મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા

Revision as of 05:39, 14 August 2021 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૪.કેશવદાસ-કૃષ્ણક્રીડા

આ કવિએ દશમસ્કંધ-આધારિત ૭૦૦૦ જેટલી કડીઓનું કૃષ્ણક્રીડા નામનું કાવ્ય રચ્યું છે એ સંસ્કૃત અક્ષરમેળ છંદોના પ્રયોગને કારણે પણ ધ્યાન ખેંચનારું છે.

કૃષ્ણક્રીડા (માંથી અંશો)

[છંદ: શાર્દૂલવિક્રીડિત]
આવી એક અનેક નાર્ય જ મળી, ચેષ્ટા ઉદારી કરી,
વાહ્યો વેણુ રસાલ મોહન મુખે, ગાયે સહુ સુંદરી;
આવ્યાં તે યમુનાતટેં સહુ મળી, શીતલ્લ વેલૂ ભરે,
માંડૂં મંડલ રાસ લાલસપણે આનંદ અંગે ધરે.          ૧૬

નારી બાહુપ્રસાર રંભણ કરી, ચૂંબન્ન લીયે વલી,
નાના નર્મ નખાગ્રપાત સ્તનને, કામેં હવી આકુલી;
માંની માંનની માધવેં જ મન-શૂં, હંકાર પામી પછે,
જાણ્યૂં આજ ત્રિલોકમાં નહીં વધૂ, તોલે અમારે અછે.          ૧૭

તેને સૌભગ ગર્વ સર્વ હરવા, દેવેં દયા તો કરી,
હઈયા અંતરધ્યાન ધૂન્ય ધરતા, હે હૈ! ક્યાંહાં ગ્યા હરિ?
આહા હા ભગવાન! આજ અહ્મનેં મેલી ગયા ભોલવી,
લાગે તાપ અપાર પ્રાણપ્રિય! તે રામા સહુ રોલવી.          ૧૮

હીંડે કાંમની ઠાંમ્ય ઠાંમ્ય ગહેલી, કરણી નિહાલે કરી,
ચાલે ગત્યનુરાગ માધવ તણે, ચેષ્ટા વિશેષેં કરી;
એકા હાસ્ય વિહાર લાસ્ય કરતી, બાંહેં ધરી સુંદરી.
ગાએ એક અનેક ઉચ્ચ સૂરથી, તે તેહ કેડેં ગઈ.          ૧૯

પૂછે ‘પીંપલ! પ્લક્ષ! વૃક્ષ! વટ હો! શ્રીકૃષ્ણ દીઠા કહીં?
ચોરી ચિત્ત અમાહરાં જ સહુનાં, વાહી ગયો એ સહી.
આ હો નામ અશોક! શોણક હરિ, જાણ્યા ગયા કાં વળી?’
પૂછાં પુન્નગ નાગકેશર ઘણાં, ચંપા જ વૃક્ષાવલિ.          ૨૦

‘દેવી! તૂં જ કહે ભલું તુલસિકા! ગોવ્યંદપાદપ્રિયા!
દીઠો ક્યાંય મુકંદ ચંદ્રવદનો, માયા હરી સુંદરી?
હો હો માલતી? મલ્લિકા જ, કરેણી, જાઈ, જૂઈ કેવડી,
આંબા, જાંબુક, કોવિંદારક ઊંચા. હીહેજ ઊંચો ચડી.          ૨૧

રે રે ધન્ય તમારી આ જ ધરણી ઉત્પલ્લવી તે મૃદા,
પૃછી તે હરણી જ, રોઝ સઘળાં, પક્ષી ચ પૂછ્યાં વલી;
કાન્તા અચ્યુત હાવભાવ સઘલાં, મોહી જ વૃક્ષે મલી.          ૨૨
... ... ...
અકૈકાં પગલાં સમીપ પલતી, ખોલે જ ખાંતે કરી,
નિરખે તાં નિજ નાર્ય એક જ મલી, સાથે અછે સુંદરી;
‘કાંહો, કામની! કોણ કૃષ્ણ, સરસી,’ આનંદક્રીડા કરે?
મૂક્યો કંધિ જ હસ્ત હસ્તિનિ-પર્યે, લાવણ્ય લીલા ધરે.          ૨૭

