુલાશે નહિ.

રાત્રે જમ્યા પછી વાત કરી—નાટકની. વાતમાં સતુબહેન, જ્યોતિબહેન અને રુચિર પણ જોડાયાં. રુચિર તો કલાકાર. ઉત્તમ ચિત્રકાર તો છે જ, વાર્તાકાર અને કવિ પણ. હજી તો પ્રેસિડેન્સી કૉલેજનો અંડર ગ્રેજ્યુએટ છે—મિત્રો સાથે હમણાં એક દસ્તાવેજી ફિલ્મ ઉતારવાની ધૂનમાં છે. તેની પ્રાથમિક ફોટોગ્રાફી કરે છે.

કલકત્તાનો હજી તો ઘણો જ પરિચય બાકી છે,

ફેબ્રુઆરી ૨૮

પૂર્વની બારીમાંથી કલકત્તા મહાનગર પર ઊગતા સૂરજને જોયો. કોયલનો કલશોર આનંદપૂર્ણ આશ્ચર્ય ઉપજાવતો હતો. ‘દર્શના’ ઇમારતની ઉત્તરે અને પૂર્વે ઘણાં વૃક્ષોે છે. ભૂલી જવાય કે લાખો માણસોની ભીડથી ઊભરાતું નગર છે. કાલે આ હજારપગા વિરાટ કાનખજૂરા જેવા નગરની થોડી ઝાંખી થઈ હતી.

આમેય કલકત્તા માત્ર એક નગર નથી, એક ‘લિજંડ’ — ઇતિહાસકથા છે. આધુનિક ભારતનો ઇતિહાસ બનાવવામાં આ નગરનો મોટો હાથ છે. ભારતનો લઘુ ઇતિહાસ જ સમજો. નગર વસતાં વસતાં વસ્યું છે—આ નગરમાં જન્મેલા અંગ્રેજ કવિ રડિયાર્ડ કિપ્લિંગની પંક્તિઓમાં જાણે એના વસવાની પ્રક્રિયા હૂબહૂ ઊભરી છે :

As the fungus sprouts chaotic from its bed,
So it spred —
Chance directed, chance erected, laid and
built on the (silt) —
Palace, byre, hovel-poverty and pride —
Side by side;
And, above the packed and pestilential town,
Death looked down…

હા, ફૂગની જેમ, બિલાડીના ટોપની જેમ ઊગી આવ્યું છે આ નગર, હુગલીની કાંપ ઉપર. હુગલીની લગોલગ તીસ માઈલ જતું આ શહેર ૩૦૦ ચો. માઈલમાં વિસ્તર્યું છે. અહીં મહેલ ને કોઢારુ પાસે પાસે ઊભાં છે. અહીં ભરપૂર ઐશ્વર્ય છે અને ભરપૂર દારિદ્રય પણ, એની ચૌરંઘી વિસ્તારની બહુમાળી ઇમારતો જોઈ ‘ઑ’ પડે અને હાવરાની ગંદી ગીચ વસ્તીઓ જોઈ ‘આહ!’ નીકળે, વ્યાપારઉદ્યોગથી ધમધમતું નગર, ભિખારીઓથી છલકાતું નગર. એના માર્ગો પર ચાલતાં બોદલેરે પેરિસ નગરનાં કરેલાં વર્ણનોે યાદ આવે, નિરંજન ભગતની ‘પ્રવાલદ્વીપ’ની કવિતાઓ યાદ આવે. ‘કીડીઓનો રાફડો’ જાણે આ શહેર (બોદલેર), ના—

આ ન શ્હેર, માત્ર ધૂમ્રના ધુંવા
રૂંધાય જ્યાં મનુષ્યનાં રુંવેરુંવાં…
અહીં સદાય મ્લાન સર્વનાં મુખો
ન સ્વપ્નમાંય જેમને રહ્યાં સુખો…
ન શ્હેર આ, કુરૂપની કથા;
ન શ્હેર આ, વિરાટ કો’ વ્યથા.

બધાં શહેરોની વત્તેઓછે અંશે આ જ કથા છે. પણ કદાચ કલકત્તા તો… કંઈક અદ્ભુત એની વાત છે, વસ્યું ત્યારથી. અંગ્રેજોએ એ વસાવ્યું, તે પહેલાં ય કલકત્તા હતું, પણ તે હતું કાલિકાતા — Kalikata. અંગ્રેજોએ કરી દીધું Calcutta, અહીં કાલિનું થાનક હતું. મૃત સતીના દેહને ખભે લઈ ભમતા શિવનો મોહભંગ કરવા સતીના દેહના ટુકડા ટુકડા કરીને યત્રતત્ર વેરી દેવામાં આવેલા. સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડેલો. ત્યાં થયું કાલિમંદિર. આજેય વાતવાતમાં ‘કાલિ કલકત્તાવાલી’ બોલાય છે.

પણ આજના કલકત્તાની તો માત્ર ત્રણસો વર્ષની જ વાત છે. ઈ. સ. ૧૬૯૦માં જોબ ચાર્નાકે હુગલીને કાંઠે વહાણ નાંગરેલું. ત્યારે અહીં સુતાનુટી, કલકાત્તા અને ગોવિંદપુર ત્રણ ગામ હતાં. સુતાનુટીમાં તે દિવસોમાં સુતરનું હાટ ભરાતું. કલકાતાની આસપાસના કાંપ પર ચાર્વાકને સોનું (gold on silt) દેખાયું. તે વખતે તેની વસ્તી હતી લગભગ ૧૨૦૦૦. ત્રણ વર્ષ પછી ઓછામાં ઓછાં ત્રણ મીંડાં બીજાં ચઢી જશે! આજેય કહેવાય છે કે દિવસે કલકત્તાની વસ્તી એક કરોડ દશ લાખ હોય છે, રાતે નેવું લાખ. એક આખા ‘અમદાવાદ’ જેટલી વસ્તી (વીસ લાખ) તો આવનજાવન કરે છે!

