મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૩)
Revision as of 11:17, 6 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩)|રમણ સોની}} <poem> રામ રંગે રીખે રામ રંગે રીખે, કૌશલ્યકુમા...")
પદ (૩)
રમણ સોની
રામ રંગે રીખે
રામ રંગે રીખે, કૌશલ્યકુમાર રામ રંગે રીખે.
છબછબ કરતા છેડા પલાળે, પાણીડાં ઢોળે;
ચંચળ ચતુરા રૂદયે ચાંપી, બેસારે ખોળે.
કર ગ્રહી લાવે કૌશલ્યા, મ્હેલે પડશાળે;
ગોત્રજમા-નો ઘૃતદીવડો; તે મુઠ્ઠીમાં ઝાલે.
દીવડો મ્હેલાવી કૌશલ્યા, મણિ કરમાં આલે;
મણિ તો લઈ મુખમાં મેલે, દેવ નભે ભાળે.
સુમિત્રા લાવે શેલડી, તે બાલકને ભાવે;
કટકા લઈ કોરાણે મૂકે પાળી લઈ ચાવે.
ઘૂઘરા ઘમકે તેથી ચમકે, ઉતાવળા ચાલે;
કરતણી કોમલ આંગળીઓ, તે ચણિયારે ઘાલે.
ઘૂલર ઘસે ખડખડ હસે, ક્રોધ કરે માતા;
બાળપણને બલિહારી જાય, શંકર ને વિધાતા.
અતિ આકળી થઈ માતા, લઈ બારણિયે બેસે;
રાયતણા મસ્તાના મદગળ, વચ્ચે જઈ પેસે.
અતિ અડપલા કુંવર આપણા, કહો દિન ક્યમ જાશે?
ભાલણપ્રભુ રઘુનાથજીને, બાંધે પ્રેમતણે પાશે.