આચમની/૧૩

Revision as of 15:27, 17 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૩

એક ઝેન ગુરુ બે શિષ્યો સાથે ચા પીતા હતા. અચાનક ગુરુએ એક ચીની પંખો એક શિષ્ય તરફ ફેંકી પૂછ્યું : ‘બોલ, આ શું છે? શિષ્યે પંખો લીધો, ખોલ્યો અને પોતાને પવન નાખી મૂંગાં મૂંગાં ગુરુને પાછી આપ્યો. ગુરુએ કહ્યું: ‘ઠીક છે, કંઈ ખરાબ ન કહેવાય.’ અને પછી એ જ પંખો બીજા શિષ્ય તરફ ફેંકી પૂછ્યું : ‘કહે જોઉં, આ શું છે?’ બીજા શિષ્યે પંખો સંકેલ્યો, તેના છેડાથી પોતાની ગરદન જરા ખંજવાળી અને પછી પંખો ખોલી, તેના પર કેક મૂકી તે ગુરુને પાછો આપ્યો. ગુરુ બોલ્યાઃ ‘વાહ, આ વધુ સારો જવાબ.’ ઝેન ગુરુઓ શાબ્દિક વ્યાખ્યાઓ કે વસ્તુઓનાં વર્ણનોને વજૂદ નથી આપતા. સામાન્ય રીતે પંખો જોતાં જ શિષ્ય એ કેવી બનાવટનો છે, ક્યાં બને છે અને ક્યાં ક્યાંથી મળે છે તેની માહિતી આપવા લાગી જાય. ઝેન ગુરુને મન માહિતી કરતાં વસ્તુનો કેવો ઉપયોગ કરવામાં આવે છે તે વધુ મહત્ત્વનું છે. પહેલા શિષ્યે પંખાનો ઉપયોગ કરી બતાવ્યો. પોતાની જરૂરિયાત પૂરી પાડી. પણ તેથી વધારે સારી વસ્તુ તો સામે બેઠેલી વ્યક્તિની જરૂરિયાત જાણવાની અને એ મુજબ આચરવાની છે. પંખા દ્વારા હવા ખાવાના સામાન્ય ઉપયોગ ઉપરાંત તેના છેડાથી ખંજવાળી પણ શકાય એટલું દર્શાવી બીજા શિષ્યે ગુરુને હવા ખાવા માટે પંખો તો ઉઘાડી આપ્યો, સાથે સાથે કેક પણ આપી; કારણ કે ગુરુ ચા પીતા હતા ત્યારે તેમને ચા સાથે કંઈક કટક-બટક પણ આપવું જોઈએ એ તેના ધ્યાનમાં હતું. પોતાને માટે વસ્તુનો ઉપયોગ કરવો તે કાંઈ ખોટું નથી, પણ બીજાને ઉપયોગ કરવા માટે એ વસ્તુ આપવા ઉપરાંત પ્રસંગને અનુરૂપ બીજું પણ કાંઈક વધુ આપવું એમાં સમજણની વિશેષતા રહી છે.

***