ચૈતર ચમકે ચાંદની/‘બાત બોલેગી હમ નહીં’

Revision as of 10:14, 26 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘બાત બોલેગી હમ નહીં’}} {{Poem2Open}} સારા કવિ હોય એટલા જ સારા મનુષ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
‘બાત બોલેગી હમ નહીં’

સારા કવિ હોય એટલા જ સારા મનુષ્ય હોય, બલ્કે વધારે સારા મનુષ્ય હોય એમનામાં રહેલા કવિ કરતાં, તો તે કવિ શમશેર બહાદુર સિંહ. હિન્દી ભાષાના આ પ્રસિદ્ધ કવિ છેલ્લાં આઠ વર્ષથી ગુજરાતમાં રહેતા હતા, પહેલાં સુરેન્દ્રનગર અને ચારેક માસથી અમદાવાદ. ગઈ ૧૨મીએ વહેલી સવારે સિવિલ ઇસ્પિતાલમાં ૮૩ વર્ષની વયે કવિ શમશેરનું દુઃખદ અવસાન થયું. આજથી ૧૫ વર્ષ પહેલાં ૧૯૭૮માં કવિ શમશેરને એમના કાવ્યસંગ્રહ ‘ચુકા ભી હૂઁ નહીં મૈં’ને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો ત્યારે એમની કવિતા વિશે એક લેખ મેં લખેલો, પરંતુ આજે એમના નિધન પછી એમને વિશે લખવા જતાં જાણે મુશ્કેલી અનુભવું છું.

મુશ્કેલી એમની સાથે વધેલા પરિચયને લીધે થઈ છે. આમ તો કવિનો સાચો પરિચય એમની કવિતા જ હોય છે, પણ શમશેરજી વિશે એટલું પૂરતું લાગ્યું નથી. થોડોક સમય પણ જે કોઈ એમના પરિચયમાં આવે, તેને તરત એ અનુભવ થશે કે તે ઇન્સાનિયતના, મનુષ્યત્વના કોઈ એક આદર્શની રૂબરૂ થયો છે. જે એમની વધારે નિકટ આવે તે તો કદાચ એ વાતને વીસરી પણ જાય કે આવા કવિ અને ઇન્સાન વચ્ચે કંઈક દ્વન્દ્વ પણ હોય. કવિ-ઇન્સાન બન્ને રીતે એટલે સહજ, સરળ, પારદર્શી અને છતાં મર્મી.

એમને મળીએ એટલે એમના હાથમાં આપણો હાથ લે, સમગ્ર હાથ. એ સ્પર્શમાં જ એમની ઓળખ થઈ જાય. મોટી વયના થયા પછી માએ પણ કદાચ આ રીતે મારા હાથને આમ મમતાપૂર્વક એના હાથમાં લઈ સહલાવ્યો નહીં હોય. એમના એ સ્પર્શમાં એમના ઋજુ હૃદયનો ઝુકાવ અનુભવાય. ક્યાંય કશી કૃત્રિમતા કે બનાવટ નહીં.

એમ કહેવાય છે કે, હિન્દીના ત્રણ માણસો, પછી એ સાહિત્યકારો કે પ્રાધ્યાપકો સાથે થયા હોય ત્યારે, એમાંથી એક જણને જવું હોય તોય જલદી ઊઠે નહીં. એને ખબર છે કે, પોતે જેવો ઊઠશે કે બાકીના બે તરત જ તેની નિંદા શરૂ કરી દેશે. અમસ્તાય આપણા લોકોને સાહિત્યના નવ રસ કરતાંય જે પ્રિય અને તલ્લીનતાનો અનુભવ કરાવનારો રસ છે તે છે નિંદા રસ. મોટા લેખકો પણ એમાંથી બાકાત જોયા નથી, પરંતુ કવિ શમશેરજીને મુખે કદીયે ક્યારેય કોઈની નિંદા સાંભળી નથી. દરેક વ્યક્તિમાં યત્કિંચિત સારું હોય તેની તે સારપ જ જુએ. માણસમાત્રમાં એટલી જ શ્રદ્ધા ને વિશ્વાસ, અથવા કહો જીવનની વિધાયક દૃષ્ટિ. એટલે શમશેરજી જેવા કવિનું ઊઠી જવું એ એક મોટી ખોટ બની જાય છે. કવિઓ તો નવા નવા આવતા રહેશે, પણ…

શમશેરજી હિન્દીના તો ખરેખર મોટા ગજાના કવિ. અજ્ઞેયજીએ શરૂ કરેલી પ્રયોગવાદી અને પછી નઈ કવિતાના મુખ્ય હસ્તાક્ષર. એટલું જ નહીં એમને ‘નઈ કવિતાના પ્રથમ નાગરિક’ એવું બિરુદ પણ મળ્યું. પરંતુ બિરુદથી શું? શમશેરજી પ્રશસ્તિઓથી પણ પર રહ્યા હતા. શ્રેષ્ઠ ભારતીય કવિ તરીકે મધ્યપ્રદેશ સરકારે સ્થાપિત કરેલ ‘કબીર સમ્માન’ મેળવનાર પણ આ પહેલા કવિ હતા. માત્ર એમના સમકાલીનો જ નહિ, આજની પેઢીના કવિઓ માટે પણ શમશેરજી સન્માન્ય રહ્યા છે. તેઓ પોતાની કવિતાના પાઠ એમની પાસે શીખે છે. એ અર્થમાં એ ‘કવિઓના કવિ’ છે.

મારી એક છાત્રાએ એમ.એ. હિન્દીમાં પ્રથમ વર્ગ મેળવ્યા પછી એક દિવસ કહ્યું કે મારે શમશેરજી પર પીએચ.ડી. કરવું છે. હું આશ્ચર્યથી એ છાત્રા – રંજના અરગડે–સામે જોઈ રહ્યો, નહિ કે, પીએચ.ડી. કરવાની એની ક્ષમતા નહોતી, પણ શમશેરની કવિતા પર પીએચ.ડી.? અઘરા, જલદી ન ખૂલતા કવિ તરીકેની શમશેરની છાપ. પણ એ અડગ હતી.

પણ તે પછીનો સ્વાધ્યાય આકરો હતો. શમશેરજી એક આધુનિક ‘મૉડર્ન’ કવિ છે, પાશ્ચાત્ય આધુનિકતાવાદી કાવ્યઆંદોલનોના પરિચય વિના એમની કવિતાનું મૂલ્યાંકન બરાબર થઈ શકે નહીં. શમશેરની કવિતા ‘સુર્‌રિયલ’ છે. સુર્‌રિયાલિઝમના અભ્યાસ વિના આવા પ્રકારની કવિતાનું વિશ્લેષણ થઈ શકે નહીં, શમશેરજીની કવિતા માર્ક્સવાદી વિચારધારાની સાથે માર્ક્સવાદી સૌન્દર્યશાસ્ત્ર પણ જાણવું પડે. શમશેર ચિત્રકાર પણ હતા. ચિત્રકલા અને કવિતાના સંબંધોને જાણો તો કદાચ એમની કવિતાનું સમ્યક્ વિવેચન થઈ શકે – અને આ બધી તાલીમમાં પસાર થયા પછી, રંજનાએ એમને વિશે મહાનિબંધ લખવાનો શરૂ કર્યો. કવિ શમશેર ત્યારે વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈનમાં પ્રેમચંદ સૃજનપીઠના અધ્યક્ષ હતા. એમને પણ એ વારંવાર મળવા જતી હતી.

રંજનાને પીએચ.ડી.ની ડિગ્રી મળી. એનો મહાનિબંધ પ્રકટ થયો અને બબ્બે વાર પુરસ્કૃત થયો, એ તો બરાબર, પરંતુ પછી વૃદ્ધ થતા જતા કવિ શમશેર સુરેન્દ્રનગરમાં અધ્યાપિકા બનેલાં ડૉ. રંજનાના પરિવારના સભ્ય બની ગયા. રંજનાનાં માતાપિતાએ પણ શમશેરને પોતાના સ્વજન માન્યા. છેલ્લાં આઠ વર્ષ શમશેરજીને રંજનાની પરિચર્યા મળી.

ડૉ. રંજનાએ શમશેરજીની કવિતાને જે રીતે પરિશીલિત કરી, સ્વયં શમશેરજીને પણ પરિસેવિત કર્યા – આ ઘટના સાહિત્યજગતમાં વિરલ છે. શમશેરજીના પોતાના પરિવારમાં એક એમના મોટા ભાઈને બાદ કરતાં કોઈ છે નહીં. ૧૯૨૯માં શમશેરજીનું લગ્ન થયું હતું. ખબર પડી પત્નીને ક્ષય છે. તેડી આવ્યા. એની સેવાચાકરી કરી, પણ ૧૯૩પમાં પત્નીનું અવસાન થયું. પછી કવિએ ફરી વાર લગ્ન કર્યું નહિ. એમની વય ત્યારે પચ્ચીસ વર્ષની જ હતી.

કવિ શમશેરનો જન્મ તો થયેલો દહેરાદૂનમાં, એક જાટ પરિવારમાં. જાટ પરિવારમાં જન્મવા છતાં આટલું સુકોમળ સંવેદનશીલ હૃદય! આવી સૂક્ષ્મ સૌન્દર્યદૃષ્ટિ? પટેલ અને જાટ સરખા. એક વખત બળદની વાત નીકળી. મેં કહ્યું પટેલને બળદ સાથે આત્મીયતા બહુ. એ કહે જાટને હોય એટલી નહિ. રંજનાએ કહ્યું – એમણે તો ‘બૈલ’ – બળદ વિશે કવિતા લખી છે.

