દરિયાપારથી/એક પ્રકારનો આગ્રહ

Revision as of 01:56, 15 May 2026 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page દરિયાપારથી.../એક પ્રકારનો આગ્રહ to દરિયાપારથી/એક પ્રકારનો આગ્રહ without leaving a redirect: removing ... as per advice)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
એક પ્રકારનો આગ્રહ

મનોરંજનની જરૂર જીવનમાં કેટલી બધી છે. એને મેળવવાના પ્રયત્નો આખી દુનિયાના લોકો કરતા જ રહેતા હોય છે. પણ મનોરંજન એટલે શું, ને એ કેવી રીતે મળે, એનો ખ્યાલ મોટા ભાગનાંને હોતો નથી; તેથી એ પ્રયત્નો ફાંફાં થઈ જાય છે. મનોરંજનને બદલે “મહા-કંટાળો” મળતો હોય છે. લોકો ઘેર બેઠાં કંટાળે ત્યારે બહાર જાય, પછી તરત બહારથી કંટાળે, ને ઘેર પાછા આવે. જીવનમાં જે જરૂરી છે તે મળતું નથી – એ શું‘મૃગજળ’ હશે? પણ જો એ મેળવતાં આવડે તો એમાંથી ‘મેઘધનુષ્ય’ બને છે. કેવળ સાત રંગો જ નહીં, વિવિધ રસ પણ એ દ્વારા પ્રાપ્ત થાય છે. આ માટે એક યુક્તિ છે. એને અઘરી ગણો તો એ અઘરી છે, ને સહેલી ગણો તો એ સહેલી છે. એ યુક્તિ એટલે ઉત્તમનો આગ્રહ. મનોરંજન એટલે ફક્ત મજા જ નથી, એ ફક્ત સસ્તી અને સહેલી રમૂજ નથી. મનને જે સંતોષ આપે, લાંબો સમય જે યાદ રહે – તેવા કાર્યક્રમ દ્વારા જ ખરું મનોરંજન મેળવી શકાય છે. જેમાં બુદ્ધિનો પણ થોડો કસ નીકળ્યો હોય, એ તો વળી બહુ જ સરસ. એક વાત તો સ્પષ્ટ છે કે જન-સાધારણ આ યુક્તિ નહીં પ્રયોજી શકે, પરંતુ કેટલાંયે ભણેલાં-ગણેલાં પણ આવા, એટલેકે ઉત્તમ પ્રકારના, મનોરંજનનો આગ્રહ રાખતાં નથી હોતાં. “જેમાં બુદ્ધિને બહાર મૂકીને જવાય” એવું એ લોકો પણ ઈચ્છતા હોય છે. ઉત્તમનો, અસામાન્યનો આગ્રહ રાખનારાં એકલાં પડી જાય છે. આવાં અનુષ્ઠાનો જોવા જવા માટે કંપની તો નથી જ મળતી, પણ પછી એ વિષે વાત પણ ખાસ કોઈ સાથે કરી શકાતી નથી. ‘પેટ ભરીને’ તો નહીં જ! સિનેમા જેવી બહુસંખ્ય બાબતે પણ આવું બને છે. સામાન્ય ફિલ્મો જોવા તો ઘણાં જવાનાં, પણ દસ્તાવેજી, કે પ્રયોગાત્મક, કે કળા-પ્રધાન ફિલ્મનું નામ સાંભળીને એ બધાં ગભરાવાનાં. વિદેશી સરસ ફિલ્મો તો દૂર, પણ ભારતીય કે પાકિસ્તાની કથાનકવાળી, ભારતમાં કે ઇંગ્લૅંડમાં બનેલી, ફિલ્મો પણ એ જોતાં નથી હોતાં. તો ભલે, પણ હું જોઉં છું. અમદાવાદમાં બંગાળી ફિલ્મોના મૉર્નિંગ શો પડતા, તે જોવા જતી. પછી તો ન્યૂયોર્ક જેવા મહાનગરમાં રહેવાનું થયું. અસંખ્ય સરસ નાટકો અને આંતર્રાષ્ટ્રીય ફિલ્મો જોતાં જોતાં વર્ષો વીત્યાં. સરસ અનુષ્ઠાન માટેનો મોહ ઘટ્યો નહીં. ઉત્તમ માટેનો આગ્રહ, અનુભવને આધારે, વધારે ને વધારે સફાઈદાર બનતો ગયો. હવે તો ઘણી વાર એવું બને છે, કે નામ પરથી