રોજ કરોડો રૂપિયાની ઊથલપાથલ કરતા આ નગરને (સુતાનુટી અને ગોવિંદપુર સાથે) જોબ ચાર્નાકે, દફતરે નોંધાયું છે તેમ, ૧૧૯૪ રૂ—૧૪ આના-૧૧ પાઈમાં, જાગીરના ભાડાપેટે લીધેલું. (આ ચાર્નાકે એક સુંદર તરુણ બ્રાહ્મણ વિધવાને સતી થવા પતિની ચિતા પર ચઢેલી જોઈ, ત્યાંથી તેને બચાવી તેની સાથે લગ્ન કર્યું હતું. ચાર્નાક કલકત્તામાં જ અંતિમ નિદ્રામાં પોઢી ગયેલો. તેની કબર આજેય છે. આપણા શિક્ષણપ્રધાન શ્રી પ્રતાપચંદ્ર ચુનરે આ વિષયે એક નવલકથા લખી છે — ‘જોબ ચાર્નાકની બીબી’ એ નામે. હિન્દીમાં અનુવાદ થયો છે.) પછીથી તે અંગ્રેજો પાસેથી ગયું અને આવ્યું. તેમણે હુગલીને કાંઠે ફોેર્ટ વિલિયમ ચણાવ્યો. વેપાર તે વિકસાવ્યો, સામ્રાજ્યનો પણ વિસ્તાર કરતા ગયા. કંપની અમલમાં કલકત્તામાં ઇમારતો ઊગવા લાગી. જાતજાતના દિમાગવાળા ગવર્નરો આવ્યા. મેકૉલે આવ્યો. હિન્દુ કૉલેજ થઈ, કલકત્તા યુનિવર્સિટી થઈ, રાણીનું રાજ્ય થયું. ભારતમાં પુનર્જાગરણનો યુગ આવ્યો. યંગબેંગાલની પ્રવૃત્તિઓ શરૂ થઈ, તેની સામે સનાતનપંથીઓ આવ્યા. રાજા રામમોહનરાય આવ્યા, વિદ્યાસાગર આવ્યા. જોડા સાંકોના ઠાકુરો આવ્યા. કેશવચંદ્રસેન આવ્યા. સંસ્કૃતિઓનો સંઘર્ષ અને સમન્વય શરૂ થયો. અંગ્રેજી શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિનો પ્રભાવ વિસ્તરતો ગયો. ‘ઇંગબંગ’ (એંગ્લોબેંગાલી) સંસ્કૃતિ સાથે યુરેશિયન પ્રજા થઈ. સામે પક્ષે રામકૃષ્ણ અને વિવેકાનંદની પરંપરા ઊભી થઈ. કલકત્તા વ્યાપારની જ નહિ, સાંસ્કૃતિક, સાહિત્યિક, રાજકીય પ્રવૃત્તિઓથી હલબલી રહ્યું, આમ ઓગણસમી સદીમાં કલકત્તાનું કાઠું બંધાયું. મોટીમોટી કંપનીઓ — બ્રિટિશ સમયની — ના હજી અવશેષો છે (અત્યારે તેમને સ્થાને તાતાઓ અને બિરલાઓ આવ્યા છે.) સ્વદેશી આંદોલન અને બંગભંગની ચળવળે સિદ્ધ કર્યું કે બંગાળ રાજકીય રીતે અધિક સંવેદનશીલ છે. કેટલા બધા ક્રાંતિકારીઓ બંગાળમાં પાક્યા છે! થોડાંક વર્ષો પૂર્વે ઉગ્ર, પણ આજે ઉપરથી કૈંક શાન્ત નકસલવાદી આંદોલનનું પગેરું એ ક્રાંતિકારીઓ સુધી જઈ શકે.

૧૯૧૨માં અંગ્રેજ સરકારની ભારતની રાજધાની કલકત્તાથી દિલ્હી થઈ. પણ કલકત્તાનું ‘તેજ’ તેથી ઘટયું નહિ. ચૌધરીઓ, ચેટરજીઓ, બેનરજીઓ, મુખરજીઓ, સેનો, રોય, બસુઓ અને ચક્રવર્તીઓની સાથે આખા દેશમાંથી અને પરદેશમાંથી આવીને વસતા લોકોથી કલકત્તા પચરંગી નગર બની રહ્યું. આજેય ચૌરંઘી વિસ્તારમાં એક સાથે અનેક ભાષાઓ કાને પડી જાય. ૧૯૪૩માં બંગાળમાં પડેલા માનવસર્જિત ભયંકર દુકાળની અસર કલકત્તાને પણ આભડી ગઈ હતી.

તેમ છતાં કલકત્તાનું કલેવર કદરૂપ થયું ૧૯૪૭માં દેશના ભાગલા પડતાં. આ ત્રણ દાયકામાં તેની કુરૂપતા વધતી જ ગઈ. એકાએક લાખો શરણાર્થીઓ ઊતરી આવ્યા. રાતોરાત ‘વસ્તીઓ’ અસ્તિત્વમાં આવી. ભિખારીઓની જમાત વધતી ગઈ. કૉલેરા જેવા રોગોનું નગર બન્યું, પતિયાઓનું નગર બન્યું. (એમને માટે સાક્ષાત્ ‘મા’ બનીને મધર ટેરેસા કલકત્તાનાં અધિવાસી બન્યાં છે.)

કલકત્તાની સૌથી મોટી સમસ્યા તે રહેઠાણની અને ટ્રાફિકની. આટલા બધા લોકોએ ક્યાં રહેવું? ક્યાં ચાલવું? ‘વસ્તીઓ’ વધતી જ ગઈ. હાવરામાં આવેલી ‘વસ્તી’ દુનિયામાં સૌથી કરુણાજનક ગણાય છે. લાખો લોકો ફૂટપાથ પર સૂએ છે. તે માટે પણ તેમને ‘કંઈક’ આપવું પડે. એવા આંકડા છે કે કલકત્તાના ૭૭ ટકા કુટુંબો એવાં છે, જેના સભ્યોને વ્યક્તિદીઠ માંડ સરેરાશ ૪૭ ચો. ફૂટ જગ્યા મળે છે!

અને રસ્તાઓ! ટ્રામ દોડે છે, બસો દોડે છે, સ્પેશિયલ બસો દોડે છે, મિનિ બસો દોડે છે; ટૅક્સીઓ દોડે છે, સાઈકલ રિક્ષાઓ દોડે છે અને માણસોથી ખેંચાતી રિક્ષાઓ પણ. બસના ફુટબોર્ડ પર મધપૂડો બાઝ્યો હોય એમ માણસો એકબીજાને આધારે ટીંગાતા જતા હોય—ખાસ તો ઑફિસ આવવા-જવાના સમયમાં. રેલવે પણ દોડે છે, ભરાઈ ભરાઈને, હમણાં ભૂગર્ભ રેલવે બની રહી છે. કદાચ રાહત થાય—પણ ત્યાં સુધીમાં તો યાતાયાત કરનારાય વધી ગયા હશે. ઓછામાં પૂરું અહીં વરસાદ પણ ભારે અને ગરમી પણ ભયંકર, માર્ચ આવતાં આવતાં તો ઉનાળો બેસી જાય. આ ફેબ્રુઆરીના અંતિમ દિવસેય એનો અનુભવ થાય છે. મધ-ઉનાળામાં તો પેલો લોખંડનો પ્રસિદ્ધ હાવરાબ્રિજેય તપી તપી ચાર ફૂટ લાંબો થઈ જાય છે!

