રાધે તારા ડુંગરિયા પર/એક આ કલકત્તા

Revision as of 08:58, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs)


એક આ કલકત્તા

ભોળાભાઈ પટેલ

કલકત્તા કોનું? * રવીન્દ્રનાથનો ૧૨૫મો જન્મોત્સવ પાલખીમાંથી મેટ્રોમાં * કલકત્તાના કેટલા ચહેરા? * કાલી કલકત્તાવાલી * કલકત્તા-અંગ્રેજોનો આશીર્વાદ અને અભિશાપ! * જોડાસાંકો થેકે શાંતિનિકેતન

કલકત્તા કોનું?

જોબ ચાર્નાકનું કે કવિ રવીન્દ્રનાથ ઠાકુરનું?

ત્રણસો વર્ષ પહેલાં ઈ. સ. ૧૬૯૦માં અહીં હુગલીને કાંઠે જોબ ચાર્નાકે વહાણ નાંગરેલું. આ નદીના કાંપ પર તેને સોનું દેખાયું. આસપાસ બેત્રણ નાનાં ગામ હતાં. વેપારવણજના કેન્દ્ર તરીકે ચાર્નાકે અહીં વસાવ્યું કલકત્તા શહેર. ત્યારે એની વસ્તી હતી ૧૨૦૦૦ની. આ ત્રણસો વર્ષમાં બીજાં ત્રણ મીંડા ચઢી જશે…

જોબ ચાર્નાકની કબર આજે પણ કલતત્તામાં છે, પણ ચાર્નાકના કલકત્તાની વાત જરા પછી કરું, કેમકે ૧૯૮૬ના આ મે માસમાં કલતત્તા જતાં એવું લાગ્યું કે કલકત્તા તો રવીન્દ્રનાથ ઠાકારનું છે.

નવાઈ લાગે એવી વાત છે. મને પણ નવાઈ લાગી છે. ‘કવિ ન્હાનાલાલનું અમદાવાદ’ એવું કંઈ કહે તો સૌ એને હસી કાઢે. ન્હાનાલાલ કોણ? એક પ્રતિમા તેમની મૂકી હતી અમદાવાદના ટાઉનહૉલ પાસેના ટ્રાફિક સર્કલમાં. એક ટ્રકે તે ઉથલાવી પાડી. તે પછી એ ‘ન્હાનાલાલ’ ક્યાં છે તેની કદાચ આ નગરના મેયરશ્રી કે કમિશનરશ્રીને ખબર પણ નથી. એમને અનેક પત્રો લખવા છતાં એમના પેટનું પાણીય હાલતું નથી. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને નામે નાહી નાખ્યું ન હોય! અને આપણે સૌ પ્રજાજનોય એ વાત વીસરી રહ્યાં છીએ. અમદાવાદ નગરમાં કવિ કે કવિતાની પ્રતિષ્ઠા શી ભલા?

પણ કલકત્તામાં તેના એક કવિની જે પ્રતિષ્ઠા જોઈ, તેથી કહેવું રહ્યું કે કલકત્તા માત્ર એક વેપારી શહેર નથી, એક કવિનું શહેર છે, કવિ રવીન્દ્રનાથનું.

રવીન્દ્રનાથનો જન્મ કલકત્તા નગરમાં ૧૮૬૧માં થયો હતો. આ મે માસમાં તેમને સવાસો વર્ષ થશે. કલકત્તા નગર, આખું બંગાળ તેમના ૧રપમા જન્મવર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ ઉજવણી નિમિત્તે યોજાનાર એક દશદિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે બંગાળ સરકારના માહિતી અને સંસ્કૃતિ ખાતાના મંત્રી તરફથી આમંત્રણ મળ્યું, ત્યારે હતું કે આ પણ નગરને એક ખૂણે ચાલનારો એક ઍકેડેમિક સેમિનાર હશે.

પરંતુ કલકત્તા જઈને જોઉં છું તો એક રીતે આખું નગર રવીન્દ્રનાથમય છે. રવીન્દ્રનાથ જાણે એક મહાસમુદ્ર છે અને એ મહાસમુદ્રના ઉત્તાલ તરંગો પર કલકત્તાનું સાંસ્કૃતિક જીવન હેલે ચઢ્યું છે. શાળાઓ, મહાશાળાઓ, વિશ્વવિદ્યાલયો અને સૌ નાનીમોટી શિક્ષણસંસ્થાઓ, સંગીત, નૃત્ય, ચિત્ર આદિની બધી કલાસંસ્થાઓ, સાંસ્કૃતિક સંસ્થાઓ, અંગ્રેજી, બંગાળીમાં પ્રકટ થતાં બધાં વર્તમાનપત્રો, સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકો, આકાશવાણી અને દૂરદર્શન, પ્રજા, પ્રજાકીય સંસ્થાઓ – જેવી કે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સરકાર સૌ સાથે મળી પોતાના કવિની જન્મ-સવાશતાબ્દી જીવંત ઉત્સાહ-ઉમંગથી ઊજવી રહ્યાં છે.

કવિ રવીન્દ્રનાથે પોતાની કવિતા વડે બંગાળી ભાષાને વિશ્વસાહિત્યમાં પ્રતિષ્ઠિત કરી, તો હવે બંગાળીભાષી સમાજ પોતાના કવિને આ ઉજવણી દ્વારા શ્રદ્ધાંજલિ આપી બંગાળી ભાષા અને સાહિત્યનું પણ ગૌરવ કરી રહ્યો છે. ટીકા કરી શકાય એટલી હદે બંગાળીઓ પોતાની ભાષારતિ પ્રકટ કરતા રહ્યા છે એ અવશ્ય, પણ આ પ્રસંગે તો તેમને અભિનંદન.

આઠમી મેના દિવસે કલકત્તાના દમદમ હવાઈ મથકે સરકારી ગાડી લેવા આવી હતી. મને રાજ્ય-અતિથિ તરીકે રાખશે એવો સંસ્કૃતિખાતાના મંત્રીનો પત્ર હતો. અહીં આવ્યા પછી ખબર પડી કે અમારે સેમિનાર ભલે ૧૦મી તારીખથી શરૂ થવાનો હોય, બીજા કાર્યક્રમો તો આજ સાંજથી એટલે કે કવિના જન્મદિનની પૂર્વસંધ્યાએથી શરૂ થવાના છે.

રવીન્દ્રનાથનો જન્મ ૭મી મેના દિવસે; પણ બંગાળી તિથિ પ્રમાણે ૨૫મી વૈશાખ. આ વર્ષે એ તિથિ ૯મી તારીખે પડતી હતી. (એટલે તો ૯મી તારીખે રજા જાહેર કરવામાં આવી હતી.) તા. ૮મી મેની સાંજે બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુ રવીન્દ્રસદનમાં રવીન્દ્ર જન્મ-સવાશતાબ્દીના વર્ષવ્યાપી કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરવાના હતા.

બંને સરકારે મુખ્યમંત્રી જ્યોતિ બસુના પ્રમુખપદે રવીન્દ્રનાથના ૧૨૫મા જન્મવર્ષની ઉજવણી માટે એક સમિતિ રચી છે, જેના ઉપપ્રમુખપદે અને સભ્યપદે બંગાળના વિદ્વાનો, સાહિત્યકારો, કલાકારો, રાજકારણીઓ સુધ્ધાં છે.

કલકત્તામાં રવીન્દ્રસદનનો વિસ્તાર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હૃદયકેન્દ્ર સમો છે. એ જ પરિસરમાં શિશિરમંચ છે, એ જ પરિસરમાં આર્ટ-ફિલ્મો પ્રદર્શિત કરવા હમણાં જ બનાવેલું ભવ્ય એવું નંદન થિયેટર છે, બાજુમાં જ એકૅડેમી ઑફ ફાઇન આર્ટ્સ છે, જરા આગળ વધો એટલે બિરલા પ્લેનિટોરિયમ છે અને રવીન્દ્રસદનની સામે ‘મયદાન’ છે. ત્યાં પ્રસિદ્ધ વિક્ટોરિયા મેમૉરિયલ અને ઉદ્યાન છે. થોડે દૂર જાઓ એટલે પ્રસિદ્ધ ચૌરંઘી-ભવાનીપુર માર્ગ. આ વિસ્તારમાં અમસ્તી પણ લટાર મારવા જેવી છે, ખાસ તો સમી સાંજે આછા અંધકારમાં.

રવીન્દ્રસદનના પ્રાંગણમાં આવીને જોઉં છું તો કલકત્તાના રવીન્દ્ર-અનુરાગીઓની સારી એવી ભીડ છે. સાંજનો સાડા છનો સમય. કલકત્તામાં આપણા કરતાં સૂર્યોદય અને સૂર્યાસ્ત એક કલાક તો વહેલો થતો હશે. રવીન્દ્રસદનના ફુવારા સાંજની રમણીયતામાં વૃદ્ધિ કરતા હતા.

ઉદ્ઘાટન-સમારંભમાં જોયું કે મોટો હૉલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. રવીન્દ્રસંગીતથી કાર્યક્રમનો આરંભ થયો. પ્રમુખપદે હતા પ્રસિદ્ધ સાહિત્યકાર અન્નદાશંકર રાય. પ્રવચનો પછી વળી પાછું રવીન્દ્રસંગીત અને તે પછી રવીન્દ્રનાથનું નૃત્યનાટ્ય ‘સામાન્ય ક્ષતિ’ રજૂ થયું.

જન્મોત્સવના ઉપલક્ષે થનારા કાર્યક્રમોની સૂચિ જોઈને બંગાળી લઢણમાં કહું તો ‘અવાક’ થઈ ગયો. આટલા બધા સમાંતર કાર્યક્રમો? રવીન્દ્રસદનમાં ૯મી મે થી ૩૧મી જૂન સુધી રોજ ને રોજ રવીન્દ્રનાથનાં નાટકો, નૃત્યનાટ્યો, કાવ્યો, ગીતો વગેરે પ્રસ્તુત થશે અને તેમાં બંગાળની બધી કલાસંસ્થાઓ ભાગ લેશે. શિશિરમંચ પર ૧૦ દિવસનો સેમિનાર (આલોચનાચક્ર) થશે અને એમાં બંગાળના અને બંગાળ બહારના રવીન્દ્ર-અભ્યાસીઓ ભાગ લેશે. (મારે આ સેમિનારમાં ખાસ તો ભાગ લેવાનો હતો.) નંદન થિયેટરમાં અઠવાડિયા માટે રોજના ત્રણના હિસાબે રવીન્દ્રનાથની કૃતિઓ પરથી બનેલી ફિલ્મો બતાવવામાં આવશે.

રવીન્દ્રનાથનાં ચિત્રોનું પ્રદર્શન થશે.

રવીન્દ્રનાથનાં અને રવીન્દ્રનાથ વિશે લખાયેલાં તમામ પુસ્તકોનું પ્રદર્શન થશે.

‘વિશ્વપથિક રવીન્દ્રનાથ’ એ વિશે દેશપરદેશમાં રવીન્દ્રનાથના ભ્રમણવિષયક ફોટાઓનું પ્રદર્શન થશે.

ઉપરાંત સરકાર આ કવિના ૧૨૫મા જન્મવર્ષ દરમિયાન ૧૨૫ નવી ઉચ્ચ માધ્યમિક શાળાઓ, ૧૨૫ નિમ્ન માધ્યમિક શાળાઓ શરૂ કરશે. શાળાઓમાં રોજ શિક્ષણની શરૂઆત પહેલાં રવીન્દ્રસંગીત કે રવીન્દ્રનાથની કવિતાના પાઠ થાય તેવી વ્યવસ્થા કરવાનું કહેવામાં આવશે. એટલું જ નહિ, જિલ્લે જિલ્લે અને ગામે ગામે રવીન્દ્રનાથની કવિતા પહોંચે એવું આયોજન થશે. એ માટે ગ્રામપંચાયતો, નગરપંચાયતોનો સાથ લેવામાં આવશે.

સરકારે આ જન્મોત્સવ નિમિત્તે એક ઉલ્લેખનીય પગલાની ઘોષણા કરી અને તે એ કે કવિના આ ૧૨૫મા જન્મવર્ષમાં સરકાર બંગાળનાં જે જે ગામોમાં પીવાના પાણીની અગવડ છે, ત્યાં પીવાના પાણીની સગવડ ઊભી કરશે.

