સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝોહરા સેગલ/આખરી પડદો

Revision as of 08:44, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} પંજાબમાં થોડાંક ગામડાંનું બનેલું એક નાનકું રજવાડું હતું...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          પંજાબમાં થોડાંક ગામડાંનું બનેલું એક નાનકું રજવાડું હતું. એનું નામ સમુંદ્રી. સમુંદ્રીના જમીનદાર મૂળ પેશાવરના વતની એક હિંદુ પઠાણ હતા. પૃથ્વીરાજ કપૂરના એ દાદા. નાનપણથી ‘પૃથ્વી’ને નાટકનો ભારે શોખ. કૉલેજમાં ભણતા પૃથ્વીરાજનો એક વાર ગ્રાંટ એન્ડરસન નામના અંગ્રેજ અભિનેતા સાથે મેળાપ થયો. હિન્દુસ્તાની યુવક-યુવતીઓની એક મંડળી બનાવીને એ હિંદભરમાં શેક્સપિયરનાં નાટકો ભજવતો ફરતો. પૃથ્વીરાજે એન્ડરસનની સાથે પ્રવાસ ખેડયો. કૉલેજમાં કાયદાનો અભ્યાસ પૂરો કરીને પૃથ્વીરાજે ચલચિત્રોની દુનિયામાં પગ મૂક્યો. મુંબઈ અને કલકત્તાની ઘણીખરી જાણીતી ફિલ્મ-કંપનીઓમાં એમણે કામ કર્યું. એવામાં, ૧૯૪૪માં એક દિવસ, બેતાબજી નામના એક કવિ પૃથ્વીરાજ પાસે મદદ માગવા આવ્યા. સરળ હિન્દીમાં ‘શકુંતલા’નું નાટક લખવાનું કામ કોઈએ બેતાબજીને અગાઉ સોંપેલું હશે, પણ હવે તે ગ્રાહક એ લેવા તૈયાર નહોતા. હવે શું કરવું? બેતાબજીની બધી મહેનત પાણીમાં જશે? એ ‘શકુંતલા’નું નાટક ભજવવાનું પૃથ્વીરાજે માથે લીધું અને લેખકને પુરસ્કાર પેટે રૂ. ૧૦૧ અગાઉથી આપ્યા. પછી પૃથ્વીરાજે અભિનેતાઓ ને કારીગરો ભેગા કરવા માંડ્યા. થોડા વખતમાં એમની આસપાસ ૬૦ કલાકારોનું જૂથ એકત્રા થયું અને નાટકનાં ‘રિહર્સલો’ શરૂ થયાં. જોકે શકુંતલાનું મુખ્ય પાત્રા ભજવનારી નટી હજી મળવી બાકી હતી. અંતે છ મહિના પછી, ઉઝરા મુમતાઝ ઉપર એ કળશ ઢળ્યો. તે વખતે ‘લોકનાટય સંઘ’ના ‘ઝુબેદા’ નાટકમાં ઉઝરાબાઈ મુખ્ય પાત્રા ભજવતાં હતાં. ‘પૃથ્વી થીએટર્સ’ નામની એ નવી નાટયસંસ્થા તરફથી રજૂ થયેલ ‘શકુંતલા’ની પહેલી રજૂઆતમાં ખોટ ગઈ — લાખેક રૂપિયાની. પણ નાટકના તમામ અદાકારોને તેમજ મંડળીના બધા સભ્યોને એ પહેલી રજૂઆતની યાદગીરીમાં બબે મહિનાના પગાર-બોનસની ભેટ મળી! ફિલ્મ કંપનીઓ સાથેના પૃથ્વીરાજના કોંટ્રાક્ટમાંથી નાણાં મળી રહ્યાં. એ રીતે અનાયાસે નાટકની દુનિયામાં ઝંપલાવી ચૂકેલા પૃથ્વીરાજ સામે હવે સવાલ એ ખડો થયો કે બીજાં કયાં નાટક ભજવવાં? જૂનાં સંસ્કૃત નાટકો એમને બહુ લાંબાં લાગ્યાં, અને તે કાળે કહેવાતાં આધુનિક નાટકો પશ્ચિમની કૃતિઓનાં રૂપાંતરો હતાં. એટલે પછી પોતાની સંસ્થા માટે નવાં જ નાટકો લખાવવાની કમર એમણે કસી. એ નાટકો હિન્દુસ્તાનના હરકોઈ પ્રદેશના લોકોને સમજાય તેવાં હોવાં