સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કનૈયાલાલ મુનશી

Revision as of 01:56, 27 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કનૈયાલાલ મુનશી

[‘જય સોમનાથ’ નામની શ્રી. મુનશીની નવલકથામાંથી રણનું આ વર્ણન લેવામાં આવ્યું છે. ઘોઘાગઢનો એક રાજવી પ્રભાસપાટણથી ગરજનનો હમ્મીર (ગીઝનીનો મહમ્મદ) સોમનાથ પર ચઢી આવે છે એ સમાચાર સાંભળતાં, તેની સામે રજપૂતોને સચેત કરવા રણમાં થઈને ઘોઘાગઢ જવા નીકળે છે. અજાણ્યા રણમાં થઈને જવું એ અજાણ્યા સમુદ્રમાં થઈને જવા કરતાં પણ મુશ્કેલ હોય છે. સજ્જનને આનો પૂરો ખ્યાલ હતો, પણ પળ એવી ગંભીર હતી કે તેણે રણનું જોખમ ખેડવું જ રહ્યું. આથી પોતાની સાથે આવેલા પોતાના પુત્ર સામન્તને તેણે ઘોરી રસ્તે ઘોઘાગઢ જવા આજ્ઞા ફરમાવી. સામન્તને બાપની સાથે જવું હતું, રણના જોખમમાં તેની સાથે તેને ભાગ પડાવવો હતો; પણ પિતાનું હૃદય પુત્ર પાસે એ જોખમ ખેડાવવા તૈયાર ન હતું, એટલે તેણે સામન્તને મહામુસીબતે સમજાવી, પદમડી નામની પોતાની સાંઢણી લઈ, એક નોકર સાથે રસ્તા વિનાના રણને રસ્તે ઝંપલાવ્યું. નોકર તો થોડા જ વખતમાં ભાગી ગયો, અને સજ્જને એકલે હાથે તેની ‘પદમડી વહુ’ની સાથે રણની ભીષણતા સામે બાથ ભીડી. ‘જય સોમનાથ‘માં જ નહિ પણ આપણા સમગ્ર વર્ણન-સાહિત્યમાં આ એક અતિ ઉચ્ચ કક્ષાની સાહિત્યકૃતિ તરીકે અગ્રસ્થાન પામી શકે એવું વર્ણન છે. શ્રી. મુનશીની વેગભરી શૈલી, વાક્યે વાક્યે ચિત્રો ઊભાં કરવાની એમાં રહેલી પ્રતિભા અને સ્વચ્છ ગદ્ય આપણા મનમાં કોઈ સુન્દર કવિતાની જેમ એક વાર વાંચતાં લાંબા વખત સુધી રમ્યા કરે છે. આ પાઠનું વારંવાર વાચન એ જ એના રસાસ્વાદનો સારામાં સારો માર્ગ છે.]