સનતકુમાર (નહાતો નહાતો) : હર હર ગંગે! ગ્રહણને દિવસે સ્નાનથી પુનિત થઈએ છીએ તેમ આજે ગંગાના પુણ્યોદકના પવિત્ર અને ઉત્સાહક સ્નાનથી સ્વદેશસેવામાં ઉદ્યુક્ત થઈએ છીએ. જાહ્નવીના મંગળ સલીલથી સગરપુત્રોનો ઉદ્ધાર થયો હતો તેમ આજ પતિત બંગાળીઓનો થશે. યુગયુગાંતરના મળ શરીર પરથી ધોવાય છે – આંખોના પડળ – જીવનના તિમિર જતાં રહે છે – પગની બેડીઓ તૂટી જાય છે – આજ અમે નવું ચેતન મેળવીએ છીએ. કૈલાસનાથ મહાદેવની પેઠે મસ્તકમાં ગંગોદક સંચી અમારા પ્રજાજીવનના મહા હેતુ સિદ્ધ કરવા તૈયાર થઈએ છીએ. હે જીવનદાયિની માતે! તિમિર વિદારી પ્રકાશ પ્રકટાવ! આળસ ઉરાડી પ્રવૃત્તિ પ્રેર! ફકીર(કિનારે ઊભેલો બોલી ઊઠે છે) : ભાઈ! પ્રકાશ પ્રકટી ચૂક્યો છે. નવું ચેતન દેશમાં ફૂંકાઈ રહ્યું છે! જય બંગભૂમિ! તારા વિચ્છેદથી કાળ-કાળાંતરના ભેદભાવ ઓગળી ગયા છે. સ્વદેશપ્રેમે ધર્મસહિષ્ણુતા આણી છે. હિન્દુ-મુસલમાન સ્વદેશને માટે જૂનાં ઝનૂની વૈર ભૂલી આજ એક થયા છે; દેશસેવાની દીક્ષા આજ સૌએ લીધી છે. બંધુબંધુ – હિન્દુમુસલમાન – સ્ત્રીપુરુષ – બાળકવૃદ્ધ વગેરે સર્વે એ દીક્ષા રક્ષાબંધનનો ઉન્નત વિધિ આચરી સાધે છે. દીન દીનની અને હરહર મહાદેવની હાકલ આજ વંદેમાતરમ્ના પોકારમાં વિલીન પામી છે. એક તરૂણ : સાંઈમૌલા વન્દેમાતરમ્! સ્નાન આટોપ્યું? પધારો દેવીને મંદિરે. ફકીર : દેશસેવાની ઉગ્ર પ્રતિજ્ઞા લેવા કોણ નહિ આવે? (થોડે આઘે ઉગ્ર કાલિકાની પ્રતિમા સન્મુખ બીજા પૂજન કરતાં બંગાળીઓમાં તેઓ જાય છે.) સનતકુમાર : બંગમાતર્! આજ અખિલ બંગાળે અપવાસ કર્યો છે. ઉપાનહ વિના ફક્ત ધોતિયાં અને સાડી સાથે ગંગાસ્નાને આવ્યાં છે. જીવનનાં જૂના અંક ભૂસી નવા અંક લખવા, દેવી! ત્યાંથી તારા મંદિરે પધારે છે! માવડી! ઓળે લ્યો! બાળકો પર મીઠી અમીની નજર ફેંકો. બંગવાસીઓમાં તારી ઉગ્ર ભૈરવતા, નિર્દય આગ્રહ અને વત્સલ વહાલ પ્રેર! શોણિતપ્રિયે! તારું ખપ્પર લે ને નાચ તારું લાસ્ય નૃત્ય! સુશસ્યાશ્યામલા બંગભૂમિ માટે દરેક બંગવાસી પોતાનું રક્ત વહેડાવવા તૈયાર છે! પ્રસાદથી લોહીમાં તારી શક્તિ જગાવ. (દેવીના પાદ આગળ પડેલા લોહીના વાસણમાંથી ચાંગળું લઈ આચમન કરે છે અને ધ્યાનસ્થ રહે છે.) ફકીર : તારી હજારો મૂર્તિઓ ખંડન કરનાર, તને અપમાન આપનાર. બૂતશિકસ્ત મુસલ્મીનોનો વંશજ દેવી! આજ તને નમન નમે છે. સ્વીકારો દેવી! તોમારઈ પ્રતિમા ગડી મંદિરે મંદિરે! કાત્યાયિની! હૃદયે હૃદયે સ્વદેશભૂમિની પ્રતિમા