સાહિત્ય પલ્લવ – ભાગ ૩/મિલનનું સ્વપ્ન

Revision as of 03:35, 19 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૨. મિલનનું સ્વપ્ન

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

[શિખરિણી]

ત્યજીને ખોળો કો ગિરિવર તણો, ને વનવનો
તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા;
કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા
ગજાવીને ગાને ઘુમટ રચીને શીકર તણો;
ઘડીમાં દોડે કો તરલ મીઠી કન્યા સમ, અને
ઘડીમાં ફેલાતી ઉભય તટપે ગૌરવભરી
મહારાજ્ઞી જેવી; વહતી સરિતા જેમ ચમકે
સુણીને પ્હેલાં તો રવ ઉદધિનો, કિન્તુ ઊછળી
પછી ર્હેતી તે ત્યાં જ્યમ ગહન ને ભવ્ય સપને : _
પ્રભો, તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,
કદી કાન્તારોમાં પરમ સુખના, વા ખડક પે
મહા દુઃખો કેરા, ફૂદડી ફરતી જીવનનદી
સુણે આઘાતે જ્યાં ગહન ગહરો કાળરવ, ત્યાં
લખાશે ના ભાગ્યે મિલનસપનાં તું – ઉદધિનાં?

સ્વાધ્યાય

૧. બંને રૂપકો સ્પષ્ટ કરો.
૨. સરિતાને ‘અતીત’ પાસે પહોંચતાં શાં શાં સંવેદનો થયાં?
૩. ‘વિકાસની વ્યથા’ પર નાનો નિબંધ લખો.
૪. જીવનનદીનું ભાવિ કવિની નદી જેવું તમે કલ્પી શકો છો?
૫. બંનેમાં અંક્તિ થતાં ચિત્રો સ્પષ્ટ કરો.
૬. વર્ણમાધુર્યવાળી પંક્તિઓનો નિર્દેશ કરો.