કાંચનજંઘા/સાત ભાઈ ચંપા

Revision as of 09:12, 30 July 2021 by MeghaBhavsar (talk | contribs)


સાત ભાઈ ચંપા

ભોળાભાઈ પટેલ

થોડેક દૂર જતી ગાડીનો અવાજ સ્તબ્ધતાને જગાડે છે. એની તીણી વ્હિસલ સ્તબ્ધતાને ચીરે છે. હજી હમણાં તો હોલાનો અવાજ એ સ્તબ્ધતાને ગાઢ કરતો હતો. ગાડી હવે દૂર જતી ગઈ છે. દૂરથી માત્ર એનાં પૈડાના સંગીતનો વિલંબિત સ્વર વહી આવે છે. ધીરે ધીરે તેય વિલીન થઈ જાય છે. ફરી સ્તબ્ધતા વ્યાપી વળે છે.

એકાંત પુરાણી લીલ બાઝેલી તળાવડીની સપાટી દૂરથી આવી પડતાં પથરાથી ફાટી જાય છે. અંદરનું જળ ગડપ કરી પથરાને ગળી જાય છે અને ફાટી ગયેલી લીલ ધીરે ધીરે જોડાઈ જાય છે. તળાવડી વર્ષોથી જાણે હલ્યાચલ્યા વિના પડી ન હોય!

હું પંચવટીના અંદરના દખણાદા વરંડાના ઓટલા પર ચંપાના આછાં થતાં જતાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાને ઓઢીને બેઠો છું. બપોર છે છતાંય આ ઠંડીમાં સૂરજ પ્રતાપી લાગતો નથી. હવે એ સૂરજ પણ ઓલ્ગાના ઘરની પાછળ નમવા માંડશે.

ચંપાનું એક ફૂલ ‘ટપ’ દઈને ખર્યું. ‘ટપ’ સાંભળ્યું. મેં જોયું એકદમ તાજું ફૂલ નીચે ભોંય પર આડું પડ્યું છે. એની પાંખડીઓ તડકામાં શ્વેત પીળી ઝાંયથી ઓપી રહી છે. આ ફૂલ, બસ ખરી પડ્યું! હજી હમણાં તો ડાળી પર તડકો પીતું હતું.

ખર્ ખર્ અવાજ સાથે ઉપરથી ખરતું એક પાંદડું વચ્ચેની ડાળીઓમાં ભરાઈ અટકી ગયું. થોડો વેગથી પવન વાશે એટલે વળી ત્યાંથી ખર્ ખર્ અવાજ સાથે જમીન પર પથરાયેલાં સૂકાં પાંદડાં વચ્ચે જઈને પડશે. આ થોડા દિવસથી ચંપાનાં મોટાં પાંદડાં ખર્ ખર્ ખરતાં રહે છે. સ્તબ્ધતામાં ક્યારેક ખર્ અવાજ સાથે ખટ્ કરી પાંદડું નીચે પડે, તે હૃદયમાં એક થડકો જગાવી દે. આ હેમંતની રાતોમાં વધારે એવું થાય છે.

આ ચંપો મારો અહીંનો બંધુ છે. પંચવટી નિવાસના દિવસોનો અંતરંગ સહચર છે. સવારે તેના સાંનિધ્યમાં બેસું છું. સાંજે તો અચૂક. રાતે આ વરંડામાં બેસી રવિ ઠાકુરની કવિતા વાંચતો હોઉં ત્યારે તો તે એકમાત્ર શ્રોતા હોય. અવશ્ય એણે કવિ શંખ ઘોષની કવિતાઓ પણ સાંભળી હશે. એ બે વર્ષ પહેલાં તેઓ અહીં રહી ગયા છે. પંચવટીના આ નિવાસમાં પ્રસિદ્ધ નાટ્યવિદ્ અભિનેત્રી તૃપ્તિ મિત્ર થોડો વખત રહી ગયાં છે.