આ બધું છતાં—કલકત્તા કલકત્તા છે. એવું લાગે કે કલકત્તાવાસીઓને તે સદી ગયું છે, કોઠે પડી ગયું છે. કલકત્તાને છોડીને એ ક્યાંય રહી શકે નહીં. કલકત્તામાં બીજું ઘણુંય છે, જે બાંધી રાખે. કલકત્તા માટે ‘લવ-હેઈટ’નો સંબંધ હમેશાં રહેવાનો. અહીં રોજ નવાં નવાં નાટકો ભજવાય છે, સિનેમાઓ નિર્મિત થાય છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધમધમે છે, સેમિનારો થાય છે. કલા પ્રદર્શનો ગોઠવાય છે, સંગીતના જલાસાઓ થાય છે. ઉચ્ચ પ્રકારનાં સંશોધનો થાય છે.

સૂત્રો સાથે સરઘસ નીકળે છે, અવનવા સૂત્રોથી દીવાલો ચીતરાય છે; અનેક અખબારો બહાર પડે છે, પુસ્તકોની તો અહીં જુદી જ દુનિયા છે, અને કદાચ કલકત્તા જેટલા કવિઓ અને કલાકારો ભારતના બીજા નગરમાં નહિ હોય. ‘કવિતા દૈનિક’ કાઢવાનું તો કોઈ કલકત્તાવાસીને જ સૂઝે.

કલકત્તા વિષે અનેક કવિતાઓ લખાઈ છે. કલકત્તા વિષેનાં કાવ્યોનો એક સંગ્રહ પી. લાલના ‘પોએટ્સ વર્કશૉપ’ તરફથી બહાર પડેલો છે. કલકત્તા વિષે અનેક ગ્રંથો પણ છે. સુવીર રાયચૌધરીને કલકત્તાનો ઊંડો અભ્યાસ છે, એગણીસમી સદીના કલકત્તાના ઇતિહાસ-ભૂગોળના વિશેષજ્ઞ કહી શકાય. તેમણે આપેલી ‘કલકત્તા’ વિશેની એક ચોપડી (જ્યોફ્રે મુરહાઉસે લખેલી, પેન્ગ્વીને પ્રકાશિત કરેલી)માં તો કલકત્તાના ભવિષ્ય વિષે પ્રશ્નચિહ્ન છે. એમની આગાહી કવિ ઉમાશંકરની પેલી બે પ્રસિદ્ધ પંક્તિઓમાં કહી શકાય: ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’ જરા વધારે પડતી વાત છે. તેમણે એટલે કે મુરહાઉસે કલકત્તાનું આમેય ઘેરું ચિત્ર આંક્યું છે—પૂર્વગ્રહદૂષિત લાગે. આર્થર કોએસ્લર અને વી. એસ. નાઈપોલને પણ આ નગરનું કોઈ ભાવિ દેખાયું નથી. ડોમ મોરાયસ તેને ‘સ્પાઈડર સિટી’ કહે છે અને પી. લાલ તેની ઉપમા ‘એક અર્ધા છૂંદાયેલા’ વંદા સાથે આપે છે, જે અદ્ભુત રીતે એવી સ્થિતિમાંય શ્વસી રહ્યું છે.

અને આ કલકત્તામાં સ્વચ્છ સૂર્યોદયના દર્શન સાથે, કોયલના કલશોરનું શ્રવણ!

કલકત્તા વિષેનાં મારાં સંવેદનોનો આલેખ પેલાં ચિત્રો સાથે એકદમ જોડી શકાતો નથી. કલકત્તાનો સાચો સ્પંદ પામવા કદાચ હજી બહુ રઝળવું પડશે, જોવું જાણવું પડશે.

આજે સવારમાં જ એક કવિ ભેટી ગયો. રુચિરસ્તો. અંગ્રેજીમાં કવિતાઓ લખે છે. બહુ જ આગ્રહ પછી તેણે થોડીક કવિતાઓ વાંચી, ‘ઇલસ્ટ્રેટેટ વિકલી’માં તાજેતરમાં આવેલી તેની વાર્તા જોઈ. શિવકુમાર જોષી ભવિષ્યમાં ‘રુચિર જોષીના પિતા’ તરીકે ઓળખાય તેય નવાઈ નહિ.

બપોરના સુવીર રાયચૌધરીને ત્યાં જમવાનું હતું. દક્ષિણ કલકત્તાનો સુખી અને સંપન્ન ગણાતા જોધપુર પાર્ક વિસ્તારની નજીક રહે છે. તેમનું એક ઓરડાનું ઘર જોતાં જ નિરંજન ભગતનું એલિસબ્રિજ, ટાઉનહૉલ પાછળનું જૂનું ઘર યાદ આવે. પુસ્તકોની વચ્ચે માંડ સુવીરને સ્થાન મળ્યું છે. સુવીર પણ અપરિણીત છે. અહીં તેમના વામવિચારસરણીવાળા મિત્ર અને કવિ માનવેન્દ્ર મળ્યા. તેમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે— ‘અર્ધેક શિકારી’ અને ‘બૉંચા કાહિની.’

સાંજે કવિ જ્યોતિર્મય દત્તે શરૂ કરેલી રેસ્તોરાં ‘કોેનટિકિ’માં જવાનું હતું. શિવકુમારભાઈએ ટેલિફોન પર વાત કરી રાખેલી.

જ્યોતિર્મય દત્ત સાથે મારે પત્રવ્યવહાર થયેલો. પ્રસિદ્ધ ‘કલિકાતા’ માસિકના એ સંપાદક છે. એકેએક અંક જોવા સંઘરવા જેવો. મુ. બચુભાઈને કેટલાક અંક બતાવ્યા ત્યારે તેમણે પણ પ્રસન્નતા વ્યક્ત કરેલી. કલાત્મક આવરણ, સુઘડ મુદ્રણ અને બહુમૂલ્ય સામગ્રી. આ ‘કલિકાતા’નો એક વિશેષાંક ગુજરાતી સાહિત્ય વિષે પ્રકટ થયો હતો. બંગાળીમાં કદાચ આ અંક પહેલી વાર ભારતીય ભાષાપ્રીતિનો દ્યોતક હશે. કદાચ જ્યોતિર્મય જ આવું વિચારતા હશે. અલબત્ત, તેમણે સહકાર મેળવેલો શિવકુમારભાઈ અને જ્યોતિબહેન ભાલરિયાનો, નલિનભાઈ પટેલનો.

