ચૈતર ચમકે ચાંદની/‘હાશ’ની અપરોક્ષાનુભૂતિ

Revision as of 09:59, 26 July 2021 by KhyatiJoshi (talk | contribs)
‘હાશ’ની અપરોક્ષાનુભૂતિ

રજાનો દિવસ હતો. દેખીતી રીતે તો નિરાંત હોવી જોઈતી હતી, પણ હવે શું રજા કે શું કામકાજનો દિવસ, આ ‘નિરાંત’ શબ્દ માત્ર શબ્દકોશમાં રહેવાનો લાગે છે. રોજબરોજના નગરજીવનમાં ‘નિરાંત’ જાણે સુખ નામના પ્રદેશની જેમ કલ્પનાનો વિષય છે.

તેમાં વળી આપણી પ્રકૃતિ એવી કે કામકાજના ચાલુ દિવસોમાં ઓછું કામ કરીએ અને બાકીનું રજાના દિવસ માટે ઠેલીએ, એટલે ખરેખર જ્યારે રજાનો દિવસ આવે ત્યારે કામના ઢગલા વળી ગયા હોય. કામ દ્રૌપદીના ચીરની જેમ કોઈ ‘તારણહાર’ના અદૃષ્ટ હાથમાંથી ખેંચાતાં આવે, અન્ અંત અને પછી તો ‘દુઃશાસન કી ભૂજા થકિત ભઈ.’

ઘણી વાર મારી જાતને પ્રશ્ન પૂછું છું – શું હું ગજાબહારનાં તો કામ માથે લેતો નથી ને? ગજાબહારનાં એટલે આપણને મળેલા સમયમાં પહોંચી ન વળાય એટલાં, પણ એવુંય ખાસ નથી. કામ ખેંચાતાં જાય, ભેગાં થતાં જાય, નવાં પાછાં ઉમેરાતાં જાય, એટલે જેમ દિવસભરને અંતે હાથ ખંખેરીને કોઈ ‘હાશ’ કરીને બેસે, એવી ઘડી જાણે આવતી નથી.

મને એકદમ યાદ આવ્યું. આપણાં પ્રસિદ્ધ લેખિકા વિનોદિની નીલકંઠના બંગલાનું નામ હતું ‘હાશ.’ જાણે અનેક ઠેકાણે ફરી ફરી ઠરીઠામ થયા હોઈએ એવો ભાવ જાગે – ‘હાશ’ આ શબ્દ હિન્દી ભાષામાં નથી. ‘હાશ’નો પર્યાય જ ત્યાં નથી. હિન્દીવાળાને કદાચ હાશ નહીં હોય, પણ ગુજરાતી ભાષાનો આ શબ્દ, જો હવે તો શબ્દકોશમાં જ રહેવાનો હોય તો એના હોવાથી શું? અનુભવનો વિષય નહિ બને શું?

હિન્દી પરથી મને એક હિન્દી કવિની કવિતા યાદ આવી. દિલ્હીવાસી નગરકવિ ભારતભૂષણ અગ્રવાલ (હવે સદ્ગત)ની ‘વિદેહ’ નામની કવિતામાં એવો ભાવ છે કે કવિ એક દિવસ સાંજે ઑફિસેથી ઘેર પહોંચે છે, ત્યારે અજબ ઘટના બને છે. ઘરમાં કોઈ એમના તરફ ધ્યાન દેતું નથી. પત્ની ચા માટે પણ પૂછતી નથી. બાળકો પાસે રમવા આવતાં નથી. નોકર પણ વાસીદું વાળતો રહ્યો. કવિને થયું કે આ લોકોને મન શું હું છું જ નહિ? પછી રેડિયો ચલાવવા ગયા તો લાગ્યું હાથ ગાયબ છે, બોલવા ગયા તો મોઢું લુપ્ત છે, દૃષ્ટિ છે પણ જાણે આંખો નથી અને વિચારે છે પણ જાણે માથું છે કે નહિ એ વિષે સંદેહ થાય છે.
‘પછી ધીરે ધીરે ખબર પડી :

ભૂલથી માથું ઑફિસમાં

ભૂલીને આવ્યો છું

હાથ બસમાં જ લટકાવેલા

રહી ગયા

આંખો ફાઈલોમાં જ ગૂંચવાઈ ગઈ

મોઢું ટેલિફોનમાં જ ચોંટેલું રહ્યું હશે,

અને પગ?

