દરિયાપારથી.../પંચકન્યા

Revision as of 01:18, 27 April 2026 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પંચકન્યા

પાંચ એવા કળા-પ્રસંગોની વાત અહીં કરવી છે, જેમાં કેન્દ્રમાં નાયિકા હોય. એટલેકે સ્ત્રી, કે સ્ત્રી-પાત્રની આસપાસ અનુષ્ઠાન ગુંથાયું હોય. ઓરિસ્સા રાજ્યનાં કળાખચિત મંદિરોમાં નૃત્યની પ્રથા બે હજારથી વધારે વર્ષોથી ચાલતી રહી હોય, તેમ મનાય છે. વધુ ભાગે તો નૃત્યાંગનાઓ જ જાણીતી બને, પણ અપવાદ રૂપે ગણાય ગુરુ પંકજચરણ દાસ. શિશુકાળથી નૃત્યનું શિક્શણ પામ્યા પછી એ પોતે જ નૃત્યવિદ્ તથા મહાગુરુ બન્યા. આ ઉડિયા નૃત્યાચાર્યનાં પટ્ટ શિષ્યા તે ઋતા દેવી. એ ઘણાં વર્ષ ન્યૂયોર્ક શહેરમાં રહ્યાં. ત્યાં એ રિથા દેવી તરીકે જાણીતાં થયાં. ન્યૂયોર્કમાં એમણે ઉડિયા નૃત્યના ઘણા કાર્યક્રમો આપ્યા, તેમજ એ નૃત્ય-પ્રકાર શીખવાડવાનું કામ પણ સતત કર્યું. એ પોતે તો ભરતનાટ્યમ્ અને કુચિપુડી પ્રકારમાં પણ પારંગત હતાં, પણ એમનું ધ્યેય હતું ઉડિયા નૃત્ય-શૈલીના પ્રચાર અને વિકાસ પ્રત્યેનું. ગુરુ પંકજચરણ દાસ પાસેથી એમને “પંચકન્યા” નામનું એક અસામાન્ય નૃત્ય-નાટ્ય શીખવા મળેલું. એમાં એવી પાંચ પૌરાણિક સ્ત્રીઓનું નિરૂપણ છે જે સર્વે, પોતાનો કોઈ વાંક ન હોવા છતાં, ભાગ્યવશાત્, અત્યંત દુઃખ અને લાંછન પામી હતી. એ હતી અહલ્યા, તારા, દ્રૌપદી, મંદોદરી અને કુંતી. એ પાંચે પાંચનું નૃત્ય-દર્શન તો વળી ક્યારે થવાનું? પણ એક રાતે રિથા દેવીએ ન્યૂયોર્કમાં એમાંનું એક – મંદોદરીનું નૃત્ય-નાટ્ય ભજવ્યું. આમાં એક જ નર્તકી કથાનાં બધાં પાત્ર મૂર્તિમાન કરે છે, ને તેથી આ રજુઆત કળાકાર પાસેથી ઉચ્ચતમ નૈપુણ્ય માગી લે છે : (૧) એક નાની મંડુકી ઋષિના આશિષથી સુંદરી વામા મંદોદરીમાં રૂપાંતર પામે છે. અહીંથી શરૂ કરીને- રાવણનું મૃત્યુ, અને રામ દ્વારા મંદોદરીને વિભીષણ સાથે પરણાવી દેવી – ત્યાં સુધી આ નૃત્ય-કથા પહોંચે છે. રિથા દેવીએ ખૂબ સુંદર, તથા સુસ્પષ્ટ રીતે મંડુકી, ઋષિ, મંદોદરી, રાવણ, સર્પ, વાનર, હનુમાન, રામ – આ બધાં જ પાત્રો ભજવી બતાવ્યાં. મંદોદરી સતી ગણાય છે. પરંતુ પ્રિયતમ પતિને ગુમાવ્યાની વેદના વ્યક્ત કરવાનો સમય પણ એને મળતો નથી. પણ આ તો છે વ્યથાથી અભ્યસ્ત ભારતીય સ્ત્રી. જો નાયિકા ગ્રીક હોય તો એ શું કરે? ને તે પણ જો યુરિપિડિસ જેવા નાટ્યકારના કરુણ નાટક “મેડિઆ”ની નાયિકા હોય તો?ઃ (૨) મેડિઆનો પતિ રાજા છે, પણ રાણીનું સુખ એના લલાટે નથી. પતિ જેસન નાની વયની યુવતીને માટે મેડિઆને છોડી દે છે. ક્રોધ, વ્યથા અને વેરના ભાવોના મિશ્રણથી ચિત્રભ્રમ પામેલી મેડિઆ એ હરીફ સ્ત્રીને ઝેરથી મારી નાખે છે. જેસનને ભલે જીવતો રાખે છે, પણ તે એને તીવ્રતમ પીડાના અંધારા ઊંડાણમાં ફેંકવા જ. આવી પીડા એને આપવાના હેતુથી મેડિઆ પોતાને જ હાથે પોતાના અને જેસનના બે નાના દીકરાઓની હત્યા કરે છે. આ નાટકની રજુઆતમેં એક વાર ઇંગ્લૅંડમાં જોયેલી. વિખ્યાત અભિનેત્રી ડાયેના રિગ્ગનો અભિનય ઉત્કૃષ્ટ હતો, મંચની રચના અસાધારણ હતી, કાળાં કપડાંથી ઢંકાયેલી ત્રણ સ્ત્રીઓનું કોરસ અસરકારક હતું. મેડિઆ દીકરાઓને થોડું વહાલ કરે છે, પણ વધારે સમય એ હત્યારા કૃત્ય માટે પોતાની જાતને મક્કમ કરવામાં ગાળે છે. પચીસસો વર્ષોથી પહેલાં લખાયેલા આ નાટકમાં આ સ્ત્રી-પાત્ર ‘શિકાર’ છે, તેમ ‘શિકારી’ પણ છે. મેડિઆ જો પીડા પામે છે, તો એ પીડા આપે પણ છે. મોટે ભાગે તો સ્ત્રી પીડા પહોંચાડી શકવાની સ્થિતિમાં હોતી જ નથી. એવું આલેખન એક ચલચિત્રમાં જોયું હતું. અમેરિકામાં વસતાં અનીતા દેસાઈ નામનાં લેખિકાની લખેલી “ઈન કસ્ટડિ” નામની નવલકથાને ઇસ્માઇલ મર્ચન્ટે દિગ્દર્શન આપ્યું હતું. વાર્તા અને દિગ્દર્શન, ને તેથી સિનેમા, બહુ સારાં નહતાં લાગ્યાં. પાત્રવરણી હતી તો અફલાતૂન – શશી કપૂર, શબાના આઝમી, નીના ગુપ્તા, ઓમ પુરી. દરેક પાત્ર એવું તો દયાજનક લાગેઃ (૩) ઉર્દુમાં “મુહાફિઝ” શીર્ષકવાળી આ સિનેમામાં બીલકુલ ક્શતિહીન પાત્ર જે છે તે ‘નાની બેગમ’નું છે. શબાના આઝમી એને યાદગાર રીતે ભજવે છે. એક જમાનાના વિખ્યાત, ને હવે ભુલાઈ ગયેલા શાયર-પતિ સાથે રહીને બેગમની કલ્પના પણ ખીલી છે, ને સુંદર શાયરી એ લખી શકે છે. એક સ્ત્રીની સંવેદનશીલતા, સર્જનાત્મકતા, અને એ અભિવ્યક્ત કરવા માટેની એની ઝંખના – આ બાબત બેગમના વ્યક્તિત્વના કેન્દ્રમાં છે. પણ એમ બની શકે તેમ નથી, કારણકે એ સ્ત્રી છે. કોઈ એમને સજક તરીકે, શાયરા તરીકે દાદ કે ધ્યાન આપતું નથી. એ એમના અપૂર્ણ જીવનની મોટી કરુણતા છે. પરિસ્થિતિ કોઈ રીતે બદલાય તેમ નથી, ને છેલ્લે એ ચિત્કાર પાડે છે – “મૈં શાયરા હૂઁ.” આંખમાંથી ચોધાર આંસુ વહી જાય છે, ને આ ત્રણ શબ્દો પર વારાફરતી ભાર મૂકતો એમનો ચિત્કાર ચોતરફ પડઘાતો જાય છે. હા, સ્ત્રી આંસુ સારી શકે છે, હૃદયની પીડાને અભિવ્યક્ત કરી શકતી નથી. પ્રેમમાં મળેલા અન્યાય અને ઉપેક્શા સામે પોતાની જાતનો બચાવ પણ એ કરી શકતી નથી. આવું કોમળ-હૃદયી પાત્ર જોવા મળ્યું જાપાનના એક ક્લાસિક ઑપૅરામાં. જાપાની લોકકથામાંથી ઑપૅરા (ગીતિ-નાટ્ય) તૈયાર થયું. છે જાપાની ભાષામાં, પણ દુનિયાભરમાં એની સાતસો જેટલી ભજવણી થઈ છે. મેં એ જોયેલું ટોકિયોમાં, એક વરસાદી સાંજે. અનુષ્ઠાન નખશિખ સુંદર હતું. ન્યૂયોર્કમાં જોવા મળે એવી અતિસજ્જિત રજુઆત નહતી, પણ એમાં જાપાનની લાક્શણિક એવી ઋજુ, શિષ્ટ, સંયત કળામયતા હતી. શું સંગીત, ને શું પ્રકાશ-સંયોજન. એની યાદ હજી મને મંત્રમુગ્ધ કરે છે : (૪) કથા બાળ-સહજ છે. એક સારસી રૂપવતી સ્ત્રી બનીને એક સાદાસીધા, મહેનત કરીને જીવતા ગ્રામ્ય-પુરુષ સાથે સુખેથી રહેતી હતી. પોતાનાં પીંછાંમાથી સુંદર દુશાલા બનાવી એ પુરુષને આપતી, ને એ વેચવાથી એને સારા એવા પૈસા મળતા. સારસીની શરત એ હતી, કે કઈ રીતે આ દુશાલા વણાય