યુરોપ-અનુભવ/વિસા પ્રકરણ

Revision as of 14:51, 25 July 2021 by KhyatiJoshi (talk | contribs)
વિસા પ્રકરણ

નવા પાસપૉર્ટમાં યુ.કે. અને યુ.એસ.એ.ના વિસા સૌપ્રથમ મળી જાય એ જરૂરી હતું. મેં મારો વિચાર સહપ્રવાસીઓને કહ્યો. જો યુ.કે.ના વિસા મળી જાય અને અન્ય યુરોપીય દેશોના ના મળે, તો હું અહીંથી યુ.કે. શાંતિભાઈને ત્યાં ચાલ્યો જાઉં. યુ.કેને જરા ધ્યાન અને સમય આપી જોવાનો સમય મળશે. દરમ્યાન ચારેય મહિલા પ્રવાસીઓ પ્રવાસના અમારા આયોજન મુજબ યુરોપના દેશોમાં ફરી યુ.કે. આવી જાય. એ પછીની વિચારણા પછી.

પરંતુ સહપ્રવાસીઓ આશાવાદી હતા. આપણને યુરોપના બીજા કેટલાક દેશોના પણ વિસા મળશે. સૌપ્રથમ યુ.કે.ની એમ્બસીએ પહોંચી ગયા. અહીં જે મહિલા અધિકારી હતી તે બહુ અક્કડ હતી. એની આગળ હકીકતો રજૂ કરી. આવેદનપત્ર ભરી આપ્યું. ઝૅરોક્સ પાસપૉર્ટ પણ બતાવ્યો અને નવા પાસપૉર્ટમાં વિસાનો સિક્કો મારી આપવા વિનંતી કરી.

આ કાર્યાલયમાં પણ કર્મચારીઓ જૂજ જ હતા. કોઈ પટાવાળા હોવાનો તો પ્રશ્ન જ નહિ. પોતે ટેબલ પર બેસે, પોતે કાઉન્ટર પર આવી અરજદાર સાથે વાત કરે. નારીસહજ જરા પણ માર્દવ નહિ. એણે પછી કહ્યું : ‘પહેલાં આ પાસપૉર્ટ પર યુ.એસ.ના વિસા લઈ આવો, પછી હું તમને યુ.કે.નો વિસા આપવાનું વિચારી શકું.’ મેં ફરી વિનંતી કરી તો કહે : ‘You have lost your Passport, not Me. કહેવાનો આશય હતો : હું કહું તેમ કરો.

‘યુ.એસ. વિસા મળ્યા પછી સાંજે પાંચ વાગ્યે આવશો.’

વળી પાછું યુ.એસ.ની ઑફિસે. અહીં ઘણા અરજદારો હતા. મેં પણ ફૉર્મ ભર્યું, એ સાથે જૂના પાર્સપોર્ટની નકલ રાખી હતી. થોડી વાર વીતી. અમારી અધીરાઈ વધતી જતી હતી. મારા નામનો સાદ પડતાં હું કાઉન્ટર પર ગયો. યુ.કે.ની મહિલા અધિકારીની તુલનામાં તો આ વિનયશીલ મહિલાનો વ્યવહાર મને સ્પર્શી ગયો. તેણે કહ્યું : ‘Mr. Patel, You have done a wonderful thing. you have kept the zerox of the original Passport.’ આમ કહી, સિક્કો મારી આપતાં બોલ્યાં : ‘હું ઇન્ડિયામાં કલકત્તામાં રહી છું. ભારતવાસીઓ માટે મને સ્નેહ છે.’

યુ.એસ.એ.નો વિઝા મળતાં અમે હર્ષવિભોર થયાં. પાછાં યુ.કે.ની ઑફિસે પહોંચી ગયાં – સમયથી જરા વહેલાં. પેલી બહેને Counter closedનું પાટિયું વિન્ડો પર આડું મૂકી રાખ્યું હતું. એ પોતે અંદર હતી જ. અમને જોઈ જરા ગુસ્સાના સ્વરમાં – ‘I have told you to come at 5.’ કહી પોતાના કામમાં લાગી ગઈ. પાંચ વાગ્યે જ એણે મારો નવો પાસપૉર્ટ લઈ યુ.એસ.એ.નો વિસાસિક્કો ચેક કરી પછી કડક હાથે યુ.કે.ના વિસાનો સિક્કો મારી આપ્યો. પાસપૉર્ટ પાછો આપ્યો. મેં આભાર માન્યો, પણ ‘નો મેન્શન’ કહેતાં પણ એના ચહેરાની રેખાઓ તો તંગ જ રહી.

