શાલભંજિકા/ખંડિયેરમાં હજાર વરસની પ્રેમકવિતા

Revision as of 07:33, 27 July 2021 by KhyatiJoshi (talk | contribs)
ખંડિયેરમાં હજાર વરસની પ્રેમકવિતા

I said to my soul
Be still and wait without hope…
T. S. Eliot

Template:Poem2open મૃલાણ સેનની ‘ખંડહર’ ફિલ્મનાં પોસ્ટર કલકત્તા નગરની ભીંતો પર જોયાં હતાં, પણ પછી એ ફિલ્મ તો જોઈ અમદાવાદમાં એક મિત્રને ઘેર. એની વિડિયો કૅસેટ એ લઈ આવેલા.

‘ખંડહર’ જોતાં જોતાં એવું લાગ્યું કે એનું ‘લોકેશન’ – ઘટનાસ્થલી જાણે કે પરિચિત છે. તેમાં ટેરાકોટા શિલ્પથી મંડિત મંદિરના શૉટ જોતાં તો પરખાઈ ગયું કે શાંતિનિકેતન પાસે આવેલા એક જૂના જમીનદારી ગામનું એ મંદિર છે. એ મંદિરની પાસે જ અસ્ત પામેલી જમીનદારીના અવશેષો જેવી હવેલી પણ છે. પરંતુ ખંડહર જેવી એની હાલત નહોતી. અમદાવાદ-મુંબઈથી આવેલા મિત્રો સાથે શાંતિનિકેતનથી કવિ જયદેવને ગામ કેન્દુલી જતા હતા, ત્યારે ઈલ્લમબજારની એ હવેલી જોઈ હતી.

કદાચ આ હવેલી કોઈ બીજા ગામની હશે, એમ વિચાર્યું. એ ગામ પણ શાંતિનિકેતનની નજીકનું જ હોવું જોઈએ. મૃણાલ સેનની ટુકડી શાંતિનિકેતનમાં પડાવ નાખીને નજીકના ગામમાં આ ફિલ્મનું શૂટિંગ કરવા જતી એ વાત શિવકુમાર જોષીએ કલકત્તામાં કરેલી. એમનો કલાકાર પુત્ર રુચિર મૃણાલ સેનની નિર્દેશનકલા જોવા એ ટુકડીમાં શામિલ થયો હતો.

એક વર્તમાનપત્રમાં એ ફિલ્મનો રિવ્યુ કરતાં ફિલ્મની ઘટનાસ્થલીનો નિર્દેશ કરતાં ફિલ્મ-વિવેચકે લખ્યું હતું કે એમાં રાયપુરનાં દૃશ્યો છે અને એ મધ્યપ્રદેશમાં આવેલું રાયપુર છે.

એ વાંચી એકાએક ઝબકારો થયો કે રાયપુર તો ખરું, પણ એ મધ્યપ્રદેશવાળું નહિ. શાંતિનિકેતનથી થોડા કિલોમીટરના અંતરે આવેલું જૂનું જમીનદારી ગામ રાયપુર હોવું જોઈએ. હવે બધી ગડ બેસી ગઈ. શાંતિનિકેતનની સ્થાપનાના ઇતિહાસમાં જે રાયપુરનો ઉલ્લેખ આવે છે તે જ આ રાયપુર. કવિ રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર આજથી સવાસો વર્ષ પહેલાંના એક ઉનાળામાં હિમાલય જતાં બોલપુર સ્ટેશને ઊતરી, પાલખીમાં બેસી પોતાના મિત્ર રાયપુરના જમીનદાર શ્રીકંઠસિંહને મળવા જતા હતા.

તે વખતે એ વિસ્તાર ખાખરિયા ટપ્પા જેવો. વેરાન તો ખરો જ, ચોર-ડાકુઓથી ભરેલો પણ ખરો. એ વેરાન ભૂમિમાં વચ્ચે માત્ર બે સપ્તપર્ણનાં ઝાડ છાયા પાથરી ઊભાં હતાં. મહર્ષિએ પાલખીમાંથી ઊતરી ત્યાં વિશ્રામ કર્યો. અહીં તેમને ‘પરમ શાંતિ’નો અનુભવ થયો. પછી તો એ જમીન તેમણે રાયપુરના જમીનદાર મિત્ર શ્રીકંઠસિંહ પાસેથી ખરીદી લઈ શાંતિનિકેતન આશ્રમની સ્થાપના કરી. આજે પણ પેલાં બે સપ્તપર્ણમાંથી એક હજી ઊભું છે. સાબરમતી આશ્રમમાં જેમ હૃદયકુંજ, એમ શાંતિનિકેતનમાં એ સ્થલ એનું પ્રાણકેન્દ્ર છે.

‘ખંડહર’ ફિલ્મમાં નાયક તરીકે નસીરુદ્દીન શાહ એક ફોટોગ્રાફરની ભૂમિકામાં છે. જે રસ્તેથી ગામના પુરાણા મારગે ગાડામાં બેસી તેઓ જાય છે, તે રસ્તે ઘણી વાર જવાનું થયેલું; પણ રાયપુર જવાનું સૂઝેલું નહિ. ત્યારે એ ફિલ્મ જોઈ નહોતી. ફિલ્મ જોઈ ત્યારે અમદાવાદ આવી ગયો હતો. ફિલ્મ જોયા પછી એ ખંડિયેર હવેલી મનમાં એક વળગણ બની ગઈ. ક્યારે એ જોઉં?

