ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/પ્રકીર્ણ

Revision as of 03:04, 20 May 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૨. પ્રકીર્ણ
૧. શીર્ષક : અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલી માધ્યમિક શાળાઓનાં ધો-૮માં માતૃભાષાનાં કાવ્યશિક્ષણ અંગે પડતી મુશ્કેલીઓનો અભ્યાસ
સંશોધક : હરગોવિંદભાઈ કે. વ્યાસ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ સાહિત્યની સાથે શિક્ષણની બાબતને સાંકળી અભ્યાસ રજૂ કર્યો છે. માધ્યમિક શાળાનાં (ધો.-૮) બાળકોને ગુજરાતી ભાષાનાં કાવ્યશિક્ષણમાં કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, કાવ્યનો અભ્યાસ તથા પઠન કેવી રીતે થાય, તેને માટે શિક્ષક તથા વિદ્યાર્થી બંનેની સજ્જતા કેવી હોવી જોઈએ વગેરે બાબતો વિશે વિગતે ચર્ચા કરેલી છે. અંતે શોધકર્તાએ પોતાનો નિષ્કર્ષ રજૂ કર્યો છે.

૨. શીર્ષક : ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાનું સાહિત્યક્ષેત્રે પ્રદાન
સંશોધક : હંસાબહેન સી. ભાવસાર
માર્ગદર્શક : પ્રો. કનુભાઈ જાની, ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૭૯

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં શોધકર્તાએ ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય સભા જેવી સાહિત્યિક સંસ્થાઓનું ગુજરાતી સાહિત્યમાં શું પ્રદાન રહેલું છે તે મુદ્દાને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનાથી માંડી શોધનિબંધના સમય સુધીનો ઇતિહાસ વિગતે આલેખ્યો છે. ત્યાર બાદ આ સંસ્થાઓ દ્વારા વિકાસ તથા સાહિત્યનાં ઉત્કર્ષ માટે જે પ્રવૃત્તિઓ થઈ હોય તેનો પરિચય કરાવ્યો છે. આ સંસ્થાનાં પરિસંવાદો, જ્ઞાનસત્રો, વ્યાખ્યાનશ્રેણીઓ, મુખપત્રો વગેરેથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થતું રહ્યું છે, જેને પરિણામે અનેક ગુજરાતી સર્જકો પ્રાપ્ત થયા છે વગેરે બાબતોની ચર્ચા કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૩. શીર્ષક : કાન્તનું ગદ્ય (એક સર્વગ્રાહી અભ્યાસ)
સંશોધક : દિનુભાઈ એમ. શાહ
માર્ગદર્શક : પ્રો. કનુભાઈ જાની
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૭

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ દસ પ્રકરણમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિ તથા સાહિત્યકાર કાન્તના ગદ્ય વિશે પોતાનો અભ્યાસ રજૂ કર્યો છે. કાન્તે ગદ્યનાં લગભગ તમામ પ્રકારનાં સાહિત્ય સ્વરૂપો જેવાં કે નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, પત્રકારત્વ, આત્મકથા, જીવનચરિત્ર વગેરે ખેડ્યાં છે. ગદ્યકાર કાન્તનો આ શોધનિબંધમાં સુંદર પરિચય કરાવ્યો છે. ગદ્યકાર કાન્તની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે, તો સાથે-સાથે કવિ કાન્તની પ્રતિભાનો પણ પરિચય મળી રહે છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૪. શીર્ષક : ગુજરાતમાં પ્રૌઢશિક્ષણનું સાહિત્ય
સંશોધક : રમેશ પટેલ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ નવ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ પ્રૌઢશિક્ષણનાં મહત્ત્વને કેન્દ્રમાં રાખીને અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં પ્રૌઢશિક્ષણ વિભાગનો ઉપયોગ, પ્રૌઢશિક્ષણનો કાર્યક્રમ, તેનો વિસ્તાર, મહત્ત્વ વગેરે વિશે ચર્ચા કરી છે. ત્યાર બાદ પ્રૌઢશિક્ષણનું સાહિત્ય કેવું હોય, તેમાં કયા કયા વિષયોનો સમાવેશ થયો હોય છે વગેરે વિચારણા થઈ છે. પ્રૌઢશિક્ષણનો વિકાસક્રમ, સાહિત્યનો વ્યાપ અને વિસ્તાર, ગુજરાતમાં તેનો વિકાસ, તેની સિધ્ધિઓ અને મર્યાદાઓ, આ ક્ષેત્રના મુખ્ય સર્જકો વગેરે મુદ્દાઓની વિસ્તારથી ચર્ચા કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૫. શીર્ષક : ગુજરાતી સાહિત્ય પર પત્રકારત્વનો પ્રભાવ (૧૯મી સદીના સંદર્ભમાં)
સંશોધક : દિલીપકુમાર ડી. ભટ્ટ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણોમાં વિભાજિત છે. પ્રારંભમાં ગુજરાતી પત્રકારત્વનો ઉદ્ભવ, પત્રકારત્વના ત્રણ તબક્કા પાડી (ઈ.સ. ૧૮૨૨ થી ૧૮૫૦, ઈ.સ. ૧૮૫૦ થી ૧૮૮૦ અને ૧૮૮૦ થી ૧૯૦૦) તેનો ગુજરાતી સાહિત્ય પર કેવો અને કેટલો પ્રભાવ પડ્યો તેની ચર્ચા કરી છે. આ સમયગાળામાં સાહિત્યિક સામયિકો તથા વર્તમાનપત્રોનો સાહિત્યના વિકાસમાં કેવો ફાળો રહ્યો છે તેની અહીં ઉદાહરણ સહિત ચર્ચા થઈ છે. અંતે પત્રકારત્વ દ્વારા ગુજરાતી સાહિત્યને થયેલા ફાયદા વિશે વાત કરી સંદર્ભસૂચિ આપી છે.

