ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/નવલકથા

Revision as of 02:25, 20 May 2026 by Meghdhanu (talk | contribs) (=1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪. નવલકથા
૧. શીર્ષક : નવલકથાકાર : વર્ષા અડાલજા (પ્રમુખ ચાર નવલકથાઓના વિશેષ સંદર્ભે)
સંશોધક : બળદેવ બી. મોરી
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ગુજરાતી સાહિત્યનાં સમર્થ લેખિકા વર્ષા અડાલજાની ‘અણસાર’, ‘બંદીવાન’, ‘ગાંઠ છૂટ્યાની વેળા’, ‘ખરી પડેલો ટહુકો’ એ ચાર નવલકથાઓનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નવલકથાનું સ્વરૂપ તથા તેનાં લક્ષણોનો પરિચય કરાવ્યો છે. ત્યાર બાદ ગુજરાતી નવલકથાની વિકાસરેખા રજૂ કરી વર્ષા અડાલજાનાં જીવન તથા સર્જનનો પરિચય આપ્યો છે. ત્યાર બાદ ઉપરોક્ત ચારે નવલકથાઓના કથાવસ્તુનો સાર આપી નવલકથાકાર વર્ષા અડાલજાની સિદ્ધિઓ-મર્યાદાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૨. શીર્ષક : ઉપરવાસ’ કથાત્રયીની પાત્રસૃષ્ટિ
સંશોધક : મહેન્દ્રસિંહ ડી. પઢેરિયા
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધકે ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક-નવલકથાકાર શ્રી રઘુવીર ચૌધરીની કથાત્રયી ‘ઉપરવાસ’નાં પાત્રોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં રઘુવીર ચૌધરીનાં જીવન તથા સર્જનનો વિગતે પરિચય કરાવ્યો છે. નવલકથાનો ઉદ્ભવ તેનું સ્વરૂપ તથા લક્ષણો દર્શાવી ગુજરાતી નવલકથાની વિકાસરેખા રજૂ કરી છે. ત્યાર બાદ ‘ઉપરવાસ’ કથાત્રયીનાં કથાવસ્તુનો સાર રજૂ કરી તેમાં નિરૂપાયેલાં મુખ્ય તથા ગૌણ પાત્રોના વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ દર્શાવી છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૩. શીર્ષક : નવલકથામાં સામાજિક વાસ્તવનું નિરૂપણ (‘અજિતા’ અને ‘તુલસીક્યારો’ બે સામાજિક નવલકથાના વિશેષ સંદર્ભમાં)
સંશોધક : દિલીપકુમાર એ. ચાવડા
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૧

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ ધૂમકેતુની ‘અજિતા’ તથા મેઘાણીની ‘તુલસીક્યારો’ આ બંને નવલકથામાં નિરૂપાયેલ સામાજિક વાસ્તવને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નવલકથાનું સ્વરૂપ, લક્ષણો, પ્રકારો, અને અન્ય સ્વરૂપો સાથેનો તેનો સંબંધ વગેરેની વિચારણા કરી છે. એ પછી નવલકથાની વિકાસરેખા રજૂ કરી છે. ત્યાર બાદ વાસ્તવ અને વાસ્તવવાદ વિશે ચર્ચા કરી છે. મેઘાણી તથા ધૂમકેતુના જીવનસર્જનનો પરિચય કરાવી ઉપરોક્ત બંને નવલકથાઓમાં નિરૂપાયેલ સામાજિક વાસ્તવને ઉદાહરણ સહિત રજૂ કર્યું છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૪. શીર્ષક : ભગવતીકુમાર શર્માની નવલકથા ‘ઊર્ધ્વમૂલ’ અને ‘અસૂર્યલોક’ની પાત્રસૃષ્ટિ
સંશોધક : દીપિકા જે. ગોવાણી
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૧

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. આધુનિક નવલકથાકાર ભગવતીકુમાર શર્માની ઉપરોક્ત બંને કૃતિઓનાં પાત્રોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ભગવતીકુમાર શર્માનાં જન્મ, ઉછેર, બાળપણ, અભ્યાસ તથા તેમનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો પરિચય રજૂ કર્યો છે. ત્યાર બાદ નવલકથાનું સ્વરૂપ, લક્ષણો તથા તેની વિકાસરેખા આલેખી છે. ‘ઊર્ધ્વમૂલ’ તથા ‘અસૂર્યલોક’ બંને નવલકથાનાં કથાવસ્તુનો સાર આપી તેમાં નિરૂપાયેલાં મુખ્ય તથા ગૌણ પાત્રોની વિશિષ્ટતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૫. શીર્ષક : ત્રણ નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘પાટણની પ્રભુતા’, ‘પાદરનાં તીરથ’, ‘કુરુક્ષેત્ર’)
સંશોધક : મીનાબહેન સી. પટેલ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૩

