મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /૨. દશાવતાર
રમણ સોની
જય જાદવરાયા, પ્રભુ જય માધવરાયા; (૨)
આરતી કરુણાનંદની, (૨) વ્યાપી નિજ માયા. જય દેવ જય દેવ૦
પ્રથમે મચ્છ તણો અવતાર, માર્યો શંખાસુર પાપી; પ્રભુ૦ (૨)
ચતુરા નંદન નંદન, (૨) વેદ વિપ્રને આપી. જય દેવ૦
બીજે સુર અસુર મથીયા, સાગર મથવાને કાજે; પ્રભુ૦ (૨)
ચૌદ રત્ન બહાર કાઢ્યાં, (૨) શ્રી કૂર્મ મહારાજે. જય દેવ૦
ત્રીજે હરિણ્યાક્ષ દૈત્ય, દમતો પૃથ્વીને પાપી; પ્રભુ૦ (૨)
દાઢે ગ્રહીને લાવ્યા, (૨) અવની સ્થિર થાપી. જય દેવ૦
ચોથે હરિણ્યાકશ્યપ વર પામ્યો, ત્રુઠયા બ્રહ્માદિક ભૂપ; પ્રભુ૦ (૨)
નખ થકી વિડાર્યો, (૨) નરહરે નરસિંહ રૂપ; પ્રભુ૦ જય દેવ૦
પંચમે બલી રાજા બલિયો, જે થકી સુરપતિ કાંપ્યો; પ્રભુ૦
વામન રૂપ ધર્યું મહારાજે, (૨) પાતાલે ચાંપ્યો. જય દેવ૦
છઠ્ઠો ફરસુરામ અવતાર, ફરસી હાથમાં લીધી; પ્રભુ૦ (૨)
સહસ્નાજાુન મારીને, (૨) પૃથ્વી નક્ષત્રી કીધી. જય દેવ૦
સપ્તમો રઘુવંશ અવતાર, આનન્દ કૌસલ્યા પામી; પ્રભુ૦ (૨)
પંચવટીમાં વસીયા (૨) રાઘવ સીતાના સ્વામી. જય દેવ૦
અષ્ટમો મથુરામાં અવતાર, ગોકુલ આવ્યા ગૌચારી; પ્રભુ૦ (૨)
ગોપી ગોવાલને રાખ્યાં, (૨) કૃષ્ણ ગોવર્દ્ધન ધારી. જય દેવ૦
નવમો બુદ્ધ તણો અવતાર, ભાર પૃથ્વી પર વ્યાપ્યો; પ્રભુ૦ (૨)
ધ્યાન ધરી બેઠા ધરણીધર, (૨) જોગ જાુક્તિથી સાધ્યો. જય દેવ૦
દશમો કલંકી અવતાર, પૃથ્વી નિ:કલંકી કરશો; પ્રભુ૦ (૨)
મ્લેચ્છને મારીને, (૨) મહાદુ:ખ સેવકનાં હરશો. જય દેવ૦
દશ અવતારની આરતી, જે કોઇ ગાશે; પ્રભુ૦ (૨)
ભણે શિવાનંદ સ્વામી, (૨) તે વૈકુંઠે જાશે. જય દેવ૦ ૦૦૦