ચૈતર ચમકે ચાંદની/ઇતિ વદતિ તુલસીદાસ

Revision as of 16:02, 26 July 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઇતિ વદતિ તુલસીદાસ}} {{Poem2Open}} શ્રાવણ બેસે એટલે ચિત્તમાં કૃષ્ણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇતિ વદતિ તુલસીદાસ

શ્રાવણ બેસે એટલે ચિત્તમાં કૃષ્ણનું વિશેષ સ્મરણ જાગે અને જેવો ચૈત્ર બેસે એટલે રામનું.

શ્રાવણમાં જન્માષ્ટમી અને ચૈત્રમાં રામનવમી.

ચુસ્ત અર્થમાં હું ધાર્મિક નથી. મંદિરે જવાનો નિત્યક્રમ નથી. અને નથી ઉપાસનાના કોઈ વિધિવિધાનમાં રસરુચિ. છતાં કૃષ્ણ કે રામનું સ્મરણ જમીનથી થોડા અધ્ધર કરે છે. પરંપરાગત રીતે અમારું કુટુંબ રામોપાસક. અમારા ગામમાં જૈન દેરાસર, સ્વામિનારાયણનું મંદિર, ખાખચોકમાં લક્ષ્મીનારાયણનું મંદિર અને શ્રીરામજી મંદિર. નાનપણમાં અમે મિત્રો બધે જઈએ, અને બધા બધે પગે પણ લાગીએ.

થોડા દિવસ મને પછી રામજી મંદિરમાં જવાની નિયમિત ટેવ પડેલી. સાયં આરતી વખતે પહેલેથી જઈ પહોંચીએ. નગારાના ડંકા કે ઝાલર બજાવવાની મોગરી હાથ કરીએ. પૂજારી ગર્ભગૃહનો પરદો પાડી અંદર જઈ આરતીની શિખાઓ પેટાવે અને એના હાથમાં ઘંટડી વગાડતાં પરદો દૂર કરે કે અમે નગારા પર ડંકા બજાવીએ કે તાલબદ્ધ રીતે ઘંટ વગાડીએ. પછી તો એકદમ આરતીમય.

એ વખતે અમારા રામજી મંદિરમાં અયોધ્યાથી આવેલા એક પૂજારી રહેતા. કુંજબિહારી કે એવું નામ. આજે અવશ્ય કહી શકું કે એક પૂજારી તરીકેની બધી યોગ્યતા તેમનામાં હતી. તિલક માટે ચંદન ઘસવાથી માંડી રામ, લક્ષ્મણ અને જાનકીનાં વસ્ત્રપરિધાનની સહજ આવડત. રામજી મંદિરમાં રામ-લક્ષ્મણની ધનુર્ધારીના રૂપમાં શ્વેત આરસની પ્રમાણસરની પ્રભાવક મૂર્તિઓ. સીતાની પણ સોહામણી મૂર્તિ. કલાત્મક મુકુટ અને આભૂષણ અને રેશમી વસ્ત્ર એ મૂર્તિઓ પર સોહી રહેતાં.

એક બાલમિત્રે રામજીના ધનુષની વાત કરતાં કહેલું કે એમને ખભે આ જે ધનુષ છે, તે બાસઠ મણનું છે. ‘આ રામજીને ખભે છે એ જ? હા, એ જ.’ ન માનવાની એ વય નહોતી. બાસઠ મણના ધનુષને રામજીએ એમાં જાણે ભાર જ ન હોય, એમ ખભે ભરાવ્યું છે – અમે જેમ નિશાળે જતાં દફતર ભરાવતા.

એ પૂજારીજીની આરતીમાં એક ગરિમામય લય હતો. મુખ્ય દેવતાઓની આરતી ઉતાર્યા પછી હનુમાન-ગણપતિની દેવડીમાં તેમની આરતી, અને પછી બહાર ઓટલા પર જઈ આકાશની આરતી અને પછી મંદિરની દીવાલે લટકતી અન્ય દેવી-દેવતાઓની અને પછી ભક્તોની પણ. એમની ઘંટડી બંધ થાય એટલે નગારું-ઝાલર બંધ થાય. પણ એમના ગુંજરતા ધ્વનિમાં સિયાવર રામચંદ્ર કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવનસુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય… જય, જય, જય – એમ અનુરણન કાનમાં ગુંજી રહે.