આ અંકનું મેં ‘વિશ્વમાનવ’માં અવલોકન લખેલું. તેમાં થોડી શિવકુમારભાઈની ટીકા કરેલી. પણ તો શિવકુમારભાઈએ એનો જવાબ આપેલો અને મેં એનો જવાબ આપેલો, અનિરુદ્ધભાઈ થોડા સંડોવાયા હોવાથી તેમણે જવાબ આપેલો. અને પ્રકાશભાઈએ એ ચર્ચાઓ ‘ઓહ, કલકત્તા.’ (એ પેલી પ્રસિદ્ધ ફિલમના) શીર્ષક નીચે છાપી હા…હો જગવેલી…રિવ્યૂનું કટિંગ મેં જ્યોતિર્મયને મોકલેલું. તેમનો પત્ર આવેલો—‘શિવકુમારને મેં અન્યાય કર્યો છે’ એવું એમણે લખેલું.

આ ‘કલિકાતા’એ એક બીજી ઝુંબેશ ઉપાડેલી. ‘રાતભર વૃષ્ટિ’ નવલકથાને અશ્લીલ ઠરાવી કલકત્તાની એક કૉર્ટે બુદ્ધદેવ બસુને ૨૦૦ રૂપિયાનો દંડ કરેલો. (એ નવલકથામાં અશ્લીલ જેવું કશું નથી. એ વિશે પછી ‘બુદ્ધદેવ બસુ’ વિશેના મારા એક લેખમાં — ‘પૂર્વાપર’ (૧૯૭૭) પૃ. ૧૩૪-૧૩૭ —વાત કરી છે.) જ્યોતિર્મય વગેરે મિત્રોએ લાગતાવળગતા સૌનું ધ્યાન દોરવા દરેક સાહિત્યપ્રિય વ્યક્તિ ૧૦ પૈસાનો એક પોસ્ટલ સ્ટેમ્પ આપે—અને એમ કરીને ૨૦૦ રૂપિયા એકઠા કરવાનું વિચારેલું. પછી તો હાઈકૉર્ટમાં એ કેસ ઊડી ગયેલો. ખરેખર તો ડાબેરીઓ તરફથી બુદ્ધદેવ બસુને હેરાન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ ખટલો ચાલેલો.

આ જ્યોતિર્મયને જાતજાતના વિચારો આવે. એક અર્થમાં ‘ખોપરી’ છે. ઊંચી નોકરી છેડી દીધી છે. ક્યારેક તેમને ખુલ્લા પગે રહેવાનો વિચાર આવે અને જોડા પહેરવાનું છોડી દે. એક વર્ષ તેમણે મિત્રો પાસેથી તેમનાં જૂનાં કપડાં માગી, તે પહેરી ચલાવેલું. ભૂમિદાન યજ્ઞમાં પણ સક્રિય થયેલા. એક વખતે હોડીમાં બેસી કલકત્તાથી પોંડીચેરી બંગાળના અખાત વીંધી જવાની ધૂન સવાર થઈ, ધૂન પૂરી કરી હેમખેમ પાછા આવ્યા! કટોકટીમાં ‘કલિકાતા’નો અંક કાઢેલો, જેમાં ખુલ્લંખુલ્લા કટોકટીનો વિરોધ કરેલો, અને પછી ભૂગર્ભમાં નાસતા ફરેલા, પકડાયા અને જેલમાં ગયા.

તેમની એક વાર્તા ‘બુદ્ધનું નિર્વાણ’ મને ખૂબ ગમી ગયેલી. સુરેશ જોષીના ‘ઊહાપોહ’માં તેનો અનુવાદ છપાયેલો. આ જ્યોતિર્મયે ‘હૉટેલ’ કરી છે. એનું ઉદ્ઘાટન ચારેક દિવસ ઉપર જ શિવરાત્રિને દિને થયું છે. હોટેલનું નામ ‘કોનટિકિ’, (થોર હાયર ડાલે પાંચ મિત્રો સાથે લાકડાનાં બીમોમાંથી તૈયાર કરેલી જે હોડીમાં આટલાન્ટિક મધ્યના ટાપુઓ સુધી સહસ્ત્રાધિક માઈલેની યાત્રા કરી હતી, તેનું નામ હતું ‘કોનટિકિ.’ એ સાહસકથા પુસ્તક રૂપે પ્રકટી છે. મહેન્દ્ર મેઘાણીએ સંક્ષેપમાં ગુજરાતી અનુવાદ આપ્યો છે, એ જ નામથી.) હુગલીના પ્રવાહમાં ત્યારે લંગર નાખી સ્થિર કરેલી મોટી હોડી — બજરો જ કહીએ —તે ‘કોનટિકિ’ છે — તરતી (ભાસાને) હૉટેલ.

શિવકુમારભાઈ, રુચિર, જ્યોતિબહેન, સુવીર, માનવેન્દ્ર, શ્રીમતી શુકલા અને હું — ‘કોનટિકિ’ જવા નીકળ્યાં. સાંજ પડવામાં હતી. કલકત્તાની ભીડ વટાવતાં હુગલીને કાંઠે પહોંચ્યાં. આ હુગલી! પ્રચંડ વેગે વહેતો વારિ.ઓઘ. સામે કાંઠે લાલ સૂર્ય દેખાતો હતો. મેં રુચિરને સ્નૅપ લેવા કહ્યું. એક સૂર્યાસ્તનો, એક કોનટિકિનો. સુંદર સૂર્યાસ્ત-હુગલીની પેલે પાર. આ પાર અમે ઊભાં હતાં. રુચિરે ધ્યાન ખેંચ્યું — અંકલ, પેલો હાવરા બ્રિજ — દૂર હાવરા બ્રિજની આછી આકૃતિ દેખાઈ.

કોનટિકિ સુધી જવા માટે હોડીમાં બેસવું પડે છે. એ નાની હોડીનું નામ, તો ‘મણિમેખલા’! મણિમેખલામાં બેસીને કોનટિકિ પહોંચ્યાં. કોનટિકિ પર પગ મૂકીએ તે પહેલાં સંગીતના સૂર વહી આવતા સંભળાયા. અંદર આછું અજવાળું હતું. આ બાજુ કવિતા સાહિત્યની ચોપડીઓે હતી! હૉટેલમાં કવિતાની ચોપડીઓ. પણ આ તો કવિની હૉટેલ હતી ને!

અંદર થોડા માણસો બેઠા હતા. અમે અંદર બેસવાને બદલે ‘રૂફ’ ઉપર ગયા. હજુ જ્યોતિર્મય કે મીનાક્ષી આવ્યાં નહોતાં. ત્યાં જઈ પાથરેલી કાર્પેટ ઉપર બેઠાં. ચારેબાજુએ જોયું. થોડા આવા ‘બજરા’ હતા. કેટલી વિશાળ હુગલી લાગતી હતી! ત્યાં બીજનો ચંદ્ર દેખાયો. ફાગણ સુદ બીજનો. આ મહાનગર પર એ ક્ષીણ ચંદ્રલેખાની ઉપસ્થિતિને શી રીતે પ્રમાણવી?