આવતા ડિસેમ્બરમાં રવીન્દ્રમેળાનું આયોજન થશે, જેમાં નૃત્ય, નાટક, કવિસંમેલન, લોકસંસ્કૃતિ વગેરે કાર્યક્રમ યોજાશે.

આ તો કવિના જન્મદિનની પૂર્વસંધ્યા હતી. ૯મી મે એટલે કે ૨૫મી વૈશાખે તો આખા નગરમાં અનેક સ્થળે કાર્યક્રમો થવાના. કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશને કવિ રવીન્દ્રનાથ જ્યારે ૭૦ વર્ષના થયા અને જે ટાઉનહૉલમાં તેમનું સન્માન કરેલું, તે સ્થળે ૧૨૫મો જન્મોત્સવ ઊજવવાનું વિચારેલું છે. જ્યાં રવીન્દ્રનાથનો જન્મ થયેલો તે જોડાસાંકો ઠાકુરવાડીના પ્રાંગણમાં સ્થપાયેલી રવીન્દ્રભારતી યુનિવર્સિટીનો કાર્યક્રમ હતો. અને કલકત્તાથી દોઢસો કિલોમીટર દૂર શાંતિનિકેતન, વિશ્વભારતીમાં પણ ભરપૂર કાર્યક્રમ હતા. રવીન્દ્રસદનમાં તો હતો જ, અને નંદનમાં ફિલ્મોત્સવનો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો.

સંગીત અને તે પછી નૃત્યનાટ્ય જોયા પછી રવીન્દ્રસદનમાંથી વિક્ટૉરિયા મેમૉરિયલને માર્ગે હોટેલ તરફ જઈ રહ્યો હતો ત્યારે લાગતું હતું કે કલકત્તામાં નહિ, એવા નવા લોકમાં – રવીન્દ્રલોકમાં આવી ગયો છું. થોડા દિવસો પહેલાં આપણા વડાપ્રધાને કલકત્તાને ડાઇંગ સિટી (મુમૂર્ષુ નગર) કહીને એ નગરની ટીકા કરી હતી – મને લાગ્યું કે કલકત્તા જેટલું જીવંત બીજું કયું નગર હશે? પોતાના કવિની સંજીવની વાણીનું પાન કરી તેનો મહિમા કરે છે. બંગ સરકારે કવિ રવીન્દ્રનાથનું સમગ્ર સાહિત્ય સસ્તી કિંમતે મળે એ માટે સોળ મોટા ખંડોમાં સુંદર કાગળ, છપાઈ અને અનેક ફોટાઓ સાથે ‘રવીન્દ્રરચનાવલિ’ પ્રકાશિત કરવાની યોજના કરી છે. તેમાં એટલા બધા આગોતરા ગ્રાહકો નોંધાયા કે લૉટ નાખીને નોંધણી કરી, અને તેય પણ સાઠ હજાર સેટની!

કવિવાણીનું સેવન કરનાર કલકત્તા કેવી રીતે મરે? કલકત્તા વિલ નૉટ ડાય – રવીન્દ્રનાથનું કલકત્તા નહિ મરે.

‘પતરાનું પડઘમ’ – ધ ટિન ડ્રમ – નામની નવલકથા અને એ નવલકથા પરથી ઊતરેલી ફિલ્મથી વિશ્વમાં પ્રસિદ્ધ જર્મન સાહિત્યકાર (અને ઍક્ટિવિસ્ટ) ગ્યુન્ટર ગ્રાસે કલકત્તા જોયા પછી પોતાની એક કૃતિમાં એને વણી લીધું છે, પણ ભારોભાર નફરતથી. કલકત્તા વિશે એણે એવી રિમાર્ક કરી છે કે દુનિયાભરના ટુરિસ્ટ નકશાઓમાંથી કલકત્તાનું નામ ભૂંસી નાખવું જોઈએ.

એનો અર્થ એવો કે હૅર ગ્યુન્ટર અર્થાત્ ગ્યુન્ટરમોશાય બંગાળીઓના ખરા કલકત્તાને જાણતા નથી. સરાસરી કલકત્તાવાસી કલકત્તા સાથે પ્રેમ-ધિક્કારનો સંબંધ ધરાવે છે, એટલે કે ખરા અર્થમાં પ્રેમ કરે છે; પરંતુ કલકત્તાના મુલાકાતીઓ કલકત્તાને જોઈને વિમાસણમાં પડી જાય. કલકત્તાના એટલા ચહેરા છે. એટલે તો કલકત્તા વિશે જુદા જુદા અભિપ્રાયો મળે છે.

ગ્યુન્ટર ગ્રાસે આ ૯મી મેના દિવસે એટલે કે રવીન્દ્રનાથના ૧૨૫મા જન્મદિવસે કલકત્તા આવવા જેવું હતું. તો એનો ઉદ્ગાર કદાચ બીજા પ્રકારનો હોત. રવીન્દ્ર-જન્મોત્સવની પૂર્વસંધ્યાએ કલકત્તાવાસીઓના રવીન્દ્રપ્રેમનો અણસાર મળ્યો હતો. પણ ૯મીના દિવસે રવીન્દ્રઘેલછા કહી શકાય એવો અનુભવ થયો. ઘેલછા અહીં સારા અર્થમાં વાપરું છું. પોતાના કવિને માટે ઘેલછા હોય એવા ભાષાસમાજો બહુ થોડા છે.

મેં વિચાર કર્યો હતો કે સવારમાં વહેલા કવિના જન્મસ્થાન ‘જોડાસાંકો’ – ઠાકુરવાડીએ પહોંચી જવું. સવારથી આકાશવાણી પર રવીન્દ્રસંગીત રેલાતું હતું. આજનાં બંગાળી-અંગ્રેજી અખબારોની રવીન્દ્રનાથ વિશે વિશેષ પૂર્તિઓ હતી. આશ્ચર્ય તો એ હતું કે વેપારી જાહેરાતો પણ રવીન્દ્રનાથની કાવ્યપંક્તિઓ ટાંકીને કવિની જાતજાતની તસવીરો સાથે છપાઈ હતી.

આકાશમાં વાદળ હતાં છતાં કલકત્તાની ભેજવાળી ગરમીનો અનુભવ થતો હતો. જોડાસાંકો બંગલો એક રીતે જૂના કલકત્તાનો ચહેરો રજૂ કરે છે. મોટા મોટા સ્તંભો પર બંધાયેલા અગ્રભાગવાળા બંગલા ૧૯મી સદીના આરંભના કે મધ્ય ભાગના સ્થાપત્યનો ખ્યાલ આપે. ૧૯૬૧માં કવિની જન્મશતાબ્દીના વર્ષમાં એ ઠાકુરવાડીનાં દર્શન કર્યાં હતાં. હમણાં ત્રણ વર્ષ પહેલાં નિરાંતે એને ઓરડે ઓરડે ફરી ત્યાં સચવાયેલી, સંઘરાયેલી રવીન્દ્ર-સ્મૃતિઓના વિશ્વમાં રવીન્દ્ર- અભ્યાસી મિત્ર સાથે ભ્રમણ કર્યું હતું. પણ આજે?

આજે એ વિસ્તારની સડકો જુદી લાગી. અમારી મોટર વારે વારે માર્ગની ભીડથી ગતિ કરી શકતી નહોતી. એ ભીડ જતી હતી ‘જોડાસાંકો’ તરફ. શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની ટુકડીઓ, સંગીત મંડળીઓ, કીર્તનદલ, યુવક-યુવતીઓ, પ્રૌઢો જાણે સૌની એક દિશા હતી. એક સ્થળે મેં જોયું તો માર્ગ વચ્ચે નાટકનું એક દૃશ્ય ભજવાઈ રહ્યું હતું. રવીન્દ્રનાથનું જ એક નાટક.

ઠાકુરવાડીના પ્રવેશદ્વારે તો લાંબી લાંબી કતાર. હાથમાં ફૂલ કે ફૂલમાળા લઈ હજારો લોકો શાંતિથી ઊભાં હતાં. સ્વયંસેવકો વ્યવસ્થામાં લાગ્યા હતા. મધુર રવીન્દ્રસંગીત વાતાવરણમાં ગુંજરિત હતું. કતારમાં ઊભા રહેવું પડ્યું હોત તો કદાચ કલાકો નીકળી જાત, પણ રાજ્ય-અતિથિ તરીકેનો વિશિષ્ટ લાભ લઈ અમે જલદી પ્રવેશ મેળવ્યો. ઠાકુરવાડીના પ્રાંગણમાં એક મોટા શમિયાણામાં તલપૂર જગ્યા નહોતી. રવીન્દ્રનાથની કવિતાના પાઠ થતા હતા, તેમનાં ગીતોનું ગાન થતું હતું. મોટા મોટા અક્ષરે મંચ પરના એક ભૂરા રંગના બૅનર પર રવીન્દ્રનાથની એક પંક્તિ અંકિત હતીઃ

કે બલે ગો સેઇ પ્રભાતે નેઇ આમિ

— કોણ કહે છે રે, કે તે પ્રભાતે હું નહિ હોઉં…

સાચે જ કોઈ કહી શકે એમ નથી કે કવિ રવિ ઠાકુર આજે ૧૨૫મા તેમના જન્મદિવસના પ્રભાતે અહીં નથી.

રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીનાં છાત્રો-છાત્રાઓ સ્વયંસેવકોની ફરજ પર હતાં. છાત્ર સંઘના જનરલ સેક્રેટરી મદનદાસે કહ્યું કે વહેલી સવારના ત્રણ વાગ્યેથી આ કતાર શરૂ થઈ છે અને આ નવ વાગ્યા સુધીમાં તો દશ હજાર જેટલા દર્શનાર્થીઓ આવી ગયા હશે!

નવી પેઢી રવીન્દ્રનાથને બહુ વાંચતી નથી, રવીન્દ્રનાથ હવે ‘ગઈ કાલ’ની વસ્તુ બની ગયા છે – એમ સાંભળવા મળે છે આ વર્ષોમાં પણ. એ વાત આ પ્રાંગણમાં, આ કતારમાં જે તરુણ-તરુણીઓનો મેળો જામ્યો છે, તે જોતાં સાચી નથી લાગતી. મદનદાસે કહ્યું કે કલકત્તા નગરની જુદી જુદી ક્લબો પણ રેલી કાઢીને આવતી જાય છે.

ઠાકુરવાડીના જુદા જુદા ખંડોમાં આજે પ્રદર્શનો છે. આ ઠાકુરવાડી વિશે રવીન્દ્રનાથે પિતાની ‘જીવનસ્મૃતિ’માં કેટલું બધું લખ્યું છે! પ્રિન્સ દ્વારકાનાથ ઠાકુર – રવીન્દ્રનાથના દાદાએ આ વિશાળ બંગલો બંધાવેલો. રવીન્દ્રનાથનું બચપણ એ બંગલાની ચાર દીવાલમાં વ્યતીત થયેલું.

એક ખંડમાં, જ્યાં કવિનું અવસાન થયેલું ત્યાં ૧૨૫ દીપકો બળતા હતા. એ ખંડમાં એક ક્ષણ ઊભા રહી કવિને મૂક શ્રદ્ધાંજલિ આપી. એક ખંડ વિશેષ પ્રભાવિત કરી ગયો, જેમાં ઠાકુર પરિવારની પ્રસિદ્ધ વ્યક્તિઓની મોટી મોટી તસવીરો હતી. કેવો હતો એ યુગ? અને આ ઠાકુરો?

બપોરના ટાઉનહૉલના પ્રાંગણમાં કાર્યક્રમ હતો. આ ટાઉનહૉલ પણ દોઢસો-બસો વર્ષ જૂનો હશે. વિરાટ થાંભલાઓવાળો એ પણ. કલકત્તાની મ્યુનિસિપલ કૉર્પોરેશને એક ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. રવીન્દ્રનાથનું ૧૯૪૧માં જ્યારે અવસાન થયું હતું ત્યારે અનેક દુર્લભ સામગ્રી સાથે કલકત્તા મ્યુનિસિપલ ગૅઝેટનો એક અંક રવીન્દ્ર વિશેષાંક રૂપે પ્રકટ કરવામાં આવ્યો હતો: ‘ધ કલકત્તા મ્યુનિસિપલ ગૅઝેટ ટાગોર મેમોરિયલ સ્પેશિયલ સપ્લિમેન્ટ.’ એનું સંપાદન અમલ હોમે કરેલું. રવીન્દ્રપ્રેમીઓમાં આ દુર્લભ અંક માટે હંમેશાં ખેંચાણ. એ જ સ્થળેથી આજે એ અંકનું પુનર્મુદ્રણ પ્રકટ થવાનું હતું. ત્યાં એક તકતી મૂકવાની હતી. કૉર્પોરेશને જાહેર કર્યું હતું કે જે જે સ્થળે રવીન્દ્રનાથની સ્મૃતિથી જડિત છે, ત્યાં ત્યાં સ્મૃતિ-તકતીઓ મૂકવામાં આવશે.