'પગ ક્યૂમાં રહી ગયા છે

‘આજે હું ઘેર પાછો આવ્યો છું

વિદેહ બની.’

આપણે જનકરાજાને જનકવિદેહી કહી ‘વિદેહી’ હોવાને કારણે એટલે કે દેહમાં છતાં દેહભાવમાંથી બહાર નીકળી જવાની એમની સિદ્ધિને કારણે સ્તુતિ કરીએ છીએ, પણ આજના નગરજીવનના આ ‘વિદેહી’ વિષે શું કહીશું?

મને થયા કરે છે, કેવી મનઃસ્થિતિઓ હોય છે આપણી આજના વ્યસ્ત જીવનમાં? જે ક્ષણે જ્યાં હોઈએ, ત્યાં મનથી હોઈએ નહિ, મન બીજા કામના વિચારમાં હોય. એ કામ હાથ પર લઈએ ત્યારે મનોનેપથ્યમાં ત્રીજા કામનું રિહર્સલ ચાલતું હોય, એટલે જે તે ક્ષણને જે તે ક્ષણ તરીકે જાણે પામતા નથી. એનું કારણ જાણે જીવનમાં ‘હાશ’ નથી.

ક્યાંક લાગે કે થોડો સમય મળે એમ છે ત્યાં આપણે પોતે જ માથે લીધેલાં કામો રાહ જોતા હોય.

એટલે રજાનો દિવસ પણ રજાનો લાગતો નથી. ધારો કે કંઈ કામ ન કરો અને બેસી રહો, પણ મન તો નવરું પડે નહિ એટલે બેસી રહેવા છતાં તંતોતંત નિરાંત અનુભવાતી નહોતી. ઘરમાં નાનકડો મૌલિક છે. એની સાથે જેટલી ક્ષણો ગાળીએ એટલી ક્ષણો આપણું શૈશવ પાછું આવે એવો અનુભવ થાય છે. પણ એને તેડેલો હોય ત્યારે ઘણી વાર ક્યાંક જવાનું છે, ક્યાંક પ્રવચન કરવાનું છે, કોઈક આવવાનું છે, કશુંક લખવાનું છે – એ યાદ આવી જાય અને આત્મવિસ્મૃતિની દિવ્ય ક્ષણો ઝૂંટવાઈ જાય.

જોકે પાછો સ્વભાવ એવો કે મનમાન્યું વાંચવા કે ગાન સાંભળવા સમય કાઢી લઈએ. તેમ છતાં ‘હાશ’ના અનુભવપ્રદેશમાં જાણે જવાતું નથી.

હમણાં રજા સિવાયની રજાઓ મળી હતી. અશાંત પરિસ્થિતિને કારણે યુનિવર્સિટી બંધ હતી. ઘેર રહેવાનું હતું. જોકે એવી સ્થિતિ હતી કે એમાં તો ભાગ્યે જ ‘હાશ’ અનુભવાય. ઊલટાની વ્યગ્રતા આપણને ગ્રસી રહેતી હોય. એમાંથી બચવા કામમાં ડૂબી જવાનો વિકલ્પ જ શોધવો પડે.

બપોર સહેજ ઢળવા આવી હતી. હું મારા અભ્યાસખંડમાં હતો. અમારી આ પ્રોફેસર્સ કૉલોની આજથી ૨૫ વર્ષ ઉપર બનેલી ત્યારે એની પશ્ચિમનો તમામ વિસ્તાર ખાલી હતો. પૂર્વમાં દૂર સુધી ખાલી અને દક્ષિણે છેક યુનિવર્સિટી સુધી ખાલી. અભ્યાસખંડની બારીમાંથી યુનિવર્સિટી ટાવરમાં સમય જોઈને હું નોકરીએ નીકળતો, એટલી ખુલ્લાશ ચારે તરફ હતી.

