સાહિત્ય પલ્લવ – ભાગ ૧/થાળ ૩

Revision as of 06:04, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અવિનાશી આવો રે, જમવા કૃષ્ણ હરિ;
શ્રીભક્તિ-ધર્મ-સુતરે, જમાડું પ્રીત કરી.
શેરડીઓ વાળી રે, ફૂલડાં વેર્યાં છે;
મળિયાગરે મંદિર રે, લીંપ્યાં લેર્યાં છે.
ચાખડીઓ પહેરી રે, પધારો ચટકંતા; ૫
મંદિરિયે આવો રે, પ્રભુજી લટકંતા.
બાજોઠે બેસારી રે, ચરણ કમળ ધોઉં;
પામરીએ પ્રભુજી રે, પાવલિયા લોહું.
ફુલેલ સુગંધી રે, ચોળું શરીરે;
હેતે નવરાવું રે, હરિ ઊને નીરે. ૧૦
પહેરાવું પ્રીતે રે, પીતાંબર ધોતી;
ઉપરણી ઓઢાડું રે, અતિ ઝીણા પોતી.
કેસર ચંદનનું રે ભાલે તિલક કરું;
વંદન કરી વિષ્ણુ રે, ચરણે શીશ ધરું.
ઉર હાર ગુલાબી રે, ગજરા બાંધીને; ૧૫
નીરખું નારાયણ રે, દૃષ્ટિ સાંધીને.
શીતળ સુગંધી રે, કળશ ભર્યા જળના;
ઉલેચ બાંધ્યા છે રે, ઉપર મલમલના.
કંચન બાજોઠે રે, બિરાજો બહુનામી;
પકવાનને પીરસી રે, થાળ લાવું સ્વામી. ૨૦
મોતૈયા લાડુ રે, સેવૈયા સારા છે;
તમ કાજ કર્યા છે રે, લાખણશાઈ પ્યારા છે.
મગદળ ને સેવદળ રે, લાડુ દળના છે;
ખાજાં ને ખુરમાં રે, ચૂરમાં ગોળનાં છે.
જલેબી ઘેબર રે, બરફી બહુ સારી; ૨૫
પેંડા પતાસાં રે, સાટા સુખકારી.
મરકી ને મેસૂર રે, જમો જગવંદનજી;
સૂતરફેણી છે રે, ભક્તિનંદનજી.
ગગણ ને ગાંઠિયા રે, ગુંદવડાં વહાલા;
ગુલાબપાક જમજો રે, ધર્મ તણા લાલા. ૩૦
એલાયચી દાણા રે, ચણા છે સાકરિયા;
ગુંદરપાક સુંદર રે, જમજો ઠાકરિયા.
ટોપરાપાક ટાઢો રે, સકરપારા સારા;
સેવો ઘી સાકર રે, તમે છો જમનારા.
કેસરિયો બિરંજ રે, ગળ્યો ને મોળો છે; ૩૫
સાકરનો શીરો રે, હરિ શો ધોળો છે.
લાપસી કંસારમાં રે, ઘી બહુ રસબસ છે;
ખીર ખાંડ ઘી રોટલી રે, જમો બહુ સરસ છે.
બદામ ચારોળી રે, દ્રાખ તે નાંખીને;
દૂધપાક કર્યો છે રે, જુઓ હરિ ચાખીને. ૪૦
પૂરી કચોરી રે, પૂરણપોળી છે;
રોટલીઓ ઝીણી રે, ઘીમાં બોળી છે.
પાપડ ને પૂડલા રે, મીઠા માલપૂડા;
માખણ ને મીસરી રે, માવો દહીં ચૂડા.
ઘઉંની છે બાટી રે, બાજરાની પોળી; ૪૫
ઝાઝી વાર ઘીમાં રે, હરિ મેં ઝબકોળી.
તલસાંકળી સુંદર રે, બીજી ગળપાપડી;
ગાંઠિયા કળી રે, ત્રીજી ફૂલવડી.
ભજિયાં ને વડાં રે, સુંદર દહીંથરિયાં;
વઘાર્યા ચણા રે, માંહી મીઠું મરિચાં. ૫૦
ગુજાં ને મઠિયાં રે, ફાફડા ફરસા છે;
અળવી આદાનાં રે ભજિયાં સરસાં છે.
કંચન કટોરો રે, પાણી પીજોજી;
જે જે કાંઈ જોઈએ રે, માગી લેજોજી.
રોટલી રસ સાકર રે, જમજો અલબેલા; ૫૫
રાયણ ને રોટલી રે, ખાંડ કેળાં છેલાં.
મુરબ્બા કર્યા છે રે, કેરી દ્રાખ તણા;
સુંદરવર જમજો રે, રાખશો મા મણા.
કટોરા પૂર્યા રે, સુંદર શાકાના;
કેટલાંક ગણાવું રે, છે ઝાઝાં વાનાં. ૬૦
સૂરણ તળ્યાં છે રે, સુંદર ઘી ઝાઝે;
અળવી ને રતાળુ રે, તળ્યાં છે તમ કાજે.
મેં પ્રીત કરીને રે, પરવળ તળિયાં છે;
વંતાક ને વાલોળો રે, ભેળાં ભળિયાં છે.
કંકોડાં કોળાં રે, કેળાં કારેલાં; ૬૫
ગલકાં ને તૂરિયાં રે, રૂડાં વઘારેલાં.
ચોળા વાલોળો રે, પ્રીત કરી તળિયે;
દૂધિયાં ને ડોડાં રે, ગુવારની ફળિયો.
લીલવા વઘાર્યા રે, થયા છે બહુ સારા;
ભીંડાની ફળિયો રે, તમ લો હરિ મારા. ૭૦
તાજો તાંદળજો રે, મેથીની ભાજી;
મૂળા મોગરીઓ રે, સુવાની તાજી.
ચણેચી ડોડી રે, ભાજી સારી છે;
કઢી ને વડી રે, સુંદર વઘારી છે.
નૈયાંનાં રાઈતાં રે, અતિ અનોપમ છે; ૭૫
મીઠું ને રાઈ રે, માંહી બે સમ છે.
કેટલાંક ગણાવું રે, પાર તો નહિ આવે;
સારું સારું જમજો રે, જે તમને ભાવે.
ખારું ને મોળું રે, હરિવર કહેજોજી;
મીઠું મરી ચટણી રે, માગી લેજોજી. ૮૦
અથાણાં જમજો રે, સુંદર સ્વાદુ છે;
લીંબુને મરચાં રે, આંબળાં આદુ છે.
રાઈતી ચીરી રે, કેરી બોળ કરી;
ખારેક ને દ્રાખમાં રે, નાખ્યાં લવિંગ મરી.
કેરાં ને કરમદાં રે, તળી છે કાચલીઓ; ૮૫
બીલાં બહુ સારાં રે, વાંસ ને ગરમરિયો.
પંખાળીના ભાતમાં રે, સુંદર સુગંધ ઘણો;
એલાયચીનો પીરસ્યો રે, આંબા-મોર તણો.
મેં કઠણ કરી છે રે, દાળ હરિ તૂરની;
પાતળી પીરસી છે રે, દાળ મસૂરની. ૯૦
મગ ને અડદની રે, કરી છે ધોઈને;
ચોળા ને ચણાની રે, ઘીમાં કરમોવીને.
દાળ ને ભાત જમજો રે, તમને ભાવે છે;
ચતુરાઈએ જમતાં રે, પ્રીત ઉપજાવે છે.
દહીં ને ભાત જમજો રે, સાકર નાંખી છે; ૯૫
દૂધ ને ભાત સારુ રે, સાકર રાખી છે.
દૂધની તર સાકર રે, ભાત જમો પહેલાં;
સાકર નાંખીને રે, દૂધ પીઓ છેલા.
જે જે કાંઈ જોઈએ રે, તે કહેજો અમને;
કાંઈ કસર કરો તો રે, મારા સમ તમને. ૧૦૦
જીવન જમીને રે, ચળુ કરો નાથ;
ચંદન ગારે શું રે, ધોવરાવું હાથ.
તજ એલચી જાયફળ રે, જાવંત્રી સારી;
કાથો ને ચૂનો રે, સારી સોપારી.
નાગરવેલીનાં રે, પાન લાવી પાકાં; ૧૦૫
ધોઈને મૂક્યાં છે રે, અનોપમ છે આખાં.
માંહી ચૂરણ મેલી રે, બીડી વાળી છે;
લલિત લવિંગની રે, ખીલી રસાળી છે.
મુખમાં હું મેલું રે, બીડી પ્રીત કરી;
આરતી ઉતારું રે, પ્રભુજી ભાવભરી. ૧૧૦
ફૂલ રોજ બિછાવું રે, પોઢે પ્રાણપતિ;
પાલવિયા ચાંપું રે, હૈડે હરખ અતિ.
થાળ ગાયો પ્રીતે રે, ધર્મકુળ મુગટમણિ;
આપો પ્રેમાનંદને રે, પ્રસાદી થાળ તણી.
–પ્રેમાનંદ સ્વામી

સ્વાધ્યાય

૧. નાના અને કુબેરાના થાળની શરૂઆત સરખી છે છતાં બંનેમાં શો ફેર છે? બંને ‘થાળ’ પોતપોતાની રીતે આપણને આકર્ષે છે. એનાં કારણ શોધી શકશો?
૨. પ્રેમાનંદ સ્વામીના ‘થાળ’માં ગુજરાતની સાહ્યબીનું કેવું દર્શન થાય છે તે બતાવો.
૩. વીસ જાતનાં જુદાં જુદાં (૧) ફૂલ,(૨) પંખી,(૩) ઝાડ અને (૪) પશુનાં નામની યાદી કરવા પ્રયત્ન કરો.
૪. ત્રણે થાળ વાંચતાં વાંચતાં નજર આગળ ચિત્રો કેટલાં ખડાં થાય છે એ તપાસો. દૃષ્ટિ સામેથી ખસે જ નહિ એવાં ચિત્રો કયા કવિએ દોર્યાં છે?