ટાઉનહૉલ પર પહોંચ્યા ત્યારે કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. કાર્યકમ ખંડની બહાર હતો. પગથિયાં અને નીચેના માર્ગ પર બેસવાની વ્યવસ્થા હતી. અહીં પણ ૧૨૫ દીપ પ્રકટાવી કાર્યક્રમનો આરંભ મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ કર્યો. એ ૧૨૫ દીવાની જ્યોત એકબીજામાં ભળી જતાં આખી દીવી પ્રજ્વલિત શિખા રૂપે પ્રકટી ઊઠતાં, ત્યાંથી તાબડતોબ હટાવવી પડી!

સાંજે રવીન્દ્રસદનમાં રવીન્દ્ર પુરસ્કાર વિતરણ સમારંભ હતો અને તે પછી તરત નંદનમાં રવીન્દ્ર ફિલ્મોત્સવ. નંદન થિયેટર આર્ટ ફિલ્મો બતાવવા માટે બંગાળ સરકારે બાંધ્યું છે. એક અઠવાડિયા માટે ફિલ્મોત્સવ ચાલશે, રોજ ત્રણ ફિલ્મો બતાવવામાં આવશે. એ ફિલ્મો રવીન્દ્રનાથની વાર્તાઓ, નવલકથાઓ પર આધારિત હશે. આજે ઉદ્ઘાટનને પહેલે દિવસે સત્યજિત દિગ્દર્શિત ‘ચારુલતા’ ફિલ્મ હતી, રવીન્દ્રનાથની ‘નષ્ટનીડ’ વાર્તાનું ફિલ્માયન.

એ જ વખતે રવીન્દ્રસદનમાં કવિ-સંમેલનનો કાર્યક્રમ હતો. ક્યાં જવું, ક્યાં ન જવું? પણ પછી ફિલ્મમાંથી ઊઠી શકાયું નહિ. જે સેમિનાર માટે હું ખાસ આવ્યો હતો, તેની શરૂઆત આવતી કાલે થશે અને એ પણ દશ દિવસ ચાલશે.

મને થતું હતું કે ગ્યુન્ટર ગ્રાસ ગમે તે કહે, અહીં જ જન્મેલા કવિ કિપ્લિંગે કલકત્તાની કુરૂપતા વિશે ભલે કવિતા કરી હોય, પણ આ કલકત્તાને ટૂરિસ્ટ નકશાઓમાંથી કેવી રીતે ભૂંસી શકાય?

રવીન્દ્રનાથના ૧૨૫મા જન્મદિન નિમિત્તે લગભગ બધાં સાપ્તાહિકોએ, માસિકોએ પણ તેમને વિશે ખાસ અંકો, તસવીરો પ્રકટ કર્યાં હતાં. અખબારોની પૂર્તિની વાત તો મેં શરૂઆતમાં કરી છે. એમાં રવીન્દ્રનાથને કેન્દ્રમાં રાખી જે કેટલીક જાહેરખબરો છપાઈ છે તેમાં કેટલીક કલાત્મક વ્યંજનાથી ધ્યાન ખેંચે એવી છે.

ફિલિપ્સ કંપનીએ રવીન્દ્રનાથની તસવીર સાથે ‘આકાશ આમાય ભરલ આલોય, આકાશ આમિ ભરબ ગાને’ (આકાશે મને પ્રકાશથી ભરી દીધો છે, હું આકાશને ગીતથી ભરી દઈશ.) એ પંકિત આપી ‘આકાશ ભરા આલો આર ગાનઈ વિશ્વકવિર જન્મદિને આમાર શ્રદ્ધાર્થ્ય’ એમ કહી એક પંક્તિમાં પોતાની કંપનીની જાહેરાત આપી છે.

કેયોકાર્પિન નામની હેરઑઇલ કંપનીએ ‘પૃથિવી’ નામની કવિતામાંથી લીટીઓ છાપી છે, ‘દેવતાર મંત્ર ઊઠે છે આકાશે બાતાશે અરણ્યે…’ અને પછી ઉમેર્યું છે… શાન્તિ વર્ષે, મહા-કવિર એકશત પંચીશતમ જન્મ વાર્ષિકી ઉ૫લક્ષ્યે, હિંસાય ઉન્મત્ત પૃથિવીતે ક્ષમાસુંદર શાન્તિ ફિરે આસુક એઈ પ્રાર્થના કાર.–વિજ્ઞાપનમાં પણ કવિની કવિતાના શબ્દો ગૂંથી લીધા છે.

ઓસ્કાર નામની ટી. વી. કંપની રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં જ એક કવિતા છાપે છે. બોરોલીન કંપનીએ તે ત્રણચાર સ્થળે કવિના હસ્તાક્ષરના શ્લોકમાં પંક્તિઓ છાપી છે.

કોલ ઇન્ડિયા, ટૂરિસ્ટ બ્યૂરો, એચ.એમ.વી. આદિની પણ રવીન્દ્રનાથને કેન્દ્રમાં રાખીને આકર્ષક જાહેરાતો છે; પણ આ બધામાં જે મનમાં રહી ગઈ છે તે સાઉથ-ઈસ્ટર્ન રેલવેએ આપેલી જાહેરાત. જાહેરાતનું શીર્ષક છે; ‘૧૧૪ વર્ષ પહેલાં જ્યારે રવીન્દ્રનાથ ૧૧ વર્ષના હતા.’ જાહેરાતમાં રવીન્દ્રનાથના જીવનની એક ઘટના આપી છે, જેમાં તે પોતાના પિતા દેવેન્દ્રનાથ સાથે ગાડીમાં બેસીને જતા હતા. ૧૧ વર્ષના રવીન્દ્રનાથની પિતાએ અડધી ટિકિટ લીધી હતી. પણ સ્ટેશન-માસ્તરે મોટી ઉંમરનો વહેમ લાવતાં દેવેન્દ્રનાથે આખી ટિકિટ કાઢવા નોટ આપી. ટિકિટના પૈસા કાપી સ્ટેશન-માસ્તરે પરચૂરણ પાછું આપ્યું, તો દેવેન્દ્રનાથે ગુસ્સામાં સડક પર ફગાવી દીધું. સ્ટેશન- માસ્તરને હવે લાગ્યું કે દેવેન્દ્રનાથ ખોટું નહોતા બોલતા. બાલ રવીન્દ્રનાથના ચિત્ત પર આ ઘટના દૃઢ અંકિત થઈ ગઈ. પછી કુશળતાથી રેલવેએ પોતાની જાહેરાતની વાત ઉમેરી દીધી કે જો બાળક પોતાના પિતાને ટિકિટ વગર મુસાફરી કરતા જુએ, તો આવતી કાલનો આ નાગરિક કેવું આચરણ કરશે?

એક હતું કલકત્તા.

એક છે કલકત્તા.

એક હશે કલકત્તા.

એક જે હતું કલકત્તા એનો કૈંક પરિચય રવીન્દ્રનાથના આત્મવૃત્તાન્ત ‘છૅલેબૅલા’ – ‘બાળપણ’માં મળે છે. સો-સવાસો વર્ષ પહેલાંના કલકત્તાની એ જીવંત તસવીર છે. તેમણે લખ્યું છે: “મારો જન્મ થયો હતો જૂના કલકત્તામાં. તે વખતે નહોતી ટ્રામો, નહોતી બસ કે નહોતી મોટરગાડી. તે વખતે શહેરમાં ટપ્પા છડ છડ કરતા, ધૂળ ઉડાડતા દોડતા અને હાડપિંજર જેવા ઘોડાની પીઠ પર દોરીનો ચાબખો પડતો. તે વખતે કામકાજની આવી બેદમ ધમાલ નહોતી. બસ આરામમાં દિવસ પૂરો થતો. બાબુ લોકો હુક્કાનો બરાબર દમ લઈને પાન ચાવતા ઑફિસમાં જતા, કોઈ પાલખીમાં તો કોઈ ભાગમાં ઘોડાગાડી કરીને. પૈસાદાર લોકોની ઘોડાગાડીઓ પર ટૂંકા અક્ષરે તેમનું નામ લખેલું રહેતું. ચામડાનો અડધો ઘૂમટો કાઢ્યો હોય એવા કોચબૉક્ષ પર કોચમેન માથા પર વાંકી પાઘડી મૂકીને બેસતો. તેની પાછળ બબ્બે સઈસ ઊભા રહેતા. કમરે ચમર ઝુલાવતા અને ‘હેઇયો, હેઇયો’ કરીને પગે ચાલી જતા લોકોને ચમકાવતા.

સ્ત્રીઓને બહાર જવું-આવવું હોય તો બંધ બારણાવાળી પાલખીના ગૂંગળામણ થાય એવા અંધારામાં પુરાઈને જ તેમનાથી જઈ શકાતું. તેમનાથી તાવમાં કે વરસાદમાં માથા પર છત્રી ઓઢી શકાતી નહીં. કોઈ સ્ત્રીના શરીર પર કબજો કે જોડા દેખાયા તો લોકો એને ‘મેમસાહેબ’ કહેતા. એનો અર્થ એ કે એણે લાજશરમ નેવે મૂકી છે.

ઘરમાં જેમ એનાં બારણાં બંધ રહેતાં, તેમ બહાર નીકળવાની પાલખીનાંય બંધ રહેતાં. શ્રીમંતોની વહુબેટીઓની પાલખી ઉપર વળી એક મોટો લાંબો-પહોળો ભભકાદાર પડદો પડેલો રહેતો — જાણે હાલતીચાલતી કબર જોઈ લો. એની બાજુમાં પિત્તળની કડિયાળી ડાંગ લઈને દરવાન ચાલતો. વાર- તહેવારે ગૃહિણીઓ બંધ પાલખી સમેત ગંગાજીમાં ડૂબકી ખાતી!

તે વખતે શહેરમાં નહોતો ગૅસ કે નહોતા વીજળીના દીવા. પાછળથી જ્યારે વીજળીના દીવા આવ્યા ત્યારે એનું અજવાળું જોઈને અમે આભા બની ગયા હતા. સાંજે નોકર આવીને ઓરડે ઓરડે એરંડિયાના દીવા સળગાવી જતો.’

‘આ એક હતું કલકત્તા’ની એક તસવીર, તેમાં યાતાયાતના સાધન તરીકે પાલખી સર્વ રીતે પ્રાધાન્ય ભોગવતી. એક સમય હતો, જ્યારે આપણા આખા દેશમાં પાલખીઓ વપરાતી. રાજામહારાજાઓ કે શ્રીમંતોમાં જ નહીં, સામાન્ય લોકોમાં પણ એનો વપરાશ હતો. અકબરના મિત્ર અને પ્રસિદ્ધ ઇતિહાસકાર અબુલફઝલે પાલખી માટે ‘સુખાસન’ જેવું સુંદર નામ યોજ્યું હતું. કલકત્તામાં અંગ્રેજ રાજ થયા પછી પણ એનો ઉપયોગ ચાલુ રહેલો. (હજી ક્યાંક લગ્ન-પ્રસંગોએ પાલખી-ડોલી-નો ઉપયોગ, કંઈ નહીં તોય ફિલ્મમાં કે ફિલ્મી ગાયનમાં – ‘લેકર ડોલી ખડે હૈં કહાર’ જેવી પંક્તિઓમાં થતો જોવા મળે છે.) પણ એ વખતના કલકત્તાનો ચહેરો-મહોરો ગામડાગામનો હતો. ભૂતકાળની આ પાલખીમાં બેસવાની હવે તો કલ્પના જ કરવી રહી.