છે તે કોઈને કહેવું નહીં. ગામનો એક લુચ્ચો માણસ પેલા ભોળા પુરુષ પાસેથી વાત જાણી લે છે, ને એને વધારે દુશાલા મેળવવા માટે ચઢાવે છે. સારસી વચન અને વિશ્વાસનો ભંગ થતાં દુઃખી થાય છે, આંસુ વહાવે છે, અને નિરુપાય થઈને મૃત્યુલોક છોડીને ચાલી જાય છે. વાદળાં નીચે આવે છે, પ્રકાશ ધવલ થઈ જાય છે. છેલ્લે, મંચ પર સારસી નથી, ફક્ત એના નામનો સાદ પાડતો પેલો મૂર્ખ પુરુષ છે. એ સ્પષ્ટ છે કે સ્ત્રીના આલેખનને સામાન્યીકરણની દૃષ્ટિએ જોઈ શકાય જ નહીં. કોઈ પણ ભાષાનું સાહિત્ય લો, કે સમયનો વ્યાપ લો. સર્જનનું વૈવિધ્ય જોવા મળવાનું જ. એક રીતે એમ લાગે, કે દરેક સ્ત્રીની પરિસ્થિતિ કેટલી જુદી છે – આઘાત જુદા, પ્રત્યાઘાત જુદા, કોયડા જુદા, ઉકેલ જુદા. પણ પછી થાય, ના, ક્યાં કશું જુદું છે? એ જ આઘાત, એ જ પ્રશ્નો. ઇંગ્લૅંડમાં વસતાં, અને હવે ખૂબ જાણીતાં ગુરિન્દર ચાધાના “ભાજી ઑન ધ બીચ” નામના, ખૂબ લોકપ્રિય ચલચિત્રમાં આઠ સ્ત્રી-પાત્રોનું નિરૂપણ થયું છે – સામૂહિક પણ, વૈયક્તિક પણ. કથા-સ્થાન, પાત્રો, વિષય-વસ્તુ વગેરે ઇંગ્લૅંડમાં વસતાં પંજાબીઓને લગતાં છે. છતાં, પરદેશમાં વસતી ઇન્ડિયન પ્રજાને સર્વવ્યાપક રીતે આ કથા આવરી લે છે, એવું પણ ચોક્કસ લાગે : (૫) ત્રણ પેઢીની આઠ સ્ત્રીઓ દરિયા-કિનારે ઉજાણી માટે જાય છે. થોડા કલાકોમાં એમનાં શબ્દો, વિચારો ને વર્તન દ્વારા એમનાં કૌટુંબિક જીવન, વ્યક્તિગત સંઘર્ષો, અને જે દેશમાં રહે છે તેના સમાજની અનિવાર્ય રીતે પડતી અસરો આલેખિત થાય છે. કથામાં વિનોદ છે, હળવી ક્શણો છે, ઉદાસ કરી દે તેવાં દૃશય છે, ગંભીર સમસ્યાના ઉલ્લેખ છે, અને જાણી-જોઈને, ચમકાવી દે તેવી બાબતો પણ વણી લેવાઈ છે. આ “ભાજીઈ ફિલ્મમાં જે જુદી જુદી સ્ત્રીઓ છે તેમાં – એક દાદીમા છે, જેમને જુવાનિયાંથી સતત આઘાત લાગતો રહે છે. એક સ્ત્રી વર્ષો પછી જરાક મોકળાશનો અનુભવ કરે છે, ને કહે છે કે એ ભણેલી છે, ને સ્વતંત્રતા ઝંખે છે. એક યુવતી એના નાના પુત્રને લઈને સંયુક્ત સાસરેથી ભાગી નીકળી છે, કારણકે પ્રેમ-લગ્ન કર્યા પછી પણ પતિ એને વારંવાર ખૂબ મારે છે. બે કિશોરીઓ તરત બે અંગ્રેજ છોકરાઓ સાથે, થોડા કલાકો માટે, દોસ્તી કરી લે છે, ઇન્ડિયન છોકરાઓ એમને ગમતા નથી. મા-બાપ જેને ડૉક્ટર બનાવવામાં પોતાનો મોભો સમજે છે તેવી એક છોકરી બ્લૅક સહપાઠીના પ્રેમમાં પડી છે, ને ગર્ભવતી બની છે – વગેરે. જાત-જાતના તાણા-વાણા ભેગા થયા છે. ખરેખર પ્રશસ્ય એવું આ જટિલ અને તનાવવાળું વણાટ છે. પ્રેક્ષકોની આંખ વચમાં ભીની પણ થઈ આવે છે. છેલ્લે બધાં પાત્રો પોતપોતાની મર્યાદાઓથી થોડાં શિથિલ થયાં છે, ને પરસ્પર પ્રત્યે સહિષ્ણુતા અને સહાનુભૂતિ અનુભવે છે. વાસ્તવિકતાની કઠોરતા એવી હોય છે, કે જીવન તો આવી જ સહ્ય-અસહ્ય ચાલે ચાલતું રહેવાનું; પણ કળાકૃતિને અંતે આશાનો અણસાર હોય તે ક્યારેક ઘણું આવશ્યક બનતું હોય છે.