જ્યોતિર્મય અને મીનાક્ષી આવ્યાં. મને આ ધૂની કવિપતિની પત્ની વિશે પણ કુતૂહલ હતું. આમે કવિપિતાની એ પુત્રી તો હતી જ. સુવીરે તેમને મોડાં પડવા બદલ ઠપકો આપ્યો. તેઓની પરસ્પરની એટલી અંતરંગતા હતી. જ્યોતિર્મય જ્યોતિબહેન અને શુકલાની વચ્ચે બેઠા. શિવકુમારભાઈએ મારો પરિચય કરાવ્યો, અને કહ્યું — અહીં અમારી વચ્ચે બેસો.

‘કેમ તમને ઈર્ષ્યા આવે છે! એખાને મધુરતા આછે, શેખાને ગૅન (જ્ઞાન). હું તો મધુરતા વચ્ચે બેસીશ.’ પછી ખુલ્લું હસી પડ્યા.

આ માણસ — આટલી મોકળાશ મનની! આટલી નિર્દોષતા! હું તો જોઈ જ રહ્યો. કશો ઉપચાર નહિ, આડંબર નહિ. તરત વાતે વળગી ગયા, જાણે વર્ષોના ‘બંધુ.’ અજવાળું આછું હતું. સ્વપ્નિલ વાતાવરણ. નીચેથી સંગીત વહેતું હતું. નદીના બજરોમાં દીવા, તેમનાં હુગલીના નીરમાં પ્રતિબિંબ—નદીની આસપાસ કોલાહલમાં ડૂબ્યું નગર—

અમારી વચ્ચે આવીને પગ લાંબા કરીને વિશ્રંભ ભાવે જ્યોતિર્મય બેઠા. થોડી વધેલી દાઢી. સાંકડી મોરીનું પાટલૂન. મેં કહ્યું: ‘તમારી ‘‘બુદ્ધેર નિર્વાણ’’ વાર્તાનો મેં અનુવાદ કર્યો છે.’ ખૂબ રાજી થયા. મેં પછી, સુરેશભાઈએ ‘ઊહાપોહ’માં તે વાર્તા છાપ્યા પછી મને એક વાતવાતમાં કહેલી વાત ઉમેરી — મેં કહ્યું : જે પત્રિકામાં એ છપાઈ તેના ગ્રાહકો વધી ગયા..

રાજીરાજી અવાજમાં મીનાક્ષીબહેનને કહે — સાંભળ, સાંભળ. પછી હસ્યા. ‘બંગાળમાં આવું મને કોઈએ કહ્યું નથી.’ ચા પીવાનું ચાલતું હતું. વાત ચાલતી હતી. શિવકુમારભાઈ, રુચિર, સુવીર અને માનવેન્દ્રને જવાનું હતું — તેઓ ઊભા થયા. જરા આગળ વધી જ્યોતિર્મયે બૂમ પાડી : ‘મણિમેખલા!’ મોટો અવાજ, છતાં જાણે કોઈ રાજદુલારીને બેલાવતો હોય તેવો વહાલભર્યો. હોેડીને બોલાવતા હતા. મણિમેખલા આવી, એ મિત્રોને વિદાય આપી.

છત પર અમે ચાર જ્યોતિબહેન, મીનાક્ષીબહેન, જ્યોતિર્મય અને હું રહ્યાં. ‘મણિમેખલા’ની ગુંજ મારા કાનમાંથી જતી નહોતી. મેં કહ્યું : સુંદર નામ — મણિમેખલા. મીનાક્ષી કહે — આ હોડી એમને બહુ વહાલી છે. તેના પર છેક પોંડિચેરી સુધી જઈ આવ્યા!

મેં કહ્યું : તમે રજા આપી?

‘રજા આપવાની વાત જ ક્યાં? એ ઓછું માને એવા હતા. અહીંથી ગયા પછી એ પાછા આવ્યા ત્યાં સુધી ફફડાટમાં દિવસો વિતાવતી… કોઈ કોઈ વાર તો ભયંકર તોફાન આવે, અને મને થાય કે એ પાછા હવે નહીં આવે. આખી રાત જાગતી બેસી રહેતી…’

જ્યોતિર્મય કહે—‘હા, એવું ત્રણચાર વાર થયેલું કે હવે હંમેશને માટે, મહાસાગરમાં, પણ બચી ગયા અને પાછા આવ્યા ખરા!’

મીનાક્ષીબહેને બીજી વાર ચા બનાવી. જ્યોતિર્મયે પહેલાં ના પાડી, પછી લીધી. પછી ચા પીતાં પીતાં એમની નજર ચંદ્ર પર પડી — ‘આજિ તૃતીયાર ચાઁદ, ઓઈ દેખો — કેમન સુંદર—’

‘તૃતીયાર નાકિ દ્વિતીયાર’ — મેં કહ્યું. ફાગણ સુદ બીજ હતી. આછા અંધારામાં કવિના મોંના ભાવ જોઈ શકતો નહોતો. મીનાક્ષીબહેનના ખુલ્લા વાળથી તેમનો બરડો ભરાઈ ગયો હતો.

તેમની તાજેતરની કવિતાની વાત નીકળી, ‘કટોકટીના દિવસમાં એક ખંડિયેર ઘરમાં ત્રણેક મહિના ભરાઈ રહેલો. એ ‘‘ટેન્સ’’ સમયમાં કવિતાઓ આવી. એ મારી ‘‘નીડ’’ હતી. જીવવા માટે…’

‘મીનાક્ષીએ એક ડાયરી આપી હતી — જર્મન ડાયરી — સાંકડી અને લાંબી. કવિતાઓ એ પ્રમાણે લખાતી ગઈ. ડાયરીમાં સામે પાને જર્મન લૅન્ડસ્કેપ હતા. તેય પ્રેરક બન્યા.’

પછી કવિની કાવ્યપોથી અને તેની લખવાની રીતિની વાત નીકળી. કહે —‘કવિને માટે તેની આ પોથી અતિ મહત્ત્વની હોય છે. રવીન્દ્રનાથ કવિતા લખતાં લખતાં ડુડલિંગ્જ કરતા. તેમાંથી ચિત્રો થતાં. બુદ્ધદેવ કવિતા લખતાં લખતાં લીટી ચહેરતા એવી રીતે ચહેરે કે દોડતો માણસ અને એની પાછળ ‘સાપ ન હોય!’ આનો ઘણો બધો અર્થ હોઈ શકે. સાપ કવિતા હોઈ શકે, જગત હોઈ શકે.