જોવાનું બની આવ્યું. વચ્ચે ચારેક દિવસ માટે શાંતિનિકેતન જવાનું થયું ત્યારે પહેલો કાર્યક્રમ બનાવ્યો રાયપુર જવાનો. એક બપોરના ત્રણ મિત્રો શાંતિનિકેતનથી રાયપુર જવા સાઇકલ પર નીકળી પડ્યા. મુખ્ય સડકથી એક ગાડામાર્ગ ખેતરો વચ્ચે થઈને જતો હતો. ખેતરોમાં ડાંગરને છોગલાં આવવાના દિવસો હતા. રસ્તો ઊબડખાબડ હતો. સાઇકલ ચલાવવાનું મુશ્કેલ હતું. ક્યાંક ઊતરી જવું પડતું. મને ‘ખંડહર’નું ગાડાવાળું દૃશ્ય યાદ આવતું હતું.

ગામની પાદરે પહોંચ્યા. જૂનું ગામ. ગોંદરે જટાજુટ પ્રાચીન વડલો. પણ નવી હાઈસ્કૂલ બની હતી. તેના મેદાનમાં ફૂટબૉલની રમત ચાલતી હતી. અમે તો સીધા ગામની શેરી વચ્ચેથી ચાલ્યા.

એકાદ-બે વળાંકો વટાવ્યા પછી એક જૂની વિશાળ ઇમારતની દીવાલો દેખાઈ, એ જ હવેલી, ‘ખંડહર’માં જેનાં દૃશ્યો ઝડપાયાં હતાં. ગામમાં આ તરફ જાણે કોઈ લાગે નહિ. કોને પૂછવું? એક નાનું પ્રવેશદ્વાર એક જીર્ણ થઈ ગયેલી દીવાલમાં હતું. બીજે બધે જૂના દરવાજાઓ ચણી લેવામાં આવ્યા હતા.

બહુ મોટા પથરાટમાં હવેલી હતી. એ આટલી બધી ખંડેર હાલતમાં હશે, એ તો ‘ખંડહર’નાં દૃશ્યોથી સમજાયું હતું, પણ પ્રત્યક્ષ જોતાં એની આ હાલતથી નિસાસો નીકળી ગયો.

અમે હવેલીની પ્રદક્ષિણા કરતા આથમણા ભાગમાં ગયા. આ હવેલીનો ભાગ હતો, પણ ખુલ્લો હતો. દીવાલો પડી ગઈ હતી. આંબલીનાં, ખજૂરીનાં, આંબાનાં ઝાડ આમતેમ ઊગ્યાં હતાં. ક્યાંક હવેલીનો ભાગ તૂટી પડવાથી કાટમાળનો ટેકરો થઈ ગયો હતો અને એ ટેકરામાંથી પણ ચોમાસાને લીધે છોડ ઊગી નીકળ્યા હતા. ત્યાં બાજુમાં જ હતું પાકા ઘાટવાળું પુકુર–તળાવ. એક સ્ત્રી પગથિયાં ઊતરી તળાવડામાંથી પાણી ભરતી હતી. આ પુકુરનાં ઘણાં દૃશ્યો ખંડહરમાં ઝડપાયેલાં યાદ આવી ગયાં. ફિલ્મની નાયિકા (શબાના) એ દૃશ્યોમાં એ પ્રાચીન હવેલીના અંતિમ અવશેષો વચ્ચે જીવતી કલ્પવામાં આવી હતી. અત્યારે તો અહીં બકરાં ચરતાં હતાં. કોઈ કહેતાં કોઈ દેખાય નહિ.

જ્યાં સુધી આ વિશાળ હવેલીની અંદર જવાય નહિ, ત્યાં સુધી એની સ્થિતિનો ખ્યાલ આવી શકે નહિ. પણ એ હવેલીમાં હજુ એક કુટુંબ રહે છે. એમાં એકદમ કેવી રીતે જવાય? એટલામાં એક કિશોર ત્યાં દેખાયો. તેનું નામ પૂછ્યું. કહે, પલાશસિંહ. જમીનદાર શ્રીકંઠસિંહનો ચોથી-પાંચમી પેઢીનો વંશજ હશે. એ લોકો હવે આ જીર્ણ હવેલીમાં નથી રહેતાં. અમે એને કહ્યું કે અમને આ હવેલીની અંદર લઈ જા.

એ કિશોર આગળ થયો. અમે એક નાના દરવાજેથી હવેલીમાં પ્રવેશ કર્યો. ચૉકમાં આવ્યું નારાયણનું મંદિર. ફિલ્મમાં આ મંદિરનું એક પ્રભાવક દૃશ્ય છે, તે યાદ આવ્યું. ચૉકમાં કબૂતરો હતાં. એક બાજુ કૂવો હતો અને બાજુમાં ગરગડી સાથે કાથીની વરેડી બાંધેલી ડોલ પડી હતી.