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડમાં વિભાજિત છે. શોધકર્તાએ ક.મા. મુનશીની ‘પાટણની પ્રભુતા’, જયંતિ દલાલની ‘પાદરનાં તીરથ’, રઘુવીર ચૌધરીની ‘કુરુક્ષેત્ર’ એમ ત્રણ નવલકથાનાં પાત્રોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રથમ ખંડમાં નવલકથાનું સ્વરૂપ, તેનાં લક્ષણો તથા તેની વિકાસરેખા રજૂ કરી ઉપરોક્ત ત્રણે નવલકથાકારોના જીવન-સર્જનનો પરિચય રજૂ કર્યો છે. બીજા ખંડમાં ત્રણે નવલકથામાં નિરૂપાયેલાં મુખ્ય તથા ગૌણ પાત્રોની સ્વભાવગત વિશિષ્ટતાઓ મર્યાદાઓ રજૂ કરી વસ્તુસાર આપ્યો છે. અંતે સંદર્ભસૂચિ મૂકી છે.

૬. શીર્ષક : શ્રી ધીરેન્દ્ર મહેતાકૃત નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘ચિહ્ન’, ‘દિશાન્તર’, ‘આપણે લોકો’)
સંશોધક : ચંદ્રિકાબહેન એન. પટેલ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ ત્રણ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ આધુનિક નવલકથાકાર ધીરેન્દ્ર મહેતાની ઉપરોક્ત ત્રણે નવલકથામાં નિરૂપાયેલ પાત્રોને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નવલકથાનું સ્વરૂપ, લક્ષણો દર્શાવી ગુજરાતી નવલકથાની વિકાસરેખા રજૂ કરી છે. ધીરેન્દ્ર મહેતાની નવલકથાઓનો વસ્તુસાર રજૂ કર્યો છે. ત્રણે નવલકથાનાં મુખ્ય-ગૌણ પાત્રોની આંતર-બાહ્ય લાક્ષણિકતાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ તથા સામયિકસૂચિ મૂકી છે.

૭. શીર્ષક : ધ્રુવ ભટ્ટની નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’, ‘અતરાપી’)
સંશોધક : મોહન રાઠોડ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૪

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે ખંડોમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં ધ્રુવ ભટ્ટની નવલકથાના પાત્રો વિશે ચર્ચા થઈ છે. પ્રથમ પ્રકરણમાં ગુજરાતી નવલકથાના ઉદ્ભવ, સ્વરૂપ અને વિકાસરેખા વિશે વિચારણા થઈ છે. આ જ પ્રકરણમાં ધ્રુવ ભટ્ટનાં જીવન અને કવન વિશે પ્રાથમિક પરિચય પણ અપાયો છે. બીજાં પ્રકરણમાં ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’ અને ‘અતરાપી’ નવલકથાનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિ વિશે વિચારણા થઈ છે. અહીં નવલકથામાં નિરૂપિત પાત્રોના આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને અનુલક્ષીને તેનું મૂલ્યાંકન થયું છે. અંતે ઉપસંહારરૂપે સમગ્રલક્ષી તારણો રજૂ થયાં છે.

૮. શીર્ષક : મધુ રાયની ત્રણ નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘સભા’, ‘સાપબાજી’, ‘કામિની’)
સંશોધક : ગૌતમકુમાર પી. વાઘેલા
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ૨૦૦૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધને બે ખંડમાં વિભાજિત કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ખંડ પૂર્વે મધુ રાયના જીવન અને સર્જન તેમજ તેમને મળેલા પારિતોષિકોની માહિતી અપાઈ છે. પ્રથમ ખંડના ‘અ’, ‘બ’, ‘ક’ એવા ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે. ‘અ’ વિભાગમાં ગુજરાતી નવલકથાની સ્વરૂપ વિષયક ચર્ચા, ‘બ’ વિભાગમાં ગુજરાતી નવલકથાનો ઉદ્ભવ અને વિકાસ તથા ‘ક’ વિભાગમાં પાત્રનિરૂપણનું મહત્ત્વ દર્શાવ્યું છે. બીજા ખંડમાં ત્રણેય નવલકથાઓનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિનું આલેખન થયું છે. જેમાં ‘અ’ વિભાગમાં ‘સભા’ નવલકથાનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિ, ‘બ’ વિભાગમાં ‘સાપબાજી’ નવલકથાનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિ ‘ક’ વિભાગમાં ‘કામિની’ નવલકથાનાં કથાવસ્તુ અને પાત્રસૃષ્ટિનું આલેખન થયું છે. અંતમાં ઉપસંહાર અને સંદર્ભસૂચિ મૂકવામાં આવ્યાં છે.

