સાહિત્ય પલ્લવ – ભાગ ૧/બુદ્ધની શિલ્પમૂર્તિ
હિંદી કળાના ઇતિહાસમાં બુદ્ધભગવાનના જીવનની પ્રેરણા ઊતરી ત્યારથી જ ઉચ્ચ અને ભવ્ય સર્જનો પાછળ કળાકારોએ સમર્થ પુરુષાર્થ દાખવ્યો છે. પૈશાચિક અને ભયાનક આકૃતિ કોતરનારા પાષાણયુગના માનવીઓથી જુદો પડતો, ધર્મ અને સંસ્કારથી આર્દ્ર બનેલો માનવ એ યુગમાં મનુષ્યહૃદયની ઉત્તમોત્તમ લાગણી દર્શાવી કૃતાર્થ બન્યો છે. બુદ્ધભગવાનનાં વચનો અને ઉપદેશમાંથી કલાકારને તે સર્વનું વર્ચસ્વ ધરાવતી મૂર્તિ કરવાની ઇચ્છા થઈ, તેમાંથી જ વાસનાવિહોણું પણ સૌમ્ય, સુંદર અને સરળ છતાં સ્થિર અને શાશ્વત શાંતિ ધરાવતું બોધિસત્ત્વનું સ્વરૂપ ભૂતકાળમાંથી મળેલો જગતનો અમર અને અપૂર્વ વારસો છે. બુદ્ધભગવાનની ઊભી, બેઠી કે ધ્યાનસ્થ મૂર્તિઓ કરનાર દરેક કલાકારે તેની સર્વ રેખાઓમાં એકાગ્ર, અનિર્વચનીય શાંતિ અને સ્વાસ્થ્ય ઉતારવા પાછળ જ લક્ષ્ય રાખ્યું છે અને એક પણ રેખા કે એક પણ છાયા વિકૃત કે કડક ન બની જાય એની સૂક્ષ્મ સાવધાની રાખી મૃદુતા અને લાવણ્યનું અમૃત બધે છવરાવ્યું છે. દેવકોટીમાં ગણના પામેલી પ્રત્યેક મૂર્તિની પાછળ તેજોમંડળને શિલ્પમાં અનેક નકશી અને આકૃતિઓથી મૂર્તિની પ્રભા વધારવા ખાતર મૂકવામાં આવતું. આપણી પાસેની છબીમાં એવા તેજોમંડળનો સરસ નમૂનો છે. આ છબી બુદ્ધની મથુરાની શિલ્પમૂર્તિની છે. એ મૂર્તિ લાલ પથ્થરમાંથી કોરી કાઢવામાં આવેલી છે. બૌદ્ધ સાધુઓ ભિક્ષા માગવા નીકળતા ત્યારે પીળા રંગનું વસ્ત્ર માત્ર શરીર ઢાંકવા રાખતા. શિલ્પકારે આકૃતિમાં એ વસ્ત્ર બતાવવામાં તેનું સંપૂર્ણ ચાતુર્ય દાખવ્યું છે. જમણો હાથ ખંડિત થયેલો છે, પણ તે હાથે ઉપદેશમુદ્રા અથવા અભયમુદ્રા ધારણ કરી હશે. ડાબા હાથે વસ્ત્રનો છેડો પકડી રાખતાં ઘડીઓની જે લહરીઓ પડે છે તે પણ શિલ્પની અનેક ખૂબીઓ અને નાજુકાઈ બતાવે છે. સમગ્ર આકૃતિની ભાવવ્યંજના ખાતર અંગોપાંગો અને ઇતર સામગ્રીને જે વિશિષ્ટ રચના અને આંકણી આપવામાં આવે છે તેને સંવિધાન કહેવામાં આવે છે. સંવિધાન શબ્દથી રૂપરચના, ઉઠાવ, ભાવનિરૂપણ અને સુમેળ વગેરેનું સમતોલન સમજવું.