મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કાદંબરી કડવું ૨
રમણ સોની
હવિ કથા સંક્ષેપિ કહૂં, ઉપમા કેટલીએક ગ્રહૂં,
યે લહૂં બુદ્ધિપ્રમાણે માહરી રે. ૧
ઢાલ
માહારી બુદ્ધિપ્રમાણિ બોલૂં થોડૂં થોડૂં સાર;
પદિ પદ બંધાણ રચંતાં થાઇ અતિ વિસ્તાર. ૨
એક શૂદ્રક-નામિ રાજા હૌઓ સુરપતિની જાણે જોડ;
આજ્ઞા તેહની કોએ ન લોપિ મોટા મહીપતિ કોડિ. ૩
ચ્યારિ-ઉદધિ-મેખલા મેદની કેરુ એક જ નાથ;
સામંતક રાજા સવિ જોડિ દીન-થકા તે હાથ. ૪
કલ્પદ્રુમ શરખુ આશ્રિતનિ; દ્રવિ ઉદધિ-સમાન;
કાવ્યકલારસની જાણિ ઉતપતિ; સકલ-શાસ્ર-નિધાન. ૫
ધનુષધારી-માંહાં જાણે ગુહ ચતુરશિરોમણિ ભૂપ,
અશ્વિનીસુતનાશ્રી અતિ સુંદર યે રાજાનૂં રૂપ. ૬
નામિ નરપતિ ત્રાસ જ પામિ, જે માહા બલિયા યોધ.
શત્રુમંડલીની મનિ ભાસિ નરહરિના સમુ ક્રોધ. ૭
સેના બહુ શોભાનિ કાજિ, અવરિ ન આવિ કામિ;
આપ-નામ-પ્રતાપિ કરી જેણિ જીત્યા બહુ સંગ્રામ. ૮
મને ધરમ, કોપિ યમ, તાપિ પાવક, ધનદ પ્રસાદ,
રૂપિ મન્મથ, બુદ્ધિ સુરગુરુ, શશિ-સમ મુખ ઓહ્વાદ. ૯
વાણી વેધાપુત્રી, તેજિ તરણિ, મરુત બલમાન,
ભાર સહેવે ભૂ-સમ, તોલિ મેરુ મહીધર સ્થાન. ૧૦
યે રાજા પ્રથવીઅ પાલતિ વર્ણસંકર ચેત્રામિ,
કાવ્ય વિષઇ દૃઢ બંધ, કેશનૂં ગ્રહણ સુરત-સંગ્રામિ, ૧૧
કનકદંડ તે છત્ર રાયનિ, સ્વપન વિષિ વિયોગ,
ધૂજિ ધ્વજ, પરલોક-થકી ભય, વાંછિત વસુધાં ભોગ, ૧૨
શુક સારિકાનિ રક્ષાગૃહ, સારી રમતાં મારિ,
ધૂમિ અશ્રુપાત, ચાપકિ ફેરવતાં હય પ્રાહાર, ૧૩
શૂલ પ્રાસાદ ચંડિકા કેરિ, ગાંધીનિ પણિ કુષ્ટ,
સંનિ (પાત) વ્યાકરણ વિષિ, તિહાં રોગ નહી દેહ દુષ્ટ, ૧૪
મદ માહા ગજનિ, રાગ ગીત-માંહાં, કય વિક્રય-માંહિ માન,
લોભ ધરમનું, અહંકાર તે જેહનિ બ્રહ્મજ્ઞાન. ૧૫
વિદિશા-નામિ ન (ગરી) નિર્મલ વેત્રવતીનિ તીરિ,
પૃથ્વીમંડલનું જાણે ભૂષણ; રાજિ કરિ જિહાં ધીર. ૧૬
ઉત્તરાર્ધ (અંતિમ અંશ)
અતિસુખ વીતી તે દશ રાત્ર માની તે દિન એકજમાત્ર.
મોકલવિ આવ્યુ જિહાં તાત, અતિ સંતોખી પ્રેમિ માત; ૧૧૦
રાજ લોક આનંદિત કર્યો, સાથ સહૂનુ શોક જ હર્યો.
રાઈ રાજ્ય તણુ સવિ ભાર આરોપ્યુ સુતનિ શિરિ સાર; ૧૧૧
પુંડરીકનિ સુંપ્યૂ સર્વ ચંદ્રાપીડિ છાંડી ગર્વ.
મોતપિતાની સેવા કરિ, ક્યાહારિ ઊજેણી સાંચરિ. ૧૧૨
જન્મભૂમિનિ સ્નેહિ મ્યલી સજન લોકનિ આવિ વલી.
હેમકૂટિ આવી કો (કાલિ) સુખકારણિ ગંધર્વ-ભૂપાલ. ૧૧૩
માહાશ્વેતા નિ કાદંબરી માંહોમાહિ મ્યલિ મન ધરી.
પુંડરીક નિ શશી અતિ (સ્નેહ) માંહોમાંહિ મ્યલિ તાં તેહ. ૧૧૪
અન્યોઅન્યિ નહિ વિયોગ પરિ પરિના ભોગવતાં ભોગ.
સહૂ તાં એણિ પિરિ (નિજ તંનિ) સદા ભોગવિ સ્થિર યૌવન. ૧૧૫
સુખ તણી મર્યાદા નહી. પરમ કોટિ પામ્યાં તે સહી.
પૂરવ કાદંબરીની યથા, ઉત્તર કાદંબરી (એ) કથા, ૧૧૬
ખંડ બુહે (તાં) પૂરણ એહ, બાણ બાણસુત કીધી યેહ.
કિહિ ભાલણ બુદ્ધિમાનિ કરી ગુજ્જર ભાખાઈ વિસ્તરી. ૧૧૭