(નોંધ – આ લેખ અન્યોના અનુભવો પર આધારિત છે. વિષય કદાચ એવો છે કે લખનાર સંકોચાય, અને વાંચનાર છંછેડાય! છતાં, વાંચીને વિચાર કરવા વિનંતી છે. વળી, બધાં નામ કાલ્પનિક છે.) વડીલ મિત્ર સુશીલાબહેન અચાનક મને કહે, “અરે, તેં મહેમાનો પર એક લેખ લખ્યો, ને મને કહ્યું નહીં? હું તને પચાસ મુદ્દા આપત.” એ ખૂબ સૌમ્ય સ્વભાવનાં, આદર્શ ગૃહિણી હતાં. હંમેશાં મોઢું હસતું જ હોય. એમની આવી વાતથી મને નવાઈ લાગી. અમેરિકાના એમના ઘરમાં એમને ત્યાં સળંગ મહેમાન હોય, ને તેથી ક્યારેક એ થાકે કે કંટાળે તે સ્વાભાવિક છે. ઉપરાંત, જાતજાતનાં વલણો અને વર્તણૂંકો જોયા અને અનુભવ્યા પછી એમણે કશુંક તારવ્યું હોય એમ પણ બને. એ કહે, “આપણા દેશની સંસ્કૃતિએ આપણને સારા યજમાન બનતાં શીખવાડ્યું છે, પણ સારા મહેમાન કેમ થવું તે આપણને નથી આવડ્યું.” આ વાક્ય ઘણે અંશે સાચું છે. સામા માણસનો સત્કાર અને આગતાસ્વાગતા કરવાં જોઈએ તે આપણે જાણીએ છીએ. માનીએ પણ છીએ. પણ જેના ઘરમાં દરોડો પડ્યો છે, જેના જીવનની રોજિંદી રીત પિંખાઈ છે, જેનો સમય એ સામા માણસ માટે વપરાઈ રહ્યો છે, તે યજમાનની તકલીફ મોટા ભાગનાં મહેમાન સમજી નથી શકતાં. કે સમજવા તૈયાર નથી હોતાં. ગંગાસ્વરૂપ સન્જુક્તા.દિ તો જાણે શાસ્ત્રની વાત કરવા માંડેલાં. એ કહે, “આપણે સાંભળતાં આવ્યાં છીએ કે અતિથિ દેવો ભવ. એક તો, જે દેવ નથી તમને દેવો બનાવી દેવાની પ્રણાલિ જ ખોટી કહેવાય. અને બીજું, યજમાનનું શું? યજમાન દેવ ગણાતા તો સાંભળ્યા જ નથી. અને મહેમાન મને સ્ત્રી તરીકે જ જુએ. એટલેકે તાજું ખાવાનું બનાવવાનું જ હોય ને. હું પ્રોફેશનલ છું, તેનો ખ્યાલ જ ના કરે.” દરેક ઘરની – ફ્લૅટ, અપાર્ટમેન્ટ કે હાઉસની – રહેણીકરણી જુદી હોય, ને વસનાર દરેક વ્યક્તિની સ્વાભાવિક જરૂરિયાતો જુદી હોય. કોઈને પોતાના ઘરની વ્યવસ્થિતતા માટે દુરાગ્રહ હોય, કોઈને ઘરની શાંતિમાં એકલાં રહેવું ગનતું હોય. કોઈ યજમાન વા હોય કે મહેમાન મદદ ના કરાવે તો મોઢું ચઢે, તો કોઈ યજમાનને મદદ કરાવવા આતુર મહેમાન કનડગતરૂપ લાગે. એક માણસ પણ ઘરમાં વધે એની સાથે કામ પણ વધે જ છે. કોઈ બે-ચાર દિવસ ઘરમાં રહે, રાતે સાથે જમે, તેમાં બહુ તકલીફ ના પણ લાગે, પરન્તુ આ સાથે જો બધે ફેરવવાનાં હોય, ખરીદી કરાવવાની હોય તો યજમાનની શક્તિ ના પણ પહોંચી રહે. એકલાં બહાર જવા માગે જ નહીં. બીક લાગે. જોકે ભારતનાં મોટાં શહેરોમાં હેરાન થવાની, કે સ્ત્રીઓની છેડતી થવાની શક્યતા ઘણી વધારે હોય છે. એક દિવસ મિત્ર નિખિલભાઈ બહુ થાકેલા લાગતા હતા. એ રહે ન્યૂયોર્ક શહેરથી દૂર, પણ એ દિવસે બે મહેમાનોને જુદે જુદે સમયે ન્યૂયોર્ક મૂકી આવવાના ધક્કસ એમણે ખાધા હતા. શહેરનો ટ્રાફિક થકવી દે તેવો હોય છે. એ મને કહે, “બીજો એક લેખ લખો ને. એમાં ટેલિફોનનું ખાસ લખજો, હોં.” એમનાં પત્નીએ સૂર પુરાવ્યો. આ એ સમયની વાત છે જ્યારે ટેલિફોનના પૈસા ઘણા થતા હતા. લાંબી વાત કરવાના તો વધારે પૈસા થતા જ હતા, પણ એ વખતે સવારે આઠ પહેલાં, ને રાતે દસ પછી દર ઓછા હોય. પણ આવી – યજમાનને માટે અગત્યની – વિગતો જાણવાની રાહ જોયા વગર મહેમાનો આવીને તરત ધડાધડ ફોન કરવા માંડે. બિચારાં યજમાન-દંપતી કશું કહી શકતાં નથી, કારણકે કહે તો કંજુસ ગણાય છે. અમેરિકામાં હાડમારી અને મોંઘવારી ઘણી છે. દરેક જણ ઘણી મહેનત કરતું હોય છે. વળી, ભારત જાય ત્યારે આ રીતે બીજાંને ત્યાંથી ફટાફટ ફોન કોઈ કરતું નહતું. એમાં સૌજન્ય નહતું લાગતું. નિખિલભાઈને ત્યાં એક મહેમાન એવા આવ્યા હતા, કે યજમાન કામ પર જાય એટલે તરત ફોન પર કબજો જમાવી દે. શું એમને એવો ખ્યાલ હશે કે યજમાનની ગેરહાજરીમાં કરેલા ફોન-કૉલની ખબર યજડમાનને નહીં પડે? એમનાં પત્ની જીવ બાળતાં હતાં, કે ક્યારેક કોઈ મહેમાનનાં બિલ ત્રણસો ડૉલરથી પણ ઉપર ગયાં છે. આગળ કહે, “અને આપણે દેશ જઈએ ત્યારે બહુ બહુ તો એક વાર જમવા બોલાવે, ને કદાચ એટલું પણ નહીં.” આ વિષય પર વાત નીકળે એટલે બધાં જ પોતાના અનુભવ વિષે કહેવા માંડે. કેટલાંકે મારી પાસે લેખની નકલ માગી, જેથી મહેમાનોને એ વંચાવી શકે. પણ ના, એવા બહાદુર તો કોઈ યજમાન થઈ નહીં શકે. દરેક મહેમાન માને, કે એ ક્યાં વધારે દિવસ માટે ગયાં છે? “બે-ચાર દિવસ જ રહેવાનાં છીએ ને? એમાં શું?” પણ એ કોઈ યાદ નથી રાખતું કે એ જ યજમાનને ત્યાં વર્ષમાં દર વર્ષે દસ, પંદર કે વધારે મહેમાનો જતાં હોય, તેમ બને છે. યજમાને વર્ષ દરમ્યાન કરેલી આગતાસ્વાગતાનો સરવાળો કરો, પછી જુઓ કે યજમાનનો પક્શ સમજાય છે કે નહીં. પૈસા ખર્ચીને અમેરિકા આવે છે, પણ પછી ખર્ચી શકતાં નથી. અમેરિકામાં રહેતાં ઘણાં દંપતી પોતે ઍરપોર્ટ જવા માટે ટેક્સી લેતાં હોય છે, કારણકે અંતર ઘણું હોય, અને ટ્રાફીક પણ ખૂબ હોય. પણ મહેમાન માટે ધક્કા ખાવા પડે. ભારતથી આવનારાંને હંમેશાં એમ કહેતાં સાંભળ્યાં છે કે ‘આમ તો અહીં એક ડૉલર એટલે એક રૂપિયો જ ને.’ એટલેકે યજમાન જો પાંચ, પચાસ, સો ડૉલર ખર્ચે તો બહુ ખર્ચ્યા ના કહેવાય. અર્થશાસ્ત્રીય હકીકત એ છે કે ડૉલરની ખરીદશક્તિ ઘણી વધારે છે, તેથી કિંમતમાં એ એક રૂપિયાથી ઘણો વધારે થાય છે. વળી, મહેમાનો અહીંની આવકને ‘ઍક્શેન્જ રેટ’ પ્રમાણે ગુણીને જુએ. એ રેટ તો એટલો વધી ગયો છે, કે આજના સમયમાં તો આવક અધધ જેવી લાગે! પણ આ તર્કબદ્ધ કહેવાય ખરું? અહીં મોંઘવારી અને ટૅક્સ કેટલાં છે તે, પોતે પૈસા ના ખર્ચે ત્યાં સુધી, બહારથી આવનારાં ના પણ સમજી શકે. ઘણી વાર યજમાનને આભારનો પત્ર, કે હવે તો ટૅક્સ્ટ, પણ નથી મોકલાતાં. બધી અપેક્શા એકમાર્ગી હોય છે, તેમ ઘણાં યજમાન કહી શકે, જો સત્યવાદી અને હિંમતવાન બની શકાય તો .