મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૧૦
રમણ સોની
રાગ કાલેરો
‘જાગો રે ભાઈ! ભીડ પડી છે,’ કરે વીનતી રાવણરાય:
‘નર-વાનરે લંકાગઢ ઘેર્યો, તુંને નિદ્રા કેમ સોહાય?’ ૧
શત સેવક તેડાવ્યા રાયે, કહ્યું ‘જગાડો કુંભકરણ.’
લક્ષ જોદ્ધા વળગી ઢંઢોળે, જાણે શું પામ્યો મરણ! ૨
જળ છાંટ્યે નવ જાગે જોદ્ધો, તાપણાં કીધાં ચોફેર;
હૃદયે ઉપર શલ્યાપડ મેહેલ્યાં, કાનમાં ફૂંકે મદનભેર. ૩
કપાળ ઉપર દુંદુભિ વાજે શરણાઈ નફેરી ઢોલ;
કરોડ મેઘશબ્દે સાદ કરે, પણ રાણો ન આપે બોલ ૪
સૂંઠ-મરી નાસિકામાં મૂક્યાં, અજમો ચળાવ્યો નાસા માંહ્ય;
પાછો શ્વાસ જ્યાં મૂક્યો નિદ્રામાં અજમો-સૂંઠ ઊડ્યાં જાય. ૫
હૃદયા ઉપર અશ્વ દોડાવ્યા, વઢાડ્યા મહિષ માતંગ;
તોેહે એ સૂતો નવ જાગે, સાણસે ત્રોડાવ્યાં અંગ. ૬
નાનાવિધ ઓસડ અંજન કીધાં, ઉચલી પછાડ્યો વાર બે-ચાર;
પણ અઘોરીની ઊંઘ ન ઊડે, દીધા ઘૂંટણમાં ઘોર પ્રહાર. ૭
વળી નાસિકા મધ્યે સર્પ ચલાવ્યા, વાયુ રુંધાયો લંકારાય,
કપોલ માંહે સર્પ અકળાયા, શ્રવણમારગે નીસરી જાય. ૮
એમ વાજ આવ્યો રાવણરાજ, ન લાગ્યો એકે ઉપાય,
ત્યારે કુંભકરણની આવી અંગના નમન કરતી પાય. ૯
‘કષ્ટ દીધે મારો કંથ ન જાગે, એને વાહાલા શ્રી ભગવાન;
જગાડું હું હેલામાત્રમાં, તમો કરાવો ભક્તિગાન. ૧૦
ભક્ષ-ભોજન આણી રાખો, નહિ તો કરશે સહુનો આહાર,
રાવણે મદ્ય-માસ અણાવ્યાં, અન્નના કીધા અંબાર. ૧૧
અપછરા પાસે નૃત્ય કરાવ્યાં, ગાન-તાન વાજે વાજિંત્ર;
કુંભકરણ ડોલ્યો જ્યમ મણિધર સાંભળતાં ગોવિંદ-ચરિત્ર. ૧૨
ઊઠીને સરવ અન્ન આરોગ્યું, પછે પૂછ્યો સમાચાર:
‘હું કાચી નિદ્રાએ શીદ જગાડ્યો? આ શા વાનરના હોકાર? ૧૩
રાવણે વાત કહી વિસ્તારી, જે રીતે દુભાણા શ્રીરામ:
‘અગત્ય માટે તુંને જગાડ્યો, કોણ કરે તું-વિણ સંગ્રામ? ૧૪
સંગ્રામ કરો શ્રીરામ સાથે, કપિ પમાડો મરણ રે.’
વચન સાંભળી વીરનાં પછે શું બોલ્યો કુંભકરણ રે? ૧૫