ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/કવિતા

Revision as of 02:24, 20 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કવિતા
૧. શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલનાં પરિમાણો, સિદ્ધિઓ અને મર્યાદાઓ
સંશોધક : રાજેશકુમાર જે. વ્યાસ
માર્ગદર્શક : પ્રો. કનુભાઈ જાની
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલની સિધ્ધિઓ તથા કવિતાકલાની દૃષ્ટિએ ગઝલનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં જ ગઝલનો ઉદ્ભવ ક્યાં થયો, તેનું ગુજરાતીમાં અવતરણ ક્યારે થયું વગેરે મુદ્દાઓની ચર્ચા કરી છે. ગઝલનાં આંતરબાહ્ય લક્ષણો દર્શાવી, ગુજરાતી સાહિત્યમાં ગઝલનાં સ્વરૂપ વિશે થયેલી વિચારણા પણ રજૂ કરી છે. ગુજરાતી ભાષામાં ગઝલક્ષેત્રે જે કંઈ નવીન પ્રયોગો (ભાષા, અભિવ્યક્તિ તથા છંદ) થયાં છે તેનો ઉદાહરણ સહિત પરિચય કરાવ્યો છે. ગુજરાતી ગઝલની સિધ્ધિઓ અને શક્યતાઓનો નિર્દેશ કર્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૨. શીર્ષક : ગુજરાતીમાં ગુજરાત વિષયક કવિતા
સંશોધક : કનુભાઈ સી. ઓઝા
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૬

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાનો હેતુ ગુજરાત વિષયક કવિતામાં ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ, સમાજ અને લલિતકળાઓ વગેરેમાં કયાં કયાં તત્ત્વો પ્રગટ્યાં છે તેનો અભ્યાસ રજૂ કરવાનો રહ્યો છે. આરંભે ગુજરાતી ભાષા અને કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા, તેનો વિકાસક્રમ વગેરે રજૂ કર્યાં છે. ત્યાર બાદ ગુજરાત વિષયક કાવ્યોનું કાવ્યકળાની દૃષ્ટિએ મૂલ્યાંકન થયું છે. વતનપરસ્તીનાં આ કાવ્યોની સર્જનાત્મક કલાદૃષ્ટિની રીતે પણ ચર્ચા કરી છે. સાથે, ગુજરાતની સંસ્કૃતિ-પ્રકૃતિની વિશેષતાઓ મર્યાદાઓ પણ દર્શાવી છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૩. શીર્ષક : કવિશ્રી ઉમાશંકરની કવિતામાં પૌરાણિક વસ્તુસંદર્ભનો વિનિયોગ
સંશોધક : હેમા એચ. શેઠ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં ઉમાશંકર જોશીની કવિતામાં ક્યાં અને કેવી રીતે પૌરાણિક વસ્તુનો સંદર્ભ પ્રયોજાયો છે તેનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ઉમાશંકરનાં જીવન અને કવનનો વિગતે પરિચય આપ્યો છે. ઉમાશંકર પૂર્વેના કવિઓની કવિતામાં પ્રયોજાયેલ પૌરાણિક વસ્તુવાળી રચનાઓ ઉદાહરણ સહિત રજૂ કરી છે. ત્યાર બાદ ઉમાશંકરની કવિતામાં પ્રયોજાયેલ પૌરાણિક વસ્તુસંદર્ભનો ઉદાહરણ સહિત અભ્યાસ રજૂ કર્યો છે. કવિ ઉમાશંકરની વિશેષતાઓનો ખ્યાલ પણ આપ્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૪. શીર્ષક : સાંપ્રતકાળની ગુજરાતી કવિતામાં વિષયવસ્તુનું સ્વરૂપ અને વ્યાપ (રાવજી પટેલ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રમેશ પારેખ)
સંશોધક : પિનાકિની ડી. પંડ્યા
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૧

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં શોધકર્તાએ સાંપ્રત(આધુનિક) કાળની ગુજરાતી કવિતાનાં વસ્તુ, સ્વરૂપ અને વિષયની દૃષ્ટિએ અભ્યાસ રજૂ કર્યો છે. અર્વાચીન ગુજરાતી કવિતા અને તેમાં પણ સાંપ્રત સમયમાં ખેડાતી કવિતામાં સ્વરૂપ તથા વિષયના વૈવિધ્યનો અહીં ઉદાહરણ સહિત પરિચય કરાવ્યો છે. સાંપ્રત કવિતામાં વિષયોની વિવિધતા તથા તેનો વ્યાપ અનેકગણો અનુભવાય છે, જેની અહીં વિવિધ ઉદાહરણો સહિત ચર્ચા કરી છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૫. શીર્ષક : કવિશ્રી બોટાદકરની કવિતામાં ગૃહજીવનના સંદર્ભો
સંશોધક : જશુમતી એમ. પટેલ -
માર્ગદર્શક : ડૉ. જયંતીભાઈ એમ. પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૨

