ગુજરાતી નારીસંપદા : કવિતા/બારી અને રસ્તા
બારી અને રસ્તા
પ્રજ્ઞા દાદભાવાલા
⯐
આ મારું ઘર
અને મારાં ઘરની બારી
બારીની બહાર દેખાતા રસ્તા.
કેવાં લાગે છે આજે!
સુના, વેરાન, એકલા-અટુલા
જાણે કોઈ વિધવા સ્ત્રીની સેંથી,
રંગ, ઉમંગ વગરના રસ્તા.
હમણાં હમણાં
મેં બારી સાથે દોસ્તી કરી છે
ને મેં મારાથી અળગા કરી દીધા રસ્તા.
ખોવાઈ ગયું છે અસ્તિત્વ!
માનવી એને જીવંત બનાવે તો બનાવે
બાકી, રસ્તા તો કેવળ રસ્તા!
પહેલાં હું,
તમે, આપણે સૌ એને શોધતાં,
હવે આપણને શોધતાં રસ્તા.
અને આ બારી
ભલે બહાર ઉઘડે છે પણ
ભીતર કશુંક સુઝાડે છે આ રસ્તા.
હવે હું.....
હું ચાલ્યા વગર નવા માર્ગે ચાલું
ને અંતરનો માર્ગ ઉજાળે રસ્તા!
આ મારું ઘર.
આ ઘરની બારી અને
બારીની બહાર રસ્તા.
***