પલાશસિંહે નીચેથી બૂમ પાડી. એક ભદ્ર મહિલાએ બાકોરા જેવી એક બારીમાંથી ડોકિયું કર્યું. અમારા આશ્ચર્ય વચ્ચે એણે અમને જોઈ નમસ્કાર કરી કહ્યું, ‘આશુન, ઉપરે આશુન’ – આવો, ઉપર આવો.

એક સાંકડે જીનેથી ટૉર્ચના અજવાળે અમે જીર્ણ હવેલીનાં પગથિયાં ચઢવા લાગ્યા.

વિરાટ ખંડેર હવેલીના સાંકડા જીનનાં પગથિયાં ચઢતાં હાથમાં ટૉર્ચ ન હોત તો આ દિવસેય અમને પણ અંધકાર સિવાય ભાગ્યે જ કશું દેખાતું હોત. ‘ખંડહર’ ફિલ્મમાં આવતા પેલા ત્રણ મિત્રો સુભાષ (નસીરુદ્દીન શાહ), દીપક અને અનિલની જેમ અમે પણ ત્રણ મિત્રો હતા. હું, સુનીલ અને કૈલાસ. પણ એથી વધારે કોઈ સાદૃશ્ય નહોતું. અમારી પાસે કૅમેરા હતો; પણ અમારામાં કોઈ રીતસરનો ફોટોગ્રાફર નહોતો.

સાચવીને પગથિયાં ચઢ્યા પછી હવેલીની મેડી પરના અંદરના અંધારિયા વિશાળ ખંડમાંથી એક ઊંચો ઉંબર અંડોળી મેડીના આગળના ભાગમાં આવ્યા. મેડીનો આ ભાગ ઘણો લાંબો હતો. નીચેથી જીર્ણ બારીઓની જે હાર દેખાતી હતી તે આ આગલા ખંડની હતી. આમાંની એક બારીમાંથી ભદ્ર મહિલાએ અમને આવકાર આપ્યો હતો. હવે એ ભદ્ર મહિલાની મુખોમુખ હતા.

અહીં રહેણાંક હોવાથી થોડું જીવંત લાગતું હતું. પણ અહીંની દરેક વસ્તુને ક્ષયપ્રવૃદ્ધ કાળનો સ્પર્શ લાગી ગયો હતો. ઘરમાં જૂની ફૅશનનું રાચરચીલું હતું. મને ‘ખંડહર’ ફિલ્મની નાયિકા જામિની(શબાના)ની અંધ અને અથર્વ માતા જે વિશાળ પલંગમાં સૂતેલી બતાવવામાં આવી છે, તે જમીનદારીના રહ્યાસહ્યા અવશેષ જેવો પણ એ જમીનદારીના એક કાળના વૈભવની ચાડી ખાતો પલંગ યાદ આવ્યો. યાદ આવ્યું દીપુદાએ કહેલું વાક્ય ‘સબ કુછ તો ચલા ગયા, કિન્તુ કુટુંબ કા અહંકાર બાકી હૈ.’

મધ્યવયસી ભદ્ર મહિલાએ નમન કરતાં અમને બેસવાનું કહ્યું અને પોતાનો પરિચય આપતાં કહ્યું, ‘આમાર નામ ડાલિયા ઘોષ.’ પછી કહે, ‘અહીં હું અને મારા સ્વામી રહીએ છીએ.’ અમે ત્રણે જણા એમની સામે જોઈએ અને ખખડી ગયેલી જીર્ણ હવેલીને જોઈએ. અમે ત્રણેયે ‘ખંડહર’ ફિલ્મ જોઈ હતી, એટલે આ હવેલીના સીધા પરિચયમાં એ એક રીતે આડે આવતી હતી. ફિલ્મમાં જોયેલી ઘટનાસ્થલી ઉકેલવાનું વલણ પ્રબળ થઈ આવતું હતું.

ડાલિયા ઘોષ અમારી આડીઅવળી નજરને ફરતી જોઈ કદાચ સમજી ગયાં. કહે, ‘અહીં ભાગ્યે જ કોઈ આવતું હતું. ‘ખંડહર’ ફિલ્મ બન્યા પછી અહીં આવનાર વધી ગયા છે. આવીને સૌ કેટલીક જગાઓ જોઈ કહે છે, પેલી બારીમાં શબાના નસીરુદ્દીનને ટૉર્ચના અજવાળામાં દેખાઈ હતી, પેલી છત પર સવારના તડકામાં કપડાં સૂકવતી હતી. અહીં ઊભીને નસીરુદ્દીને શબાનાએ જોઈ હતી.’ વગેરે.. ડાલિયા ઘોષની નજરમાં અમે પકડાઈ ગયા. એથી અમે જરા છોભીલા પડી ગયા; પણ પછી વાર્તાલાપ સ્વાભાવિક બનતો ગયો.