‘એક છે કલકત્તા’ની તસવીર ખેંચવી હોય તો? જેવા તમે હાવડા સ્ટેશને ઊતરો અને તોતિંગ લોખંડી પુલ પરથી હુગલી પાર કરો તે પહેલાં યાતાયાતનાં વિવિધ વાહનોનો આપણી ચેતના પર જે પ્રભાવ પડે તે પ્રભાવથી ખેંચી શકાય. ટૅક્સીઓ, ઑટોરિક્ષાઓ, પગરિક્ષાઓ, રાજ્ય-પરિવહનની બસો, ખાનગી બસો, મીની બસોના જુદા જુદા ચહેરાઓ દેખાય. ખાનગી વાહનોના કંડક્ટરો સાદ પાડીપાડીને પૅસેન્જરોને જુદા જુદા સ્થળોનાં નામ દઈ બોલાવતા હોય. કલકત્તાના માર્ગો પર દરેક વાહનચાલકના પોતાના ટ્રાફિકના નિયમો પળાતા જણાય. આ માર્ગો પર જે દેશમાં હવે બીજે નથી, તેવી ટ્રામો હજી ઘર્ઘર રવ કરતી ઘસડાતી દોડે છે, કલકત્તાનો મિજાજ જોતાં કદાચ દોડતી રહેશે. અને આ માર્ગો પર હાથરિક્ષાઓ ચાલે છે, જેમાં માણસ જોતરાઈને માણસને ખેંચે છે.

કલકત્તાનો અનુભવ લેવો હોય તો આ બધાં વાહનોનો અનુભવ લેવો રહ્યો. પિક-અપ અવર્સમાં એની બસોની ભીડ વચ્ચે ભીંસાયા ન હો ત્યાં સુધી કલકત્તાનો અનુભવ અધૂરો. બારણાની ફૂટ બોર્ડ પર પૅસેન્જરોનો મધપૂડો બાઝ્યો હોય તો ય વધારે પૅસેન્જર લેવા ખાનગી બસ તો ઊભી રહેવાની. હાથ-પગ અડે તોય લડાઈ-ઝઘડા નહીં. મહિલાઓ પણ આ ભીડથી ભરપૂર ટેવાઈ ગઈ છે.

કલકત્તાના ટ્રાફિકની આ અવસ્થામાં હવે એક નવી વ્યવસ્થા ઉમેરાઈ છે. અને તે છે કલકત્તાની મેટ્રો રેલવે. અર્થાત્ ભૂગર્ભ રેલવે. ભારત સરકારનું આ કરોડો રૂપિયાનું સાહસ છે. વર્ષોથી ચાલતો આ પ્રૉજેક્ટ કંઈ કેટલીય ટીકાઓનો માર ખમી ખમીને હવે કંઈક વ્યવહારક્ષમ બન્યો છે. કલકત્તા હવે પાલખીનું નગર નથી, ભારતની પ્રથમ મેટ્રો રેલવે ધરાવતું નગર છે!

મેટ્રો રેલવે કલકત્તાની મધ્યમાં દોડે છે પણ ભૂગર્ભમાં. ઉપર એસ્પ્લેનેડથી ભવાનીપુર જતી પ્રસિદ્ધ ચૌરંઘીની પહોળી સડક છે. થોડાં માસ–વર્ષ પહેલાં આ સડક જોઈ હોય તો આખી સડક ખોદાઈ ગયેલી. તોતિંગ પાટડા અને લોખંડના વજનદાર બીમો જોઈને થતું કે મેટ્રો તો થતી થશે?! પણ અત્યારે તો કલકત્તાની આ એક દુર્દશા છે. કેટલી વાર તે એમાં પાણી ભરાઈ ગયાં! પણ મેટ્રો જેનું નામ.

પણ હવે મેટ્રો શરૂ થઈ છે. એસ્પ્લેનેડ–કલકત્તાના મધ્યથી દક્ષિણ તરફના ટર્મિનસ ટાલિગંજ સુધી. હવે અસ્પ્લેનેડથી ઉત્તર તરફ હવાઈ અડ્ડા દમદમ સુધી લઈ જવાની છે. આ વખતે કલકત્તાનાં મારાં સ્થાયી યજમાન જેવાં જ્યોતિબહેન ભાલરિયા અને આપણા પ્રસિદ્ધ કથાકાર શિવકુમાર જોષી સાથે કલકત્તાની આ મેટ્રોનો અનુભવ લેવાનું વિચાર્યું હતું. અમારે માટે તે એ ‘જૉય રાઇડ’ હતી.

જ્યોતિબહેન અને શિવકુમારભાઈ શરત બોઝ રોડ પર રહે છે. ત્યાંથી રવીન્દ્રસદનનું સ્ટેશન નજીક પડે. અમે મેટ્રોના રવીન્દ્રસદન સ્ટેશને પહોંચ્યાં. જ્યોતિબહેને બહાર મોટરગાડી પાર્ક કરી. બહારથી તો સ્ટેશન એક નાનકડી કૅબિન જેવું લાગે. એના દરવાજેથી અંદર પ્રવેશ કરતાં જાણે ‘સમ સમ ખૂલ જા’નો અનુભવ થયો. કોઈ ગુપ્ત ખજાનો નહોતો; પણ અંદર એક નવી જ દુનિયા હતી ઘણાં પગથિયાં ઊતરવાં પડ્યાં. અંદરની વિશાળતાનો બહારથી તો ખ્યાલ જ નહોતો આવતો.

રચના બહુ સુંદર અને કલાત્મક. અહીં પણ રવીન્દ્રનાથનાં ચિત્રોને આધારે મોઝેઇક ડિઝાઇન. એમની એક કવિતા પણ કોતરેલી. આ બધું જોતાં મયદાનવની પેલી પાંડવસભાનો વિચાર આવે. સ્ટાફ બધો વિનયી. અમે ટિકિટ લીધી અને ગાડીની રાહ જોતાં ઊભાં. દરમિયાન રવીન્દ્રસંગીતના સૂરો રેલાતા હતા. રેલવેનું પોતાનું સંગીત હોય છે, પણ આ સંગીત!

વેગથી ગાડી આવી. ઊભી રહી. દરવાજા ઑટોમૅટિક. તે ઊઘડી ગયા. અમે પ્રવેશ કર્યો. દરવાજા બંધ થાય છે, તેવી સૂચના અપાઈ. દરવાજા બંધ થઈ ગયા. વેગથી ગાડી દોડવા લાગી. મયદાન સ્ટેશન આવ્યું અને તે પછી એસ્પ્લેનેડ. અહીં ઑટોમૅટિક લિફ્ટ હતી. આપણે જઈને ઊભા રહેવાનું. પગથિયાં જ જાણે ઊંચે ચઢતાં જાય. શિવકુમારભાઈ અને જ્યોતિબહેન તો દુનિયા આખી ખૂંદી વળેલાં. તેમણે યુરોપની અને ખાસ તો ન્યૂયૉર્કની મેટ્રો ગાડીઓની વાત કરી.

એસ્પ્લેનેડ ટર્મિનસ હતું. પણ અમે વળી પાછા એસ્પ્લેનેડથી ટાલીગંજની ટિકિટ લીધી. ત્યાં થોડાંક પગથિયાં ઊતરવાનાં હતાં. શિવકુમારભાઈ એક પગથિયું ભૂલતાં અડબડિયું ખાઈ ગયા. એમના સૌન્દર્યપ્રિય સ્વભાવને અનુલક્ષીને જ્યોતિબહેને વિનોદ કર્યો – ‘સામે કોઈ સુંદર છોકરી જતી હતી કે શું?’ શિવકુમારભાઈએ જવાબ આપ્યો – ‘બાજુમાં તમે હો, પછી સામે શા માટે જોવું?’ ભૂગર્ભમાં ખ્યાલ નહોતો આવતો કે અત્યારે બહાર આ સડક ઉપર ટૅક્સી બસ, મીનીબસ, રિક્ષા, ઑટોરિક્ષા, મોટરગાડીઓ દોડંદોડ કરતી હશે?

ટ્રેનમાં સવાર થઈ ગયા. દરવાજા બંધ થયા. હવે ટાલિગંજ તરફ-દક્ષિણ કલકત્તા તરફ ગાડીમાં ભીડ નહોતી. ડબ્બા પણ સુંદર હતા. કલાત્મક ચિત્રો ટાંગેલાં હતાં. સંગીત વહેતું હતું. ટાલિગંજ સ્ટેશન પર ગાડી ભૂગર્ભની બહાર આવી જાય છે. આ ટર્મિનસ છે. અમે બહાર નીકળી, વળી પાછાં ભૂગર્ભમાં ઊતરી ગયાં. કોઈ ગભીર જલમાં ડૂબકી મારી હોય અને જરા ડોકું બહાર કાઢી ફરી જલમાં ઊતરી ન ગયા હો!

જ્યારે દમદમથી ટાલિગંજ મેટ્રો રેલવે દોડશે, ત્યારે કલકત્તાની એક સગવડમાં થોડો ઉમેરો થશે; પણ દરમિયાન આજનું કલકત્તા કેટલું વધી ગયું હશે!

કોણ જાણે છે આવતી કાલે કેવું હશે કલકત્તા?

કલકત્તાનગરીનું શબ્દચિત્ર આંકવાનો પ્રયત્ન કરું છું ત્યાં મધ્યકાળના હિંદી કવિ બિહારીનો એક દોહો યાદ આવે છે. એ દોહાનો ભાવાર્થ એવો છે કે એ નાયિકાની તસવીર ચીતરવા અનેક બધા કુશળ ચિતારા પોતાની હોશિયારીનું અભિમાન ધરીને આવ્યા; પણ બધાનું અભિમાન એણે ધૂળભેગું કરી નાખ્યું. કોઈ કલાકાર એની તસવીર ચીતરી શક્યો નહિ.

વ્યંજના એવી છે કે એ નાયિકા એટલી બધી સુંદર છે, અને સુંદર એટલે ક્ષણે ક્ષણે જે નૂતનતા ધારણ કરે છે તે. નાયિકાને સામે બેસાડી ચિત્રકાર ચિત્ર-ફલક પર એક રેખા દોરી, ફરીવાર એના સામે જોવા જાય ત્યારે તો એ ચહેરો નવીન દીસે. મૂંઝાઈને ચિતારો ચીતરવાનું જ છોડી દે કે પછી એવો અર્થ કરીએ કે એનું રૂપ જોઈને જ ચીતરવાનું ભૂલી જાય!

કલકત્તા એવી અપરૂપ નગરી તો નથી, કદાચ કુરૂપ પણ છે, પણ એનું યથાર્થ શબ્દચિત્ર આલેખી શકાય એમ નથી. એના અનેક ચહેરા દેખાશે. બધા ચહેરા જુદા જુદા અને એકબીજાને ‘ઓવરલૅપ’ કરતા. એટલે તો આ નગર વિશે અંગ્રેજી-બંગાળીમાં અસંખ્ય કવિતાઓ રચાઈ છે; પણ જાણે એકેયમાં આ નગરસુંદરી પૂરી ઝિલાઈ નથી. મારા જેવા કલકત્તાના માત્ર મુલાકાતી માટે કલકત્તાનો ચહેરો ઉપસાવવાનો પ્રયત્ન વૃથા જ છે અને છતાં એ ચહેરાનું એક એવું આકર્ષણ છે કે એની વાત કરવાનું મન થયા વિના રહે નહિ.

એટલે વાત ચલાવું છું. કદાચ અલગ અલગ મુદ્દાઓ ભેગા થતાં અસલ ચહેરાનો કંઈક આભાસ પામી શકાય. કાલિઘાટનું ધાર્મિક કલકત્તા જુદું છે. રવીન્દ્રસદનનું કલાપ્રિય જુદું છે, હાટબજારનું કલકત્તા જુદું છે, હુગલીના કિનારાનું કલકત્તા જુદું છે, કૉલેજસ્ટ્રીટ અને કૉફીહાઉસનું કલકત્તા જુદું છે. રમતનાં મેદાનોમાં કિકિયારીઓ કરતું કલકત્તા જુદું છે અને પુસ્તકમેળામાં રાચતું કલકત્તા જુદું છે. ઘોષણાઓ અને સરઘસોનું કલકત્તા જુદું છે. જુદાં જુદાં ભરચક્ક વાહનોથી સડક પર દોડતું કલકત્તા જુદું છે. દિવસનું કલકત્તા જુદું છે, રાત્રિનું જુદું છે. મત્સ્યપ્રિય તળ બંગાળીઓનું કલકત્તા જુદું છે અને આવી વસેલા મારવાડીઓ, ગુજરાતીઓનું કલકત્તા જુદું છે. ઈસ્ટ ઇંડિયા કંપની અને પછી બ્રિટિશ રાજની કોલેનિયલ ઇમારતો, દેવળો, કબ્રસ્તાનો સાચવી રહેલું કલકત્તા જુદું છે અને સ્કાયસ્ક્રૅપરવાળું આધુનિક કલકત્તા જુદું છે.

