આચમની/૧૪

Revision as of 15:30, 17 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૪

માણસ આંખો ઉઘાડે છે ને તેની સામે રસ, રંગ રૂપની અપાર સૃષ્ટિ ઊઘડે છે. ક્યાંક રસની સરિતા વહે છે, ક્યાંક રંગનો વૈભવ મુગ્ધ કરે છે, ક્યાંક રૂપની રમણા તેના મનને વિવશ કરી મૂકે છે. આવા મોહમય અને માયામય વિશ્વમાં કોઈ સ્થિર કેન્દ્ર મળે ખરું? કોઈ ઘૂમરિયા વમળમાં ડૂબ્યા વિના અને કોઈ ઘૂઘવતા પૂરમાં તણાયા વિના તરી શકાય ખરું? અત્યંત વિકટ પ્રશ્ન છે. જેને તીરે ઊભા રહી તમાશો જોવો નથી અને તેથી આ મહાસમૃદ્ધ જીવનને આરે આવી કોડી પામી સંતોષાવું નથી; જેને મરજીવા થઈ માંહી પડી મહાલવું છે – તેણે કેવી જીવનકળા શીખવી? જેણે આવું જીવન માગ્યું એમાં ઝાઝી ઝંઝટ કરવા બેસવું પડે એમ નથી. એ તો કહે છે :

હૈ એક નજર કા બદલના
હૈ એક ડગર કા ચલના

એ કહે છે : ‘તારી સામે નવ લાખ પૂતળીઓનો નટારંભ ચાલે છે પણ જરા તારી પાછળ જોઈ લે કે એ નટારંભ છે કે પછી માત્ર પડદા પરનું પ્રતિબિંબ છે? ભલા, બિંબને જોઈ લે તો પછી પ્રતિબિંબોના ખેલ છો ને ભજવાયા કરે. ગોરખવાણી કહે છે :

નવલખ પૂતલી આગે નાચે, પીછે અલખ અખાડા,
ઐસે તત્ લૈ જોગી ખેલે, દેખે તત્ત તમાસા.

આંખોની સામે નવ લાખ પૂતળીના નિત નવા નાચ; અને એની પાછળ? મહાશૂન્યનું આકાશી ફલક. જોગી સમજદારીથી, સાવધાનીથી આ ખોટા ખેલમાં સાચા ખેલૈયાને બરાબર પારખી લે છે અને પછી ખેલે છે. એકને તે જાણે છે, અનેક પર વિચાર કરે છે ને તેમાં રહેલા એકને પિછાણી લે છે અને જીવનનું સારતત્ત્વ પામી જાય છે.

એક ચિનિબા,
અનેક વિચારિબા,
લૈ તત્ત ધરબા સારં.

નવ લાખ પૂતળીઓથી જોગી લોભાતો નથી, તેમ ભય પામી ભાગી જતો નથી. તે શૂરવીર શિવાજી કે અલ્લાઉદ્દીન ખિલજીમાં રહેલા માસ્ટર છગનને ઓળખી લે છે, તેમ જ રાણી પદ્માવતી કે ચાંદબીબી પાછળ રહેલી જૂની ને જાણીતી મોતીબાઈને પારખી લે છે. ‘રૂ૫ અને સ્વરૂપ’ એની રમણામાં ભૂલા ન પડવું એ જ જીવનસિદ્ધિ.

***