કોઈવાર મનુષ્યની પ્રાર્થના અને કુદરતના પ્રતિસાદનો એવો મેળ જામી જાય છે કે તેને અકસ્માત, જોગાનુજોગ કે અસંબદ્ધ ઘટના માનવાનું મન નથી થતું. બંન્નેના સંવાદી અને સમયસરના મિલનમાં કોઈ ઈશ્વરી નિયમ કામ કરતો હોય તેમ લાગે છે. માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, સમગ્ર પ્રજા માટે પણ આવી ઘટના બને છે. જાપાન માટે આવું જ ઈશ્વરી કવચ સર્જાયું હતું તેનો કિસ્સો જોઈએ. ઈસવી સન ૧૨૯૧ની વાત છે. મોગલ બાદશાહ કુબલાઈખાને ઉત્તર ચીન અને કોરિયા જીતી લીધાં હતાં. તેનું સામ્રાજ્ય મધ્ય એશિયા, ચીન અને અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું હતું. કુબલાઈખાને જાપાન પર પણ હુમલો કરવા માટે પ્રચંડ નૌકાદળ તૈયાર રાખ્યું હતું. જાપાનના રાજાને તેણે હુકમ કર્યો કે તાબે થઈ જાઓ. કુબલાઈખાનની લશ્કરી તાકાત સામે ટકી રહેવાનું જાપાનનું ગજું નહોતું પરંતુ જાપાને ઝૂકવાની ના પાડી. ચીન તથા કોરિયાનાં બંદરો પરથી ૪,૪૦૦ વહાણો અને ૧,૪૨,૦૦૦ સૈનિકોનો કાફલો જાપાન પર હુમલો કરવા માટે રવાના થયો. જાપાનના રાજા તથા ઉમરાવોએ ઈશ્વરી સહાય માટે પ્રાર્થના કરવાનો ઢંઢેરો પિટાવ્યો. ગામે ગામે લોકો પ્રાર્થના કરવા માટે શિન્ટો દેવળોમાં એકઠાં થયા. તેમની પ્રાર્થનાના જવાબમાં જ જાણે હોય તેમ દૈવી પવન ફૂંકાયો અને ટાકાશીમા નજીક આવેલા કુબલાઈખાનના નૌકાદળ ઉપર ત્રાટક્યો. કેટલાંય વહાણો પવનના સપાટામાં તણાઈ ગયાં કે ડૂબી ગયાં. જાપાન આબાદ રીતે બચી ગયું. આજે પણ જાપાની લોકો સ્વદેશની રક્ષા કરનાર આ ઝંઝાવાતને ‘કામી કાઝે’ એટલે કે દૈવી પવન તરીકે યાદ કરે છે.
[‘નેશનલ જ્યોગ્રાફિક’. નવેમ્બર ૧૯૮૨ના અંકમાં આવેલા લેખ The Lost Fleet of Kublaikhan પરથી]
***