ઓહ! મારો પ્રયત્ન વૃથા જ છે. આવી જુદાગરાની સૂચિનો કોઈ અંત નથી. એ કરતાં કૉલેજસ્ટ્રીટ પહોંચી કૉફીહાઉસમાં બંગાળી મિત્રો સાથે બહસ કરી લઉં. જેને પુસ્તકો સાથે થોડીય નિસ્બત હોય એ કલકત્તા જાય અને કૉલેજસ્ટ્રીટ ન જાય તો એનો કલકત્તાનો ફેરો અધૂરો રહી જાય. જાદવપુર યુનિવર્સિટીના બંગાળી સાહિત્યકારમિત્રો શંખ ઘોષ, સુબીર રાયચૌધરી, સ્વપ્ન મજુમદાર સાથે એક ટૅક્સીમાં કૉલેજસ્ટ્રીટ પહોંચી જાઉં છું.

કૉલેજસ્ટ્રીટ એટલે કલકત્તા યુનિવર્સિટીનો વિસ્તાર, પણ એ છે જાણે નગરની બીચોબીચ. સર આશુતોષ બિલ્ડિંગ તરીકે ઓળખાતું યુનિવર્સિટીનું કેન્દ્રીય દફતર. જૂની ખખડધજ અને છતાં વિદ્યારત્નો પકવતી પ્રેસિડેન્સી કૉલેજ બાજુમાં જ છે. એ પેલી પ્રસિદ્ધ હિન્દુ કૉલેજ. મને એના એક અધ્યાપક યુરેશિયન ડિરોઝિયોનું સ્મરણું થયું. ઉત્પલ દત્તે ‘ઝડ’ (આંધી) ફિલ્મ એના જીવન પરથી ઉતારી છે. તે અહીં અધ્યાપક હતા, ત્યારે બંગાળમાં એ કાળે નવજાગરણના આંદોલનમાં એનો પ્રભાવ ભારે હતો. ઓગણીસમી સદીની શરૂઆતની એ વાત.

કૉલેજસ્ટ્રીટનું બીજું નામ છે – ‘બોઈપાડા’. બોઈ-બઈ એટલે પુસ્તક. કૉલેજસ્ટ્રીટ એટલે પુસ્તકોનું માર્કેટ. આ કલકત્તા એવું હશે જ્યાં પુસ્તકોનું આવડું મોટું માર્કેટ પુસ્તકપ્રેમીઓથી ધમધમતું હોય. સૌથી પહેલાં તો ધ્યાન ખેંચે ફૂટપાથ પર જૂનાં-નવાં પુસ્તકો પાથરીને બેઠેલા વિક્રેતાઓ, પછી ટેબલ પર પુસ્તકો ગોઠવીને ઊભેલા વિક્રેતાઓ, કૅબિનો ઊભી કરીને પુસ્તકો વેચતા વિક્રેતાઓ, દુકાનવાળા વિક્રેતાઓ…

પહોંચીએ તે પહેલાં ‘કૉનટા બોઈ દરકાર’ – કઈ ચોપડી જોઈએ, એમ પૂછતા ફેરિયા મળી જાય. આપણી રતનપોળમાં વેપારી કાપડના ઘરાક ખેંચે એમ. અમે બજારમાં પ્રવેશ કર્યો. આ સાહિત્યકારમિત્રોને ઘણાં વિક્રેતાઓ ઓળખે, બધાં નવાં પ્રકાશનો બતાવે. ઘણી ચોપડીઓ ખરીદી. મારે જોઈતી હતી બુદ્ધદેવ બસુ સંપાદિત ‘આધુનિક બાંગ્લા કવિતા’. આઉટ ઑફ પ્રિન્ટ. મળે નહિ. મૂળ પ્રકાશક એમ. સી. સરકારની દુકાને ગયા. ‘આઉટ ઑફ પ્રિન્ટ’ – એના માલિકે કહ્યું. મેં કહ્યું કે મારે ખાસ જરૂર છે, અમદાવાદથી આવું છું. એણે કહ્યું કે થોડી વાર પછી આવો. કદાચ ક્યાંક એકાદ નકલ પડી હોય.

અમે કૉફી હાઉસ ગયા. બંગાળી મિત્રો મને લઈ ગયા. થોડાંક પગથિયાં ચઢી પહેલે માળે વિશાળ હૉલ. બસો જેટલા કૉફીરસિયા એકસાથે બેસી શકે. સિગારેટના ધુમાડા, વચ્ચે દોડતા છોગાંની પાઘવાળા વેઇટર્સ, ટેબલની આસપાસ કૉફીના ઘૂંટ પીતાં ચર્ચામાં ડૂબેલાં તરુણ-તરુણીઓનાં દળ, કલકત્તાના સરાસરી યુવાનો રાજકીય બાબતોમાં વધારે સભાન છે. કોઈ ને કોઈ પાર્ટી સાથે જોડાયેલા હોય, કે સહાનુભૂતિ ધરાવતા હોય. તટસ્થ ન હોય, બંગાળની આ પરંપરા છે. ‘અડ્ડાબાજી’ અહીં એક પ્રચલિત શબ્દ છે. ‘અડ્ડો’ અહીં સારા અર્થમાં છે. અડ્ડાબાજી એટલે ચર્ચાઓ. ચર્ચાપ્રિય આદમીને અડ્ડાબાજ કહેવામાં આવે. કૉલેજ-યુનિવર્સિટીમાં ભણતા તરુણોમાં ઘણા અડ્ડાબાજ હોય. એમની હાજરીથી કૉફી હાઉસ ધમધમે. કંટાળો આવે અને પુસ્તકો ફેંદવાનું મન થાય તો બાજુના જ ખંડમાં રૂપા ઍન્ડ કંપનીના અને બીજા બુકસ્ટૉલ. લગાતાર બૌદ્ધિક ચર્ચાઓ થતી હોય. વિદ્વાનો-પ્રોફેસરો પણ આવે. કલકત્તાનું આ બૌદ્ધિક કેન્દ્ર છે.

કૉફી હાઉસની સીડીનાં પગથિયાં ચઢવા માંડો ત્યારથી ભીંતે ચીતરેલાં કે ચઢેલાં સૂત્રો વાંચતા જાઓ. ભીંત પર તલપુર જગ્યા ન મળે. જાતજાતની રાજકીય ઘોષણાઓ, છાત્રોની માગણીઓ પણ નક્સલ વિચારધારા, ડાબેરી વિચારધારા ધરાવતાં અનેક યુવક-યુવતીઓ મળે. સુબીર મને કૉફીહાઉસની આબોહવાનો પરિચય આપતા હતા. કવિ શંખ ઘોષ બહુ બોલે નહિ, વચ્ચે માર્મિક રિમાર્ક કરે. સ્વપ્ન મજુમદાર બહુ વ્યવસ્થિત માણસ. કલકત્તાના બજારને પણ જાણે, પોતાનો વિષય પણ જાણે. કૉફી-હાઉસ એટલે એક રીતે કલકત્તાનો ‘ગામચોરો’ ઊઘડે ત્યાંથી બંધ થાય ત્યાં સુધી આમ ભરાયેલું જ રહે.

અમે પાછા બોઈપાડામાં ગયા. સુબીરે એક પુસ્તક ખરીદી મને ભેટ આપ્યું, શંખ ઘોષે પોતાનો કવિતાસંગ્રહ તેમના પ્રકાશકની દુકાનેથી આપ્યો. અમે ‘આધુનિક બાંગ્લા કવિતા’ પુસ્તકની તપાસ કરવા ગયા. સામે જ એ દુકાનના પ્રોપ્રાઇટર મળ્યા. કહે, જાઓ, એક નકલ માંડ મળી છે, આપશે. અમે ગયા, ચોપડી મળી. પૈસા આપવા ગયા, તે કહે ‘શેઠ ગિફ્ટ તરીકે આપવાનું કહી ગયા છે.’

બંગાળી મિત્રો ચમક્યા. આ પ્રકાશક કોઈનેય કોમ્પ્લિમેન્ટરી કે ગિફ્ટ કૉપી આપે નહિ. આશ્ચર્ય જ ગણાય. મિત્રોએ કહ્યું, આ માટે મારે આઇસક્રીમ પાર્ટી આપવી પડે! મિત્રોને આઇસક્રીમ પાર્ટી આપવામાં આનંદ જ થયો. આ કૉલેજસ્ટ્રીટના પ્રકાશકો તરફથી ‘કૉલેજસ્ટ્રીટ’ નામનું માસિક પણ પ્રકાશિત થાય છે.

ફૂટપાથ પર પાથરેલાં જૂનાં પુસ્તકો જોવાનો મને લોભ હતો. જાતજાતનાં પુસ્તકો સસ્તી કિંમતે મળી જાય. ઘણાં તો અલભ્ય પુસ્તકો, લાંબી લાંબી ફૂટપાથો પુસ્તકોથી છવાયેલી. ‘બિહારી સતસઈ’ની, સૌમેન્દ્રનાથ ઠાકુરે કરેલા બંગાળી અનુવાદની ચોપડી મારા આશ્ચર્ય વચ્ચે આ ફૂટપાથ પરનાં પુસ્તકોમાં મળી આવી. આ પણ કલકત્તા. આ પ્રવૃત્તિ ચાલે છે, કેમ કે ભણેલા-ગણેલા બંગાળીઓ ઘણુંખરું પુસ્તક ખરીદવામાં માને છે. એનો અનુભવ વર્ષે વર્ષે ફેબ્રુઆરીમાં પંદર દિવસ માટે કલકત્તામાં ભરાતા પુસ્તકમેળા વખતે થયો છે. પુસ્તકમેળાના પ્રવેશદ્વારે ટિકિટ લઈ દાખલ થવા એક કિલોમીટર લાંબી લાઇન કલકત્તામાં જ હોય.

એક સાંજે કલકત્તાની નૅશનલ લાઇબ્રેરી જોવા ઇચ્છા હતી. જ્યોતિબહેન ભાલરિયા મને લઈ ગયાં. લગભગ રપ વર્ષ પહેલાં ૧૯૬૧માં ગુજરાતી સાહિત્ય પરિષદનું કલકત્તાના સાહિત્ય મંડળના ઉપક્રમે અહીં અધિવેશન ભરાયેલું ત્યારે આ લાઇબ્રેરીના પ્રાંગણમાં એક કાર્યક્રમ હતો. દેશના આ સૌથી મોટા ગ્રંથાલયના આજના ડિરેક્ટર અસીન દાસગુપ્ત મારા શાંતિનિકેતનનિવાસ વખતના મિત્ર, ગ્રંથાલય જોવા ઉપરાંત એમને મળવાનો પણ ખ્યાલ હતો.

સિંહની મૂર્તિઓ બેસાડેલો વિશાળ દરવાજો વટાવી એક ભવ્ય ઇમારત આગળ પહોંચ્યા. વૃક્ષરાજિથી શોભતો સુંદર પરિસર. સૌથી પહેલાં જઈને અસીનદાને મળ્યાં.

શ્રી અસીન દાસગુપ્ત અત્યંત રાજી થયા. એ વિદ્યાવ્યાસંગી અધ્યાપક અહીં વહીવટના કામમાં ગળાબૂડ હતા. એમણે ગુજરાતી વિભાગના વડા શ્રી જસાણીને બોલાવ્યા. શ્રી જસાણી અહીં આસિ. લાઇબ્રેરિયન છે.

તેમણે ગ્રંથાલયના જુદા જુદા વિભાગો તો બતાવ્યા, પણ એ સાથે આ ભવ્ય ઇમારતનો ઇતિહાસ પણ ગૂંથી લીધો. ઇમારત ગવર્નર જનરલ અને વાઇસરૉયનો રેસિડેન્સિયલ પૅલેસ હતો. આ ઇમારત તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોઈ નવાબ પાસેથી લીધી છે. ૧૭૬૧માં આ ઇમારત હતી એટલું પગેરું મળ્યું છે. ઊંચા ઊંચા મોટા ઓરડાવાળી આ ઇમારત લાઇબ્રેરી માટે તો નહોતી જ બની. સ્વતંત્ર થયા પછી મૌલાના આઝાદે નૅશનલ લાઇબ્રેરી માટે આ ઇમારત પસંદ કરી, ૧૯૫૩થી.