પણ હવે એ ચારે તરફ મકાનોની, ઊંચાં મકાનોની ભીડ થઈ ગઈ છે. પહેલાં આખું આકાશ જાણે મારું આકાશ હતું. હવે તો આ બારીમાંથી અને બાલ્કનીમાંથી જેટલું દેખાય તેટલું જ આકાશ મારા ભાગ્યમાં છે જાણે. તડકો પણ મારા ભાગ્યમાં હોય એટલો મળે. ડૉ. ભાયાણી કહેતા કે હવે તો સ્પેસ પણ એક લક્ઝરી છે. પહેલાં ઘરની બારીમાંથી દૂરસુદૂર સીધી નજર જઈ શકતી, ક્ષિતિજે ઢળતો સૂરજ દેખાતો. પણ હવે પાડોશમાં જ જરા દૂર મકાનો મકાનો થઈ ગયાં. આકાશ જાણે સીમિત થઈ ગયું છે. છેક અમારી સોસાયટીની હદને અડીને જે થોળની વાડવાળું ખુલ્લું ખેતર હતું, તેમાંય મકાનો બન્યાં. પણ જમીન ટોચધારાના નિયમને લીધે એક ખાસ્સો મોટો જમીનનો ટુકડો ખાલી રહ્યો હતો. મારી દૃષ્ટિને હવે એટલાથી પણ નિરાંત મળતી. ત્યાં વળી એક દિવસ ખાતમુહૂર્ત થયું અને એક ફ્લૅટની સોસાયટી બનવા લાગી – સમજો ને હવે તો મારા ઘરની લગોલગ. પછી તો મારી બાલ્કનીથી માત્ર ૧૦ ફૂટ દૂર જાણે બીજાં મકાનોની બાલ્કનીઓ. પણ આ તો નગર છે. અપને હિસ્સે કા આકાશ, અપને હિસ્સે કી ધૂપ.

પરંતુ બન્યું એવું કે સેલર બન્યા પછી ચારેક ફૂટ ચણતર બહાર આવ્યું હશે કે એકાએક સરકાર તરફથી ‘સ્ટે’ આવી ગયો. ટોચમર્યાદામાં આવતી જમીનમાં ગેરકાયદે બાંધકામ હશે. ચારેક વર્ષથી બધું એમ જ પડ્યું છે. ચણાયેલી ઈંટો જૂની થઈ ગઈ છે, બહાર દેખાતું સ્ટીલ કટાવા લાગ્યું છે, થોડાંક ઝાડ ઊગી ગયાં છે અને તે છે સરગવાનાં. આ ઋતુમાં જ્યારે બધી પ્રકૃતિ મ્લાન લાગે છે ત્યારે ઊંચા ઊંચા સરગવાનાં શ્વેત ફૂલોની ઝુમ્મરો તડકામાં રૂપાળી દેખાય છે. એને વધારે રૂપાળી બનાવે છે ઊડાઊડ કરતા ભમરા કે ફૂલચુહી. એને અડીને નીચે બોરડીનું ઝાંખરું પણ ઊગી નીકળ્યું છે. કોટ તો ચણાયેલો હતો, એટલે બનતા મકાનની અધૂરી લાંબી દીવાલ અને કોટ વચ્ચે ઊગેલાં આ ઝાડ-ઝાંખરાંને લીધે મજાનું એકાન્ત રચાઈ ગયું છે.

વળી ત્યાં કોઈની કશી અવરજવર નથી. અધૂરી ઇમારતવાળા આ ખાલી પ્લૉટની સામેના કોટ પછી બીજાં મકાનો છે અને આથમણી બાજુ તો છાત્રાલયની હદ બતાવતા લીમડાની હાર છે.

સવાર, બપોર, સાંજ કે રાત-મધરાત બાલ્કનીમાં આવીને ઊભા રહેતાં આ ખાલી પ્લૉટનું એકાન્ત અનુભવાય છે.

મધરાતે ચાંદનીમાં તો તે કોઈ પ્રાચીન ખંડેરનું રહસ્યાત્મક સૌંદર્ય પણ ધારણ કરે.