પછી તો દરેક ભક્ત પોતાની રીતે પ્રભુને સાષ્ટાંગ કરી, ઘંટ વગાડે કે તુલસીદલ સાથેનું ચમચીથી હથેળીમાં ચરણામૃત લઈ પાન કરે. પણ જય જય જયના ઘોષ પછી પૂજારીજી તરત સ્તોત્ર શરૂ કરી દેઃ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન

હરણભવભય દારુણમ્

નવકુંજ લોચન કંજ મુખ

કર કંજ પદ કંજારુણમ્…

જે ભક્તો હાજર હોય, તે તાલી સાથે સાથ દે. દરેકની કડીની શરૂઆતમાંના શબ્દ પર પાછો ખાસ ભાર મુકાયઃ
કંદર્પ અગણિત અમિત છબિ

નવનીલ નીરદ સુન્દરમ્

પટપીત માનહુ તડિત રુચિશુચિ

નૌમિ જનક સુતાવરમ્…

અત્યારે તો હું આ મધુર કોમલકાન્ત પદાવલિના પ્રત્યેક પદને સમજીને લખું છું, પણ તે વખતે તો માત્ર એ પદાવલિનો મંત્રમુગ્ધ રણકો જ પ્રભાવિત કરી જતો. ગામથી જ્યારે નીકળ્યો ત્યારે કેટલીક ચીજોની સાથે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન – સ્તોત્રનો સાંધ્ય રણકાર પણ હતો. આજે પણ એ સાથે છે.

કેમ કે પછી તો હિન્દીનો વિશેષ અભ્યાસ કરતાં કરતાં હું કૃષ્ણભક્ત કવિ સૂરસાગરના રચયિતા સુરદાસનો અને રામચરિતમાનસના રચયિતા તુલસીદાસનો વિદ્યાર્થી બન્યો. બી.એ. ઑનર્સમાં એક ખાસ, પ્રશ્નપત્ર તુલસીદાસના સમગ્ર અધ્યયનનું. તેમાં રામચરિતમાનસ તો ખરું જ, બીજાં એમનાં નાનાંમોટાં અગિયાર પુસ્તકો.

એ બી.એ. ઑનર્સની પરીક્ષા આપવા હું બનારસ ગયેલો, એ દિવસોમાં ત્યાં ચૈત્ર સુદ નોમ – એટલે કે રામનવમીનો ઉત્સવ બનારસ હિન્દુ યુનિવર્સિટીના પરિસરમાં ઊજવાયેલો. બીજે દિવસે સવારે પરીક્ષા, પણ એ ઉત્સવમાં હાજર રહી પ્રસાદ લીધા પછી નીકળ્યો. બનારસથી નીકળતાં પહેલાં એક વાર તુલસીદાસે સ્થાપેલા સંકટમોચન હનુમાનના મંદિરે જઈ હજારો ભક્તોને હનુમાનચાલીસાનો પોતપોતાની રીતે પાઠ કરતા જોઈ ચકિત થયેલો.

તુલસીદાસે પોતાની રામભક્તિને અને સુરદાસે પોતાની કૃષ્ણભક્તિને પોતપોતાની ભાષામાં ગાઈ, ના, એમ કહો કે પોતાના ઇષ્ટદેવતાના પ્રદેશની ભાષામાં ગાઈ. રામ અવધપ્રદેશના એટલે તુલસીદાસે અવધિમાં લખ્યું, અને કૃષ્ણ વ્રજમંડલના, તે સુરદાસે વ્રજભાષામાં ગાયું. આ બન્ને કવિઓનો ભારતના જનજીવન પર જે પ્રચંડ પ્રભાવ આજ દિન સુધી છે, તે જોતાં ઘણી વાર થાય કે સુર–તુલસી ન થયા હોત તો! વિદેશી-વિધર્મી શાસન નીચે પીડિત – પ્રતાડિત પ્રજાને ટકી રહેવાનું આત્મબળ ક્યાંથી મળ્યું હોત? તુલસીદાસની ચોપાઈએ જે કામ કર્યું છે, અનેક ધર્મ-આચાર્યો કે ઉપદેશકો ભાગ્યે જ કરી શક્યા હોત. તુલસીદાસની ચોપાઈ જાણે સંજીવન મણિ! આદિ કવિ વાલ્મીકિએ રામાયણની રચના કરી, એમનો અનુષ્ટુપ અને તુલસીની ચોપાઈ. દોહા-ચોપાઈમાં રચિત તુલસીના રામચરિતમાનસે જનગણમનમાં રામચેતનાને જીવંત રાખી છે.