કવિએ જીવનમાં ઘણા સંઘર્ષો વેઠ્યા છે. ચણા-મમરા પર દિવસો કાઢ્યા છે. અંગ્રેજી સાથે એમ.એ. પ્રથમ વર્ષનો અભ્યાસ કર્યો, પણ ચિત્રકલામાં વધુ રસ પડતાં બે વર્ષ ચિત્રકલાની તાલીમ લીધી. ચિત્રો દોર્યાં. મોસાળમાં નાના તો ફારસીના અધ્યાપક હતા. ફારસીની સાથે-સાથે ઉર્દૂનો ગહન અભ્યાસ. હિન્દીમાં ન લખ્યું હોત તો ઉર્દૂના પણ મોટા કવિ થયા હોત. દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ-હિન્દી કોશના એ સંપાદક હતા.

હમણાં એક પખવાડિયા પહેલાં જ એક સાંજે ડૉ. રંજનાને ત્યાં મેં કહ્યું કે, ‘શમશેરજી! ઇકબાલ કે બારે મેં આપકી ક્યા રાય હૈ? મેરા તો ઉનકે પ્રતિ એક પૂર્વગ્રહ હૈ. પાકિસ્તાન કા ખ્યાલ ઉનકા થા.’ વગેરે. શમશેરજીએ તરત કહ્યું – ‘ઇકબાલ તો બહુત બડે કવિ હૈ.’ એમણે રવીન્દ્રનાથ સાથે સરખાવ્યા, પણ એમની કંઈ ટીકા કરી નહીં પછી ગાલિબની વાત નીકળી. મેં કહ્યું – ‘ગાલિબની કવિતા સંભળાવો.’ રંજનાએ ચોપડી કાઢી આપી. ડૉ. મૃદુલા પણ હતી. પ્રો. ઉજમ પણ હતા કદાચ. પુસ્તક હાથમાં લેતાં કહે – ‘મુઝે શરમ આતી હૈ કિ મુઝે કિતાબ ખોલની પડતી હૈ.’ પછી ધ્રૂજતે હાથે ચોપડીમાંથી ગાલિબની રચના વિશ્લેષણ સાથે અટકી અટકીને સંભળાવી.

ફારસી-ઉર્દૂ-હિન્દી-સંસ્કૃતના તમામ ભાષા સાહિત્ય માટે પ્રેમ. અંગ્રેજીના તો વિદ્યાર્થી હતા. એ ભાષા-ભાવ બનાવતી આ પંક્તિઓ જુઓ :
ઈશ્વર અગર મૈંને અરબી મેં

પ્રાર્થના કી તૂ મુઝસે

નારાજ હો જાયેગા?

અલ્લમહ યદિ મૈંને સંસ્કૃત મેં

સંધ્યા કર લી તો તૂ

મુઝે દોઝખ મેં ડાલેગા?

લોગ તો યહી કહતે ઘૂમ રહે હૈં

તૂ બતા, ઈશ્વર!

તૂ હી સમઝા, મેરે અલ્લાહ!

બીજી એક નાનકડી કવિતામાં હિન્દી-ઉર્દૂના દ્વન્દ્વને ભૂંસી નાખતાં કવિ કહે છે :
વો અપનોં કી બાતેં,

વો અપનોં કી ખૂ-બૂ

હમારી હી હિન્દી,

હમારી હી ઉર્દૂ.

એક બાજુ કોયલ છે, બીજી બાજુ બુલબુલ છે. કવિ કહે છે અમે બન્નેનાં ગીત માણીએ છીએ.

‘વામ વામ નામ દિશા/સમય સામ્યવાદી.’ જેવી માર્ક્સવાદી કવિતાઓ એમણે અવશ્ય લખી છે, પરંતુ અન્ય સાર્થકનામ કવિઓની જેમ શમશેર પણ સૌન્દર્ય અને પ્રેમના કવિ છે. ચિત્રકાર તો રહ્યા છે, એટલે રંગોની સુષમા એ જાણે છે અને કવિતામાં લઈ આવે છે. પણ જરા એકાધિક વાર આ કવિતાઓ વાંચવી પડે. હિન્દી વિવેચના કોઈ પણ સાહિત્યકૃતિને ‘વાદ’ના ખાનામાં નાખીને પરખતી હોય છે, પરંતુ શમશેરની કવિતા માત્ર કવિતા છે, વાદમાં નાખવા જતાં કવિ અને કવિતા બંનેને અન્યાય થાય છે. શમશેરની કવિતા હંમેશાં જાણે ‘અન્ડર ટૉન’માં રહે છે. એક કવિતામાં એમણે કહ્યું છે : ‘બાત બોલેગી/હમ નહીં.’

