ગુજરાતી નારીસંપદા : કવિતા/પહેલી સવાર છે

Revision as of 02:36, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પહેલી સવાર છે

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

જગમાં ચહલ પહલ બધીયે બરકરાર છે.
મારા મર્યા પછીની આ પહેલી સવાર છે.

શ્વાસોની આવજાવને જીવવું ગણે છે જે,
ઈલાજ એમનો કરો નક્કી બીમાર છે.

કોઈના આંસુ અવગણું મારાથી નહીં બને,
ભીતર છે કોઈ જે મને ઝંઝોડનાર છે.

આરોપ સૌ સ્વીકારી લીધા એ જ કારણે,
તરફેણમાં ક્યાં મારી કોઈ બોલનાર છે.

આઝાદી છે તને ભલે બીજાને પ્રેમ કર,
મારાથી પણ વધુ જો કોઈ ચાહનાર છે.

ક્યાં છે ખબર ફરીથી અહીં આવશું કે નહીં,
બસ આપણી તો આ ધરા પર એક લટાર છે.

સંભાળી શકતો ક્યાં હવે માણસની જાતને,
એ કારણે કદાચ જો ઈશ્વર ફરાર છે.

***