ગુજરાતી નારીસંપદા : કવિતા/કરગરવાનું નહીં

Revision as of 02:58, 23 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કરગરવાનું નહીં

વર્ષા પ્રજાપતિ

મોટા મોટા મહેલો જોઈ ઝળહળવાનું નહીં
નાની અમથી ભીંત ભલે હો, થરથરવાનું નહીં

આંસુને મેં કહીં દીધું છે ઝરમરવાનું નહીં
ભીડ પડે તો સુકાઈ જાજે, કરગરવાનું નહીં

બહુ બહુ તો પીડા નામે પથ્થર થઈ જાશું
છો ને આખો પર્વત થઈએ, સળવળવાનું નહીં

ઠેસ ચડે તો ગીત ગાઈને ગજવી નાંખો ગામ,
ડૂમો થઈને લોકો સામે પરગટવાનું નહીં

એક તરફથી દરિયો જોશે, એક તરફથી રણ
બન્ને વચ્ચે જળવત રહેજે, વિસ્તરવાનું નહીં

ધોલ, ધપાટા, ડૂમા, ડૂસકાં મળશે દર્પણ જેમ,
બિંબ બની જા પડછાયાનું, અવતરવાનું નહીં

પીડા છે આ જીવનભરની, પીડા જનમોની
પીડા સાથે પ્રેમ કરી લે, તરફડવાનું નહીં

***