ડાલિયા ઘોષે કહ્યું, ‘એઈટા આમાદેર આડાઈશો ઉછરેર પુરનો બાડી. અન્ય રકમ છિલો, અન્ય રકમ હ’યે ગેછે.’ અઢીસો વર્ષનું જૂનું આ અમારું ઘર છે. એક જમાનામાં કેવું હતું, આજે કેવી હાલત છે! પણ અમે તો અહીં રહીએ છીએ. હવેલીના ત્રણ ભાગ પડી ગયા છે. બે ભાગમાં તો કોઈ રહેતું જ નથી. કોઈ એની ખબર પણ નથી લેતું. દિવસે દિવસે ખરાબ હાલત થતી જાય છે.

‘ખંડહર’ ફિલ્મમાં પણ એવું જ છે ને! આખી હવેલીમાં જામિની અને એની મા એકલાં જ રહે છે. મા જૂની હવેલી છોડી ક્યાંય જવા તૈયાર નથી. એથી જામિની પણ જઈ શકતી નથી. વિવાહનું વચન આપી ફરી આવવાનું કહી દીપકનો મિત્ર નિરંજન ગયો તે ગયો. એ તો બીજે પરણીને ગોઠવાઈ પણ ગયો છે. પણ જામિનીની માને કોઈ એ ખબર આપવાની હિંમત પણ કરતું નથી. વૃદ્ધાને માટે એ જીરવી શકાય એવા સમાચાર નથી. અને નિરંજન જામિનીને પરણવા ન આવે ત્યાં સુધી વૃદ્ધા આ સ્થળેથી ખસવા તૈયાર નથી.

પરંતુ આ ડાલિયા ઘોષને એવી કઈ મજબૂરી છે? એ બીક લાગે એવી આ હવેલીમાં એકલાં કેમ રહે છે? કેવી રીતે રહી શકે છે? ફિલ્મની ઘટનાસ્થલીનું સંધાન કરવા આવેલા અમે જોતા હતા કે અમારા કુતૂહલનું કેન્દ્ર બદલાતું હતું. ફિલ્મમાં ‘સ્મશાનચંપા’ની જેને ઉપમા આપવામાં આવે છે એવી જામિનીને બદલે ડાલિયા ઘોષ!

સુનીલે પૂછ્યું, તમે આ ઘરની વહુ બનીને ક્યારે આવ્યાં હતાં? તો કહેવા લાગ્યાં, ૨૨ વર્ષથી આ ઘરની વહુ બનીને આવી છું. જ્યારે હું આવી ત્યારે અહીં ઘણા પરિવારજનો હતાં. આ છેલ્લાં વર્ષોમાં એક પછી એક જતાં રહ્યાં. અત્યારે તો અમે બે છીએ. અમારે છૈયાંછોકરાં નથી.

ભેંકાર લાગતી ભીંત પર લટકતો એક જૂનો તૂટું તૂટું ફ્રેમવાળો પરિવાર-ફોટો બતાવી કહે : શ્રીકંઠસિંહ અમારા દાદા. ઠાકુર પરિવાર સાથે એમની મિત્રાચારી હતી. દેવેન્દ્રનાથ અહીં આવતા. રવીન્દ્રનાથનો બચપણનો પેલો ટોપીવાળો ફોટો અમારે ઘેર સચવાયો હતો. અમારે ત્યાંથી શાંતિનિકેતનમાં રવીન્દ્રશતાબ્દીના વર્ષમાં લઈ ગયા પછી મૂળ ફોટો પાછો ન આવ્યો. કહે, એ તો રાષ્ટ્રીય સંપત્તિ છે. અમને શો વાંધો હોય? અને હું તો રવીન્દ્ર-અનુરાગિની છું. અમે રવીન્દ્રનાથના શાંતિનિકેતનથી આવીએ છીએ એ જાણી અમારા માટે એમનો સ્નેહભાવ પ્રકટતો ગયો. થોડી વારમાં તો અમે જાણે એમના આત્મીય બની ગયા. ‘કેટલાં અજાણ્યાંને તેં ઓળખાવ્યાં છે, પ્રભુ!’ રવીન્દ્રનાથની એ પ્રસિદ્ધ લીટીનું સ્મરણ થયું.

એક જૂના ટેબલ પર રવીન્દ્ર-વિવેચક ઐયુબનું નવું પુસ્તક પડ્યું હતું. ‘પાન્થજનેર સખા’. આ મહિલાએ રવીન્દ્ર-સાહિત્યમાં આટલો રસ અને એની આટલી ગતિ હશે એ તો ખબર નહીં. પછી રવીન્દ્રનાથનો એક જૂનો પત્ર બતાવવાનું કહી એ સામેના છેડેના ખંડમાં ગયાં. જતાં જતાં ત્રણચાર પુસ્તકો અમને જોવા આપતાં ગયાં. તેમાં એક હતું, ‘હાજાર બછરેર પ્રેમેર કવિતા’. અમારી ત્રણેયની આંખોમાં કૌતુક ઊભરાયું. આ એકાકી મહિલા ડાલિયા ઘોષ અહીં કેવી રીતે દિવસો ગુજારે છે તેનો ખ્યાલ કર્યો. ફિલ્મની જામિની ભવિષ્યમાં આવનારા પ્રેમની પ્રતીક્ષામાં દિવસો ગુજારે છે. ડાલિયા ઘોષ, પ્રેમની કવિતા વાંચીને?