અમારું કામ, મારે મતે તો, ૫૦ ટકા થઈ ગયું હતું. હવે કમ સે કમ મારા મિત્રો તો યુરોપના બીજા દેશોમાં પ્રવાસ કરી શકશે. આજે તો હવે ઑફિસો બંધ થવાનો સમય થયો હતો. હવે આવતી કાલે જર્મની, ઇટલી આદિ દેશોના વિસા મેળવવાની શ્રદ્ધા હતી. ઇટલીના વિસા તો તરત મળી જાય છે એમ અમને કહેવામાં આવ્યું. એ સાંજે અમે હળવાશ અનુભવતાં હતાં. છતાં મારા મનમાં અજબ પ્રકારની વ્યગ્રતા હતી. રાત્રે ૧૦ વાગ્યે પણ સૂરજનું અજવાળું હોય. પરદા પાડી દીધા તોપણ ઊંઘવાનો પ્રયત્ન સફળ થતો નહોતો.

હવે અમે બ્રસેલ્સના માર્ગો, એનાં સ્ટેશનો (ત્રણ સ્ટેશન છે) અને તેની વિશાળતાથી અભિભૂત હતાં. ઘણી વાર તો લાંબા માર્ગે ચાલી નાખતાં. અમને થતું હતું કે આ કૉન્ટિનેન્ટલ હોટલમાં ઉતારો ન મળ્યો હોત તો ઉચિત માર્ગદર્શન અને આત્મીયતા અન્યત્ર આ અજાણ્યા મુલકમાં ક્યાંથી મળત?

અમારા કમભાગ્યે હવે શનિ, રવિ આવતા હતા. શનિવારે પણ અહીંની ઑફિસો તો બંધ રહે છે. હવે બે દિવસ કેવી રીતે વિતાવવા? અનિલાબહેન સાથે સૌનો આગ્રહ હતો કે આટલું રોકાયા છીએ, તો હવે સોમવાર સુધી રોકાઈ જઈએ.

હું તો બનેેલક્ (બેલ્જિયમ, નેધરલૅન્ડ અને લક્ઝમબર્ગ) દેશોની બહાર જઈ શકું તેમ નહોતું. એટલે વિચાર્યું કે, હું કાલે (શનિવારે) બ્રસેલ્સમાં રહીશ. અહીંથી નજીક આવેલું વૉટરલૂનું મેદાન (જ્યાં નેપોલિયન બોનાપાર્ટની હાર થઈ હતી) જોવા જઈશ અને સૌ મિત્રો જર્મનીના કૉલોન શહેરની મુસાફરી કરી આવે. ત્યાંનું પ્રસિદ્ધ ચર્ચ જુએ અને તે સાથે રાઇન નદીની ક્રૂઝનો પણ અનુભવ કરી લે, અને રાત્રે પાછાં બ્રસેલ્સ આવી જાય.

રવિવારે અમે સૌ સાથે નામુર અને લક્ઝમબર્ગ જઈ આવીએ એવું પણ વિચારી લીધું. આ નિર્ણયથી અમે પાછા અમારા અસલ મૂડમાં આવતાં જતાં હતાં. અમે વિચારતાં હતાં કે, જ્યાં માત્ર એક દિવસ જ રોકાવાની યોજના હતી ત્યાં સપ્તાહ થઈ જશે. અમારે હવે પ્રવાસ-આયોજનમાં પણ થોડા ફેરફાર કરવા પડશે – કદાચ હવે કોપનહેગન અને બર્લિન ડ્રોપ કરીએ તો જ પછીનો શિડ્યૂલ જળવાય. પરંતુ, હજી તો નવા પાસપૉર્ટમાં અન્ય દેશોના વિસા મેળવવાના છે!