કવિ જીવનાનંદ સેફૂટ નોટબુકમાં લખતા, અને તે ય વૂડન પેન્સિલથી. કવિ એટલા ‘શાય’ હતા. સુધીન્દ્ર દત્ત હાર્ડ બાઉન્ડ નોટમાં લખતા. આવી બધી વિગતો કવિસ્વભાવ વિષે ઘણું કહી જતી હોય છે.

કટોકટી કાળમાં લખાયેલી તેમની કવિતાની ચોપડી બહાર પડી નથી. છપાઈ ગઈ છે. પ્રચ્છદપટ તૈયાર નથી. પછી કહે, ‘એવું કરો. આજે રોકાઈ જાઓ, અહીં કોનટિકિ પર. આખી રાત વાતો કરીશું…’

મીનાક્ષી કહે, ‘જોજો, એમને તો અહીંના મચ્છરો વચ્ચે પણ ઊંઘ આવી જશે, તમને…’

સમય થયો હતો. અમારે નીકળવું જોઈએ. તેમની વિદાય માગી, ‘મણિમેખલા…’ ફરી અવાજ ગુંજ્યો. અમે નીચે ગયાં. કવિતાની ચોપડીઓ આ હૉટેલમાંથી ખરીદી! મણિમેખલા આવી. કોનટિકિ પરથી પતિપત્નીએ અમને વિદાય આપી.

કવિસ્વભાવ વિશે વિમાસતા અમે કિનારે પહોંચ્યાં, જ્યોતિબહેને ગાડી જ્યાં પાર્ક કરી હતી, ત્યાં ગયાં — તો આ શું? આખી આ સડક પર લગભગ અડી અડીને ત્રણસોથી વધારે ટ્રકો પાર્ક થયેલી હતી. અહીં પ્રાંત પ્રાંતના ટ્રકવાળા રાતવિસામો કરે છે, મોટરગાડી બહાર કેવી રીતે કાઢવી? ‘ઇત: વ્યાઘ્ર: ઇત: તટી’ની પેલી સંસ્કૃત ઉક્તિ જેવું કંઈક થયું. આ બાજુ નદી અને આ બાજુ ટ્રકપંક્તિ. ગાડી થોડી આગળ ચલાવી, રસ્તો બ્લૉક — છેક છેલ્લેથી ટ્રક ખસતી ખસતી આવે ત્યારે માર્ગ થાય — અને ટ્રકવાળા તે ટ્રક મૂકી મૂકી આજુબાજુ આઘાપાછા થયેલા હતા. હવે? રિવર્સમાં પાછા આવ્યા. થયું કે ગાડી અહીં જ મુકીને જવું પડશે. આ પણ કલકત્તાની એક દુનિયાનું દર્શન હતું — ત્યાં એક જરા માર્ગ હતો. એક મહિલાને ડ્રાઇવ કરતી જોઈને, કેટલાક ટ્રકવાળાઓને સહાનુભૂતિ થઈ હશે, અહીં બેત્રણ ટ્રકો આઘીપાછી કરાવી — અને માંડ બંને બાજુ અડુ અડુ થતી ગાડી કાઢી શકાઈ.

થોડીક વારમાં તો ઘરે હતાં. થોડુંક જમ્યાં. પછી વાતો, કલકત્તાની ઘણી.

ઘણો સમય થયો છે, રાત વીત્યે. હું ટેબલ લૅમ્પના સીમિત અજવાળામાં, શાંત સ્તબ્ધતામાં કલકત્તાની વાત ટપકાવતો બેઠો છું, પણ કલકત્તા તો…

માર્ચ ૧

આજે સવારમાં કાલિઘાટ ગયા.

દેવી કાલિ એટલે કલકત્તાનું સદા ધબકતું હૃદયકેન્દ્ર, કલકત્તા નામને લીધે કાલી અને કલકત્તા અભિન્ન બની ગયાં છે. બંગાળની સંસ્કૃતિને સમજવા માટે કાલી-દુર્ગાના મહાત્મ્યને સમજવું પડે. કાલી દુર્ગાનું જ ચંડ રૂપ છે. બંગાળમાં યા તો દુર્ગા પૂજાય છે યા તો રાધા. શક્તિ અને વૈષ્ણવ ઉપાસનાની આ આરાધ્ય મૂર્તિઓ છે. એટલે બંગાળમાં કન્યામાત્રને ‘મા’ કહેવામાં આવે છે. કોઈપણ વડીલ માણસ વયે નાની છોકરીને ‘મા’ કહીને સંબોધશે. પોતાની દીકરીને તે ‘મા’ કહે જ. સ્ત્રી માત્ર દુર્ગાનું રૂપ, દુર્ગાને કેન્દ્રમાં રાખીને બંગાળનું ઉત્સવચક્ર જાણે આયોજિત થયું છે.

વિવેકાનંદ જેવા વેદાંતીએ ‘નાચુક તાહાર ઉપર શ્યામા’ જેવું દુર્ગાસ્તોત્ર રચ્યું છે. (શંકરાચાર્યે દેવીસ્તોત્ર રૂપે ‘સૌન્દર્યલહરી’ લખી જ છે ને!’) શ્યામા એટલે કાલિ. શ્યામાનાં ગાન, વૈષ્ણવગાન પછી કે તેની સાથે જ લોકપ્રિયતામાં આવે. ‘શ્યામાસંગીત’ એવી અલગ એક શ્રેણી જ છે. બંગાળીમાં ‘શ્યામાસંગીત’માં અઢારમી સદીના કવિ રામપ્રસાદ સેન અગ્રણી છે, શ્રી અરવિંદની ‘ધ મધર’માં દેવીનાં ચાર રૂપની મીમાંસા—બંગાળની શક્તિપરંપરાની એક રીતે દેન છે.

અમે નાનપણમાં પત્તાંબાજી રમતાં કલકત્તાની કાલીને યાદ કરીએ, ‘કાળી’ સર પાડીએ એટલે બોલીએ — ‘કાલિ કલકત્તેવાલી તેરા વચન ન જાયે ખાલી’ એ કાળી અને આ કાલી વચ્ચે શો સંબંધ તે જાણવાની દરકાર નહીં.

૧૯૬૧માં કાલિઘાટે ગયા હતા, તે વખતે અહીંની કન્યાઓને મન કાલી એટલે શું — તે સમજાઈ ગયું હતું. કાલીની પૂજા માટે પૂજા સામગ્રી લઈ કેટલીય કન્યાઓ હારબંધ ઊભી હતી. અમે પણ જ્યારે ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે સમજાયું હતું કે એ પૂજા, અથવા અમારે માટે તો માત્ર દર્શન કેટલાં દુર્લભ હતાં. એવી ભીડ કે પગ નીચે અડકે જ નહીં. શાંતિભાઈ આચાર્યને ભીડમાં તરતા જેવા મેં જોયેલા તે યાદ આવ્યું. પણ વધારે સ્મરણમાં હતું તે તો બલિદૃશ્ય. એક પછી એક બકરાને લાવવામાં આવે અને વધેરવામાં આવે! લોહી વહી જતું હોય. બલિનો પ્રસાદ વહેંચાતો હોય. તે જોઈ રઘુવીરને જે વ્યથા થયેલી તે જોઈ, તેમાંથી પછી એક કાવ્ય તેમણે કરેલું.