૬. શીર્ષક : ગુજરાતી ભાષા-સાહિત્યના ઉત્કર્ષમાં ગૂજરાત વિદ્યાપીઠનું પ્રદાન
સંશોધક : અમરસિંહ એસ. પરમાર
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ૧૯૯૪

ટૂંકસાર :

આ શોધનિબંધ સાત પ્રકરણોમાં વિભાજિત છે. પહેલાં પ્રકરણમાં રાષ્ટ્રીય સંસ્કાર માટેની એક ક્રાન્તિકારી સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠનો પરિચય અપાયો છે. બીજું પ્રકરણ "વિદ્યાપીઠમાં શૈક્ષણિક ભૂમિકાએ ભાષા અને સાહિત્ય" છે. ત્રીજાં પ્રકરણમાં વિદ્યાપીઠની ભાષા અને સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓનો સઘન પરિચય અપાયો છે. ચોથાં પ્રકરણમાં વિદ્યાપીઠના અધ્યાપકો અને વિદ્યાર્થીઓનાં ભાષા-સાહિત્ય ક્ષેત્રે પ્રદાનનો ખ્યાલ અપાયો છે. પાંચમાં પ્રકરણમાં વિદ્યાપીઠની વિશિષ્ટ સેવા સમાન કોશસાહિત્ય, પ્રૌઢસાહિત્ય તથા ‘સાબરમતી’, ‘પુરાતત્ત્વ’, ‘શિક્ષણ અને સાહિત્ય’ વગેરે સામયિકોની પ્રકાશન પ્રવૃત્તિનો વિસ્તૃત પરિચય અપાયો છે. છઠ્ઠું પ્રકરણ ગૂજરાત વિદ્યાપીઠની ગ્રંથાલય પ્રવૃત્તિ વિશે છે. સાતમું પ્રકરણ ઉપસંહાર છે. અંતે પાંચ પરિશિષ્ટોમાં અનુક્રમે ગુજરાતી વિભાગના એમ.એ.ના અભ્યાસક્રમો, વિભાગમાં યોજાયેલાં વ્યાખ્યાનોની સૂચિ, શ્રદ્ધાંજલિ કાર્યક્રમોની સૂચિ, સાહિત્યકારોનાં વ્યાખ્યાનોની સૂચિ તથા ગુજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારંભના મુખ્ય મહેમાનોની વિગતો અપાઈ છે.

૭. શીર્ષક : શ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસનું બાલસાહિત્ય
સંશોધક : ચંદ્રકાન્ત કે. વ્યાસ
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૫

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધમાં જાણીતા ગુજરાતી બાળસાહિત્યકાર શ્રી ત્રિભુવન વ્યાસનાં બાલસાહિત્યને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં બાળસાહિત્યની વિભાવના, સ્વરૂપ, તેનાં લક્ષણો, મહત્ત્વ, સર્જકની સજ્જતા વગેરે મુદ્દાઓની વિચારણા કરી છે. ગુજરાતી સાહિત્યમાં ખેડાયેલ બાળસાહિત્યની વિકાસરેખા પણ આલેખી છે. અહીં ત્રિભુવન વ્યાસનો જન્મ, અભ્યાસ, બાળપણ તથા ઘડતર વગેરે પરિબળો વિશે વાત કરી છે. ત્યાર બાદ ત્રિભુવન વ્યાસનાં બાળસાહિત્યનાં પુસ્તકોનો બાળસાહિત્ય સ્વરૂપની દૃષ્ટિએ અભ્યાસ રજૂ કર્યો છે. ત્યાર બાદ બાળસાહિત્યકાર ત્રિભુવન વ્યાસની વિશેષતા-મર્યાદાઓ રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૮. શીર્ષક : સાહિત્યિક અભિરુચિ અને શૈક્ષણિક ટી.વી.
સંશોધક : ભૂપેન્દ્ર આર. ભાટી
માર્ગદર્શક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૯૮