પંખીઓના ફરકતા અવાજ વચ્ચે ક્યાંકથી લક્ષ્મી પેંચા (ઘુવડનો એક પ્રકાર)નો ઘુક્ ઘુક્ ઘુક્ અવાજ તરી રહ્યો. બંગાળમાં લક્ષ્મીપેંચાને શુકનવંતું ગણવામાં આવે છે. બીજું એક ઘુવડ તે નીમપેંચા, તે નીમ્ નીમ્ નીમ્ એવો અવાજ કરે છે. લક્ષ્મીપંચા દેખવામાં ગોળ મોઢાવાળું હોય છે. થોડું ‘મેયેલી’ – નારીસદૃશ્ય. રંગમાં ધોળા રંગનું પ્રમાણ વધારે. લક્ષ્મીનું વાહન છે એટલે તો લક્ષ્મીપેંચા.

કવિ જીવનાનંદ દાસની કવિતામાં પેંચા (ઘુવડ) અને લક્ષ્મીપેંચાની વાત કેટલી વાર આવે છે! પેંચાના અવાજ સાથે દૂરથી કાગડાનો અવાજ ક્લાન્ત, નીરસ. પરંતુ આ હેમંતમાંય કોયલ પાછળ નથી. સવારમાંય સામે પ્રબોધ સેનના બગીચાના કોઈ ઝાડની ડાળી પરથી અચૂક સાડા પાંચના અરસામાં કોયલ બોલે જ અને એને બેત્રણ સ્થળેથી એવો જ મીઠો જવાબ મળે. પાંચેક મિનિટ માટે વૃન્દગાન થઈ જાય પછી સવારની સ્તબ્ધતા. રાજદરબારે એક ચોઘડિયાની નોબત જાણે વાગી ગઈ. કોયલ અત્યારે પણ બોલી ગઈ.

વળી હોલારવ..

ચંપાને જોઉં છું અને બંગાળની પ્રસિદ્ધ લોકકથા ‘સાત ભાઈ ચાંપા’ યાદ આવી જાય છે – સાત ભાઈ ચંપા અને પારુલ દીદીની વાત.

‘સાત ભાઈ ચાંપા જાગો રે.’
‘કેનો બોન પારૂલ ડાકો રે.’
‘એસેછે રાજાર માલી, દેખે કે ના દેબે ફુલ’
‘દેબોના દેબોના ફુલ ઉઠિબે અનેક દૂર’
‘આસે યદિ રાજમંત્રી, તબે દિતે પારિ ફુલ…’

ગામને પાદર ઊગેલા સાત ભાઈ ચંપાને બહેન પારુલ જગાડે છે, રાજાનો માળી ફૂલ લેવા આવ્યો છે, ફૂલ આપવાં કે નહિ. ચંપા કહે છે, ના રે ના, રાજમંત્રી આવશે તો આપશું. પછી રાજમંત્રી આવે તો કહે, રાજા આવે તો. રાજા આવે તો કહે માનીતી રાણી આવે તો. માનીતી રાણી આવે તો કહે અણમાનીતી રાણી આવે તો. અણમાનીતી રાણી આવે એટલે કહેઃ

એસેસેન મા જનની, ચલો માર કોલે ગિયે
પાયેર ચોખેર જલ, દિઈ ગે ભાઈ મુછિયે.