સ્થપાઈ! રામાયણના હનુમાનની માફક હૃદય ચીરતાં આવડતું હોત તો હે સ્વદેશીઓ અને વિદેશીઓ, તમને દાખવત કે માતૃભૂમિની સેવાના આગળ ધર્મનું ઝનૂન કે ઇતિહાસના ઝઘડા નિષ્પ્રભાવ થઈ જાય છે. (ઘૂંટણિયે પડી) બંગભૂમિની મૂર્તિમતી પ્રતિમે! મેઝીની જેવી હવે ઉગ્ર પ્રતિજ્ઞા લઈએ છીએ! અયેશ આરામ, ચૈન મૌઝ, ઔદાસીન્ય, ઇન્દ્રિયવૈભવ વગેરેનો ત્યાગ તમ સન્મુખ કરીએ છીએ. દેશનો ઉત્કર્ષ જ્યાં સુધી સાધીશું નહિ ત્યાં સુધી એ સર્વ અમને વર્જ્ય છે! સર્વ બંગાળીઓને શિવનિર્માલ્ય છે. દેશનું દારિદ્ર્ય ફીટશે નહિ – દેશમાંથી દુષ્કાળ જશે નહિ – દેશમાં વસન્ત ઊગી નીકળશે નહિ ત્યાં સુધી અમે હિન્દુ-મુસલમાને ફકીરી અખત્યાર કરી છે. મોહ રજનીનાં તિમિર ઊપટી ગયાં છે. પરદેશીઓએ બાંધેલી શૃંખલા તૂટશે તેટલી તોડશું. દેશમાંથી હનુમાનના ભૂસ્કા મારી ઘસડાતું દ્રવ્ય અહીં રાખવા ભગીરથ કે હાતમના જેવા પ્રયત્નો આદરીશું. બીજો તરુણ : જય બંગભૂમિનો જય! સાંઈજી ફતેહ ફતેહ! પૂર્વમાં નિહાળો સહસ્ત્રરશ્મિ સૂર્યરાજ ઝળહળે છે. એશિયાની લાંબી રાત વીતી ગઈ છે : પાસિફિકમાં જાપાન જાગ્યું છે, તેનું ચેતન આપણા જીવનમાં આવ્યું છે. ફકીર : મારી ભૂમિની આશા! ભૈરવીની સન્મુખ લે પ્રતિજ્ઞા કે સ્વદેશની. અહોનિશ સેવા કરીશ – સ્વદેશમાં જ બનતી ચીજો વાપરીશ – સ્વદેશમાં બનતી ચીજો વગર ચલાવી લઈશ પણ દેશને આર્થિક શૃંખલાથી જકડાવા દઈશ નહિ અને સ્વદેશીઓને અકિંચનતાથી ટળવળાવીશ નહિ. બીજો તરુણ : ચંડિકે! સાંઈમૌલાના ઉપદેશનો સોમ પીઉં છું. પ્રતિજ્ઞાનો સંકલ્પ જળ રેડીને કરું છું. જીવનની કુહરે કુહરમાં એક જ ધ્વનિ નિનાદિત થાય છે. સાંઈજી રગેરગ દોડતું લોહી એક જ ધબકારો કરે છે! આજ પંખીઓ પણ એક જ કિલકિલાટ કરે છે – દેવી! શી તારી માયા! જ્યાં ત્યાં સ્વદેશસેવાના જ ઘોષ ઝણઝણી રહ્યા છે. અંબે! એ સેવા આ જીવન છે ત્યાં સુધી મને પંચભૂતના વિલય પછી જ્યાં હોઉં ત્યાંથી પણ બંગભૂમિની સેવના કરું એવી શક્તિ પ્રેર! (પગે પડે છે.) પ્રસન્નરાય ચૌધરી : અહાહાહા!! શો સુભાગ્યનો મંગલ દિવસ! મહા સમુદ્રમાં ભરતી આવી છે. બંગભૂમિનાં અણુઅણુમાં જીવન જાગ્યું છે – નવું ચેતન, નવો પ્રાણ, વિરલ ઉત્સાહ આજ સ્થળે સ્થળે પ્રવાહિત છે; મુર્શિદાબાદની મસ્નદને લાત મારી, બંગાળનો ઉત્કર્ષ સાધવા, નવાબઝાદો ફકીરી લઈ ઉપદેશ ઠેર ઠેર આપે. પ્રતિમાભંજક ઇસ્લામનો અનુયાયી કાલિકાનું પૂજન આદરે અને તેના મંદિરમાં ભીષ્મ પ્રતિજ્ઞા લે અને