સાહિત્ય પલ્લવ – ભાગ ૧/દળણાના દાણા

Revision as of 12:31, 22 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧. દળણાના દાણા

ખરા બપોર ચડ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ.
કોઠીમાં પેઠાં ને બૂધે જઈ બેઠાં;
ભૂંસી, લૂછીને દાણા કાઢ્યા રે લોલ.
સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી, ૫
પેટની કોઠી ના ભરાણી રે લોલ;
હુંલ્લી ભરીને ડોશી આવ્યાં આંગણિયે,
દયણાના દાણા સૂકવ્યા રે લોલ.
સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં,
થપાશે માંડ એક ઢેબરું રે લોલ. ૧૦
આંગણે ઊગેલો ગલકીનો વેલો,
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ.
કરાને ટોડલે રમતાં કબૂતરાં,
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ.
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો ૧૫
મેંડી હરાઈ ગાય આવી રે લોલ.
ડોશીનો દીકરો પોઢ્યો પલેગમાં
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ.
હાથમાંનો રોટલો કરતો ટપાકા,
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ. ૨૦
રામા રાવળનો ટીપૂડો કૂતરો,
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ.
ઊભી પૂંછડીએ બાઉવાઉ બોલિયો,
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ.
આગળિયો લેઈને હાંફળી ને હાંફળી ૨૫
મેંડીને મારવા લાગી રે લોલ.
ચૂલા કને તાકી રહી’તી મીનીબાઈ,
રોટલો લઈને ચપ ચાલી રે લોલ.
નજરે પડી, ને ઝપ ટીપૂડો કૂદિયો
ડોશીની નોકરી ફળી રે લોલ. ૩૦
છેલ્લુંય ઢેબરું તાણી ગયો કૂતરો
દયણું પાશેર માંડ બાકી રે લોલ.
એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નંખાવજો રે લોલ.
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો, ૩૫
કરજો વેચીને ઘર કાયટું રે લોલ.
[‘ગંગોત્રી’માંથી]