–આ તો મા આવી છે. ચલો માને ખોળે જઈ માનાં આંસુ લૂછીએ. એટલે વાત તો માનીતી-અણમાનીતી છે. અણમાનીતી રાણીને રાજાએ કાઢી મૂકેલી. એ ષષ્ઠીદેવીની આરાધના કરતી. એને વરદાન મળ્યું કે એને સાત દીકરા અને એક દીકરી થશે. એ જાણી બબ્બે રાણીએ નિઃસંતાન રાજા અણમાનીતીને પાછા મહેલે લાવે. પણ જ્યારે જ્યારે સંતાન જન્મે કે માનીતી રાણી ષડ્‌યંત્ર કરીને ખબર પડવા ન દે અને જાહેર કરે, રાણીને તો લાકડાની પૂતળી જન્મી છે. છોકરાને લઈ લે અને લાકડાની પૂતળી મૂકી દે. નવજાત શિશુને ગામની પાદરમાં દટાવી દે. એમ કરીને સાત દીકરા અને એક દીકરી બધાંને દટાવી દીધાં. જ્યાં સાત ભાઈને દાટેલા ત્યાં ઊગ્યા સાત ચંપા – કનક ચંપો, સ્વર્ણ ચંપો, નાગેશ્વર ચંપો, ગોલક ચંપો, કાંઠાલી ચંપો, જહુરી ચંપો અને દોલન ચંપો. આપણે ત્યાં ગુજરાતીમાં એકાધિક ભાઈઓ હોય તો મોટો, વચેટ કે નાનો એટલાં વિશેષણ છે. બંગાળીમાં સાત દીકરા હોય તો સાતેયનાં વિશેષણ. આ સાત ભાઈ ચંપા તે…

કનક બડો છેલે – એટલે કે પહેલા નંબરનો દીકરો કનક.

સ્વર્ણ મેજે છેલે – બીજા નંબરનો દીકરો સ્વર્ણ.

નાગેશ્વર સજે છેલે – ત્રીજા નંબરનો દીકરો નાગેશ્વર.

ગોલક ન છેલે – ચોથા નંબરનો દીકરો ગોલક.

કાંઠાલી નૂતન છે? – પાંચમા નંબરનો દીકરો કાંઠાલી.

જહુરી ફૂલ છેલે – છઠ્ઠા નંબરનો દીકરો જહુરી.

દોલન છોટો છેલે – સાતમા નંબરનો દીકરો દોલન.

બહેનને દાટી હતી ત્યાં ઊગ્યું પારુલ ઝાડ. પછી તો એ ચંપામાંથી પાછા રાજકુમાર થયા. પારુલ વૃક્ષમાંથી પારુલ રાજકુમારી. અને દુખણી માનાં આંસુ લૂછ્યાં – વાત ઘણી લાંબી છે, દુઃખની છે. દુઃખની વાત લાંબી હોય.

પંચવટીનો આ ચંપો તો એકાકી છે. મારી જેમ એ પણ નિઃસંગ છે. એનું શું નામ હશે? બીજા છ ભાઈ ક્યાં? ક્યાં હશે એની પારુલદીદી? હું જાણે ઊંચા ઊંચા થતા જતા સાત ભાઈ ચંપા જોઉં છું. ઊંચે ઊંચે જતી મારી નજરમાં પણ પછી માત્ર આકાશની શૂન્ય- સ્તબ્ધ નીલિમા જ રહે છે.

હોલાનું એક ઝુંડ અંદરના આંગણામાં ઊતરી આવ્યું. રિઝિના કંપાઉન્ડમાં બેસી ‘પરભુ તું’, ‘પરભુ તું’ કરી થોડી વારમાં ઊડી ગયું. ફરી ગાડીની વ્હિસલનો અવાજ.

પણ એના કરતાંય ભારે તો લાગ્યો હૃદયમાં થડકો જગાવી ગયેલો એક આ ખરતા પાંદડાનો અવાજ. એ તાજા ખરેલા પાંદડાને હું આ પાંદડાના ઢગલામાં શોધું છું. ઉપર જોઉં તો ચંપાને વળગી રહેલાં ઈષત્, પીત, લીલાં પાંદડાં. એ આ ખરતાં પાંદડાંને જોઈ વધારે જોરથી ડાળીને જાણે વળગી રહ્યાં છે. એક કવિએ રણમેદાનની ખાઈઓમાં લડતાં મૃત્યુ પામેલા સૈનિક મિત્રના મૃતદેહ પાસે બેસીને પ્રગાઢ પ્રેમપત્ર લખ્યો હતો. મોતની હાજરીમાં જીવનનો પ્રબળ અનુરાગ પ્રકટ થયો. ઉપરનાં લીલાં પાંદડાં નીચે પડેલાં પાંદડાંને સકંપ જોઈ રહ્યાં છે. ‘ધીરી બાપુડિયા’ કહેવું પડે તેવું સ્મિત તેમના ચહેરે નથી.