જોઈએ અને એનું વસ્તુ પણ હિંદી જ હોવું જોઈએ. તે કાળે ભાગલાની તલવાર દેશ ઉપર લટકતી હતી, અને પૃથ્વીરાજના કલેજાની આરજૂએ ‘દીવાર’ નાટકનું રૂપ ધારણ કરીને પોતાના પાગલ દેશબાંધવોને આવી રહેલી આંધીની ચેતવણી આપી. અત્યાર સુધી હળીમળીને પરસ્પર ઇતબારથી જિંદગી ગુજારતા નાના અને મોટા ભાઈની વચ્ચે એક પરદેશી આવીને દુશ્મનીની દીવાલ કેવી રીતે ઊભી કરે છે, તેનું દિલ હચમચાવનારું રૂપક એમાં જીવતું થયેલું. મેકોલે, ગાંધીજી અને ઝીણાનાં કેટલાંક જાણીતાં ભાષણોના અંશ ‘દીવાર’ના સંવાદોમાં ગૂંથી લેવામાં આવેલા. નાટકના છેલ્લા પ્રવેશમાં, કબીલાના પતનને અત્યાર સુધી મૂંગી મૂંગી જોઈ રહેલી મા-બહેનો અને બંડ પોકારનારા કિસાનો મળીને જુદાઈની પેલી દીવાલને તોડી નાખે છે. પૃથ્વી થીએટર્સના બીજા નાટક ‘પઠાણ’નું વસ્તુ પણ હિંદુ-મુસ્લિમ ઐક્યને લગતું હતું. પોતાના હિંદુ દીવાન માટેની એક મુસ્લિમ ખાનની મહોબ્બતની એ તસ્વીર, દીવાનના દીકરાને બદલે એ ખાન પોતાના એકના એક બેટાનું બલિદાન ચડાવે છે ત્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્રીજું નાટક ‘ગદ્દાર’, વતનના ટુકડા થયા પછી ભારતમાં રહેલા ચાર કરોડ બેગુનાહ મુસલમાનો તરફની આશંકાની લાગણીઓ દૂર કરવાનો એક પ્રયાસ હતું. હિન્દુસ્તાનના ભાગલા વખતનાં રમખાણોમાં અપહરણ કરાયેલી એક કન્યાને જીવતી બચાવીને તેના કુટુંબમાં પાછી પહોંચાડવામાં આવે છે. તે પછી પણ ચાલુ રહેતાં સમાજનાં આંગળી-ચીંધામણાંથી ત્રાસ પોકારીને એને કેવી રીતે આત્મહત્યાનો માર્ગ લેવો પડે છે તેનો ચિતાર ‘આહુતિ’ નામના ચોથા નાટકમાં અપાયો. રાજકીય વિષયોનો ચીલો ચાતરનારું નાટક ‘કલાકાર’ તે પછી આવ્યું. પહાડોનું ધાવણ ધાવેલી એક નિર્દોષ ગ્રામકન્યા ‘આધુનિક’ સમાજના સમાગમમાં કેવી રીતે આવે છે, એની બહારની ઝાકમઝાળથી શરૂઆતમાં એ કેવી લપસવા માંડે છે, પણ અંતે એની અંદર રહેલા વારસાગત સદ્અંશો કેવી રીતે એને ખાઈમાં પડતી બચાવી લે છે તેનો ચિતાર એમાં આવે છે. ધન-દોલતની સદંતર જૂઠી કિંમત તરફ સમાજનું ધ્યાન દોરનાર ‘પૈસા’ પછી આવ્યું પૃથ્વી થીએટર્સનું અંતિમ અર્પણ ‘કિસાન’. મુલક આઝાદ બન્યા પછી પદભ્રષ્ટ બનેલો એક કાળનો જમીનદાર અને તેની ટોળકી ગામડાના લોકોમાં ક્લેશનું હળાહળ રેડવા જતાં કેવી અવદશાને પામે છે તેનું ચિત્રણ તેમાં હતું. આ બધાં નાટકો પાછળ એકધારી પ્રેરણા પૃથ્વીરાજની પોતાની હતી. તેના અમુક અમુક ભાગ પણ એમણે પોતે લખેલા કે લખાવેલા, અને રંગમંચ ઉપર તક્ષણે સ્ફુરેલા કેટલાયે સંવાદોથી પૃથ્વીરાજે તેને વધુ ચોટદાર બનાવેલા. માભોમની યાતનાઓને કારણે વેદનાની જે આગ પોતાના કાળજામાં સળગતી હતી તેનું પ્રતિબિંબ પૃથ્વીરાજે તેમાં પાડેલું હતું. દરેક નાટકની વારતા સરળ અને તેની ભાષા સાદી હિન્દુસ્તાની હતી. શૈલી પણ વાસ્તવિક રહેતી — સિવાય કે કેટલીક પરાકાષ્ઠાઓમાં નાટકીય છટા પેસી જતી. પૃથ્વી થીએટર્સે ભજવેલા એક એક નાટકની તૈયારી પાછળ વરસ વરસ ને ક્યારેક બે-બે વરસની જહેમત લેવાતી. એનાં રિહર્સલો એટલાં બધાં ખંતથી થતાં કે દરેક નટ-નટી જાણે પોતે આ કે તે પાત્રાનો અવતાર જ લીધો હોય એમ અનુભવતાં. પાત્રાની સાથે આટલી તીવ્ર એકરૂપતાની લાગણી અનુભવનાર અભિનેતાઓના હૃદયમાંથી પણ કેટલીય વાર નવાનવા સંવાદની શેડ્યો ફૂટતી અને લેખકની મૂળ કૃતિને એ દીપાવતી. એને લીધે અસંખ્ય રાત્રીઓ સુધી ભજવાયા છતાં પૃથ્વી થીએટર્સનાં નાટકો જીવંત અને સદાય તાજાં રહેતાં. તમામ વર્ગના પ્રેક્ષકો એને હોંશે હોંશે ઝીલતા. સોળ વરસ સુધી પૃથ્વી થીએટર્સે લગભગ એકસો કલાકારો-કારીગરોને કામ ઉપર રાખ્યા. પોરબંદરથી કલકત્તા સુધી અને પહેલગાંવ (કાશ્મીર)થી ધનુષકોડી સુધીના સમસ્ત દેશમાં ઘૂમીને ૧૨૦ શહેરોમાં એમણે નાટકો રજૂ કર્યાં. બધાં મળીને ત્રણ હજાર જેટલા ‘ખેલ’ એ મંડળીએ કર્યા તેમાંના દરેકે દરેકમાં લોકલાડીલા પૃથ્વીરાજે પાઠ ભજવેલો. પણ એ સામા પ્રવાહનો પંથ હતો. પોતાની મંડળીનાં આવક-જાવકનાં બે પલ્લાં સમતોલ રાખવા માટે પૃથ્વીરાજને સતત પ્રવાસમાં રહેવું પડતું હતું. શરૂઆતમાં તો ચલચિત્રોમાંની પોતાની કામગીરી પણ ચાલુ રાખીને તેની આવક બધી નાટકોની ખોટમાં એ રેડી દેતા. પાછળથી એમની સફરો લાંબી ને દૂર દૂરની થતી ગઈ ને એ પોતે વચવચમાં મુંબઈના ફિલ્મ-સ્ટુડીઓ સુધીની ખેપ ખેડી શકે તેમ રહ્યું નહિ, ત્યાર પછી એમના ફિલ્મી કલાકાર બેટાઓએ નાણાંનો એ પ્રવાહ ચાલુ રાખેલો. પરંતુ પૃથ્વીરાજની પડછંદ કાયાને પણ અંતે ઘસારો તો લાગવા માંડ્યો જ. ૧૦૪. જેટલો તાવ શરીરમાં ભર્યો હોય, હૃદયરોગનો હુમલો આવ્યો હોય કે હરકોઈ બીજી બીમારી આવી ચડી હોય છતાં પૃથ્વીરાજ તખ્તા પર પોતાની ભૂમિકા ભજવતા જ હોય, અને એકેએક ખેલમાં જાણે કે પોતાની અભિનયકલાનું બિંદુએ બિંદુ સીંચી દેતા હોય. પણ એ બધું કાયમ માટે ક્યાંથી નભે? પૃથ્વી થીએટર્સે સોળ વરસમાં રંગમંચ ને રૂપેરી પરદા માટે નટ-નટીઓ તૈયાર કર્યાં, સંગીત અને નૃત્યના દિગ્દર્શકો તૈયાર કર્યા — પણ એક બીજો પૃથ્વીરાજ એ મંડળી ન નિપજાવી શકી. અનેક જાતની મુસીબતોનો સામનો એને કરવો પડ્યો. દેશના ભાગલા વખતે અને પછીથી, એના સ્થાપક અને બીજા કાર્યકરોને (રાષ્ટ્રવાદી ભાવનાવાળાં નાટકો રજૂ કરવા બદલ) જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા કરતી. એના કેટલાય કસબી કલાકારો સિનેમાની સૃષ્ટિમાં સિધાવી ગયા. ખુલ્લા રંગમંચ ઉપર નાટક રજૂ કરતી વખતે એને વાયરા ને વરસાદથી પરેશાન થવું પડતું. ક્યારેક ચાલુ ખેલે વીજળીનો પ્રવાહ કપાઈ જતો, ક્યારેક ‘સેટ’ ભરેલાં રેલ-વેગનો વખતસર આવી પહોંચતાં નહિ, કાં તો અત્યંત તાપના અને કાં તો અત્યંત ટાઢના સપાટા બોલતા. એક રિહર્સલ વખતે સાવ નવાનકોર ‘સેટ’ ઉપર વીજળી ત્રાટકી ને તેનાં ચીથરાં ઉડાડી મૂક્યાં (પૃથ્વીરાજ અને બીજા ત્રણ કલાકારો તખ્તા પર હતા તે કોઈ ચમત્કારથી જ બચી ગયા). ‘દીવાર’ના અંતિમ પ્રવેશ વખતે એક નટીની સાડીને ઝાળ લાગી… આવી આવી, કલ્પી શકાય તેટલા પ્રકારની પરેશાનીઓની વચ્ચે પણ એક એકથી ચડિયાતાં નાટકોની પરંપરા સોળ વરસ સુધી વણથંભી ચાલુ રહી. અને તેમ છતાં પૃથ્વી થીએટર્સના પડદા પાછળ નરી હાડમારી જ હાડમારી હતી તેવું પણ નથી. એના કાર્યકરોએ પોતાના જીવનના કેટલાક વધુમાં વધુ મસ્તી— ભરેલા, રોનકભરેલા દિવસો એ મંડળીમાં ગાળ્યા છે. નાનીમોટી દરેક ઉંમરનાં ખુશહાલ ને બેફિકર સ્ત્રી-પુરુષોનું એ વૃંદ હતું. ને તેમની વચ્ચે બાલકલાકારોનુંયે વિશિષ્ટ સ્થાન હતું. એની લિજ્જતભરી સફરો દરમિયાન કેટલીયે જીવનભરની દોસ્તીઓ બંધાઈ છે અને કેટલાયે સ્નેહતાંતણા સુખી લગ્નો સુધી લંબાયા છે. પૃથ્વી થીએટર્સને સમસ્ત મુલકનો પ્યાર સાંપડેલો હતો, એટલે તેના કલાકારો દેશભરમાં જ્યાં જ્યાં જતા ત્યાં સર્વત્રા આ મંડળના સભ્ય તરીકે ઓળખાવામાં મગરૂરી અનુભવતા. પણ આ સૃષ્ટિમાં દરેક ચીજને આદિ અને અંત બેય હોય છે. એ રીતે, ૧૯૬૦ના મે માસમાં પૃથ્વી થીએટર્સની લીલા પણ સંકેલાઈ ગઈ. એ અંતનું કોઈ એક ચોક્કસ કારણ દર્શાવવું મુશ્કેલ છે. પૃથ્વીરાજના ચાહે તેવા પ્રભાવશાળી બરડા ઉપર પણ કરજનો જે બોજો વધતો જતો હતો તેની ચિંતા એ સમાપ્તિ માટે કારણરૂપ હશે? કે પછી રંગભૂમિની આવરદા લંબાવી શકે એવાં સત્ત્વશીલ નાટકો લખવાની આપણા આગેવાન નાટયકારોની અશક્તિ એને માટે જવાબદાર હશે? બહારથી જોતાં તો પૃથ્વીરાજના ગળામાં એક ગાંઠ થઈ હતી ને એમનો અવાજ નીકળતો નહોતો, એ આ સંકેલાનું કારણ લાગે. પાછલા થોડા મહિનાઓમાં બે વાર એવું બન્યું કે એ નટમંડળી પ્રવાસે નીકળેલી તેની અધવચ્ચેથી જ એને મુંબઈ પાછા ફરવું પડેલું, કારણ કે પૃથ્વીરાજનો ઘોર ગંભીર અવાજ નાટકનાં છેલ્લાં દૃશ્યો દરમિયાન મંદ પડી જતો. પણ પૃથ્વી થીએટર્સની વિદાયનું એ સાચું કારણ હતું એમ કહી શકાય ખરું? ગળાની ગાંઠ તો, સારામાં સારા તબીબોના કહેવા મુજબ, કાઢી શકાય તેવી છે અને એક નજીવા ઓપરેશનની જ તેમાં જરૂર છે. પણ આટઆટલાં વરસો સુધી એકલે હાથે ઝૂઝનારા એ એકલવીરના આત્માનું શું? એણે ઝીલેલા ઘાવ ઉપર મલમપટા કરી શકે એવું કેમ કોઈ નીકળ્યું નહિ? (અનુ. મહેન્દ્ર મેઘાણી)