ખંડિયેરમાં હજાર વર્ષની પ્રેમકવિતા? હા. એક વખતે આજની આ ખંડિયેર હવેલીની ભારે જાહોજલાલી હશે. અહીં સુખ અને વૈભવના દિવસો હશે. અહીં અનેક કન્યાઓ અને કુલવધૂઓના કોડભર્યા દિવસો વીત્યા હશે. એમનો પ્રેમ આ જીર્ણ દીવાલોમાં સચવાયો હશે. હવેલી જીર્ણ થાય છે, મહેલાતો ખંડેર બને છે; પણ પ્રેમ કદી જીર્ણ થતો નથી. પ્રેમ ખંડેર બનતો નથી; પ્રેમ પ્રેમ રહે છે.

મને ફિલ્મનું એક દૃશ્ય યાદ આવ્યું. પેલા ત્રણ મિત્રો હવેલીના તેમના ઉતારાના એક ખંડના ટેબલ પર પડેલી એક વસ્તુ જુએ છે. સુભાષ (નસીરુદ્દીન) હાથમાં લઈ પૂછે છે, ‘યહ ક્યા હૈ?’ દીપક કહે છે, ‘પુરાના ડેટ કેલેન્ડર.’ આમતેમ ચાકીઓ ફેરવી સુભાષ કહે છે, ‘સાલ, મહિના, દિન, કુછ ભી નહીં હૈ, ટાઇમ-ઇટર્નિટી.’ અહીં બધું થંભી ગયું છે. અહીં કાલ એટલે અનંત કાલ. એ થંભી ગયો ભલે, પણ પ્રેમ તો કાલજયી હોય છે.

ડાલિયા ઘોષ એક જૂની ફાઈલ લઈને આવ્યાં. અમારા હાથમાં પેલું પુસ્તક હતું. સુંદર સચિત્ર પ્રકાશન હતું. હસીને ડાલિયા ઘોષે કહ્યું, ‘હાજાર બછરેર પ્રેમેર કોબિતા, કિન્તુ હાજાર બછર ધરે કેના હય ના.’ હજાર વર્ષની પ્રેમકવિતા છે, પણ એને ખરીદ્યે હજાર વર્ષ થયાં નથી. તેમની આ વિનોદવૃત્તિએ તેમના લીલા હૃદયનો એકદમ પરિચય આપી દીધો. પણ એથી તો આ વેરાન, ઉજાડ, જમીનદોસ્ત થવા કરતી હવેલીનો કોન્ટ્રાસ્ટ આ સંસ્કારી, કવિતાપ્રેમી, વિનોદપ્રવણ અને એટલે જીવંત મહિલાના સંદર્ભે વધારે ઊપસી આવ્યો. ક્યાં જીર્ણ હવેલી અને ક્યાં જીવંત હૃદય!

આત્મીયતા બતાવવા કૈલાસે ‘માશી’નું સંબોધન કર્યું તો એકાએક પ્રતિવાદ કરી ડાલિયા ઘોષે કહ્યું, ‘માશી નય, દીદી, આમિ તોમાર દીદી!’ ઓહ! આ મહિલામાં હજી કોઈ અલ્પવયસી કોડભરી કન્યા બેઠેલી છે. એમના પ્રતિવાદથી આનંદ થયો.

અમારે ફિલ્મના પેલા મર્મસ્પર્શી દૃશ્યનું સિચ્યુએશન જોવું હતું. રાતના અંધારામાં સુભાષ-નસીરુદ્દીન હવેલીની છત પર એકલો ઊભો છે. એના હાથમાં રહેલી ટૉર્ચમાંથી પ્રકાશસ્તંભ આમતેમ વીંઝાય છે અને એ સામેના આવાસની તૂટેલી જાળીવાળી બારીમાં ઊભેલી જામિની-શબાનાના સુંદર ચહેરા પર પડે છે. એક ક્ષણ અજવાળું એ ચહેરા પર સ્થિર રહે છે. અચાનક આંખો અંજાઈ જતાં આંખ ચહેરા પર પડેલા અજવાળાથી શબાના જરા પ્રકાશથી બચવાનો પ્રયત્ન કરતી, માથું હલાવી ખસી, ફરી બારીમાં ડોકાય છે.

મૃણાલ સેનની દિગ્દર્શનની કલાનું એક અપ્રતિમ ઉદારણ કહેવાય. કદાચ હવેલીના ત્રીજા માળથી છત પર જઈએ તો ફિલ્મમાં ઝડપાયેલા દૃશ્યની પરિસ્થિતિનું સંધાન કરી શકાય. અમે ડાલિયા ઘોષને વિનંતી કરી કે અમારે છત પર જવું છે.