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ બોટાદકરની કવિતામાં ગૃહજીવનના સંદર્ભો, કવિ બોટાદકરની કવિપ્રતિભા અને તેનો પ્રભાવ વગેરે મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા અહીં રજૂ કરી છે. ગૃહજીવનના મધુરભાવોના એક ગાયક તરીકે બોટાદકરનું અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સ્થાન અવિસ્મરણીય છે, તે અહીં સદૃષ્ટાંત દર્શાવાયું છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૬. શીર્ષક : ગાંધીયુગીન ગુજરાતી કવિતામાં અહિંસાનું નિરૂપણ
સંશોધક : મસરીભાઈ બી. સોલંકી
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં શોધકર્તાએ ગાંધીયુગના સમયગાળામાં રચાયેલી ગુજરાતી કવિતામાં અહિંસાનું નિરૂપણ કેવી રીતે થયું છે તેનો અભ્યાસ રજૂ કર્યો છે તથા ગાંધીયુગીન કવિતાની લાક્ષણિકતાઓ દર્શાવી તેમાં અહિંસાનો મહિમા રજૂ કર્યો છે. આરંભે ગાંધીયુગ પૂર્વેની કવિતામાં નિરૂપાયેલ અહિંસાતત્ત્વનો ઉદાહરણ સહિત પરિચય કરાવ્યો છે. ત્યાર બાદ ગાંધીયુગના કવિઓ સુંદરમ્, ઉમાશંકર, ઝવેરચંદ મેઘાણી વગેરેની કવિતામાં નિરૂપાયેલ અહિંસાતત્ત્વનો ઉદાહરણ સહિત પરિચય કરાવ્યો છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૭. શીર્ષક : ગુજરાતી દલિત કવિઓ અને તેમની કવિતા
સંશોધક : અમૃતભાઈ ડી. પરમાર
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. પ્રારંભમાં શોધકર્તાએ દલિત કવિ અને દલિત કવિતાની વિભાવનાને રાષ્ટ્રીય પરિપેક્ષ્યમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતમાં દલિત કવિતાનો પ્રારંભ, ગુજરાતી સાહિત્યમાં દલિત કવિતાનું પગરણ તથા તેની વિકાસરેખા વગેરે વિશે માહિતી રજૂ કરી છે. સંશોધકે ગુજરાતી દલિત કવિઓ કાલિદાસ પંડ્યા, કિસન સોસા, ગણપત પરમાર, દલપત ચૌહાણ, મંગલ રાઠોડ, સંજુ વાળા વગેરેનાં જન્મ, વ્યવસાય અને સર્જનનો ટૂંકો પરિચય રજૂ કર્યો છે. વિવિધ દલિત કાવ્યસંગ્રહોની સદૃષ્ટાંત વિચારણા અહીં થઈ છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૮. શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પંખી-વિષયક રચનાઓ
સંશોધક : કોદરબહેન આર. પટેલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગાંધીયુગ પછીના સમયગાળામાં ગુજરાતી કવિતામાં પંખીઓને કેન્દ્રમાં રાખીને જે કાવ્યરચનાઓ લખાઈ હોય તેનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ગુજરાતી કવિતામાં પ્રકૃતિ કવિતાનો મહિમા રજૂ કરી તેમાં પંખીનું સ્થાન અને મહત્ત્વ ઉદાહરણ સહિત રજૂ કર્યું છે. અહીં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં પંખીને કેન્દ્રમાં રાખી જે કવિતાઓ રચાઈ છે તેની વિગતો ઉદાહરણ સાથે દર્શાવી છે. પ્રતીક તરીકે પંખીનો પ્રયોગ થયો હોય તેવી રચનાઓનો સઘન પરિચય કરાવ્યો છે. ઉદાહરણ તરીકે ‘પંખીઓ’ (દેવજી મોઢા), ‘ચાંચોનું શું ચાલે?’ (ચંદ્રકાન્ત શેઠ), ‘પંખી’ (નલીન રાવલ), ‘નીડ ભણી’ (રાજેન્દ્ર શાહ) વગેરે. અંતે પરિશિષ્ટ તથા સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૯. શીર્ષક : ગુજરાતી કાવ્ય પરંપરામાં ગાંધીજી : પ્રભાવ અને પ્રતિષ્ઠા
સંશોધક : ભરત એ. દરજી
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૭

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. પ્રારંભમાં જ ગુજરાતી કવિતાની વિકાસ પરંપરાનો આછો પરિચય કરાવ્યો છે. જેમાં મધ્યકાળથી માંડી છેક આધુનિક યુગ સુધીની કવિતાનો સમાવેશ કર્યો છે. ગુજરાતી સાહિત્ય અને કવિતાક્ષેત્રે ગાંધીજીનો જે વ્યાપક પ્રભાવ પડ્યો તેની ચર્ચા આરંભે રજૂ કરી છે. જીવનધર્મ, માનવીય મૂલ્યો, દેશપ્રેમ, સમાજસુધારણા વગેરે વિષયોની કવિતાને સંશોધકે ગાંધીપ્રભાવની દૃષ્ટિએ તપાસી છે. ગાંધીજીના વિચારો, આદર્શો, ભાવના તથા તેમનાં વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી કવિતાનો પરિચય અહીં છે. ગાંધીજીને અંજલિ આપતાં કાવ્યો વિશે પણ વિચારણા થઈ છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૧૦. શીર્ષક : હાઈકુ અને ગુજરાતી હાઈકુ
સંશોધક : ભરત કે. અગ્રવાલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૭

