સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/તનસુખ ભટ્ટ/ઝંખના
ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક;
વાયુ રે ઢોળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક :
એવા રે મારગ અમે સંચર્યા.
ઊંચે રે મઢીથી, ઊંચે મોલથી, ઊંચા ત્રોવરથી અપાર;
ઊંચે રે ઊભી ડુંગર-દેરડી, વાદળગઢની મોઝાર :
એવા રે મારગ અમે સંચર્યા.
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત :
એવા રે મારગ અમે સંચર્યા.
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ-પડદા વિશાળ;
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ :
એવા રે મારગ અમે સંચર્યા.
ખમા રે વાયુ, ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ;
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ :
એવા રે મારગ અમે સંચર્યા.