બહુરંગી/વખત ગુમાવવાની કળા

Revision as of 02:47, 26 May 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વખત ગુમાવવાની કળા

વખત પૈસા છે. વખત ગુમાવવો એ બહુ મોટી ભૂલ છે એમ તો તમે રોજ સાંભળો છો. તથાપિ જેને વખતનો કોઈ ઉપયોગ કરવો જ ન હોય, વખત અથવા પૈસાનો ખપ ન હોય, તેને વખત કેમ ગુમાવવો તે પણ આવડવું જોઈએ. ‘નવરો બેઠો નખોદ વાળે’ એ કહેવત ખરી છે. માટે નવરા બેસવું નહીં અને કામ પણ કરવું નહીં. એ વખત ગુમાવવાની કળાનું રહસ્ય છે. કાંઈ કામ કરવાનું ન હોય તો અયાસી પેઠે પડી રહેતાં ઇંગ્રેજીમાં કહે છે તેમ વખત આપણા પર લટકતો લાગે તે કાંઈ ઇચ્છવા જેવી સ્થિતિ નથી. ત્યારે એ કળાના વ્યવહારિક દૃષ્ટાંત રૂપે હું મારો હરરોજનો કાળક્રમ જણાવીશ. એટલે પ્રૅક્ટિસ અને થિયરીનું ભેગું જ્ઞાન મળી શકશે. મારે માટે મારા વડવાઓ ગુજરાનના સાધન જોગું ધન ભેગું કરીને મૂકી ગયા છે એટલે મારે ધન કમાવાની ફિકર નથી. સવારમાં હું જેમ બને તેમ મોડો ઊઠું છું. વખત ગુમાવવા માટે એ પ્રથમ જરૂરનું છે, કારણ કે સવારના પહોરમાં વહેલા ઊઠવાથી મન ઉત્સાહથી ભરાઈ કામ કરવાની વૃત્તિ થાય છે અને સૂરજ ઊગતાં પહેલાં ઊઠીએ તો વખત કેમે કર્યો ખૂટતો નથી. માટે મોડા ઊઠવાની ટેવ મેં પાડી છે. આઠ વાગતે ઊઠી અડધો કલાક પથારીમાં આળસમાં કાઢી દાતણ ધીરે ધીરે કરતાં નવ વાગે, એટલે નોકર ચાનો કપ લાવી આપે તે લહેજતથી પીતાં સાડાનવ થાય છે. સાડાનવે મારું ટોઇલેટ એટલે માથું ઓળવા, હજામત વગેરેનું કામ શરૂ થાય છે. હજામ પાસે હજામત કરાવતાં માત્ર પાંચ મિનિટ લાગે અને હાથે કરતાં ખાસો અડધો કલાક થાય માટે તે હું પસંદ કરું છું. અડધો કલાક તેમાં અને અડધો કલાક સફાઈબંધ વાળ ઓળી સેંથો પાડી વાંકાં જુંલ્ફાં શોભાયમાન કરતાં સાડાદસ થાય. સાડાદસે મારી ટપાલ આવે તે જોવી, જરા ઉપલક વર્તમાનપત્ર જોવું એટલામાં અગિયાર થાય. વર્તમાનપત્ર જોયા વિના મારે ચાલે તેમ નથી, કારણ કે હું કાંઈ ધંધોધાપો નથી કરતો માટે મૂર્ખ છું એમ તમે ધારતા હો તો ભૂલ છે. મારી ઓળખાણ-પિછાણના ગૃહસ્થો સાથે વાતચીત કરવાનું સાધન તો મારે રાખવું જ જોઈએ. અગિયાર વાગતે સ્નાન શરૂ થાય તે સાડાઅગિયાર વાગતે પૂરું થાય. એટલામાં જમવાનો વખત થાય. ભોજન કરી રહેતાં બાર તો વાગે જ. તે પછી પાનસોપારીના મુખવાસનો પ્રયોગ શરૂ થાય. કોઈની કરેલી બીડી ખાવી મને રુચતી નથી. મારાં પત્નીના હાથની પટ્ટી પણ બનતાં સુધી હું ખાતો નથી. તેનાં બે મુખ્ય કારણ છે : એક તો એ કે દરરોજ વગર કાળજીએ ધારા પ્રમાણે પત્નીએ બનાવેલા પાન કરતાં કોઈ દિવસ ખાસ ફરમાશથી બનાવેલી બીડીની લહેજત ઑર છે. અને બીજું, કોઈ પાન તૈયાર કરીને મૂકે તો ચપ દઈને મહોડામાં નાખવામાં તો મિનિટ એકનું કામ, તે મારા જેવાને કેમ પરવડે? પાન લૂછવું, તેની દરેકેદરેક નસ સૂડીની ધારથી છીલવી, તે પર સફાઈથી ચૂનો લગાડવો, કાથો નાંખવો અને સોપારીનું બીડું વાળવું. અને સોપારીને ઉપરથી તમામ છોલી બોડું કરી તેની એકસરખી સફાઈદાર ભૂકી કરવી અને નિરાંતે ખાવું એમાં જે ‘મજાહ’ રહેલી છે તે અનુભવનાર શોખીનો જ સમજી શકે તેમ છે. આમ કરતાં એક વાગે એટલે હીંચોળા ખાટમાં એકાદ કલાક અલ્પ નિદ્રા લેવાની મને ટેવ છે. વખત ગુમાવવો હોય તેણે બપોરે સૂવાની ટેવ અવશ્ય પાડવી. એથી વખત ઝટ પસાર થઈ જાય છે અને વગર કસરતે જમેલું પાચન થાય છે. રાતે પલંગમાં અને દિવસે ખાટમાં સૂવું. કેમ કે એકની એક સ્થિતિનો કંટાળો ન લાગે! વળી તે