અમે રીડિંગ રૂમમાં ગયાં. અનેક વાચકો ચૂપચાપ વાંચતાં હતાં. શ્રી જસાણીએ કહ્યું – આ વાઇસરૉયના વખતમાં ડાન્સરૂમ હતો. બીજો એક વિશાળ ઓરડો તે વાઇસરૉયનો ડાઇનિંગ હૉલ હતો. થોડાંક પગથિયાં ઊતરી નીચે ગયાં. ત્યાં પુસ્તકની લાંબી લાંબી અલમારીઓ. કહે – આ બધી અભરાઈઓ લાઇનસર લગાવીએ તો લંબાઈ ૩૨ માઈલ જેટલી થાય. અત્યારે ગ્રંથાલયમાં લગભગ ઓગણીસ લાખ પુસ્તકો છે. પુસ્તકનગરી કલકત્તા!

સુંદર સાંજ હતી. અમસ્તા પણ આ વિશાળ ગ્રંથાલયના ઉદ્યાનની હરિયાળામાં બેસવાનું મન થાય. એવાં કેટલાંક બેસનારાં પણ હતાં. આ સમગ્ર વિસ્તાર સરસ છે. બાજુમાં જ અલીપુરનું પ્રાણી સંગ્રહાલય છે, અને પછી ઈડન ગાર્ડન્સ.

નૅશનલ લાઇબ્રેરીમાંથી સીધા જ અમે રવીન્દ્રસદન પાસેના શિશિરમંચના પ્રાંગણમાં આવી ગયાં. પરિસંવાદ શરૂ થવાની થોડી વાર હતી એટલે બાજુમાં ‘વિશ્વપથિક રવીન્દ્રનાથ’ ખંડમાં પ્રવેશ કર્યો.

કાલીની વાત કર્યા વિના કલકત્તાની વાત પૂરી ન થાય.

તે હવે કાલીની વાત.

આ કલકત્તા–‘કલિકાતા’ નામમાં પણ ઘણા કાલીની હાજરી જુએ છે :

કાલી કલકત્તાવાલી તેરા વચન ન જય ખાલી

આ ઉક્તિ નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. કલકત્તાની કાલીનાં દર્શન કરવાનું કુતૂહલ રહે તે સ્વાભાવિક છે. ૧૯૬૧માં પ્રથમ વાર કાલીઘાટનાં દર્શને ગયા હતા. પારાવાર ભીડ. માની પૂજા કરવા માટે કેટલીય કન્યાઓ, સ્ત્રીઓ, પુરુષો હાથમાં પૂજાના થાળમાં જાસૂદની લાલ લાલ માળાઓ લઈ ઠેલાઠેલી કરતાં હતાં. એવી ઠેલાઠેલીમાં હું અને વિદ્યાપીઠના શાંતિભાઈ આચાર્ય એવા તો અટવાઈ ગયેલા કે માના મંડપમાં અમે ઊભા હતા; પણ અમારા પગ જમીનને એક વખતે તો અડતા નહોતા. ત્યાં પહેલી વાર માના પ્રસાદ રૂપે બકરાને વધેરાતાં જોયો. રઘુવીરનો અંતરાત્મા એટલો કકળી ઊઠયો કે તે વખતની તેમની પ્રસ્ફુટિત થતી કવિચેતનાએ એક કવિતા રચી દીધી.

એ પછી બેત્રણ વાર કાલીઘાટે ગયો છું. આ વખતે સરકારી ગાડીમાં ગયો હતો. દર વખતની જેમ આ વખતે પણ વિચાર આવતા હતા કે આ અંચલમાં શક્તિપૂજાનું આટલું બધું મહત્ત્વ કેમ હશે. પ્રસિદ્ધ વિદ્વાન શશિભૂષણ દાસગુપ્તનું પુસ્તક ‘ભારતેર શક્તિસાધના એ શાક્ત સાહિત્ય’ વાંચ્યું છે. તેમાં શક્તિપૂજાનો, શાક્તોપાસનાનો, એ વિશે રચાયેલા સાહિત્યનો વ્યવસ્થિત ઇતિહાસ છે. તેમણે લખ્યું છે કે ભારતમાં શક્તિવાદ ભારતીય માનસના વૈશિષ્ટ્યનો દ્યોતક છે. ધર્મ, સંસ્કૃતિ, સાહિત્ય, શિલ્પ બધાં ક્ષેત્રોમાં એનો પ્રભાવ છે. માતૃપૂજાનો પ્રચાર કેટલાક દેશોમાં હશે; પણ ભારતમાં જે શાક્તોપાસનાનું રૂપ છે, તેવું બીજે નથી.

દેવીપૂજાનો ઇતિહાસ રસપ્રદ છે. પૃથ્વીદેવી, તે પછી દક્ષતનયા સતી, પાર્વતી, ઉમા, દુર્ગા, ચંડીદેવી, કાલીદેવી આમ પરંપરા ચાલતી ગઈ છે. બંગાળમાં એક વિશિષ્ટ ઉત્સવ એટલે નવરાત્રિની દુર્ગાપૂજા. એ દિવસોમાં આખું બંગાળ ઉત્સવઘેલું હોય છે. દિવસો પૂર્વેથી એની તૈયારીઓ ચાલતી હોય. ઠેર ઠેર દુર્ગાની માટીની મૂર્તિઓ સાકાર થતી હોય, મોટા મોટા મંડપો બંધાતા હોય. એમ તો બંગાળના ગામડે ગામડે ચંડીમંડપો હોય. બંગાળમાં ‘પૂજા’ કહો એટલે દુર્ગાપૂજા.

ભાવિક બંગાળીના મોઢે સુખદુઃખમાં ‘દુગ્ગા દુગ્ગા’ એવા ઉદ્ગાર સહેજે નીકળી પડે. બંગાળના જનજીવનમાં આ માતૃપૂજાની ભાવના એટલી પ્રબળ છે કે કન્યામાં હંમેશાં માનું દર્શન કરે. બાપ દીકરીને ‘મા’ કહીને બોલાવે. ઉંમરમાં મોટેરા પુરુષો નાની વયની કન્યાઓને ‘મા’ કહે. બંગાળી નવલકથાઓ-વાર્તાઓ વાંચતાં પહેલાં આ સમજાતું નહોતું કે દીકરીને કેમ ‘મા’ ‘મા’ કહી બોલાવે છે. પછી સમજાતું ગયુંઃ દેશની વંદના કરતું ‘વંદે માતરમ્’ ગીત બંગાળી માનસિકતામાંથી જ જન્મી શકે.

આમ તો ઘણાંખરાં દેવીરૂપોના ઇતિહાસમાં પાર્વતી કે સતીનું પગેરું મળી આવે. તેમાં બંગાળમાં દુર્ગા અને કાલી આ બે નામ સર્વોપરી. તેમાંય બંગાળની શક્તિસાધનામાં કાલી જ સર્વેશ્વરી દેવી રૂપે સ્વીકૃતિ પામ્યાં છે. કહે છે કે વેદમાં ‘રાત્રિસૂક્ત’ છે તેની જે રાત્રિદેવી તે પરવર્તીકાલમાં કાલિકા રૂપે કૃષ્ણા ભયંકરી તરીકે આવી છે. ઘણી વાર કૌતુક થયું છે, આપણા કાલિદાસના નામ અંગે. શું તેઓ પણ કાલીના ઉપાસક હશે? અથવા તે કાળમાં કાલીની ઉપાસનાનું પ્રાબલ્ય હશે?

કલકત્તાની કાલીની વાત કરતાં મારા ગામનાં કાલિકા માતાનું સ્મરણ થાય છે. અમારા વાસ(ગલી)ને નાકે જ નાનકડી દેરી કાલી માની છે. નાનપણમાં અમે છોકરાંઓ ઘી ઉઘરાવીને રોજ દીવો કરતાં. જ્યારે જ્યારે શુભ પ્રસંગ હોય, ત્યારે માને પગે લાગીએ. બહારગામ જતાં તો હંમેશાં પગે લાગી નીકળીએ.

પણ કલકત્તાની કાલી — કાલી કલકત્તાવાલીની વાત ન્યારી. કાલીઘાટે જાઓ એટલે મેળો જ લાગે. રોજેરોજ મેળો જાણે. પૂજા અને બલિનો પાર નહિ. જાસૂદનાં લાલ ફૂલો એક જુદો જ મનોભાવ જગાડી દે. તે પહેલાં તો પંડાઓ તમને ઘેરી વળે, ખાસ તો તમને બહારગામના જોઈ.

પૂજા નહિ, માત્ર દર્શન કરાવવાની દક્ષિણા એક પંડા સાથે નક્કી કરી મંદિરનાં પગથિયાં માંડ ચડ્યો. ભીડ ભીડ. બારણા પાસે જઈ દેવીનાં દર્શન કર્યાં. ત્યાં બેઠેલો પૂજારી પંડો થાળ ભરેલા રૂપિયા-સિક્કામાં દર્શન-દક્ષિણા રૂપે ઝટ ઝટ રૂપિયા-પૈસા નાખવા ચંડરૂપ ધરી આગ્રહ કરતો હતો. મા કરતાં એ વધારે ચંડરૂપ લાગત હતો. દ્વારેથી જ દર્શન કરી હું પાછો વળી ગયો.

એક સમય હતો જ્યારે અહીં જંગલ હતું. તાંત્રિકો અહીં સાધના કરતા. આજે તંત્ર-સાધનાનું કેન્દ્ર બંગાળનો વીરભૂમ જિલ્લો અને તેનું દ્વારકા નામની નદીને કાંઠે આવેલું તારાપીઠ થાનક છે. ત્યાં પણ ગયો છું; પણ ક્યારેક એની વાત. બંગાળમાં બે ‘દેવી’ઓ પૂજાય છે. કાં ‘રાધા’ કાં ‘દુર્ગા કાલી’. એટલે કે વૈષ્ણવ અને શાક્ત બંગાળ – પણ બંગાળી માનસ શાક્તભાવથી વધારે સંસ્પૃષ્ટ લાગે. આકાશવાણી પરથી રોજ શ્યામા સંગીતનો કાર્યક્રમ હોય. તેમાં વિશેષે રામપ્રસાદ સેનની પદાવલિ ગવાતી હોય. સાંભળવી ગમે.

એક પદમાં કવિ માને કહે છે કે હવે હું તને ‘મા’, ‘મા’ કહીને નહિ પોકારું. મા, તેં મને કેટલું દુઃખ આપ્યું છે? અને આપે છે? મને ગૃહસ્થને તેં બાવો કર્યો, હે એલોકેશી (વાંકડિયા વાળવાળી), તેં કેવી દશા કરી છે મારી? હવે ઘેર ઘેર ભીખ માગી ખાઈશ, પણ તારે ખોળે નહિ આવું…

મા મા બ’લે આર ડાકબો ના,
ઓ મા દિયેછો દિતેછો કતઈ જંત્રણા…

અહીં માતૃસાધક કવિ મા સાથે રિસાયેલ છે; પણ મા વિના ઓછું રહેવાવાનું છે? એક રામલાલ દાસ નામે ભક્ત કવિ તો કહે છે કે હે મા! તને સ્મશાનમાં રહેવું ગમે છે, તો મેં મારા આ હૃદયને મારી કામનાવાસના બાળીને તારું લીલાક્ષેત્ર બનાવવા સ્મશાન કર્યું છે, તો હવે કામનાવાસનાની ચિતાભસ્મ પર તું તારાં ચરણ રાખ:

સ્મશાન ભાલબાસિસ્ બ’લે
સ્મશાન કરેછિ હૃદિ…

જવા દો, આ બધી વાતમાં ખોવાઈ જવાય એવું છે. દક્ષિણેશ્વરની કાલીની પણ પ્રદક્ષિણા કરી લઉં.

દક્ષિણેશ્વરની કાલી સાથે ઠાકુર રામકૃષ્ણ પરમહંસનું નામ જોડાયેલું છે. દક્ષિણેશ્વરની કાલીબાડી બરાબર હુગલી – ગંગા કિનારે છે. એક વાર મિત્ર સાથે ત્યાં ગયો હતો. બીજી વખતે મારાં પત્ની અને બકુલ સાથે.