જ, અથવા વિવેચનને જરાક વાંચતાં જ ખ્યાલ આવી જાય છે કે એ જોવા જેવું છે કે નહીં. કેટલાંક વર્ષો પહેલાં બે ઇન્ડો-ઇંગ્લિશ ફિલ્મો જોયેલી, જેમનાં નામ પણ ઓળખીતાં-પાળખીતાં, ભણેલાં-ગણેલાંએ સાંભળ્યાં નહતાં. નામો પણ એકથી વધારે વાર કહેવા પડ્યાં. એ પછી પણ કોઈને રસ તો ના જ પડે, એટલે વાતો પાછી સાધારણ વિષય પર વળી જાય. એવી એક ફિલ્મનું નામ હતંુ “સચ અ લૉન્ગ જર્ની” – એટલેકે, “કેટલી લાંબી સફર”. કૅનૅડામાં વસતા પારસી લેખક રોહિન્તન મિસ્ત્રીની નવલકથા પરથી સૂની તારાપોરવાલાએ બનાવેલી, અને સ્ટુર્લા ગન્નાર્સન નામની કૅનૅડિયન સ્ત્રીએ દિગ્દર્શન કરેલું. મુંબઈની એક ચાલીમાં રહેતાં પારસીઓનું જીવન એમાં આલેખાયું હતું. મુખ્ય પાત્રમાં રોશન શેઠ હતા. એક તો પોતે પારસી, અને વળી નિપુણ અભિનેતા. તખ્તા પર એમની એકે એક મિનિટ હૃદયગ્રાહી હતી. ફિલ્મમાં કડવી-મીઠી ઘણી ક્શણો હતી. આ ગુસ્તાદ નોબલ નામનો માણસ બૅન્કનો કારકુન છે, સાધારણ જીવન જીવે છે, પત્ની માટે પૈસા પણ ખર્ચી શકે તેમ નથી, નાનકડી દીકરી સખત માંદી પડે છે, એન્જિનિયરિંગમાં પાસ થઈ ગયેલો દીકરો ઘર છોડીને ભાગી જાય છે; એક નિર્દોષ, થોડો ગાંડો પારસી માણસ – વગેરે પરિસ્થિતિઓ તનાવ લાવે છે. તો પારસી ઉચ્ચારો, એક દીવાલ બચાવવા એના પર ચિતરાતાં દેવ-દેવીઓ વગેરે દ્વારા વિનોદ અને સહેજ કટાક્શ ઊપજે છે. આ સામાજિક વાર્તા સાથે રાજકારણીય સૂત્ર પણ છે. વળી, એક જૂના ખાસ મિત્રની મદદ માટેની વિનંતીઓથી ગુસ્તાદ પરાણે એક રહસ્યમય યોજનામાં ખેંચાય છે, અને એક વૃદ્ધાના ‘મેલી વિદ્યા’ના અખતરામાં ગુસ્તાદની પત્ની જકડાય છે. પળે પળે પ્રેક્ષકો આશંકા અનુભવે છે, વિચારતાં રહે છે કે હવે શું થશે? શું અભિનયની સફાઈ, શું કથાનકની સૂક્શ્મ જટિલતા, શું વિવિધ ભાવો અને સંવેદનોની આવન-જાવન, ને શું ફોટોગ્રાફી. ચલચિત્ર પૂરું થાય છે ત્યારે ગુસ્તાદનું કુટુંબ અકબંધ છે, એ જોઈને નિરંાત થાય છે, તો બીજા બનાવોને કારણે ખેદ અનુભવાય છે. આવું જ બારીક તથા અનિન્દ્ય સમતુલન રોહિન્તન મિસ્ત્રીની આ પછીની નવલકથા “ એ ડેલિકેટ બૅલૅન્સ”માં પણ જોવા મળે છે. બીજી જે ફિલ્મની વાત કરું છું તેનું નામ “ઈસ્ટ ઈઝ ઈસ્ટ” – એટલેકે “પૂર્વ એટલે પૂર્વ”! લંડનમાં વસતા અયૂબ ખાનદિન નામના યુવાન પાકિસ્તાનીએ પોતાના કુટુંબ અને જીવનના અનુભવો પરથી એ કથા લખી હતી. પહેલાં એ ઇંગ્લૅંડમાં નાટક તરીકે ભજવાઈ, ને પછી એમાંથી ફિલ્મ બની. મુખ્ય પાત્ર ઓમ પુરીએ ભજવ્યું હતું. એમનો અભિનય વિદેશનાં છાપાંઓએ વખાણ્યો, અને ફિલ્મ ઘણા આંતર્રાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં પસંદગી પામી. મને એ બધું અ-યોગ્ય લાગ્યું, કારણકે અમુક રીતે કથા