આજે સવારમાંય ભીડ હતી. દર્શન કરાવવા બ્રાહ્મણદેવતા આગળ આવ્યા, પણ અમારે એ રીતે દર્શન કરવાં નહોતાં. સમગ્ર મંદિરને જ પગે લાગ્યા. મંદિરની આસપાસનો પરિવેશ એકદમ ભિન્ન લાગે. આપણને થાય જ નહીં કે આપણે ચૌરંઘીવાળા કલકત્તામાં છીએ.

શિવકુમારભાઈને તેમની ઑફિસે જવાનું હતું. એટલે હું અને રુચિર ઉત્તર કલકતા ભણી ચાલ્યા. કલકત્તાનો અહીં અનુભવ થાય, ચિત્તપુર રોડ, ચાયના ટાઉન વગેરે. મુસ્લિમ લોકાલિટી. ખ્રિસ્તી લોકાલિટી, ભીડ ભરેલા માર્ગો પાસે ઊંચા મિનારાવાળી મસ્જિદ દેખાય, રસ્તા સાંકડા અને ટ્રાફિકના નિયમ જાણે મોકળા, રુચિર કહે—પ્રત્યેક વાહનચાલક વાહન હંકારવામાં પોતાની ‘ક્રિયેટીવિટી’નો ઉપયોગ કરે છે.

ત્યાં એક બોર્ડ જોયું — ‘ચલન્તિકા.’ ‘ચલન્તિકા’ બંગાળીનો એક પ્રસિદ્ધ શબ્દકોશ છે. પણ આ દુકાનનું નામ ચલન્તિકા! પછી તો એ નામનાં ઘણાં બોર્ડ જોયાં — ખબર પડી આ તો જૂતાબજાર છે. જોડા માટે નામ છે ચલન્તિકા! ‘વાહ!’ થઈ ગયું. પછી તો એક વિશેષ ચમત્કૃતિપ્રદ નામ જોયું — શ્રી ચરણે ‘શું’ (લખવું જોઈએ તો શ્રીચરણેષુ, પણ આ ‘શું’ એટલે Shoe)—એ પણ જોડાની જ દુકાન.

ઠાકુર પરિવારનું ‘જોડાસાંકો’ આવ્યું. રવીન્દ્રનાથનું ઘર. આપણે માટે તો જાણે આ જ તીર્થસ્થાન, રવિ ઠાકુરે તેમની ‘જીવનસ્મૃતિ’માં આ ઘરનું વર્ણન, પોતાના શૈશવના દિવસોના સ્મરણમાં ગૂંથી લીધું છે. વળી રવીન્દ્રનાથના ભત્રીજા પ્રસિદ્ધ કલાચાર્ય અવનીન્દ્ર ઠાકુરે લખેલી તેમની આત્મકથા ‘જોડાસાંકોર ધારે’માં પણ આ ‘જોડાસાંકો’ અંકિત થયું છે. હજી આ સો સવાસો વરસો પહેલાંની વાત. તે વખતે કેવું હતું કલકત્તા અને કેવા હતા તેના દિવસો? રવિ ઠાકુરે નોંધ્યું છે:

‘તે વખતે શહેરમાં ધૂળ ઉડાડતી ઘોડાગાડીઓ દોડતી, તે વખતે નહોતી ટ્રામ, બસ કે મોટરગાડી, કામકાજની પણ ધમાલ ભારે નહોતી. હુક્કાનો દમ લઈ બાબુ લોકો પાન ચાવતા ચાવતા ઑફિસે જતા, કોઈ પાલખીમાં તો કોઈ ઘોડાગાડીમાં. સ્ત્રીઓ તો બંધબારણાંવાળી પાલખીમાં બહાર જતી-આવતી. શ્રીમંતોની વહુબેટીઓની પાલખી ઉપર તો પાછો લાંબો મોટો ભભકાદાર પડદો રહેતો, જાણે હાલતીચાલતી કબર જોઈ લો.

તે વખતે શહેરમાં વીજળીના દીવા નહોતા. સાંજે નોકર આવીને ઓરડે ઓરડે એરંડિયાના દીવા સળગાવી જતો. પાછળથી કેરોસીનના દીવા આવ્યા ત્યારે તેનું અજવાળું જોઈને લોકો આભા બની જતા. તે વખતે પાણીના નળ નહેતા, નોકરો દ્વારા મહાફાગણ મહિનાઓમાં ઠાકુરવાડીમાં કાવડથી ગંગાનું પાણી લાવી ભરાવી રાખવામાં આવતું…’

અને આજે આ કલકત્તા! ‘સિટી ઓફ ધ ડ્રેડફુલ નાઇટ!’ ‘જોડાસાંકો’ (આજે તે રવીન્દ્રભારતી યુનિવર્સિટી)માં ફરતાં ફરતાં થયા કરે—કયા ઓરડાઓમાં બાલ રવિના દિવસો વીત્યા હશે, ક્યાં રહેતાં હશે કાદંબરી દેવી? ક્યાં મોટાભાઈ જ્યોતિરીન્દ્રનાથ? ક્યાં થતાં હશે ઉસ્તાદોનાં ગાન? ક્યાં જામતી હશે વિદ્વદ્ ગેષ્ઠિઓ! કેવો હશે ઠાકુરવાડીનો ઠાઠમાઠ? આજે બધું નિષ્પ્રભ છે. એક યુગની જીવંતતા આજે ‘મ્યુઝિયમ’ બની ગઈ છે! આ ‘જોડાસાંકો’ જ્યાં જમાનાની પહેલી નવી હવા વહી હતી—જ્યાં રવિ ઠાકુરના કંઠમાં વાણી ફૂટી હતી—અજસ્ર! નમસ્કાર આ ભૂમિને—આ તીર્થને!