અમે ગયાં તે પૂજાનો કોઈ ખાસ દિવસ હોવો જોઈએ. મંદિરના વિશાળ પ્રાંગણમાં હાથમાં પૂજાના થાળ લઈ લાંબી લાંબી હારમાં સહસ્રાધિક બહેનો ઊભી હશે. અહીં ભીડ વ્યવસ્થિત હતી. દરેક જણ પૂજાના પોતાના વારાની પ્રતીક્ષામાં ઊભું હતું. કેટલી ધીરજ! આ છેલ્લાં ઊભાં છે, તેમને તો સાંજ પડી જશે.

અમે દૂરના બીજા મંડપથી દેવીનાં દર્શન કરી લીધાં. પછી ગંગાઘાટ ભણી ગયાં. કાલીમંદિરની આજુબાજુ ૧૨ શિવાલયો છે. રાણી રાસમણિએ બનાવડાવેલાં. અહીંથી સામે કાંઠે સ્વામી વિવેકાનંદનો પ્રસિદ્ધ બેલૂર મઠ દેખાય છે. બકુલ ઘાટ ઊતરી છેક નદી સુધી જઈ આવ્યો હતો.

આ દક્ષિણેશ્વરના કાલીના મંદિરમાં ઠાકુર રામકૃષ્ણ પરમહંસ પૂજારી હતા. તે વખતે જે ઓરડામાં તેઓ રહેતા હતા, ત્યાં થોડો સમય શાન્તિથી ચૂપચાપ બેસવાનું ગમ્યું. ખંડની નીરવતામાં મનમાં અનેક ભાવતરંગો ઊઠતા હતા.

અહીંથી નીકળતાં નીકળતાં કાલી માતાની પૂજામાં ઊભેલાં નર-નારીની લાંબી હાર જોતાં જોતાં મારાં પત્નીએ વળી કહ્યું – ‘આ છેલ્લે છે, એમનો વારો ક્યારે આવશે?’

મને થયું કે પૂજા માટેની પ્રતીક્ષામાં આમ તડકામાં ઊભા રહેવું એ પણ પૂજાનો જ ભાગ છે.

સત્યજિત રાય-દિગ્દર્શિત રવીન્દ્રનાથની એ નામની નવલકથા પર આધારિત ફિલ્મ ‘ઘરે-બાહિરે’ જોયા પછી જેવા નંદન થિયેટરની બહાર નીકળ્યા કે વરસાદ.

મન પર ફિલ્મનો એટલો બધો પ્રભાવ હતો કે, બહારનો આ ખરેખરનો વાસ્તવિક વરસાદ ભીંજવી જતો હોવા છતાં સાચુકલો લાગતો નહોતો. એનું બીજું પણ એક કારણ એ હતું કે, થિયેટરમાં ગયા ત્યારે વૈશાખનો તપ્ત તડકો કલકત્તાનગરને ઉત્તપ્ત કરી રહ્યો હતા. કાલવૈશાખી એટલે કે એકાએક ચઢી આવેલી આંધી અને પછી વરસાદનું આ ઝાપટું આ દિવસોમાં કલકત્તામાં સામાન્ય હોય છે.

પરંતુ થોડી વારમાં પાછો પશ્ચિમે જતાં જતાં સૂર્ય ડોકાયો અને કલકત્તા એકદમ રમણીય બની ગયું. ઉપર પશ્ચિમનું આકાશ રમણીય હતું. શું હું હજી ફિલ્મનું કોઈ મનોહર દૃશ્ય જોતો હતો? પણ ‘ઘરે બાહિરે’માં અંતમાં તો જોઈ હતી આગની લપટો. …વિદેશી માલની હોળીની લપટો અને તે પછી કોમી દાવાનળની લપટો. એ લપટો વચ્ચે દોડી ગયેલો ફિલ્મનો નાયક નિખિલ. ઉદારમના પુષ્પમૃદુ નિખિલનો વજ્રકઠોર તેજોદીપ્ત ચહેરો અને એનું ઘોડેસવાર થઈ દોડી જવું ધધકતી આગ વચ્ચે, અને પછી શોકગ્રસ્ત જુલુસનું દૃશ્ય. હતવાક્ વિમલા. ઘવાયેલો નિખિલ બચી તો જશે ને? દિગ્દર્શકે આરંભમાં જ બતાવેલો વિમલાના ભાલ પરનો લાલ ચાંદલો આશ્વાસન આપી રહે.

‘ઘરે બાહિરે’નું આઠદશ દાયકા પહેલાંનું બંગાળનું ચિત્ર માનસપટ પર હતું. વરસાદ બંધ રહ્યા પછી સંધ્યા સમયે કલકત્તાના રસ્તા પર ભીડનું તો પૂછવું જ શું? પણ એ ભીડ વચ્ચે હું એકાંત શોધતો હતો. રસ્તો પાર કરી સામેના વિશાળ મેદાન વચ્ચે ઊભેલા આરસપહાણના વિક્ટૉરિયા મેમૉરિયલના ખુલ્લા પ્રાંગણમાં એક બેંચ પર બેસી ગયો. અહીં ઘણાં સહેલાણીઓ હતાં.

મન હવે બંગાળના અને વિશેષે તો કલકત્તાના ભૂતકાળમાં દોડી જતું હતું. આંખો તો જોતી હતી દૂરની રસ્તા પરની ભીડ અને આકાશના સાન્ધ્ય રંગો, પણ એ વર્તમાન દૃશ્યાવલિ સાથે ભૂતકાળ ભળી જતો હતો. ‘ઘરે બાહિરે’એ માનસિકતાને જાણે બદલી નાખી હતી.

વિક્ટૉરિયા મેમૉરિયલે વરસાદમાં સ્નાન પછી આછા તડકામાં અંગો લૂછી નાખ્યાં હતાં. મહારાણી વિક્ટૉરિયાનું આ સ્મારક. એમાં ઘણોબધો ઇતિહાસ સચવાયો છે. પ્લાસીની લડાઈ વખતનો તોપનો ગોળો અહીં છે. ૧૭૫૭ની પ્લાસીની લડાઈએ તો ભારતના ઇતિહાસની ધારા બદલી નાખેલી. પ્લાસી થઈ મુર્શિદાબાદ જવાનો ગઈ કાલે જ વિચાર કર્યો હતો.

મુર્શિદાબાદ એ અંગ્રેજો આવ્યા તે પહેલાંની બંગાળની રાજધાની. ગંગાકિનારે વસેલા આ સમૃદ્ધ નગરને ઉજ્જડ કરી કલકત્તા આબાદ થયું. મુર્શિદાબાદ એ વખતે એટલું સમૃદ્ધ, ધનવાન નગર હતું કે તે દિવસમાં બૅંક ઑફ ઇંગ્લૅન્ડનું જેટલું ટર્નઓવર હતું તેના કરતાંય વધારે અહીંના ઘણા શાહ સોદાગરોનું રહેતું. ક્લાઇવને મુર્શિદાબાદ લંડન જેવું લાગ્યું હતું, ફેર એટલો લાગ્યો છે કે અહીં લોકો લંડન કરતાં વધારે પૈસાદાર હતા!

૫ણ સમય સમયનો ફેર. ફેરફારનું એ ચક્ર છેક ૧૬૯૦માં શરૂ થયેલું. ર૪ ઑગસ્ટની એક રવિવારે ‘ધ પ્રિન્સેસ’ નામના એક વહાણમાં જોબ ચાર્નાક આજના કલકત્તાના વિસ્તારમાં ઊતર્યા. એમને હુગલીના કાંપમાં સોનું દેખાયું. ગોવિંદપુર, સુતાનૂટી અને કલકત્તા આ ત્રણ નાનાં નાનાં ગામ હતાં. દફતરે નોંધાયું છે તેમ અહીંના જમીનદારને ૧૧૯૪ રૂ. ૧૪ આના ૧૧ પાઈ સલામી જોબ ચાર્નાકે આપી આ વિસ્તાર લીધેલો. સત્તરમી સદીના એ અંતભાગમાં આજના કલકત્તાનો પાયો નખાયો.

આ જોબ ચાર્નાક એક ‘વિભૂતિ’ હતો.

૧૬૫૫માં તે વર્ષેદહાડે ર૦ પાઉંડનો પગાર કરી ભારતમાં આવેલો. મહત્ત્વાકાંક્ષી અને સાહસી. પટણામાં હતા ત્યારે ગંગાકાંઠે એક યુવાન સ્ત્રીને સતી થતી જોઈ ચિતા પાસે દોડી ગયો. સોળ-સત્તર વર્ષની છોકરી હતી. ચાર્નાકે પોતાના માણસોની મદદથી એને બચાવી અને એની સાથે લગ્ન કર્યું. છોકરીનું નામ હતું લીલાવતી. આ જોબ ચાર્નાકે આ કલકત્તા વસાવ્યું. આજે એની કબર સાથે લીલાવતીની પણ સેંટ જૉન દેવળને એક ખૂણે છે. જોવા જવાની ઇચ્છા છે.

પછીનો ઇતિહાસ તો અંગ્રેજી શાસનની સ્થાપના અને વિસ્તારનો છે. અંગ્રેજોએ અહીં રાજધાની બનાવી. ફૉર્ટ વિલિયમનો કિલ્લો બનાવ્યો. ઘણા અંગ્રેજો અને એમની ગોરી મેમસાહેબો પોતાનાં એ સમયનાં સ્મરણો લખી ગયાં છે.

કલકત્તામાં ફરતાં ફરતાં ભારતમાં અંગ્રેજી રાજ્યના ઇતિહાસના પાનાં ફરફરે છે. ચૌરંઘી, આકટરલોની મૉન્યુમેન્ટ (હવે શહીદ મિનાર), ફૉર્ટ વિલિયમ, ડેલહૌસી સ્ક્વેર, રાઇટર્સ બિલ્ડિંગ, આજનું રાજભવન જે લોર્ડ વેલેસ્લીએ બનાવ્યું હતું — અને જૂની અનેક ઇમારતો કલકત્તાને અજબગજબનું શહેર બનાવે છે. વિક્ટૉરિયા મેમૉરિયલની બેંચ પર બેસી હું વિચાર કરતો હતો કે જ્યારે અંગ્રેજો કલકત્તામાંથી આ દેશનું શાસન ચલાવતા હશે, ત્યારે કલકત્તાના દિવસો કેવા હશે? કેવા હશે આ દેશના દિવસો?

અને બંગાળના એ નવાબો, રાજાઓ, જમીનદારોની દુનિયા કેવી હશે? સામાન્ય આદમીની સ્થિતિ કેવી હશે? ઇતિહાસ કહે છે કે ઉપરાઉપરી કેટલાય દુકાળો પડેલા. ૧૯૪૩નો તો આપણી જાણમાં છે. માણસોએ નિર્મેલો દુકાળ, આઝાદીના આંદોલન કાળમાં કલકત્તા સૌથી અગ્રણી હતું. આઝાદીના એ લડવૈયાઓમાંથી કેટકેટલાં નામ સ્મરણમાં આવે છે? આજે પણ રાજકીય ચેતનામાં સૌથી વધુ સંવેદનશીલ છે આ નગર.

સડકો પર દીવાઓ પ્રકટી ઊઠ્યા હતા. રસ્તા પર દોડતાં વાહનો પણ તેજ રોશનીની લકીરો ફેંકતાં હતાં. બેંચ પર નજીક નજીક બેઠેલાં પ્રેમીઓના ચહેરા ઝબકી જતા હતા; પણ ભૂતકાળનો ભાર એટલો હતો કે ઝટ કરીને વર્તમાનમાં અવાતું નહોતું.

પણ આવવું પડ્યું. હવે અહીં અંધકારમાં બેસવું કદાચ સલામત નહોતું. હું ઊભો થયો અને રવીન્દ્રસદન સામેના મુખ્ય માર્ગ પર આવી ગયો. એક પુસ્તકમાં વાંચેલી બંગાળી લેખકની કલકત્તા વિશેની કેટલીક પંક્તિઓ સ્મરણમાં આવતી હતી. તેમાં છેલ્લી લીટી કદાચ આ હતી.

અંગ્રેજોનો આશીર્વાદ અને અભિશાપ છે

આ અજબ શહેર કલકત્તા.