૯. શીર્ષક : હરીન્દ્ર દવેકૃત નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘પળનાં પ્રતિબિંબ’, ‘માધવ ક્યાંય નથી’, ‘ગાંધીની કાવડ’)
સંશોધક : રાયસિંગ પરમાર
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં નવલકથાકાર હરીન્દ્ર દવેની ‘પળનાં પ્રતિબિંબ’, ‘માધવ ક્યાંય નથી’ તથા ‘ગાંધીની કાવડ’ એ ત્રણેય નવલકથાઓમાં નિરૂપાયેલ પાત્રસૃષ્ટિ વિશે અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં નવલકથાનું સ્વરૂપ, લક્ષણો તથા તેની વિકાસરેખા આલેખી છે. હરીન્દ્ર દવેના જીવન તથા સર્જનનો પરિચય કરાવી ઉપરોક્ત ત્રણેય નવલકથાના કથાવસ્તુનો ટૂંકમાં સાર આપ્યો છે આ ત્રણેય નવલકથાઓમાં નિરૂપાયેલ મુખ્ય તથા ગૌણ પાત્રોની સ્વભાવગત વિશેષતાઓ-મર્યાદાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૧૦. શીર્ષક : હરીન્દ્ર દવેકૃત ત્રણ નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘અગનપંખી’, ‘અનાગત’, ‘સંગ-અસંગ’)
સંશોધક : અશોક કે. પંચોલા
માર્ગદર્શ : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૬

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ કુલ ત્રણ ખંડોમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં હરીન્દ્ર દવેકૃત ત્રણ નવલકથાના પાત્રોની સમીક્ષા છે. પ્રથમ પ્રકરણમાં હરીન્દ્ર દવેનાં જીવન-કવન વિશે માહિતી અપાઈ છે. તેમનાં જન્મ, ઉછેર, વ્યક્તિત્વ, અભ્યાસ તેમ જ અન્ય પ્રવૃત્તિની સંક્ષિપ્ત માહિતીનો સમાવેશ અહીં થયો છે. તદુપરાંત તેમનાં સાહિત્યિક પ્રદાનની માહિતી અહીં અપાઈ છે. બીજાં પ્રકરણમાં નવલકથાના ઉદ્ભવ-વિકાસ અને લઘુનવલના ઉદ્ભવ-વિકાસનો ખ્યાલ અપાયો છે. ત્રીજાં પ્રકરણમાં ‘અગનપંખી’ અને ‘અનાગત’ લઘુનવલનાં કથાવસ્તુ અને પાત્રોનું તેમજ ‘સંગ- અસંગ’ નવલકથાનાં કથાવસ્તુ અને પાત્રોનું મૂલ્યાંકન થયું છે. અહીં પાત્રોનાં આંતર-બાહ્ય વ્યક્તિત્વ વિશે સઘન વિચારણા થઈ છે. અંતે સમગ્રલક્ષી ઉપસંહાર રજૂ થયો છે.

૧૧. શીર્ષક : ચુનીલાલ મડિયાકૃત ત્રણ નવલકથાઓની પાત્રસૃષ્ટિ (‘વ્યાજનો વારસ’, ‘વેળા વેળાની છાંયડી’, ‘આલા ધાધલનું ઝીંઝાવદર’)
સંશોધક : બાબુભાઈ સી. ચૌહાણ
માર્ગદર્શક : ડૉ. કપિલાબહેન પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૬

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ બે પ્રકરણોમાં વિભાજિત છે. આ શોધનિબંધમાં ચુનીલાલ મડિયાની નવલકથાના પાત્રોની ચર્ચા કરી છે. પ્રથમ પ્રકરણના ‘અ’ વિભાગમાં ચુનીલાલ મડિયાના જન્મ, ઉછેર, જીવનઘડતર અને અન્ય પ્રવૃત્તિની માહિતી અપાઈ છે. અહીં તેમણે સાહિત્યક્ષેત્રે કરેલાં પ્રદાનની વિગતે નોંધ અપાઈ છે. ‘આ’માં નવલકથાનાં સ્વરૂપ અને તેની વિકાસરેખાનો ખ્યાલ અપાયો છે. બીજાં પ્રકરણમાં ચુનીલાલ મડિયાકૃત ત્રણ નવલકથાઓની પાત્રસૃષ્ટિ વિશે વિચારણા થઈ છે. તેમાં ‘વ્યાજનો વારસ’, ‘વેળાવેળાની છાંયડી’, ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ એ ત્રણ કૃતિની પાત્રસૃષ્ટિની વિચારણા થઈ છે. પહેલાં પુરુષપાત્રોની અને પછી સ્ત્રીપાત્રોની પાત્રસૃષ્ટિનો પરિચય અપાયો છે. અંતે ઉપસંહાર રજૂ થયો છે.