કલકત્તા યુનિવર્સિટીનો વિસ્તાર આવ્યો. જૂની પ્રેસીડેન્સી કૉલેજ, માત્ર બંગાળનું જ નહીં, બિહાર, અસમ, ઓડિશાની બૌદ્ધિક પ્રતિભાઓનું આ પિયર, મહાન અધ્યાપકો અને મહાન છાત્રોની કૉલેજ. ખખડધજ કૉલેજ. કૉલેજની દીવાલની એક ઈંચ જગ્યા ખાલી નહીં હોય, પોસ્ટર ઉપર પોસ્ટર, ભાતભાતનાં, જાતજાતનાં, હાથે લખેલાં, ચીતરેલાં, છાપેલાં. સૂત્ર ઉપર સૂત્ર—મોટા મોટા અક્ષરોએ. આ બાજુનું પ્રસિદ્ધ કૉફી હાઉસ, અહીં રાજનીતિ અને સાહિત્યની ચર્ચાઓ કૉફીના ઘૂંટડા સાથે, સિગારેટની ફૂંક સાથે ચાલ્યા કરે છે. એકી સાથે બસો ત્રણસો જણ કૉફી લઈ શકે તેવા હૉલમાંથી અનેક વાતોનો ભેગો થઈને એક અવાજ બધે વીંટળાઈ વળ્યો હતો. અહીં પણ પોસ્ટરોનો મારો. મોટાભાગે ચીન તરફી દેખાયાં. વિયેતનામ પર ચીનના આક્રમણનો પણ બચાવ; એમ લખ્યું હોય મોટા અક્ષરે— આક્રમણકારી વિયેતનામ પર ચીને ‘સીમિત પ્રતિઆક્રમણ! ચીનનું તો ‘પ્રતિઆક્રમણ’ અને તેય ‘સીમિત’! ક્યાંક શિક્ષણ વિષે આવું સૂત્ર હોય—‘એઈ શિક્ષાપદ્ધતિ ધ્વંસ કરુન.’ યુનિવર્સિટીનું મુખ્ય મકાન પણ સૂત્રો— પોસ્ટરોથી આવૃત્ત. મને આપણી કૉલેજો અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર યાદ આવ્યો. સૂત્રોની વાત કેવી? બહુ બહુ તો રસ્તા ચીતરાયા હોય —અને તે માત્ર વિદ્યાર્થી સંઘની ચૂંટણી પૂરતા જ. અહીં કેટલી બધી પુસ્તકોની દુકાનો છે! જૂનાં પુસ્તકોની છે તેથી ય વધારે. કલકત્તાનું આ એક બીજું ધબકતું કેન્દ્ર.

આજે સાંજે આકાશવાણી તરફથી રવીન્દ્રસદનમાં કવિસંમેલન હતું. બંગાળી કવિતા સાંભળવાની તક સહેજે મળી ગઈ. વિષ્ણુ દે આવવાના હતા, પણ આવી શક્યા નહીં, પણ પ્રેમેન્દ્ર મિત્ર, સુભાષ મુખોપાધ્યાય, નીરેન્દ્ર ચક્રવર્તી, જગન્નાથ ચક્રવર્તી, શક્તિ ચટ્ટોપાધ્યાય, સુનીતા ગંગોપાધ્યાય અને બીજા અનેક કવિઓને સાંભળ્યા. બંગાળીમાં કાવ્યવાચન (જેને તેઓ ‘આવૃત્તિ’ કહે છે)નો વિશેષ મહિમા હોય છે. આ કવિઓમાં સૌથી તરુણ કવિઅવાજ હતો કવયિત્રી દેવારતિ મિત્રનો, તેમની કવિતા બધાને હલાવી ગઈ.

આજે કવિ જગન્નાથ ચક્રવર્તીને ત્યાં રાત રહેવાનું હતું. કવિતાવાચન પછી તેમને ત્યાં જાદવપુર ગયા. તેમનું ઘર એક ગ્રામીણ પરિવેશમાં છે. ઘરની આગળ જ તળાવડી છે. આંગણામાં સોપારી, નાળિયેરીનાં ઝાડ મારે માટે જમવાનું શું બનાવવું તે ‘દીદી’ (કવિ જગન્નાથનાં મોટાં બહેન તેઓ પણ અંગ્રેજીનાં અધ્યાપક છે.) માટે સમસ્યા હતી. પરિણામે વાનગીઓની સંખ્યા વધી ગઈ હતી. અમે બંગાળી કવિતાની વાત કર્યે જતા હતા. કવિ જગન્નાથે થોડાક મહિનાઓ પહેલાં સ્વિત્ઝર્લૅન્ડના આલ્પ્સના સાંનિધ્યમાં થોડાક દિવસ વિતાવેલા, તેની સૌંદર્યચેતનાથી ઉદ્દબુદ્ધ કવિતાઓ તેમણે કરેલી, તે વાંચી.

માર્ચ ૨

સવારમાં પંખીઓના અવાજથી જાગી ગયો. ખરેખર અહીં પલ્લીસમાજ છે. શંખનો અવાજ આવતો હતો. કોઈએ દેવતાની પૂજા કરી હતી. પૂર્વની બારીમાંથી તડકો આવતો હતો. આજે કલકત્તાનો છેલ્લો દિવસ હતો. કૉલેજ સ્ટ્રીટમાં જવું હતું, પુસ્તકમેળાનું આજે ઉદ્ઘાટન હતું, તેમાંય સાંજે જવું હતું. પણ આજે ટેક્સીવાળાઓની હડતાળ હતી એટલે બધો કાર્યક્રમ ૨દ જ કરવો પડ્યો. બપોર પછી શિવકુમારભાઈને ત્યાં પહોંચી ગયો, સાંજે શિવકુમારભાઈ મને ‘ભારતીય પરિષદ’ સંસ્થા બતાવવા લઈ ગયા — ચાલતા. તેમના ઘરની નજીક જ છે. પાંચ માળનું મકાન. ગ્રંથાલય, વ્યાખ્યાન ખંડ, અતિથિનિવાસ — બધું સુઆયોજિત છે. ભાષા પરિષદનો હેતુ બધી ભારતીય ભાષાઓને એક ‘કૉમન મંચ’ આપવાનો છે, ‘સંદર્ભભારતી’ નામની પત્રિકા તે પ્રકટ કરે છે.

સાંજે ગુજરાતી સાહિત્ય મંડળને ઉપક્રમે અલ્પસંખ્ય શ્રોતાઓની સામે ‘અજ્ઞેયજી’ વિષે મેં વાર્તાલાપ આપ્યો. ચર્ચા, છતાંય સારી થઈ. ગુજરાત બહાર વિભિન્ન નગરમાં વસેલા ગુજરાતીઓમાં સાહિત્યિક પ્રવૃત્તિ સૌથી વધારે કલકત્તાના આ મંડળ દ્વારા થાય છે. તેની પરિષદ વ્યાખ્યાનમાળા તો પ્રસિદ્ધ છે.

આવતી કાલે હવે જરા જુદા મુલકમાં જવાનું છે. દેશની સીમા ઓળંગીને પેલે પાર દેશ છતાં જાણે વિ-દેશ કિરાતોને દેશ જવાનું છે.