મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧)

Revision as of 05:37, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પદ (૧)

ભાલણ

ઝુલડી ક્યાંય વિસારી
ઝુલડી ક્યાંય વિસારી, ઝુલડી ક્યાંય વિસારી?
તમે કહો રઘુબા રામા, છો સંત તણા સુખધામ.

જુગતે પેરાવી ઝુલડી, મૈયા ગઈ નિજ ધામ;
અનુચર એક ઉનાતો આવ્યો, ઝુલડી શોધે રામ.

આગળ પાછળ હીરા જડિયા વચ્ચે માણેક મોતી;
કરમાં લીધો દીવડો ને હીંડે કૌશલ્યા જોતી.

સોના કેરી સોય મંગાવું, રૂપા કેરા ધાગા;
એ ઝુલડી શીવવાને નવલખ દરજી લાગ્યાં.

સમજાવ્યો સમજે નહિ શામો, કહ્યું ન માને કાલો;
રોઈ રોઈને જુલમ કરે, કોઈને જડી જ હોય તો આલો.

રોતા રહીને કહે રાઘવજી, જોડીને બે હાથે;
રાજહંસને મ્હેં હોરાડી, ઊડી ગયો આકાશ.

ગિરિ ગહ્વર ગુફાઓ જોઈ, જોયાં ઝાડેઝાડ;
વશિષ્ટનો શિષ્ય લાવ્યો ઝુલડી, રામે છોડી રાડ.

મુખડું જોઈને માતા કહે છે, અકળિત આ કુમાર;
ભાલણપ્રભુ રઘુનાથ મારો મુક્તિનો દાતાર.