ચિત્રકૂટના ઘાટ પર/પેપ્સીકો અને પર્યાવરણ

Revision as of 14:11, 25 July 2021 by KhyatiJoshi (talk | contribs)
પેપ્સીકો અને પર્યાવરણ

અષાઢનો એ પહેલો દિવસ હતો. બે દિવસથી આગાહી હતી કે, વરસાદ થશે. સવારમાં ઊઠ્યા ત્યારે આકાશ મેઘાચ્છન્ન પણ હતું. મને થયું કે, શું ન્યૂયૉર્ક નગરમાં પણ ભારતીય ઋતુચક્રનો અનુભવ થશે? કાલિદાસ અને એમના મેઘદૂતનું સ્મરણ થઈ આવ્યું અને આપણા ચોમાસા માટે મન વ્યાકુળ બની ગયું. દુનિયાના ઘણા દેશમાં શિયાળાનો તમામ સ્તરે અનુભવ થાય, પરંતુ ચોમાસું તો આપણું. કાળા ડમ્બર મેઘ અરબી સમુદ્રમાંથી ભારતીય આકાશમાં ગાજવીજ સાથે સમારોહપૂર્વક સવારી લઈને આવે ને માત્ર ધરતીની આબોહવા જ નહીં, આપણું ચિત્ત પણ બદલાવ અનુભવે.

અમે હતાં ન્યૂયૉર્કની હડસન નદી પાર કરી ઉત્તર તરફના વ્હાઈટ પ્લેઈન્સ નામના ગામમાં, પ્રીતિ સેનગુપ્તાના ઘરે. પ્રીતિ પોતે વિશ્વપ્રવાસી અને પ્રવાસલેખિકા. અમને આ વિસ્તારનું તમામ આશ્ચર્ય અને સૌંદર્ય બતાવવાની એમની હોંશ. ન્યૂયૉર્ક જોવા જતા અમેરિકા આવેલા પ્રવાસીઓ ન્યૂયૉર્કના બારામાં ઊભેલું સ્વતંત્રતાદેવીનું પૂતળું; અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવી ગગનગામી ઈમારતો; બહુ બહુ તો બ્રોડવે કે એકાદ મ્યુઝિયમની મુલાકાત લઈને સંતોષ માને. પછી ગુજરાતી પ્રવાસી હોય તો બ્રોડવે પર આવેલી બૅન રેમન્ડની દુકાનેથી ઘેર – ભારત લાવવા સાડીઓ ખરીદવા જાય. હા, આ બધું તો અમે જોઈએ જ, પણ ૭૯ સ્ટ્રીટ બોટ પિઅર પર ખુલ્લામાં સંગીતનો કાર્યક્રમ હોય; સેન્ટ્રલ પાર્કમાં ઝાડ નીચે પાથરણાં પાથરી શેક્સપિયરનું નાટક જોવા માટે પ્રતીક્ષા કરવાની હોય, નગરથી દૂર હડસનને કિનારે ખડકાળ કાંઠે બેસી ચુપચાપ થતી સંધ્યા જોવાની હોય, ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીના કૅમ્પસ પર ભ્રમણ કરવાનું હોય; સાઉથ સ્ટ્રીટ સીપોર્ટ પર અમેરિકન સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આતશબાજીનો કાર્યક્રમ જોવાનો હોય; ચાયના ટાઉનની ચીની દુકાનોમાંથી અસલ ચીની પંખા વેચાતા જોવાના હોય.

અષાઢનો પહેલો દિવસ હતો. સહયાત્રી ડૉ. અનિલા દલાલે બરાબર ખાતરી કરી લીધી. એમને પ્રીતિબહેનની વ્હાઈટ પ્લેઇન્સની બાલ્કનીમાંથી આકાશ જોતાં અમદાવાદના પોતાના ઘરની બાલ્કની અને હીંચકો યાદ આવી ગયાં, ત્યાંથી ઝૂલતાં ઝૂલતાં જોયેલા મેઘને. પ્રીતિએ વાતાવરણને અનુરૂપ રવીન્દ્રનાથના ગાનની કૅસેટ મૂકી :

મેઘેર પરે મેઘ જમે છે…

ન્યૂયૉર્કમાં કાલિદાસ અને રવીન્દ્રનાથ!

આવી જલધરભીની સવારે પ્રીતિ અમને પેપ્સીકોનો પાર્ક જોવા લઈ ગયાં. હા, પેલી પેપ્સીકોલાવાળી વિશ્વવિખ્યાત રાક્ષસી કંપની. આપણે ત્યાં પેપ્સીકોલાના આગમન અને ઉત્પાદન વિષે વાદવિવાદ ચગેલો. મને થયું કે, આપણે વળી પેપ્સીકોના પાર્કમાં જવાની શી જરૂર? મોટી મોટી ફેક્ટરીઓ, કારખાનાંઓની મુલાકાત લેવી બહુ ગમતી નથી. ઔપચારિકતાવશ ક્યારેક એમની વર્કશોપમાં ગંભીર મુખમુદ્રા અને જાણે બધી સમજણ પડતી હોય એવા ખ્યાલ સાથે, જિજ્ઞાસાથી એકાદ-બે પ્રશ્ન પૂછી જાણે રસ પડતો હોય એવું વર્તન બતાવવાના અવસર આવ્યા છે, પણ જાતે થઈને જવાનું કદી વિચાર્યું નથી.

પ્રીતિનો આગ્રહ હતો કે પેપ્સીકો તો જોવું જ. વ્હાઇટ પ્લેઈન્સથી આખો માર્ગ રમ્ય. અમેરિકન ગામડાં કેવાં હોય એ આ રસ્તે જોવા મળ્યું. વાદળઘેર્યો દિવસ તો હતો જ, ત્યાં પેપ્સીકોના પાર્કમાં પ્રવેશ કર્યો. એક તરફ પેપ્સીકોના કારખાનાની વિશાળ ઇમારત દેખાતી હતી અને આ તરફ પાર્ક. આ તે પેપ્સીકોનો પાર્ક કે નન્દનવન! નંદનવનની તો આપણે માત્ર કલ્પના કરી શકીએ. દેવતાનો એ ઉદ્યાન. એ પણ ‘કલ્ટીવેટેડ ગાર્ડન્સ’ ને! આ પણ રચવામાં આવેલો ઉદ્યાન. સ્થપતિ પાસે ડિઝાઈન તૈયાર કરાવી લખલૂંટ દ્રવ્યથી રચવામાં આવેલો ઉદ્યાન, પણ ક્યાંય દ્રવ્યનું અભદ્ર પ્રદર્શન ન અનુભવાય. યુરોપનાં કેટલાંક નગરોમાં ઐતિહાસિક ઉદ્યાનો જોવાનો રોમાંચ હતો, પણ એ બધા ઉદ્યાનોની તુલનામાં પેપ્સીકોનો પાર્ક વધારે પ્રાકૃતિક હતો.

જાણે સહજ રીતે ઊગી આવેલાં હોય એમ વૃક્ષો, જાણે સહજ રીતે ઢોળાવોથી રચાઈ ગયેલું હોય એવું તળાવ. જેમ કોઈ તરણ કે તરુણી પોતાના સુંદર કેશની લટ જાણે કે બેફિકરાઈથી લહેરી રહી છે એ દેખાડવા કેટલો બધો કલાત્મક પરિશ્રમ કરે એમ. ખૂબી એ હોય છે, એ પરિશ્રમની પ્રક્રિયા દેખાવી ન જોઈએ. આ પાર્ક પણ જાણે એમ સહજ રચાયાનો એહસાસ કરાવે.

ભોંય તો દેખાય નહીં. મુલાયમ ‘લશ ગ્રીન’ ગાલીચો દૂરસુદૂર પથરાયો છે. ચાલતાં ચાલતાં તળાવ પાસે આવ્યાં. તળાવ વચ્ચે ટાપુ હતો અને બાજુમાં એક ફુવારો પાણી વચ્ચેથી ઊંચે ઊછળી પાણીમાં પડતો હતો. એવો એક જોયો હતો જીનેવા લેકમાં. અનેક ખૂણાવાળા તળાવમાં બતક અને હંસ (?) તરતાં હતાં. તળાવ કાંઠેની એક શિલા પર બેઠાં. એક માતા-બતકડી અને એની પાછળ દોડતાં નાનાં બતકડાંની ક્રીડા જોતો રહ્યો. એક કુટુંબ બતકડાંને કંઈક ખાવાનું નાખતું હતું. ત્યાં વીથિકા જેવા માર્ગ પર કોઈ ‘જોગિંગ’ કરતું હતું, કોઈક ચાલ્યું જતું હતું. આપણને પણ થાય કે આવા મેઘગંભીર દિવસે આપણે પણ ચાલ્યા જ કરીએ.