તેમણે કહ્યું, ચાલો, હું પણ આવું છું. અમે ફરીથી ટૉર્ચના અજવાળે એક સાંકડા અંધારિયા જીનાનાં જીર્ણ પગથિયાં ચઢવા લાગ્યાં. મને થતું હતું કે હું ફિલ્મ તો નથી જોતો ને? કલાજગતનું વાસ્તવ અને આ સ્થૂલ ઇન્દ્રિયગોચર વાસ્તવની ભેદરેખાઓ ક્યાંક ભૂંસાઈ જતી લાગી.

ત્રીજા માળની વિશાળ ખુલ્લી છત પર આવીને અમે ઊભાં રહ્યાં. ખંડેર હવેલીનો વૈભવ અમને વિસ્મિત કરી રહ્યો. મને થયું કે, ‘ખંડહર’ ફિલ્મ માટે આ લોકેશન પસંદ કરવામાં જ દિગ્દર્શક મૃણાલ સેનની અડધી જીત તો થઈ જતી હતી.

સત્યજિત રાયની ‘જલસાઘર’ ફિલ્મ આ સંદર્ભમાં યાદ આવે. એ ફિલ્મમાં વાર્તા તારાશંકર બંદ્યોપાધ્યાયની છે. એ વાર્તાનો વિષય પણ બંગાળની અસ્ત થતી જમીનદારીના સમયને સ્પર્શે છે. તારાશંકરની એ વાર્તા વાંચી એની ફિલ્મ બનાવવાના ઇરાદાથી, કહે છે કે, સત્યજિત ગંગાકિનારાના અનેક વિસ્તારોમાં એનું લોકેશન પસંદ કરવા રઝળેલા. ફરતાં ફરતાં ગંગાકિનારે એક જૂની ઇમારત જોઈ. એ કોઈ જમીનદારની હવેલી જ હતી. પોતાની ફિલ્મ માટે એ સ્થળ પસંદ કર્યા પછી શ્રી રાયે તારાશંકરને વાત કરી. તારાશંકરે કહ્યું કે ચૌધરીઓની એ ઇમારત જ મારી વાર્તાની ઘટનાસ્થલી છે!

‘ખંડહર’ ફિલ્મમાં જેમની વાર્તા છે તેના લેખક પ્રેમેન્દ્ર મિત્રના મનમાં કદાચ રાયપુરની આ જીર્ણ હવેલી નહિ હોય; પણ લાગે કે આ ફિલ્મ માટે આ હવેલી જ બરાબર છે. ‘ખંડહર’ જે પ્રભાવ સહૃદય પ્રેક્ષકોના ચિત્ત પર અંકિત કરી જાય છે, તેમાં આ સ્થળનો ફાળો કેટલો બધો છે! તેમાં વળી ફિલ્મનો નાયક સુભાષ (નસીરુદ્દીન) તો ફોટોગ્રાફર છે. ત્રણે મિત્રો જ્યારે આ જીર્ણ હવેલીને જોતાં ફરતા હતા ત્યારે કોઈ બોલ્યું હતું, ‘ફોટોગ્રાફર્સ પેરેડોઇઝ!’ અને આખી ફિલ્મ દરમિયાન આપણે સુભાષના કૅમેરાનો, રખેવાળની દીકરી ગૌરીના શબ્દોમાં કહીએ તો ‘ખચ ખચ’ – ‘ક્લિક્ ક્લિક્’ અવાજ સાંભળીએ છીએ. (‘એક બાબુ તો સારા દિન ખચ-ખચ ફોટો હી ખીંચતા રહતા હૈ; – ગૌરી) એ જીર્ણ હવેલીની પૃષ્ઠભૂમિમાં પ્રફુલ્લિત પદ્મ જેવી અને છતાં ઉદાસીનતાની અભ્રછાયા ધારણ કરતી જામિની (શબાના) જબરદસ્ત કોન્ટ્રાસ્ટ રચે છે.

છત પરથી હવેલીની ભવ્ય જીર્ણ અવસ્થાનો વધારે ખ્યાલ આવ્યો. ત્રણ માળ સુધી ઊંચી ગયેલી ભીંતો વચ્ચે વચ્ચે પડેલાં બાકોરાં સાથે કે ક્યાંક જેનાં અડધાં મૂળિયાં બહાર દેખાય છે એવાં ઊગી ગયેલાં પીપળા-પીપરી સાથે પડવા માટે હવે કોની અનુમતિની રાહ જોતી હશે, એ સમજાતું નહોતું. ગ્રીસ-રોમનાં હજારો વર્ષ જૂનાં ખંડેરોની તસવીરો જોઈ છે. ક્યાંક એનો આભાસ થાય, પણ આ હવેલી તો અઢીસો વર્ષથી જૂની નથી અને કેટલી બધી ઈંટો બહાર આવી ગઈ છે! કેટલેક સ્થળે તો બારણાં કે બારણાંની ફ્રેમો સુધ્ધાં રહ્યાં નહોતાં. જો આ બારી-બારણાં ઇમારતની આંખો હોય તો તે બધી ફૂટી ગઈ હતી. ક્યાંક પ્લાસ્ટર ઊખડી જઈ લૂણો લાગેલી લાલ ઈંટો જમીન પર ઊગી ગયેલા વેલાને ચઢવાનો આધાર બની હતી. ક્યાંક પ્લાસ્ટર પર લીલનો રંગ ચઢ્યો હતો. ચોમાસું હજી હમણાં જ વીત્યું છે, પણ ક્યાંક લીલ સુકાઈને કાળી પડવા માંડી છે. આ વેલા પણ સુકાઈ જશે, માત્ર એની નસો લટકતી રહેશે. ફોટોગ્રાફર સુભાષની જેમ આપણા મનમાંથી પણ ઉદ્ગાર સરી પડે, ‘કાલ, કાલ, મહાકાલ!’