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. શોધકર્તાએ સાહિત્ય અને સમૂહમાધ્યમોનો સંબંધ જેવા વિષયને કેન્દ્રમાં રાખી અભ્યાસ રજૂ કર્યો છે. પ્રારંભમાં સાહિત્ય અને સમૂહમાધ્યમોનો સંબંધ, સમૂહમાધ્યમોના પ્રકારો, શૈક્ષણિક ટી.વી.નો ઉદ્ભવ તથા વિકાસ વગેરે મુદ્દાઓની ચર્ચા કરી છે. ટી.વી. કાર્યક્રમોમાં સાહિત્યનું મહત્ત્વ અને તેને લગતા કાર્યક્રમોની વિગતો આપી છે. આ પ્રકારના કાર્યક્રમોની સમાજ પર કેવી અસર પડે છે તે દર્શાવ્યું છે. પ્રજામાં સાહિત્યિક રૂચિ કેળવવામાં ટી.વી.નો કેવો ફાળો રહ્યો છે તેની ચર્ચા કરી છે. અંતે સંદર્ભસૂચિ આપી છે.

૯. શીર્ષક : હયાતી’ અને ‘દલિતચેતના’ સામયિકો : એક વિશ્લેષણાત્મક અધ્યયન
સંશોધક : રાકેશ કે. પરમાર
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ વિભાગમાં વિભાજિત છે. આ શોધનિબંધ ‘હયાતી’ અને ‘દલિતચેતના’ સામયિકમાં પ્રકાશિત થયેલ લેખોને ધ્યાનમાં રાખીને તૈયાર થયો છે. પ્રથમ પ્રકરણમાં ગુજરાતી સાહિત્યિક સામયિકોના ઉદ્ભવ અને તેની વિકાસરેખાનો ખ્યાલ અપાયો છે. બીજાં પ્રકરણમાં ‘હયાતી’ સામયિકની વર્ગીકૃત લેખસૂચિ રજૂ થઈ છે. ‘હયાતી’ના ૧ થી ૪૮ અંકોના લેખોને સ્વરૂપવાર વર્ગીકૃત કરીને રજૂ કરાયા છે. ત્રીજાં પ્રકરણમાં ‘દલિતચેતના’ સામયિકની લેખસૂચિ રજૂ થઈ છે. તેમાં ૧ થી ૪૦ અંકોનો સમાવેશ થયો છે. તેને પણ સ્વરૂપવાર વર્ગીકૃત કરાયા છે. ચોથા પ્રકરણમાં ‘હયાતી’ અને ‘દલિતચેતના’ સામયિકના મહત્ત્વના લેખોનો વસ્તુલક્ષી પરિચય આપેલો છે. જેમાં દરેક સ્વરૂપના જુદા જુદા લેખો આવરી લઈને તેનું મૂલ્યાંકન કરેલું છે. પાંચમા પ્રકરણમાં તારણો અને ઉપસંહાર રજૂ થયાં છે.

૧૦. શીર્ષક : પ્રત્યક્ષ’ સામયિક સૂચિ : વર્ગીકરણ, વિશ્લેષણ અને મૂલ્યાંકન (૧૯૯૧-૨૦૦૮)
સંશોધક : જાગૃતિ જે. મહેતા
માર્ગદર્શક : ધ્વનિલ પારેખ
સંશોધન વર્ષ : ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ પાંચ પ્રકરણમાં વિભાજિત છે. પ્રથમ પ્રકરણમાં શોધનિબંધની ભૂમિકા અપાઈ છે. બીજાં પ્રકરણમાં સામાયિક લેખસૂચિની ઉપયોગીતા દર્શાવી સામાયિકની વ્યાખ્યા, સામાયિક લેખસૂચિ, સામાયિક લેખસૂચિના હેતુ, પ્રયોજનો અને પ્રકારોની વિચારણા થઈ છે. ત્રીજાં પ્રકરણમાં ‘પ્રત્યક્ષ’માં ૧૯૯૧ થી ૨૦૦૮ સુધીમાં પ્રકાશિત થયેલા લેખોને સ્વરૂપની દૃષ્ટિએ વર્ગીકૃત કરીને આ લેખોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરી છે. ચોથા પ્રકરણમાં ‘પ્રત્યક્ષ’ સામયિકમાંથી પસંદ કરેલા લેખોનું સ્વરૂપ પ્રમાણે વર્ગીકરણ કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેમાં ‘પ્રત્યક્ષીય’, ‘કવિતા’, ‘ટૂંકીવાર્તા’, ‘નવલકથા’, ‘નાટક’, ‘નિબંધ’, ‘પ્રવાસ’, ‘ચરિત્ર-સંસ્મરણો-પત્રો’, ‘વિવેચન-સંશોધન’ અને ‘પ્રકીર્ણ’ વગેરે વિભાગ કરવામાં આવ્યા છે. અંતે તારણો રજૂ થયાં છે.