શમશેરજીનાં બચપણ, વિદ્યાભ્યાસ અને કાર્યજીવનનાં બધાં વર્ષો હિન્દીભાષી વિસ્તારોમાં વીત્યાં, અને છેવટનાં વર્ષો ગુજરાતમાં. સુરેન્દ્રનગરમાં એ ડૉ. રંજનાના પરિવારમાં રહેતા. ત્યાં બીજાં અધ્યાપિકા ડૉ. બિન્દુ ભટ્ટ અને એમના પરિવારના પણ એ સભ્ય ગણાતા. સુરેન્દ્રનગરના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. અગ્રવાલના પરિવારના પણ સભ્ય. જે કોઈ શમશેરજીના પરિચયમાં આવે તે બધાં તેમનાં થઈ જાય. મોટેરાં, નાનેરાં.

છેલ્લાં સાતેક વર્ષ સુરેન્દ્રનગર હિન્દીના સાહિત્યકારો માટે જાણે એક તીર્થ હતું. દિલ્હીથી નામવરસિંહ કે કવિ કેદારનાથસિંહ આવે કે, સુરેન્દ્રનગર જવાનું. ગોરખપુરથી પરમાનંદ શ્રીવાસ્તવ આવે કે, સુરેન્દ્રનગર જવાનું. એક વખત તો પરમાનંદજી સાથે સોમનાથના સાગરદર્શને શમશેરજી સાથે અમે સૌ ગયેલાં. કવિ અને સાગરનો સાક્ષાત્કાર જોવામાં આનંદ હતો. છેલ્લે જર્મન હિન્દી વિદ્વાન લોઠાર લુત્ઝે અને મરાઠી કવિ દિલીપ ચિત્રે અમદાવાદ આવી ગયા. માત્ર કવિનાં દર્શન કરવા.

શમશેરજી પોતાની પાછલી વયમાં પણ સતત નવું નવું વાંચ્યા કરતા. સુંદર કવિતા કે કવિતાની ચર્ચા એમને ગદ્ગદ કરી દેતી. ગુજ. યુનિવર્સિટી રીડર્સ ક્વાર્ટ્સમાં જ્યાં ડૉ. રંજનાને આવાસ મળેલો છે, ત્યાં પુષ્કળ મોર છે. મોર આંગણમાં આવે, કળા કરે, ટહુકા કરે. શમશેરજીની ચેતનામાં આ મોર બહુ વસી ગયા. એક સાંજે આંગણામાં ઊભા રહી મને બતાવે, પેલાં વૃક્ષો જુઓ – ‘માનોં તરાશે હુએ –’ કોતરી ન કાઢ્યાં હોય! નૃત્ય કરતા મોર, સાંધ્ય વૃક્ષ – કવિઆંખે સુંદર સુંદર!

વૈશાખી પૂર્ણિમાને દિવસે મેં કહ્યું – ‘પોએટ, લ્યુનાટિક અને લવર – ત્રણેય સરખા. તમે કવિ છો, ચંદ્રપ્રેમી છો એટલે લ્યુનાટિક પણ–પરંતુ?’ કહે ‘હું મોટો પ્રેમી છું.’ એ દિવસે આંગણ ઊતરી બહાર આવી વૈશાખનો પૂર્ણ ચંદ્ર જોઈ પ્રસન્ન થઈ ગયા. હમણાંની વાત.

ઇસ્પિતાલમાં પણ છેલ્લે સુધી જાણે સચેત. રંજના, બિન્દુ, હર્ષદ, મૃદુલા, ઉજ્જૈનથી આવેલા પ્રોફેસર જય અને અન્ય સૌ એમની પરિચર્યામાં ચોવીસે કલાક. રાજ્યપાલશ્રીએ પણ પુષ્પો રૂપે આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

બુધવારે વહેલી સવારે કવિએ પૂછ્યું – ‘કિતને બજે હૈં?’ ‘સવા ચાર.’ કવિના હોઠ ફફડવા લાગ્યા. ગાયત્રી મંત્ર. ત્યાં હાજર રંજના- મૃદુલાએ પણ ગાયત્રીનો પાઠ શરૂ કર્યો. ‘મેરી મૃત્યુ પ્રાતઃ કાલ કો હોગી’ કવિએ કહેલું – ‘સાથ ઢેર સારે ગેંદે કે ફૂલ.’

સાડાચારે મૃદુલાનો ફોન આવ્યો, થરથરતો અવાજ : ‘સર, શમશેરજી નહીં રહે.’

બીજે દિવસે રાજસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ‘આકાશવાણીએ શમશેરજીના અવસાનના સમાચાર બાર કલાક મોડા કેમ આપ્યા?’

૩૦-પ-૯૩