મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૫.મીરાં
રમણ સોની
મીરાં મધ્યકાલીન કવિતાનાં સર્વોત્તમ સ્ત્રી-કવિ. પે્રમલક્ષણાની પરંપરાનાં, મુખ્યત્વે તો કૃષ્ણપ્રીતિનાં મીરાંબાઈનાં પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની, હિંદીમાં પણ રચાયેલાં છે. ઘણાં પદો ત્રણે ભાષાની મિશ્ર અસરબતાવનારાં છે. એમાં મીરાંનો દ્વારકાથી વ્રજ સુધીનો પ્રવાસ અને એથી વિશેષ તો આ સમગ્ર પ્રદેશમાં મીરાંની કવિતાની અત્યંત લોકપ્રિયતા કારણરૂપ હતી. એમનાં લોકપ્રિય પદો કંઠોપકંઠપરિવર્તન પામતાં રહ્યાં હોવાથી એક જ પદ ગુજરાતીમાં મળતું હોય ને સાથેસાથે રાજસ્થાની-હિંદીમાં પણ મળતું હોય એવું બન્યું છે. મીરાંનાં જ ગણાવી શકાય એવાં પદોના વિષયોમાં પણ વૈવિધ્ય નથી - કૃષ્ણપ્રીતિ ને વિશેષે તો કૃષ્ણઝંખનાની વિયોગાવસ્થાનું સંવેદન મુખ્યત્વે એમનાં પદોના વિષયો છે. પરંતુ રચનાચાતુરીના અભાવવાળાં આ પદો સંતહૃદયની સંવેદનાની તીવ્રતા, એનું સંગીતમય માધુર્ય, એનું સોંસરું પ્રાસાદિક ભાવાલેખન આદિથી મીરાંને ઉત્તમ ઊર્મિકવિ ઠેરવે એવાં છે. વૈવિધ્ય નહીં પણ હૃદયવેધક ઊર્મિ-આલેખનનું નીતર્યું સૌંદર્ય મીરાંનો કવિવિશેષ છે.