ઉપરાંત ઝોકું ખાવો એ કંઈ કાર્ય કરીએ છીએ, એવો ભાસ કરાવનાર સાધન છે. બે-અઢી વાગે સૂઈ ઊઠી મારી પત્ની સાથે વાર્તાલાપમાં કલાક-દોઢ કલાક ક્યાં ગયો તે જણાતું નથી. હું ધારું છું કે દરેક પરણેલા પુરુષની એ ફરજ છે કે પોતાની પત્ની સાથે સુખવાર્તામાં દિવસનો થોડો કાળ વ્યતીત કરવો. ધંધાની દોડાદોડીમાં અને બહાર ભટકવામાં દિવસ પૂરો કરનારે આ વાત ધ્યાનમાં રાખવી. ચારનો ટકોરો થયો કે મારે ‘ચ્હા’ વગર ન ચાલે. ચ્હા પીને ટોઇલેટ ફરી શરૂ કરવાનું. હાથ-મ્હોં ધોઈ, વાળ હોળી કપડાં પહેરી તૈયાર થતાં પાંચ વાગી જાય. પાંચ વાગે એટલે ફરવા જવું અને પાછા ફરતાં મારા દોસ્તદારોને ત્યાં વારાફરતી જાઉં. આજ એક ભાઈબંધને ત્યાં અને કાલે બીજાને ત્યાં. વળી અઠવાડિયામાં એકાદ દિવસ સઘળા ભાઈબંધોને મારે ઘેર તે જ વખતે તેડતા આવવું. કામ વગરના માણસોએ સારી એવી ફ્રેંડોની સંખ્યા રાખવી જ જોઈએ, એમ મને સમજાયું છે, કેમ કે તેમના સહવાસમાં વખત સહેલાઈથી પસાર કરી શકાય છે. તેમની સાથે રમતગમત અને ગપ્પાં હાંકવામાં જિંદગીનું વહેણ સરળ થાય છે. રાતે નવેક વાગે ફ્રેંડો સાથેથી છૂટા થયા પછી ભોજન લઈ હું દરરોજ મારી પત્ની સાથે પાનાં રમું છું. પાનાં એ મારા જીવનને પ્રોત્સાહિત કરનાર સાધન છે. દરેક મનુષ્યને કાંઈ excitement જોઈએ. અને પાનાંની રમતમાં એવું કૃત્રિમ excitement મળી શકે છે, તે રમનારાંથી અજાણ્યું નથી. અગિયાર વાગે હું નિયમિત સુનારો છું. આ મારી નિત્યની દિનચર્યા છે. એમાંથી જણાશે કે હું કાંઈ પણ કામ કરતો નથી, છતાં નવરો પણ બેસતો નથી. અરે, મને કાગળ-પત્ર લખવાની પણ ઘણી વાર ફુરસદ મળતી નથી. ફુરસદ કામ કરનાર જ મેળવે છે, એ મેં જોયું છે. મારાં માસી, મામી, ફોઈ, કાકીને ત્યાં પણ કોઈ વાર સાંજનો જાઉં છું. તેમની સાથેની વાતચીતથી ન્યાતજાત સગાંસંબંધીની ખબરો મળી શકે છે. કામકાજ વગરના પરવારતા માણસોએ પુષ્કળ વાતોડિયો સ્વભાવ રાખવો ખાસ જરૂરનો છે. વાતોમાં ને વાતોમાં વખત ચાલ્યો જાય ત્યારે અમુક ઠેકાણે જવાનું રહી ગયું, ચા પીવાની વેળા વીતી ગઈ, જમવાને વાર થઈ. એવું-એવું બને ત્યારે આપણે કાંઈ નકામા નવરા બેસી રહેનારા માણસ નથી, એવી પ્રતીતિ થઈ મનને સંતોષ થાય છે. મારે સુભાગ્યે મારી પત્ની પણ મારી પેઠે વખતનો ઉપયોગ કરનારી મળી છે. તે કામ કર્યાં કરે તેમાં વાંધા જેવું મને ન લાગે, પણ પોતે કામ કરનારી હોય તો ‘આખો દહાડો કાંઈ કામ કરતા નથી, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે’ એમ કરી દહાડો પૂરો કરો છો. પુરુષને ગમે એવો ધનવાન હોય તોપણ ઉદ્યમ જોઈએ, એવાં-એવાં મહેણાં મારે તો બૈરીના ટોણા હું સાંભળી શકું નહીં. તેથી પોતે જ, પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે કરનારા મારા સ્વભાવને અનુકૂળ સ્ત્રી મને મળવાથી પરમેશ્વરનો પાડ માનું છું. કામ વગર જિંદગી બોજારૂપ છે એવું માનનાર, પણ કામ કરનારને માટે હાડકાં ન ચાલતાં હોય તેવાઓને માર્ગ દર્શાવવા માટે મારો કાર્યક્રમ જણાવ્યો છે. હું કામ નથી કરતો માટે ખરાબ માણસ છું, એમ તો તમે કહી શકશો નહીં. અમારે સંતતિ નથી એટલે અમારી ટેવ અમારાં બાળકોને તો શીખવી શકીએ તેમ નથી તેથી ‘વસુધૈવ કુટુંબકમ્’માની અન્ય જનોના લાભાર્થે આ પ્રકટ કરું છું.

– સ્વ. વિદ્યાગૌરી નીલકંઠ ‘નચિંત’
‘હાસ્યમંદિર’માંથી


‘જ્ઞાનસુધા’ના સને ૧૯૧૩ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના અંકોમાં છપાયેલો લેખ.