સાહિત્ય પલ્લવ – ભાગ ૧/રાધાદર્શન

Revision as of 06:28, 21 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. રાધાદર્શન

જાગો જાગો રે શામળા, જગવે જશોદા માત,
જાગો રે સહુ જન જાગિયા, જાગોને હુઓ પ્રભાત.
જશોદાએ જદુપતિ જગાવિયા, ઝાલી સુવર્ણઝારી હાથ;
વદન પખાળો મારા માવજી રે, આરોગો શ્રી જદુનાથ.
જશોદાએ જદુપતિ જગાવિયા, આરોગાવ્યા જગદાધાર; ૫

ધેન છોડીને વહાલો સંચર્યા, મોહન મદન ગોપાળ.
મોરે તે શ્રીરંગ શામળા, જીરે કેડે તે સઘળી ગાય;
બળદેવ કોટે બાંયડી, પ્રભુ વૃંદાવન જાય.
ઇંદ્રાદિક જગ મોહી રહ્યું, મોહન મધુરો ચરાવે ગાય;
જી રે બજાવે રૂડી મોરલી, દુઃખ દળદર ભંજન થાય. ૧૦

ગાયો ચારે છે ચોફેર ફરી, જી રે ગોવર્ધનને માળ;
બળભદ્ર ફાંસો પાડિયો, શીંકું બાંધ્યું ડાળ.
મરકટ કોટે સાંકળાં, જી રે ફુમતડાં લળકે કાન;
શૃંગાર સર્વ સજાવિયા, તેણે વિચિત્ર શોભે વાન.
છોડી છોડી નાખે માંકડાં, બાંધે બાંધે નંદકિશોર; ૧૫

મરકટ માને નહિ માવનું, ત્યારે કરે ઝાઝું જોર.
ગોવાળિયા મંડળી મળી ઊભી ગોવર્ધનને માથ;
કૃષ્ણ આરોગે રૂડો કરમદો આહીરડાંની સાથ.
ચાખે ને ચખવી જુએ, વહાલો પીએ પિવડાવે ખીર;
જમી જમાડી પોતે જમે હરિ હળધર કેરો વીર. ૨૦

બમણું તે લે વહાલો વહેંચતાં તત્ક્ષણ આરોગી જાય;
જેનું દેખે વહાલો વાધતું તેનું પડાવી ખાય.
ગાયો હીંડી ગોવર્ધન ભણી, જી રે ક્ષણું એક લાગી વાર;
વારો આવ્યો પ્રભુ તમ તણો, તમો વાળોને દીનદયાળ.
કર ગેંડી લઈ ઊભા થયા, ઘાડે સ્વરે બોલાવી ગાય; ૨૫

હીંડે વૃંદાવન શોધતા ચૌદ ભુવનનો રાય.
સીંચાણી, બગલી ને સારસી, પારેવી, ચાતોર, મોર,
પીળી, ધોળી ને કાજળી બોલાવે નંદકિશોર.
ગોવર્ધન ચઢી વહાલે ચિંતવ્યું, દૂર દીઠી અનોપમ નાર;
તેજે ત્રિભુવન મોહી રહ્યાં, જી રે નરખે નંદકુમાર. ૩૦

છો રે રંભા કે રે મોહની, કે છો રે આનંદ કે ચંદ,
કે રે પાતાળમાંની પદમણી, એવો વિચાર કરે ગોવિંદ.
નહિ રે રંભા, નહિ રંનાદેવી, જીરે નહિ આનંદ કે ચંદ,
ભ્રખુભાનની કુંવરી છું રાધા, બાળમુકુંદ.