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધકે ગુજરાતીમાં ખેડાયેલ હાઈકુ પ્રકારને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં હાઈકુનું સ્વરૂપ, લક્ષણો તથા તેનો વિકાસક્રમ રજૂ કર્યો છે. ગુજરાતી ભાષામાં હાઈકુનું અવતરણ, પ્રયોગ અને તેની વિકાસરેખા દર્શાવી છે. ગુજરાતી ભાષાનાં મહત્ત્વના હાઈકુ કાવ્યોનો પરિચય કરાવ્યો છે. એ જ રીતે હાઈકુ ક્ષેત્રે થયેલા નવીન પ્રયોગો ઉદાહરણ સહિત મૂકી આપ્યા છે. અંતે હાઈકુ રચનાઓવાળા ગ્રંથો તથા સામયિકોમાં પ્રકાશિત હાઈકુ વિશેની સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૧૧. શીર્ષક : જૂનાગઢના ગઝલકારો
સંશોધક : ધીરજ જે. પરમાર
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૭

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ જૂનાગઢ વિસ્તારના ગઝલકારો તથા તેમનાં સાહિત્યિક પ્રદાનને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં જૂનાગઢ વિસ્તારના માનવીઓમાં પ્રગટતી વીરત્વ અને કવિત્વની ભાવનાને બિરદાવી તે ક્ષેત્રના પ્રદાનને રજૂ કર્યું છે. ત્યાર બાદ જૂનાગઢના ગઝલકારો શંભુપ્રસાદ દેસાઈ, પ્રફુલ્લ નાણાવટી, જયંત ગાંધી, શ્યામ સાધુ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા વગેરે ગઝલકારોના પ્રદાનને મૂલવ્યું છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૧૨. શીર્ષક : ત્રણ ગઝલકારો : એક અધ્યયન (મરીઝ, રાજેન્દ્ર શુક્લ અને મનહર મોદી)
સંશોધક : હરદ્વાર ગોસ્વામી
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૧

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતના મહત્ત્વના ત્રણ ગઝલકારો વિશે અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ગઝલના સાહિત્ય સ્વરૂપનો પરિચય, તેનાં આંતર-બાહ્ય લક્ષણો, ગઝલનો ઉદ્ભવ, તેનું ગુજરાતી ભાષામાં અવતરણ વગરે મુદ્દાઓ વિશે ચર્ચા રજૂ કરી છે. ગુજરાતી ગઝલની સંક્ષિપ્ત વિકાસરેખા અહીં દર્શાવી છે. મરીઝ, રાજેન્દ્ર શુક્લ, તથા મનહર મોદીની ગઝલોમાં રહેલાં સૌંદર્યતત્ત્વ, કલાતત્ત્વ અને જીવનદર્શન ને ઉદાહરણ સહિત રજૂ કર્યાં છે. અંતે ત્રણે ગઝલકારોની વિશિષ્ટતા તથા વૈવિધ્યનો પરિચય કરાવ્યો છે.

૧૩. શીર્ષક : કવયિત્રી જયા મહેતા, નીતા રામૈયા તથા પન્ના નાયકની કવિતા : એક અધ્યયન
સંશોધક : કેતન બુંહા
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૧૦
પ્રકાશન : ઈ.સ. ૨૦૧૨

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં કવયિત્રી જયા મહેતા, નીતા રામૈયા અને પન્ના નાયકની કવિતા વિશેનો અભ્યાસ રજૂ થયો છે. પ્રથમ પ્રકરણમાં કવયિત્રી જયા મહેતા, નીતા રામૈયા તથા પન્ના નાયકનાં જીવન અને કવન આલેખાયાં છે. બીજાં પ્રકરણમાં અર્વાચીન ગુજરાતી કવિતાની વિકાસરેખા અપાઈ છે અને તેમાં આ કવયિત્રીઓનું વિશેષ યોગદાન કેવા પ્રકારનું છે તે દર્શાવાયું છે. ત્રીજાં પ્રકરણમાં કવયિત્રી જયા મહેતા, નીતા રામૈયા અને પન્ના નાયકની કવિતાનું વિષયવસ્તુલક્ષી વિશ્લેષણ થયું છે. ચોથાં પ્રકરણમાં આ કવયિત્રીઓની કવિતાનું કળાની દૃષ્ટિએ સમગ્રલક્ષી મૂલ્યાંકન થયું છે. અંતે ઉપસંહાર અને તારણો રજૂ થયાં છે.