મે, ૧૯૮૬

નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરમાં પ્રથમ સપ્તાહમાં પશ્ચિમ બંગાળનાં અનેક શહેરોમાં, ખાસ તો કલકત્તા મહાનગરની ભીંતો પર મોટા મોટા કાળા અને લાલ અક્ષરોમાં ચીતરાયેલાં સૂત્રો અને લગાડાયેલાં પોસ્ટરમાં બે બાબતોએ વિશેષ ધ્યાન ખેંચ્યું. સૂત્રોમાં ગોરખાલૅન્ડના આંદોલનનો સખત વિરોધ પ્રકટ થતો હતો. જાણે આખા બંગાળનું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું હોય એવો આવેશ અને આવેગ એ સૂત્રોની ભાષામાં ઊભરાતો અનુભવાય.

‘બંગભંગ હેબે ના–’ કોઈ પણ રીતે બંગાળ વિચ્છિન્ન થશે નહિ. ૧૯૦૫માં બંગભંગ આંદોલન એક રાષ્ટ્રવ્યાપી લહર રૂપે ઊઠ્યું હતું. એ બંગભંગ આંદોલન સ્વાતંત્ર્યની લડતનો એક ભાગ હતું. શ્રી અરવિંદ અને કવિ રવીન્દ્રનાથ ઠાકુર પણ એની સાથે સંલગ્ન હતા. સ્વાતંત્ર્ય-આંદોલનના દશકાઓ-વ્યાપી ઇતિહાસના આરંભના દિવસોનું તે ઉજ્જ્વલ પ્રકરણ છે.

૧૯૮૬માં ફરીથી બંગભંગ વિરોધી આંદોલન બંગાળની રાજકીય હલચલમાં અગ્રિમ પ્રશ્ન છે, એ વાત અખબાર ન વાંચનારને પણ આ ભીંતસૂત્રોથી સમજાઈ જાય. દાર્જિલિંગના વિસ્તારો અલગ કરી ગોરખાલૅન્ડના અલગ રાજ્યના આંદોલનના વિરોધનો આ પ્રશ્ન માત્ર વ્યવસાયી રાજકારણીઓ સુધી સીમિત નથી, છાત્રોમાં અને ઍકેડેમિક જગતમાં પણ આ અંગે તીવ્ર ઉગ્રતા છે. કલકત્તાની જાદવપુર યુનિવર્સિટીના પ્રવેશદ્વારે કેટલાં બેનર જોયાં?

સર્વદલીય આલોચના સભા
ઉત્તર બંગ વિચ્છિન્નતાવાદી આંદોલન ભવિષ્યત

પરમ આશ્ચર્ય થયું. આ સભાનું આયોજન જાદવપુર યુનિવર્સિટીના વિજ્ઞાન અને કલા એટલે કે સાયન્સ અને આર્ટ્સની છાત્રસંસદે બોલાવ્યું હતું. તેમાં હાજર રહેવા સૌને આમંત્રણ હતું. આ સભાના પ્રમુખ હતા યુનિવસિર્ટીના જ કુલપતિ ડૉ. શંકર સેન. આ સભામાં જનતા પક્ષ, કૉંગ્રેસ પક્ષ અને સી.પી. આઈ.એમ.ના એક એક પ્રતિનિધિ બોલવાના હતા. ભીંતસૂત્રોમાં નેપાળી ભાષાને બંગાળમાં બીજી ભાષા તરીકે માન્યતા આપવા તથા દાર્જિલિંગના શ્રમિક ઇલાકાને સ્વાયત્તતા આપવા માટેનાં પણ લખાણો નહોતાં એમ નહિ.

એ પછી, કલકત્તા નગરની ભીંત પર લાગેલાં અનેકવિધ પોસ્ટરોમાં જે ધ્યાન ખેંચતાં હતાં તેમાં હતાં–

જોડાસાંકો થેકો શાંતિનિકેતન

–નાં પોસ્ટર. જોડાસાંકો એટલે ઠાકુરવાડી.

પ્રિન્સ દ્વારકાનાથ, મહર્ષિ દેવેન્દ્રનાથ અને કવિ રવીન્દ્રનાથ ઠાકુરનું ઘર. પોસ્ટરમાં એ વિશાળ ભવનની તસવીર અને ભવનના આંગણામાં પ્રસ્થાપિત કવિ રવીન્દ્રનાથનું બસ્ટ.

તેમાં લખ્યું હતું – રવીન્દ્રનાથ પરિક્રમા. જોડાસાંકો થેકે શાંતિનિકેતન. ૩૦ નવેમ્બર સવારે આઠ વાગ્યે કવિપ્રણામ. યાત્રાશેષ ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૨૫મી રવીન્દ્રજન્મવાર્ષિકી નિમિત્તે જોયેલા કાર્યક્રમમાં સૌને જોડાવાનું નિમંત્રણ હતું. બંગાળમાં રાજકારણ અને કવિતા સાથે સાથે ચાલે છે.

આ રવીન્દ્રપથ પરિક્રમા એટલે કવિ રવીન્દ્રનાથની જન્મભૂમિ જોડાસાંકો-કલકત્તાથી કવિની કર્મભૂમિ શાંતિનિકેતન સુધીની સપ્તાહવ્યાપી પદયાત્રા. પોતાના કવિનું આ રીતે સન્માન કરવાનું આ બંગાળીઓને સૂઝે છે. એમાં આ પ્રજાની વધારે પડતી ભાવપ્રવણતા જોવી કે સંસ્કારપ્રિયતા? આ પથપરિક્રમામાં અનેક છાત્રછાત્રાઓ, સંસ્થાઓ જોડાયાં હતાં. પરિક્રમામાં રવીન્દ્રની રચનાઓમાંથી કેટલાંક દૃશ્યો, ગાન તો હોય જ. આરંભમાં બજી ઊઠ્યા મંગલશંખ અને જ્વલી ઊઠ્યા પંચપ્રદીપ.

૩૦મી નવેમ્બરે કલકત્તાથી શરૂ થયેલી આ પરિક્રમા-પથયાત્રા ૬ઠ્ઠી ડિસેમ્બરે શાંતિનિકેતનમાં એક વિરાટ સભામાં સમાયોજિત થવાની. દરમિયાન ૧લી ડિસેમ્બરથી ૧૫મી ડિસેમ્બર સુધી કલકત્તાના પ્રસિદ્ધ મયદાન(મેદાન)માં રવીન્દ્રમેલાનું રાજ્યના તથ્ય અને સંસ્કૃતિ (તથ્ય=માહિતી) ખાતા તરફથી મોટે પાયે આયોજન. આપણા કવિ ઉમાશંકરને એ મેળાનું ઉદ્ઘાટન કરવા નિમંત્રિત કરવામાં આવ્યા હતા, પણ તેઓ જઈ શકેલા નહિ.

ગયા મે માસમાં કલકત્તાના રવીન્દ્રસદનમાં બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ કવિ રવીન્દ્રનાથની ૧૨૫મી જન્મવાર્ષિકીના સમારોહનું ઉદ્ઘાટન કરતી વખતે વર્ષવ્યાપી અનેક કાર્યક્રમોની જાહેરાત કરેલી. કવિને જનજન સુધી લઈ જવાની તેમાં નેમ હતી.

નવેમ્બરના અંત અને ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં એ સમારોહની પૂર્ણાહુતિ રૂપે અનેક બીજા કાર્યક્રમો હતા. તેમાં રાષ્ટ્રીય સ્તરે નાટ્યોત્સવ પણ ખરો જ. હું આવ્યો છું, કલકત્તાથી સો કિલોમીટર દૂર આવેલા વર્ધમાન (જેને આજ સુધી આપણે બર્દવાન કહીએ છીએ) વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત રવીન્દ્રનાથ વિશેના એક રાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લેવા.

રવીન્દ્રપથની પરિક્રમામાં તો શામિલ ન થવાયું, પણ પરિસંવાદ પછી કલકત્તામાં રવીન્દ્રમેલામાં બે દિવસ જવાનો સુયોગ મળ્યો. શ્રી શિવકુમાર જોષી અને શ્રીમતી જ્યોતિ ભાલરિયા સાથે મેળામાં પહોંચી ગયાં. બંગાળમાં એક કવિના નામનો મેળો વર્ષોથી — કદાચ સૈકાઓથી ભરાતો આવે છે. તે છે કવિ જયદેવનો મેળો. ગીતગોવિંદના ગાયક કવિના ગામ કેન્દુલીમાં અજય નદીને કાંઠે ૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિને દિવસે જબર્દસ્ત મેળો ભરાય છે. બંગાળભરના વૈષ્ણવો અને બાઉલભક્તો ભેળા થાય છે ત્રણ દિવસ માટે. એ મેળામાં જવું એ પણ એક અનુભવ છે. કવિના નામથી કલકત્તામાં આ બીજો મેળો.

અમે ગયા ત્યારે મેળો બહુ જામ્યો નહોતો. પણ જામશે. વિશાળ ભૂમિ પર લાંબા અંતરે શ્યામલી, રક્તકરબી અને ગીતાંજલી એવા ત્રણ કલાત્મક મંડપો બાંધવામાં આવ્યા છે. હજાર — બે હજાર માણસ બેસી શકે. તેમાં બપોરના ત્રણથી રાતના નવ સુધી ગાન, કવિતા, નૃત્ય-નાટક વગેરે કાર્યક્રમો સમાંતર થતા રહે. બાઉલગાન માટે એક વૃક્ષ નીચે ખાસ મંડ૫. ઉપરાંત પુસ્તકોની, ચિત્રોની, હસ્તશિલ્પની અનેક દુકાનો.

ફરતાં ફરતાં ‘ગીતાંજલી’ મંડપમાં જઈ પહોંચ્યો ત્યારે રવીન્દ્રનાથની કવિતાનો પાઠ થતો હતો. આખો મંડપ ખીચોખીચ. કાવ્યપાઠ સાંભળવા આટલા લોકો! બંગાળીમાં કાવ્યપાઠની પરંપરા છે. આ કંઈ પેલો ‘મુશાયરો’ નહિ. કવિતાનો સ્વચ્છ પાઠમાત્ર. પાઠ પૂરો થયા પછી ‘માલિની’ નામનું નાટક ભજવાવાનું હતું, પણ ઘણા લોકો ઊઠી ગયા. નાટક જોવા કરતાં કવિતાપાઠમાં વધારે રસ તેમને હતો.

બાઉલગાન ખરે જ સુંદર. ત્રણ બાઉલો નૃત્ય કરતાં ગાતા હતા અને એક નાનકડો શ્રોતાવર્ગ તે જોતો-સાંભળતો ઊભો હતો. પણ જોયું કે પેલા મંડપોના કાર્યક્રમોનું આકર્ષણ વધારે હતું. પુસ્તકોની દુકાનોમાં પણ ઓછા લોકો ન હતા. વિશ્વભારતી ગ્રંથન વિભાગના સ્ટૉલમાં રવીન્દ્રનાથનાં પુસ્તકો લેવા હંમેશાં ભીડ હોય. આ વર્ષે વિશ્વભારતી ગ્રંથન વિભાગે રવીન્દ્રનાથનાં છ ચિત્રોનો એક સુંદર સંપુટ પ્રકટ કર્યો છે. રવીન્દ્રનાથની એક મોટી તસવીર સાથેનાં આ છ ચિત્રોની કિંમત માત્ર ૩૦ રૂપિયા. એક સંપુટ ખરીદી લીધો. મેળાનો આ ચોથો દિવસ છે, પણ પંદરમી આવતાં આવતાં તો આખા નગરની વાત બની જશે.

પેલા પોસ્ટર પર રવીન્દ્રનાથનું જ એક વાક્ય લખ્યું હતું.

‘આમાર નામ એઈ બલે ખ્યાત હોક્
આમિ તોમા દેરઇ લોક’

— હું તમારામાંનો જ એક છું, તમારો જ એક માણસ છું, એ રીતે મારું નામ જાણીતું થાય.

કવિ એકદંડિયા મહેલનો વાસી નથી, જનસમાજનો જ એક માણસ છે એ જાતની કવિ રવીન્દ્રનાથની ખ્વાહેશનો પડઘો જોવા મળ્યો ‘જોડાસાંકો થેકે શાંતિનિકેતન’ની પથ-પરિક્રમા કે ‘રવીન્દ્રમેલા’ જેવા કાર્યક્રમોમાં. અહીં આ ચોથી તારીખે કલકત્તામાં આ મેળો ચાલે છે, તો પેલી તરફ જોડાસાંકોથી નીકળેલી પદયાત્રા શાંતિનિકેતન પહોંચવામાં છે.

ડિસેમ્બર, ૧૯૮૬