કંપાઉન્ડમાં ચરતાં વાછડાંનો રંભા સ્વર આવે છે. પંચવટીનું બહારનું કંપાઉન્ડ ઘણું મોટું છે. ચોમાસામાં ઊંચું ઘાસ ઊગી જાય છે. અમે એનો દરવાજો બંધ કરીએ, પણ અમે ના હોઈએ ત્યારે કિશોર ગોવાળિયા દરવાજો ઉઘાડી ગાય-વાછડાં અંદર દાખલ કરી આડાઅવળા થઈ જાય.

ઇટાલિયન પાડોશી પ્રો. રિઝિ ખૂબ ચિડાય. જેવા બહારથી આવે કે આ જાનવરોને બહાર ખદેડવાનું કામ કરે. કંપાઉન્ડના એક છેડેથી બીજે છેડે દોડતા હોય. એમનો લાલ ચહેરો વધારે લાલ-ભૂરો થઈ જાય. લાગે છે આજે રિઝિ નથી.

એકદમ નજીકમાં હોલો બોલ્યો, કુણ કુણ કુણ! (કોણ કોણ કોણ?) પછી. ટોન બદલી ‘પરભુ…’ ‘તું પરભુ…તું’નો ઉત્તર. આ ઢળતી બપોરના સમડી ના બોલે એવું હોય? પણ ધ્યાન હમણાં જ ગયું. સમડીનું ગાન ક્રંદન જેવું વધારે તો લાગે છે. ફરી કવિ જીવનાનંદનું સ્મરણ થાય. આ હેમંતમાં તો ખાસ. જીવનાનંદની ઋતુ એટલે હેમંત. ભલે રવિ ઠાકુરનાં હોય વસંત અને વર્ષા.

વળી પાછી ગાડીનાં એન્જિનનાં પૈડાંની છુક છુક. એ દિશામાંથી આવતા પવનના મોજા સાથે એ અવાજ એકદમ નજીક આવી ગયો, વળી દૂર વહી ગયો… વાછડાંનો રંભા રવ રહી રહીને આવતો રહ્યો. જરા ચુપકીદીનો અનુભવ કરું કે તમરાંનો અવાજ કાનમાં પ્રવિષ્ઠ. તમરાં આ દિવસના અજવાળામાં સતત બોલી રહ્યાં છે, ધ્યાન ગયું નહિ એટલું જ. સ્તબ્ધતાનો તે અધિક અનુભવ કરાવે છે.

ખાં સાહેબે તેમના રસોડામાં પાણીનો નળ ખોલ્યો લાગે છે. ડોલમાં પાણી પડવાના અવાજે બધા અવાજોને ઢબૂરી દીધા. બપોરની સ્તબ્ધતા હવે સાંજની પ્રવૃત્તિના અવાજોમાં ફેરવાય છે. સૂરજ ઓલ્ગાના મકાનની પેલે પાર નમ્યો છે. હું બેઠો છું ત્યાં હવે છાંયડો આવી ગયો છે. જોકે હજુ ચંપાની ઊંચી ડાળીઓ પર તડકો છે. હેમંતનો નિષ્પ્રભ તડકો. ખર્ ખર્ છાતીમાં થડકો જગાવતું આ એક ખરતું પાંદડું વળી અટકી ગયું.

આમ, અને આમ, ન જીરવી શકાતી નિઃસંગ મનની અંદરની સ્તબ્ધતાને સહ્ય બનાવવા મથ્યો. આજ તારીખ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ત્યાસી. પંચવટી
શાંતિનિકેતન