પરંતુ એ કાલદેવતાએ આ ખંડેરને પણ એક આગવા સૌંદર્યથી રસિત કર્યું છે. જીવનભર વિધાતાના ક્રૂર થપાટા ખાઈ ખાઈને ઝુર્રિયોદાર થઈ ગયેલા ચહેરાની જેમ, ખંડેર આપણી ચેતના પર ઊંડો પ્રભાવ મૂકી જાય છે, અને એ સાથે આપણી કલ્પનાશક્તિને ઝકઝોરે છે. એ ખંડેરમાંથી આપણી કલ્પના એક અખંડ ઇમારત રચવા મથે છે. ખંડ-અખંડના એ તણાવથી એક વિશિષ્ટ અનુભવમાંથી પસાર થઈએ છીએ. ખંડેરોનાં દર્શનથી થતી સૌંદર્યાનુભૂતિમાં એટલે કદાચ કશીક રહસ્યમયતા હોય છે. એ માત્ર અતીતરાગ નથી.

છત પરથી પાંચ-સાત પગથિયાં ચઢી હજી થોડું ઉપર જવાનું હતું. હવેલીના છેડાનો એ ઊંચો ભાગ હતો. અમે ઉપર ચઢવા ગયા કે ડાલિયા ઘોષ પણ ફિલ્મની જામિનીની જેમ બોલી ઊઠ્યા, ‘અરે આગે મત જાઓ. ઇસકી હાલત ઠીક નહીં હૈ…’ ક્ષણેક તો ડાલિયા ઘોષમાં જામિની દેખાઈ ગઈ; પણ જામિનીની તો વાત જ જુદી.

છેક ઉપર ચઢી પૂર્વ દિશામાં જોયું, ગામનાં બીજાં ઘર-મંદિર વટાવી નજર દૂર સુધી ગઈ તો તડકામાં અજય નદીનો પ્રવાહ ચમકતો વહી જતો હતો. અજય આગળ જતાં ગંગાને મળી જાય છે. એક જમાનામાં, થોડાક દાયકાઓ ઉપરની જ વાત, અજયમાં એટલાં પાણી રહેતાં કે તેમાં વેપારી જહાજ ચાલતાં. જહાજી સોદાગરની આવી ભગ્ન હવેલીઓ આજે પણ છીછરી અલ્પતોયા અજયના આખે કાંઠે જોવા મળે. અહીંથી અજય બહુ સુંદર લાગતી હતી. એનો પહોળો લાલાશ પડતો તડકામાં ચળકતો રેતાળ પટ આજુબાજુનાં લીલાં ડાંગરનાં ખેતરો વચ્ચે જુદો તરી આવતો હતો. પણ અજય અમને લાંબો વખત ખેંચી રાખી શકી નહિ. અમે એ દિશામાંથી મોં ફેરવી દક્ષિણ દિશા તરફના હવેલીના બીજા ભાગને જોતા હતા. એના બીજા માળની બારીઓની હાર દેખાતી હતી. કેટલીક બારીઓને હજુ બારણાં હતાં, ક્યાંક માત્ર આડા-ઊભા લાકડાના ચાપડા મારીને ટકાવી રાખેલી જાળીઓ હતી અને ક્યાંક માત્ર જાળીના આકારનું બાકોરું.

અમે નીચે ઊતરી છતમાંથી ફરી એ બારીઓ તરફ જોયું. એકાએક થયું કે આ એ જ જગ્યા છે, જ્યાંથી ટૉર્ચના વીંઝાતા અજવાળામાં સુભાષે (નસીરુદ્દીને) જામિનીને સામેની મેડીની બારીએ ઊભેલી જોઈ હતી. એ જ વખતે આંગળી ચીંધી ડાલિયા ઘોષે કહ્યું કે, પેલી બારીએ શબાના ઊભી હતી…

અહીંથી અમે પણ એ બારીનો ફોટો લેવા, જેવું ‘ક્લિક્’ કર્યું કે, ‘ખંડહર’નો ‘ખચ’ અવાજ યાદ આવ્યો. ‘એક બાબુ તો સારા દિન ખચ ખચ ખચ’ ફોટો હી ખીંચતા રહતા હૈ… (ગૌરી).