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન – સ્તોત્ર પણ તુલસીદાસનું. કોઈ પણ સ્તોત્રમાં મંત્રશક્તિનો અનુભવ ન થાય તો તે સ્તોત્ર શાનું? એ શિવમહિમ્નસ્તોત્ર હોય, ભક્તામરસ્તોત્ર હોય કે નર્મદાષ્ટકમ્ જેવું સ્તોત્ર હોય. અર્થ નહીં, શબ્દધ્વનિ જ પ્રધાનપણે ખેંચી જાય. સ્તોત્રના એ શબ્દોનું ઉચ્ચારણ જ કોઈ મંત્રની પ્રભાવકતા સિદ્ધ કરે.

તુલસીદાસે, જ્યારે એમને કલિએ (કલિયુગે) કામ વગેરે દુષ્ટો દ્વારા બહુ ત્રાસ આપવા માંડ્યો ત્યારે રામના દરબારમાં અરજી પેશ કરી. આ અરજી એટલે એમની વિનયપત્રિકા. જેમ કોઈ અરજીમાં ભલામણની જરૂર પડે અને તે માટે જેને અરજી કરી હોય તેના નજીકના માણસોની પણ સિફારસની જરૂર પડે, તેમ તુલસીદાસે આરંભમાં ગણપતિ આદિ અન્ય દેવતાઓની વંદના કર્યા પછી ભરત, લક્ષ્મણ, સીતા સૌને વિનંતી કરી, કે પ્રભુ રામજીના દરબારમાં અરજી કરું છું. પ્રભુ આગળ મારી અરજી નીકળે ત્યારે તમે જરા આ દીન તુલસીની ભલામણ કરજો. એ પછી આવે છે સ્વયં રામજીની સ્તુતિ અને પોતાની અરજ. વિનયપત્રિકામાં લગભગ પોણાચારસો પદો છે. તેમાં અંતે એવું આવે છે કે વિનયપત્રિકા રામ દરબારમાં પેશ થાય છે, અને ભરત, લક્ષ્મણ, સીતા આદિ હકારમાં માથું હલાવે છે અને પ્રભુ રામ પણ હસી પોતે એ અરજીનો સ્વીકાર કરી સહી કરે છે – ‘પરી રઘુનાથ હાથ સહી હૈ.’ બિલકુલ અરજી જેવું જ સમગ્ર ગ્રંથનું સ્વરૂપ. શ્રીરામની સ્તુતિ રૂપે જે કેટલાંક સ્તોત્રાત્મક પદો, વિનયપત્રિકામાં છે, તેમાં એક છે ‘શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન.’

હે મન, કૃપાળુ રામચંદ્રને ભજ. દારુણ ભવભયનું એ હરણ કરનાર છે.

તુલસીએ શબ્દોને હુકમ કરીને નાદસૌન્દર્ય જળવાય એમ ગોઠવ્યા.

દારુણ ભવભયહરણ – એમ નહિ પણ હરણભવભયદારુણમ્ – આખા સ્તોત્રમાં ‘મ્’ દ્વારા સંસ્કૃતનો સંસ્પર્શ જ નહિ, નાદપ્રભાવ પણ જન્મી રહે છે. બીજી પંક્તિમાં એક જ ઉપમાન છે – રામનાં લોચન, રામનું મુખ, રામના કર અને પદ માટે, કંજ કહેતાં કમળ. આમ તો બહુ પ્રચલિત ઉપમાન છે, પણ અહી ‘કંજ’નો ઉચ્ચારપ્રભાવ જુઓ, તુલસીદાસ જેવા કવિને કંઈ ઉપમાનોની ખોટ ન હોય – પણ અહીં એકાધિક કંજ દ્વારા જે મંત્રાત્મકતા આવે છે, તે વિવિધ ઉપમાનોથી ન આવી હોત.

