મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણયજ્ઞ કડવું ૨૬

Revision as of 05:50, 13 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૬| રમણ સોની}} <poem> રાગ ધવલ ધન્યાશ્રીની દેશી અગિયાર સહસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કડવું ૨૬

રમણ સોની

રાગ ધવલ ધન્યાશ્રીની દેશી
અગિયાર સહસ્ર કપિ સંગાથે વિમાન બેઠા રઘુરાય જી,
રાય વિભીષણ સાથે જોદ્ધા સહુ વળાવવા જાય જી.          ૧
પાજખંડનાની આજ્ઞા આપી જે કો નાકરે લંકાગમન જી,
સેતુબંધ રામેશ્વરનું ત્યાં રામે કર્યું સ્થાપન જી.          ૨

સીતાને શ્રીરામ દેખાડે અજોધ્યાપુરની વાટ જી:
‘આ સન્મુખ પર્વત કિષ્કિન્ધા, જુઓ ગોદાવરીનો ઘાટ જી.          ૩

આ પંચવટી વન, નાશકત્ર્યંબક, જટાયુ આશ્રમનારી જી.
અગસ્ત્ય સુદેવ શરભંગ અત્રિ, આશ્રમ રાજકુમારી જી;          ૪

આ ચિત્રકૂટ ગંગા ત્રિવેણી, આ ગોભિલનગ્ર કહેવાય જી;
અહીં ગંગા કેરું આવાગમન જે આપણે કીધું પાય જી.          ૫
ઋષિના આશ્રમ અતિઘણા આપણે દીઠા આંહ્ય જી;
આ આશ્રમે આપણ વસિયાં, વળતાં પહોંત્યાં ત્યાંહ્ય જી.          ૬

આ સરયૂતટ, અટક્યાં આપણા, સરવ કીધું વિદાય જી;
આ જુઓ, ઓ જનકતનયા! જ્યાં મળ્યા રાણા ને રાય જી.’          ૭

સાથ સરવને ત્યાં સ્થિર કીધો, પુર વધામણી જાય જી;
રઘુપતિને ચરણે લાગી હનુમંત આગળ જાય જી.          ૮

ભાવસહિત ભરત શત્રુધ્નને કહે: ‘ઓ આવ્યા રઘુરાય જી;’
‘હેં? હેં?’ કહી હેલામાં ઊઠ્યા, મળવા મોદે ધાય જી.          ૯

સરવ મળી છત્ર રામને દીધું, વરત્યો જેજેકાર જી;
રામનું રાજ્ય ભૂતલમાં શોભે વરસ સહસ્ર અગિયાર જી.          ૧૯

સ્વધામે પધાર્યા પુરલોક તેડી, એ રણયજ્ઞ થયો પૂરો જી;
રાઘવગુણને તે ચિત્ત ધરશે જે હશે પ્રેમી શૂરો જી.          ૨૦

લવ-કુશ મૂક્યા નંદીગ્રામમાં વંશ રાખવા કામ જી;
એ રણયજ્ઞ કથા સંક્ષેપે કહી, કહ્યા રામગુણગ્રામ જી.          ૨૧

કડવાં છવ્વીસ પદ પૂર્ણ સાતસેં, બાર રાગ, દસ દેશી જી,
કથા કવી નંદાવતી મધ્યે, હરિલીલા ઉપદેશી જી.          ૨૨

સંવત સત્તર છેતાલીસ વર્ષે ચૈત્ર સુદિની બીજ જી,
રવિવારે કથા થઈ પૂરણ, શ્રોતા પામ્યા રીઝ જી.          ૨૩

દેસાઈ મહેતા શંકરદાસે મુજને આજ્ઞા દીધી જી,
સંક્ષેપે કથા કહી હતી પૂરવે તે વિસ્તારી કીધી જી.          ૨૪

ગુજરાત મધ્યે ગામ વડોદરું પાવન પુર વીરક્ષેત્ર જી,
જાંહાં વૈષ્ણવ જન વસે બહુ જેને વહાલાં પંકજનેત્ર જી.          ૨૫

ચતુર્વિશી જ્ઞાતે બ્રાહ્મણ ભટ પ્રેમાનંદ નામ જી,
બુદ્ધિ અનુસાર કથા આ જોડી, રઘુપતિના ગુણગ્રામ જી.          ૨૬

ભણે સાંભળે શીખે જે જન, તેનાં ભવદુ:ખ જાય જી,
બ્રહ્મહત્યાદિક પાતક નાહાસે, યજ્ઞ-તીરથ-ફળ થાય જી.          ૨૭

તે માટે મન ધરી સાંભળો સીતાજીનું હર્ણજી,
તેને કૃપા જ્યમ કીધી શ્રીરામે ત્યમ તમને રાખે શર્ણ જી.          ૨૮

શુભમસ્તુ કલ્યાણકારી હરિનું નામ નિદાન જી;
ભટ પ્રેમાનંદ કહે કર જોડી: રાખો હરિનું ધ્યાન જી.          ૨૯

વલણ

ધ્યાન રાખો શ્રીહરિનું, સંસારનો ફેરો ટળે,
ભટ પ્રેમાનંદ કહે કથા, જો એકચિત્તે સાંભળો.          ૩૦