લેવડાવે, ગંગાતટે સ્વદેશસેવા સાધવા ઐક્ય આણવા રક્ષાબંધન ઉચનીચ, ગરીબતવંગર, બાલકવૃદ્ધ, સ્ત્રીપુરુષના ભેદ કાઢી નાંખી દરેક બંગાળીને અરજ કરે એનાથી વિશેષ પ્રોજ્વલ દિવસ કઈ પ્રજાના ઇતિહાસમાં હશે? પ્રકાશનાં પૂર ધમધમતાં આવે છે. જ્યાં જુએ ત્યાં અલૌકિક ઉલ્લાસ, અદમનીય ઉત્સાહ અને વિરલ તેજ સ્ફુરી રહ્યાં છે. સ્વદેશ, સ્વદેશ, સ્વદેશના પોકારોથી દિશાઓ મુખરિત થઈ છે. ધનાઢ્યો, રાજાઓ, નવાબો, જમીનદારો પોતાનું દ્રવ્ય, માલમિલકત, જાગીર વજીફા બંગાલાના ઉદય અને ઉત્કર્ષ સારુ બ્રહ્માર્પણ કરી ફકીર થાય છે. દેશની નિર્ધનતા – દ્રવ્યની, શરીરની અને હૃદયની ઊપટતી જવાના કલ્યાણકારી શુભ સંજોગો જ્યાં ત્યાં દ્રગ્ગોચર થાય છે. યુગયુગાંતરની રૂઢિઓ, સિકંદરે ગોર્ડીઅન ગાંઠ કાપી તેવી રીતે તોડી આબાલવૃદ્ધ, સ્ત્રીપુરુષો હુન્નરઉદ્યોગ શીખવા અને તેવા સ્વદેશમાં ઊગવવા પૃથ્વીના દેશ દેશ જવા લાગ્યા છે. બીજો તરુણ : ચૌધરીકાકા! દેવીના મહંતે પણ વિદેશ જઈ ઉદ્યોગ કલાવિધાન શીખી આવવા આશીર્વાદ આપ્યો. પરદેશગમન અને સમુદ્રયાન માટે જગજ્જનનીની સંમતિ આપી. પ્રસન્નરાય ચૌધરી : નવીન બંગાળાના આશાભર્યા અંગ! ચિરંજીવ રહે! અલ્પ સમયમાં બંગાળ જાપાન થાઓ! પશ્ચિમનું ચેતન પૂર્વમાં આવો! વીસમી સદીનું આર્થિક બળ બંગાળીઓ મેળવો! દેવી! જીવિત તને સમર્પ્યું છે – તેની એક ઘડી પણ પુનિત પ્રોજ્વલ લાગતી હોય તો એટલા અભિલાષ સફળ કરજે. (આરતી થાય છે. ‘વન્દેમાતરમ્’નું ગીત લલકારાય છે; બધાં વિસર્જન થાય છે.) ફકીર : સ્વદેશ! સ્વદેશ! જૂનાં કપડાં ઉતારી! ભગવદ્ગીતાના કહેવા પ્રમાણે નવાં પહેર્યાં! નવું જીવન પામ્યાં, વિદેશીઓના આર્થિક બંધનમાંથી છૂટ્યાં – ચાલ બંગભૂમિમાં સર્વત્ર ઘૂમી જાગૃતિ વધારે સબળ જગાવું – સ્વદેશી વસ્તુઓ, સ્વદેશી બાંધવો અને સ્વદેશની ભૂમિ સારુ પ્રીતિ ઉપજાવું – હિન્દુની હિન્દુતા વિસરાવું, મુસલમાનોનું મુસલમાનપણું વિસરાવું અને ઠેર ઠેર બંગાળીપણું ઉદ્ઘોષું – અમે બંગાળી એવું સગર્વ વચન દેશના વાયુએ વાયુમાં વહન થાય એવું પ્રચંડ રણશિંગુ રોજે કયામત ઇસફાએલ ફૂંકશે તેવું ફૂંકું. શરદ પૂનમની રાતે કૃષ્ણની બંસીથી ભક્તિભાવમાં નિમગ્ન થયેલી ગોપીઓના જેવી દશા મારી સ્વદેશની ઘોષણાથી કરું! સ્વદેશ! સ્વદેશ! સ્વદેશ! યા! માલિક! મુરાદ હાંસિલ કર! (વન્દેમાતરમ્નો દિશા ચીરતો નિનાદ.)
[સુરતની કાયસ્થ સભાના વાર્ષિક ઉત્સવ માટે ‘જાગરણ’ના મરાઠી ભાષાંતર પરથી ઉપજાવેલો પ્રસંગ.]