કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૧. પીછો

Revision as of 04:52, 4 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીછો| નલિન રાવળ}} <poem> આ કોણ છે? આ એક જણ છે કોણ? જે પીછો કરે મારો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પીછો

નલિન રાવળ

આ કોણ છે?
આ એક જણ છે કોણ?
જે
પીછો કરે મારો સતત.
અંધકારે આભમાં
આકાર દોરી ઊડતાં પંખીઓની હાર જોતો હોઉં
તો એય
વચ્ચે ટાપસી પૂરવા ક્યાંકથી આવી ચડે.
વહેલી સવારે
ફૂલના દરિયા ઉપર તરતા સૂરજના શબ્દ
સુણતો હોઉં
તો એય કાન માંડી ધ્યાનથી સુણ્યા જ કરતો હોય.
ઢળતી સાંજના વહેતા સમીરે
નદીકાંઠે ખીલી વનરાઈમાં આવી
પ્રેયસીની રાહ જોતો હોઉં
તો એય
જાણે પ્રેયસીની રાહ જોતો ત્યાં જ ઊભો હોય.
જ્યાં જ્યાં જઉં ત્યાં ત્યાં બધે એ હોય.
જ્યાં જ્યાં નજર મારી ત્યાં ત્યાં નજર એની.
હસું તો એય ખડખડ હસે.
રડું તો એય આંસુ પાડતો.
હું જે કરું તે એ કરે.
કહો
મારે કેમ એના થકી છૂટવું.
જુઓ,
આ લખું છું કાવ્ય તો એય મારી સાથ
આ જ કાગળ પર લખે છે કાવ્ય.
કહો,
કેમ મારે છૂટવું એના થકી,
જુઓ,
લાગલો આ એ જ બોલે :
કહો,
કેમ મારે છૂટવું એના થકી.
----------------------