સાધારણ છે અને અમુક નિરૂપણ તો અસહ્ય છે. જ્યોર્જ ખાન નામના પાકિસ્તાની માણસ વર્ષોથી ઇંગ્લૅંડમાં રહે છે, અંગ્રેજ સ્ત્રીને પરણેલા છે, એમને છ દીકરા અને એક દીકરી છે, ને કુટુંબના દરેક સદસ્ય પર એ જબરાઈ કરતા રહે છે, સતત ઘાંટાઘાંટ અને ગાળાગાળી કરતા રહે છે. વાક્યે વાક્યે અપશબ્દ – પછી ભલે એ અંગ્રેજી ભાષાનો હોય – સાંભળી નથી શકાતો. મોટા ત્રણ દીકરાને ઈચ્છા વિરુદ્ધ અથવા જાડી, કદરૂપી છોકરીઓ સાથે પરણાવવા જતાં, ઇંગ્લૅંડમાં જન્મેલા, ઉછરેલા અને અર્ધ-અંગ્રેજ જેવા છોકરાઓ જે રીતે વર્તે છે – તે પરથી જ્યોર્જ ખાનનો ક્રોધ માઝા મૂકે છે. હાથમાં આવેલા એક દીકરાને એ મારી મારીને લોહીલુહાણ કરી નાખે છે, અને રોકવા મથતી પત્ની પર પણ હાથની ધોલથી, પગના પાટુથી ઘણો માર મારે છે. પાત્રની આવી વર્તણૂંક જરા પણ જચતી નથી. પશ્ચિમનાં છાપાંમાં આ ફિલ્મને “ખડખડાટ હાસ્યથી ભરપૂર” તરીકે વર્ણવાઈ હતી, પણ એવું હતું જ નહીં. ક્યાંક ક્યાંક જરૂર હસવું આવે છે – ખોટા ઉચ્ચારોથી, અમુક સંવાદોથી, છોકરાંની છાનીમાની વર્તણૂંકથી, પણ તેથીયે વધારે તો મનને આઘાત લાગ્યા કરે છે, અને “હમણાં એકાદ જણ માર ખાઈ બેસશે”, એ વિચારે કંઈક ડર પણ. દિગ્દર્શક ડૅમિયન ઓડૉનૅલનો ઉદ્દેશ એવું ચિત્ર ઉપસાવવાનો હતો, જેમાં ઇંગ્લૅંડમાંની વિવિધ પ્રજા પરસ્પર સમજણ અને સહિષ્ણુતા દર્શાવતી હોય, પણ ખરેખર તો, આ ફિલ્મમાં સમગ્ર પાકિસ્તાનીપણાને – સિનેમા, વસ્ત્રપરિધાન, દેખાવ, સામાજિક સંબંધો ઇત્યાદિ – ઉતારી પાડવામાં આવ્યું હતું. આ બધી બાબતો પ્રત્યે સતત ને સળંગ કટાક્શ કરવામાં આવ્યા છે. આમ તો જ્યોર્જ ખાન બધી રીતે પાકિસ્તાનીપણું ચાહે છે, ને અંગ્રેજ પત્નીને કહેતા રહે છે, “જોજે હોં, પહેલી વાઇફને દેશથી અહીં બોલાવી દઈશ”. કહે છે તો હસતાં હસતાં, પણ શું આવા અપમાનજનક કટાક્શથી પેદા થતું હાસ્ય બહુ મોટા વિનોદમાં ગણાય? આવા પ્રશ્નો અને સૈદધાંતિક વિરોધ દરેક પ્રેક્શકને ના પણ થાય. ને એ સિવાય, ફિલ્મમાં થોડી મૃદુ ક્શણો પણ છે અને વિદેશમાં વસતા મધ્યમ વર્ગીય પાકિસ્તાની સમાજમાં થોડું ડોકિયું પણ છે. ઘણી કચાશ હોવા છતાં એનો આકાર કળા-ફિલ્મ જેવો વધારે છે, ને તેથી એની પાછળ સમય ગાળ્યાનો પસ્તાવો નથી થતો. સમીક્શાત્મક વિચારો કરવા જેવી કસરતની તક તો મગજને મળી ને બંને ફિલ્મો એકમેકથી સાવ જુદી હતી. પહેલીમાં કથાની જટિલતા હતી, બીજીમાં સાધારણતા. એકમાં સળંગ સભ્ય અને ભદ્ર ભાવ રહે છે, બીજીમાં અસભ્ય અને અભદ્ર. ખેર, કોઈ પણ કળાકૃતિ જોતી વખતે બુદ્ધિ સાથે રાખવાના તો ફાયદા જ હોય છે. જેમકે, અણગમા સાથે આલોચના, પ્રશ્નોની સાથે અભિવ્યક્તિ, અને વ્યાયામ સાથે મનોરંજન પણ પામી શકાતાં હોય છે.