સાહિત્ય પલ્લવ – ભાગ ૩/દમયંતી પરિત્યાગ

Revision as of 06:18, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
૧. દમયંતી પરિત્યાગ

સમયસુંદર

૧. નળનું આત્મમંથન

હેલા માંહ્ય રાજ જે હાર્યું, તે હવે કરે નહિ આવે;
રત્ને કરી જો કાગ ઉડાડે, તે વળતું કેમ પાવે?
ધીરજ ધ્વંસ થયો એમ નૃપને નિર્લજ્જ થયો નફટ્ટ,
ભણ્યો ગણ્યો સૌ ગુણે સંપૂરણ, કલિયે કર્યો પણ જટ્ટ.
સ્ત્રી-નિર્વાહ નલે નહિ થાય, ધ્યાય એહ કુવિચાર :
સતી-શિરોમણિ વ્યસનીને કર, નહિ શોભે નિરધાર.
ક્ષીણ ચંદ્ર જેમ રજની છાંડે તેમ ભૈમી અહીં છાંડું,
કલાહીન થઈ સુર-સ્વામીની જઈ સેવા હવે માંડું.
એમ પ્રિયા પ્રતિ કહે મનશું, સુણ ભીમક-નૃપ-બાળ,
પાપીની પરહર હવે સંગતિ, એ નલ કર્મચંડાલ.
સ્પર્શ ઘટે નહિ નલનો તુજને, એમ કહેતો નરનાથ,
ભૈમી-શિર હેઠળથી હળવે કાઢે આપણો હાથ.

૨. નળ-કર સંવાદ

દક્ષિણ કરને કરે પ્રાર્થના, સાંભળ રે તું વીર,
દ્વિધાભાવ કર પ્રેમ સંઘાતે દમયંતીનું ચીર.
વળતો કર કહે એમ કેમ થાય, જે કરે તે પ્રતિપાળી,
તેનું ચીર દ્વિધા કરવાને તે કર કેમ લે પાળી?
નૃપ કહે, તારું ડહાપણ પ્રીછ્યું, જવ તે ખેલ્યો જુઆ.
તવ તેં પાપી પ્રેમ પ્રિયાનો નાખ્યો માંહ્ય-કૂવા,
રે કર, તેં જૂવટું રમીને હાર્યું હેલાં રાજ.
દમયંતીનું ચીર ખંડતાં તે તુજ કેવી લાજ?
નલને અંગ સખાયત કરવા જો વસ્યો થઈ મિત્ર,
તો તું નલનું કારજ કરતાં, કેમ વિમાસણ અત્ર?
ઇત્યાદિક કહી કર પ્રીછવ્યો, તવ તે ભૈમી-ચીર.
કરે દ્વિખંડ: લાજ લોપીને અલગો થયો કુધીર,

૩. પ્રિયાપરિત્યાગ

પાસે ઊભો રહ્યો પ્રિયામુખ વળી વળી રાજા જુએ.
એકલી અબળા મેલી જાતાં મંદ મંદ ઘણું રુએ.
આઘી ભૂમિ અતિક્રમી થોડી વળી પાછો વળી આવે.
રખે વનચર કો દે દુઃખ, એહવું મને સંભાવે.
શસ્ત્રે કરી નિજ જંઘા છેદી રુધિર કાઢે તતખેવ,
ભૈમી-ચીરે લખે નલરાજા એમ અક્ષર સ્વયમેવ.
‘તુજ પિયર જવા તુજ વલ્લભ કાતર થયો અતીવ,
તે ભણી તુજ વને ત્યજી એકલી, નલ નાઠો થઈ કલીવ.
આ વડ આગળ વાટ વહે છે, તે કુંડિનપુર કેરી,
નૈષધનગરની કિંશુક પૂંઠે લેજે વાટ ભલેરી.
તાત-નગર અથવા દિયર-ઘર મન પ્રેરે ત્યાં જાજે,
શીલ-પ્રભાવે હશે સૂઝ તુજને, અતિ સુધીર હવે થાજે.
તેં અપરાધ નથી કો કીધો, તુજ પ્રિય બહુ અપરાધી,
તે સૌ ક્ષમા ધરીને ખમજો, જે તુજ આણ વિરાધી.
એમ કહેતો અળગો થઈ ઊભો, મંદ મંદ મન રુએ,
નિધાન-ચોરની પેરે રાજા દૂર રહ્યો મુખ જુએ.
આ પરભાત લગી એમ કીધું, દુઃખે ઘણું તે પીડ્યો,
કુલિશથીય મન કઠણ કરીને વેગે ત્યાંથી હીંડ્યો.
—નયસુંદર