કવિને રામની સુંદરતાનું વર્ણન કરવું છે. કમળ સુંદરતાનું પ્રતીક – એટલે ‘નવકંજલોચન કંજમુખ કરકંજ પદકંજારુણમ્–’ યાદ કરતાં કરતાં પંક્તિ બોલી જાવ તો ઠીક, નહીંતર બોલવામાં લોચા પડી જાય. મારો અનુભવ છે એટલે કહું છું. રામને કમળની ઉપમાઓ પર્યાપ્ત થાય? એટલે પછી સૌન્દર્યપ્રેમના દેવતા કંદર્પ-કામદેવની ઉપમા. પણ અગણિત કામદેવની શોભા ભેગી કરો, તો રામની શોભા બરાબર થાય. ‘કન્દર્પ અગણિત અમિત છબિ!’ પછીની પંક્તિમાં નવ ઘનશ્યામની ઉપમા –‘નવનીલનીરદ સુન્દરમ્’. ન વર્ણ તો ખરો જ. અ અને ઈ સ્વરોનું ગુંફન અને પછી સુન્દરમ્. કોઈ અર્થ જાણ્યા વિના પણ વર્ણમાધુર્યથી સુંદરતાનો બોધ પામી શકે. રામે પીતામ્બર પહેર્યું છે –પટપીત – તે જાણે કે તડિત્ એટલે વીજળી..

‘પટપીત માનહુ તડિત રુચિશુચિ નૌમિ જનકસુતાવરમ્’

રામના સૌન્દર્યનું વર્ણન કરી, કવિ જાણે રામના શક્તિરૂપનો નિર્દેશ કરે છે:
ભજુ દીનબંધુ દિનેશ દાનવદૈત્યવંશનિકંદનમ્

રઘુનંદ આનંદકંદ કોસલચંદ દશરથનંદનમ્

દાનવ દૈત્યવંશનું નિકંદન કાઢનાર દીનજનોના બંધુ રામને ભજ. રઘુનંદવાળી પંક્તિમાં નંદ, કંદ અને ચંદનો જે શબ્દાનુપ્રાસ છે, અદ્ભુત છે! રામના શિર પર મુકુટ છે, કાને કુંડળ છે, અંગે આભૂષણો ધારણ કર્યાં છે, પણ એ સાથે રામ છે આજાનુભુજ. ઘૂંટણ સુધી જેના હાથ પહોંચે છે એવા. એ વિશેષણમાં રામના પ્રતાપી દેહબળનો સંકેત છે. એમણે ધનુષબાણ ધારણ કર્યાં છે. (૬૨ મણનું ધનુષ) શરચાપધર, ખરદૂષણને સંગ્રામમાં જીતનારા એ છે. આ રમ્યરૌદ્ર રામનું સ્મરણ કરો પછી ભય શાનો? કોનો?
સિરિમુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગવિભૂષણમ્

આજાનુભુજ શરચાપધર સંગ્રામજિત્‌ખરદૂષણમ્

અહીં પણ ખરદૂષણ પહેલાં ‘સંગ્રામજિત્’ મૂકીને પ્રભાવકતા વધારી છે. એ પછી આવે છે કવિસ્વાક્ષર:

‘ઇતિ વદતિ તુલસીદાસ’

તુલસીદાસ આમ કહે છે.

‘ઇતિ વદતિ તુલસીદાસ’માં કવિના આત્મવિશ્વાસપૂર્વકના હસ્તાક્ષર છે અને એ સાથે વિનંતી છે કે શિવઆદિ દેવતાઓને પ્રિય અને (આ કલિયુગમાં) એમને હેરાન કરનાર કામ વગેરે દુષ્ટોની ટોળકીને પરાભૂત કરનાર રામ મારા હૃદયકુંજમાં નિવાસ કરો.
ઇતિ વદતિ તુલસીદાસ

શંકરશેષમુનિમનરંજનમ્

મમ હૃદયકુંજ નિવાસ કરુ

કામાદિખલદલભંજનમ્.

પદમાં સંસ્કૃતની છાંટ માધુર્ય છલકાવે છે અને તે સાથે સમગ્ર સંસ્કૃત સ્તોત્રપદાવલિની પરંપરાનું અનુરણન. સ્મરણ પરથી આ આખું સ્તોત્ર ચૈત્ર પર્વ નિમિત્તે અહીં ઊતરી આવ્યું. એક બાજુએ તે દૂર અતીતમાં લઈ ગયું, તો બીજી રીતે રામનવમીને દિને શ્રીરામના દરબારમાં વિનયપત્રિકારૂપ બની રહ્યું.

૯-૪-૯૫