આચમની/૪૫

Revision as of 02:33, 18 March 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૫

બોધિ પ્રાપ્ત કર્યા પછી બુદ્ધ કપિલવસ્તુ જાય છે. પિતા શુદ્ધોદન તેમને સ્નેહથી આવકાર આપતાં કહે છે : ‘આવ, પુત્ર ગૌતમ, આવ ! બુદ્ધ ત્યારે પિતાને કહે છે, ‘રાજન, તમે મને પુત્ર કહી સંબોધો નહીં. હું શાક્યકુળનો નથી રહ્યો. મેં બોધિકુળમાં જન્મ લીધો છે.’ આ બોધિસત્ત્વ-કુળ શું છે? મનુષ્યનો જન્મ માતા-પિતાના કુળમાં થાય છે એ પ્રાકૃત જન્મ. એનાથી સ્થૂળ નેત્રો ખૂલે છે. પણ જ્યારે સૂક્ષ્મ દૃષ્ટિ જાગે છે ત્યારે એ દેશી કાળ, જાતિ, કુળ અને ગોત્રના સંકુચિત ક્ષેત્રમાંથી માણસને દેશ-કાળથી પર ચેતનામાં લઈ જાય છે. માતૃગર્ભમાંથી પ્રસવ પામી જે મળે એ તો માટીની મૃણમય કાયા. ગુરુગર્ભમાંથી મળે તે ચિન્મય કાયા, જેમાં બોધિવૃક્ષ પાંગરી શકે છે. આવા નવજન્મ વિષે વૈદિકમંત્ર છે :

આચાર્ય ઉપનયમાનો
બ્રહ્મચારિણં વૃણુતે ગર્ભમંતઃ
તે રાત્રિસ્ તિસ:ઉદરે બિભર્તિ
તં જાતં દ્રષ્ટુમ્ અભિસંયન્તિ દેવા:

માતા જેમ બાળકને પોતાના ગર્ભાશયમાં ધારણ કરે છે, તેમ ઉપનયન પામેલા બ્રહ્મચારીને આચાર્ય ધારણ કરે છે અને વ્રતના ત્રણ દિવસ પછી શિષ્યનો નવજન્મ થાય છે. જેનું દેવતાઓ દર્શન કરવા આવે છે. મનુષ્યમાં એક દેવત્વ છુપાયેલું છે તેને જ ગુરુ બહાર લાવે છે. એટલા માટે ગુરુકુળ અને ગુરુગૃહવાસનો આટલો મહિમા છે. ગુરુ શિષ્યને આવી દૃષ્ટિ આપે પણ તેનો વિકાસ તો શિષ્યે જાતે જ કરવો પડે. એટલા માટે બુદ્ધે આલાર કાલામ અને ઉદક રામપુત્ર જેવા ગુરુઓ પાસેથી વિદ્યા ગ્રહણ કરી. પણ પૂર્ણત્વ પ્રાપ્ત કરવા માટે તો તેમણે જાતે કઠિન સાધના કરી. ગુરુથી પ્રાણાન્વિત થઈ શિષ્યે પોતે જ પોતાના આત્મદીપને પ્રજવલિત કરવો રહ્યો. કોઈ એક ગુરુ પાસેથી આત્મપિપાસા ન છીપે તો તેણે બીજા ગુરુઓ પાસે જવું જોઈએ. શાસ્ત્ર તો કહે છે :

આમોદાર્થી યથા ભૃંગ: પુષ્પાત પુષ્પાન્તરં વ્રજેત્
વિજ્ઞાનાર્થી તથા શિષ્યો ગુરોર્ગુર્વન્તરં વ્રજેત્

જેવી રીતે આનંદ મેળવવા માટે ભમરો એક ફૂલથી બીજા ફૂલ પર જાય છે, એવી જ રીતે જેને અનુભવાત્મક જ્ઞાન મેળવવું છે એવા શિષ્યે એક ગુરુ પાસેથી બીજા ગુરુ પાસે જવું જોઈએ. જેણે સ્વાનુભવનો રસ માણ્યો છે એવો ગુરુ, શિષ્યને બાંધતો નથી પણ મુક્ત કરે છે અને શિષ્યે પણ પોતાની પાંખો વીંઝી મુક્ત પંથે વિહરવું જોઈએ-

***