અમે ડાલિયા ઘોષને કહ્યું, ‘તમારો એક ફોટો લઈએ.’ તો કહે, ‘જરા થોભો, હું સાડી બદલી આવું, વાળ ઠીક કરી લઉં. આમ ને આમ નો…’

‘ખંડહર’ ફિલ્મમાં શય્યાગ્રસ્ત વૃદ્ધા મા જામિની સાથે વિવાહનું વચન આપી ગયેલો નિરંજન પણ દીપક સાથે આવ્યો છે અને એમ સુભાષને નિરંજન માની જામિનીને પૂછે છે, ‘જામિની, કૌનસી સાડી પહની હૈ તૂને? નીલી, બેલાબુટ્ટેવાલી? બહુત અચ્છી લગતી હૈ તુઝે, વહ મેરેવાલી સાડી…’ જામિની-સુભાષની આંખો મળે છે.

અમને થયું, દરેક નારીમાં, પછી એની વય ગમે તેટલી કેમ ન હોય, એક ‘ચિરંતન છોકરી’ વસતી હોય છે. આ ખંડેર હવેલીમાં હજી ડાલિયા ઘોષ નામે એક ‘છોકરી’ છે, જેને સુંદર સાડી પહેરવી ગમે છે અને જે હજાર વર્ષની પ્રેમકવિતા વાંચે છે.

જોકે ફિલ્મની જામિની તો માને કહે છે, ‘વહ સાડી તો કબકી ફટ ગઈ, માઁ…’ જામિની જાણે છે કે નિરંજન તો પરણી ગયો છે અને હવે આવવાનો નથી. જામિની કેટલું બધું સમજતી હતી!

ડાલિયા ઘોષ અમને હવેલીના જુદાજુદા ખંડોમાં લઈ ગયાં. બધે એ જ હાલત. ક્યાંક જૂના પલંગ જોયા, ક્યાંક જૂના પેટી-પટારા. આવો એક પટારો ખોલવાનું દૃશ્ય ફિલ્મમાં આવે છે.

ગૌરી મહેમાનો માટે જામિનીને ત્યાં થાળીઓ લેવા આવી છે. ખંડહરના પ્રતિરૂપ જેવી વૃદ્ધ મા જામિનીને પટારો ખોલી થાળીઓ આપવા કહે છે, એ માટે ગોખલામાં પડેલી પિત્તળની ગોળ ચાવી લેવા કહે છે. તાળામાં ચાવી જલદી ફરતી નથી. જામિની બોલે છે, ‘સૌ સાલસે તો ખુલા હી નહીં હૈ…’ એ ફિલ્મમાં જ નહિ, આજે પણ એ હવેલીમાં જાણે કે એ વાક્ય ગુંજરાયા કરે છે… ‘સૌ સાલસે તો ખુલા હી નહીં હૈ…’

સમય હવેલીમાં ભલે થંભી ગયો હોય, પણ આમ તો અમારે માટે તો વહેતો જ હતો. અમે નીચે ઊતર્યા. ચૉકમાં થોડા ફૂલછોડ હતા. તેમાં ચંપો પણ હતો. પેલો ગરગડીવાળો કૂવો હતો. ડોલ હતી. કૌતુકપ્રિય સુનીલે તો ડોલ કૂવામાં નાંખી પાણી પણ કાઢ્યું. ડાલિયા ઘોષ છેક દ્વાર સુધી અમને વળાવવા આવે છે. ‘ખંડહર’ ફિલ્મમાં પાછા જતી વેળાએ ગાડામાં બેસતાં બેસતાં ‘આવું છું’ કહી સુભાષ જીર્ણ હવેલીના ફરી ફોટા લેવા જાય છે, અને એક જીર્ણ દીવાલની પાસે જતાંને જોઈ રહેલી એકલી ઊભેલી, ઉદાસ અને ભગ્નમનોરથા જામિનીને જોઈ એની ઉપરાઉપરી ઝડપથી બે-ત્રણ તસવીરો ખચ્ ખચ્ કરતો લે છે. અને પછી એવી જ ઝડપથી એ ઊપડી જાય છે. અલબત્ત જામિનીની એ તસવીર કૅમરાની આંખ કરતાં વધારે તો એની આંખમાં ઝિલાય છે અને પ્રેક્ષકોની પણ.

ફિલ્મનું એ છેલ્લું ‘સિચ્યુએશન’ આ વિશાળ હવેલીમાં જલદી ન દેખાયું. એક-બે સ્થળનાં અમે અનુમાન કર્યાં પણ ભદ્રતાવશ પૃચ્છા કર્યા વિના બહાર રસ્તા પર આવી ગયા. સાંજ તો પડી ગઈ છે, ગામને છેવાડે આવેલી આ વિશાળ ભગ્ન હવેલી પર રાત ઊતરશે. દિવસે પણ સંભળાતા તમરાંના સ્વર વધારે તીવ્ર બનશે, તેમાં ઘુવડ, ચામાચીડિયાંના અવાજ ઉમેરાશે.

ડાલિયા ઘોષ ફાનસના અજવાળામાં કદાચ હજાર વર્ષની પ્રેમકવિતા વાંચશે. હવેલી ખંડેર થાય છે. પ્રેમ ખંડેર થતો નથી.

પણ પેલી જામિની?

જામિની પ્રતીક્ષા કરશે, આશારહિત પ્રતીક્ષા.

૧૯૮૬