ન્યૂયૉર્ક આવનારને કાલિદાસની ભાષામાં કહેવાની ઇચ્છા થાય કે ‘વક્રપંથા યદ્યપિ ભવતઃ’ – જરા વાંકો માર્ગ લેવો પડે તો ભલે, પણ આ સ્થળે તો જવું. બાજુના પરચેઝગામમાં છે ‘સુની’ – સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયૉર્કનું રમણીય કૅમ્પસ.

પેપ્સીકોએ પોતાના કારખાના અને કાર્યાલયની બાજુમાં આ વિશાળ જગ્યામાં પાર્કની રચના કરી છે તે એક રીતે તો પર્યાવરણની સુરક્ષા માટે. કારખાના દ્વારા થતું પ્રદૂષણ ભોગવવાનું સમગ્ર જગતને, નફો લઈ જાય કારખાનાના માલિકો! અમદાવાદથી વડોદરા જતાં કેટલીક નદીઓમાં વહે છે નર્દમા, નર્યા રસાયણથી યુક્ત કાળાં પાણી. એ નદીઓ મૃત્યુ પામી છે.

કારખાનાં જો અનિવાર્ય અનિષ્ટ હોય તો, કારખાનાંની આસપાસ પર્યાવરણની સુરક્ષા ઊભી થવી જોઈએ. એક વાર અતુલ અને સાહિત્ય પરિષદ તરફથી આયોજિત સાહિત્યિક કાર્યક્રમમાં વલસાડ પાસેના પ્રસિદ્ધ અતુલના કૅમ્પસ પર જવાનું થયેલું. કારખાનાંઓનું સ્થળ કે વૃક્ષોનું ઉપવન? એનામાં વળી ઘટાદાર કદંબ ખીલેલા!

પાર્કમાં સ્થળે સ્થળે આધુનિક શિલ્પો મૂકવામાં આવ્યાં છે. જ્યાં બેઠાં હતાં ત્યાં ડેવિડ વાઈનર નામના શિલ્પીનું ગ્રીઝિ બૅર-રીંછનું વિરાટ શિલ્પ. પછી ચાલતાં ચાલતાં આર્નોલ્ડો પોમોડ્રાનું શિલ્પ જોયું – ત્રયી. ત્રણ ઊંચા સ્તંભો – તંતુવાદ્યો હોય એમ. લીલું એટલે કેટલું લીલું હોઈ શકે તે અહીંની કૃત્રિમ લીલી ટેકરીઓ જોતાં લાગે. વચ્ચે ચાલવાનો વાંકો માર્ગ. જાણે ચાલતાં ચાલતાં કેડી પડી ગઈ હોય, પણ હોય રચેલી.

કમળતળાવડી અથવા કહો કે કમળકુંડ જોઈને તો રાજી રાજી! નીલકમલ, રક્તકમલ, પીતકમલ, કેટલા રંગનાં કમળ! કેવાં તો ખીલેલાં છે! આસપાસ પાછું બધું કુદરતી લાગે. તેમાં તો રક્તકમલ આંખે વળગી જાય. વાદળિયો દિવસ, સૂરજ દેખાતો નહોતો છતાં ભરપૂર ખીલેલાં. કાલિદાસ કથિત અભ્રદિને ‘ન પ્રબુદ્ધા ન સુપ્તા’ એવી ભારતીય કમલિનીઓ એ નહોતી, એ હતી અમેરિકન, અસૂર્યદર્શને પણ પ્રફુલ્લ.*

[૯-૬-૯૧]


* આ નિબંધ લખ્યો ત્યારે પેપ્સીકોનો ભારત પ્રવેશ થયો નહોતો. વૈશ્વીકરણને પ્રતાપે આજે એ ઘરઆંગણનું પીણું બની ગયું છે.