અવશ્ય એની બાજુમાં જે સોસાયટી બની છે, એનો પાછલો ભાગ હંમેશાં પ્રવૃત્ત હોય છે. મોડી રાત સુધી વાસણોનો ખખડાટ ચાલે, પણ એ કદાચ વૈષ્ણવ પરિવાર હોવાથી વહેલી સવારે પણ વાસણ બોલવા લાગે. મારા જેવાને પાછલી રાતમાં ગાઢ નિદ્રા આવતી હોય ત્યારે ખલેલ અનુભવાય. પણ એય તે આ નગરજીવનની દેન.

રજાના આ દિવસે એ ઘરોના પાછલા ભાગમાં બપોર પછીના સમયમાં શાંતિ છે. પણ પેલા ખાલી પ્લૉટમાં તો ખરેખર નીરવતા છે. ઉપર સરગવાનાં ફૂલોનાં ઝૂમખાં પર ભમરા ક્યાંક ઊડે છે અને ડાળીઓ પર કાગડા-ચકલીઓની પ્રવૃત્તિઓ ચાલે છે. જરાય જંપ નહિ.

ત્યાં મેં નીચે જોયું – પેલા બોરડીના ઝાંખરા પાસે બે બિલાડીઓ એવી તો શરીરને વહાવી દઈને બેઠી હતી જાણે બપોર સુધીનું કામ પતાવી ‘હાશ’ કરીને ન બેઠી હોય અને એમની ‘હાશ’નો અનુભવ મને એ ક્ષણે અણુએ અણુમાં થઈ ગયો.

જાણે બધાં કામ પૂરાં થઈ ગયાં છે અને હવે પછી કોઈ કશુંય કામ નથી. આ પછીની ક્ષણોનો કોઈ કશો ઉચાટ નથી. માત્ર આ ક્ષણો છે અને એ છે હાશની પરમ ક્ષણો. ઝાડ ઉપર ચંચળ પંખીઓ છે, પણ નીચે બનેલા એકાંતની છાયામાં આ બિલાડીઓ એકદમ અચંચળ. એકદમ કાળી છે એક, બીજી કાબરચીતરી. બન્નેના મનમાં પરમ શાંતિ હોવી જોઈએ, નહિતર આટલી રિલેક્સ્ડ ન લાગતી હોત, એટલું જ નહિ મને ઊંડે સુધી ‘હાશ’નો સ્પર્શ ન કરાવી ગઈ હોત.

ફ્રેંચ કવિ બૉદલેરની બિલાડીઓ વિષેની કવિતાઓ વાંચી છે, પણ મને બિલાડીઓ નથી ગમતી, એમાંય એને વિષે પાછી કવિતાઓ? તેમ છતાં આજે આ ઢળતી અલસ બપોરે આ બે બિલાડીઓને રિલેક્સ્ડ મૂડ અને મુદ્રામાં જોઈ તેથી તો કવિ ન હોવાનો વસવસો છે. ‘હાશ’ એટલે શું એનો આ બિલાડીઓ વગર કહ્યે એકદમ અપરોક્ષ અનુભવ કરાવી ગઈ.

થોડો સમય વીત્યા પછી મેં ફરી બાલ્કનીમાંથી નજર કરી તો એ તો જતી રહી હતી, પણ હું એ જગ્યાને તાકી રહ્યો જ્યાં એ બોરડીના ઝાંખરા પાસે સરગવાના ઝાડ નીચે એકાન્ત છાયામાં બેઠી હતી.

અને એ પછી આખી સાંજ હું રજાના મૂડમાં રહ્યો. નિરાંતે ‘અખંડ આનંદ’ના લેખો વાંચ્યા, નાના મૌલિક સાથે મન ભરીને રમ્યો, હેમંત મુખરજીની રવીન્દ્ર સંગીતની આખી કેસેટ ગણગણતાં સાંભળી અને સાંજ ઢળે એ ગીતોની ગુનગુન હોઠે લઈ યુનિવર્સિટીના મેદાનો વૃક્ષોના બરછટ શરીરે હાથ ફેરવતો ફરતો રહ્યો.

૧૦-૧-૯૩