કીહાં પુણ્ય અગણ્ય એણીયે કર્યાં? શ્રીનાથ પૂજ્યા સહી,
મેહેલા અમને એકલાં જ સઘલાં, એકાંત એ-શૂં રમે?
આ જો ઈહ્યાં નથી દીસતાં જ પગલાં, કંધે ચડાવી ગયો,
કામી કામિની કામનીય જ કેડે, તો વશ્ય તેહ્ને થયો.’          ૨૮
રાસલીલા
વીણ્યાં ફૂલ અમૂલ વેણી ભરવા, માનોહરાં માલતી,
ગૂંથી રંગ અનંગ સોય સરખી, ચાહે વલી ચાલતી;
‘મૂકી નાર્ય મુરાર ત્યાંહ સઘળી, મૂંને જ લીધી મળી,
તેમાં રૂપ નહીં, કલા ગુણ નહી. ગોવિંદ ચિંત્યે ટલી.          ૨૯

તો હૂં કામની કોડથી ગુંણવતી, રૂપે જ રૂડી સદા,
માહ્રો સૌભગ હાવભાવ મહિમા માધવ જાણ્યો મુદા.’
‘થાકી હૂં હરિ ચાલતી જ પલતી, કંધે ચડાવી જવે.
જાયો જ્હાં મન રાત્ય કેલિ કરવા, સંતોષ થાવા ઘણે.          ૩૦

હા હા હા! અતિ આકુલી જ શ્રમ થ્યોં, ‘બેસે નકંધે ચડી.’
ઊંચો પાગ કર્યો અદૃશ્ય હરિ થ્યા, પાછે મૂંઢે તે પડી;
આત્મરાંમ રમે અખંડિત અશુ, તે જાંણ જાંણે ઘણૂં,
દાખે તે ઘણૂં દૈન્ય કાંમ વસતૂં, દૌરાત્મ્ય નારી તણૂં.          ૩૧

દીઠે તે અતિ દીન દુ:ખિત થકી, પૂછે સહું કાંમની,
(કે)હુતી નાર્ય દયાલુતા જ હરિની, મૂઢત્વ જે માંનની;
તો આવ્યાં તૃણ વૃક્ષ વીરુધ ઘણાં, વેગે વિમાસે વલી,
દીસે નહિ પગલાં જ પ્રેમ ધરતી, પાછી વલી પ્રેમદા.          ૩૨

ગાતી ગીત અનંત ચિત્તે ચલકી, ગાલીતી અંગેં જિહાં,
અંતર્ધ્યાન મુરારિ ધ્યાંન ધરતી, વાટ જ જો(તાં) ત્યહાં;
‘જે જે તે તવ જન્મથી અધિક થ્યો, ગૌકુલ વાસેં રમ્યાં,
સ્વામી! દર્શન દાખ્ય સખ્ય સૂર છે, પ્રાંણેં નહી તૂં સમાં.          ૩૩

રાખ્યાં તેં બહુ વાર વારિ વિષથી, જે વિઘ્ન આવ્યાં ઘણાં,
માર્યા દૈત્ય અસંખ્ય વ્યાલ, વૃષ જે ઉગારયાં આપણાં;
તૂં તો કેવલ નંદનંદન નહીં, આત્મા સહુનો રદે,
બ્રહ્માયેં વિધિનાર્પિંતો યદુકુલે, તૂં સત્ય પાંમયો ઉદે.          ૩૪

સેહેજે સત્વત સર્વ સંત જનનેં, દે તૂં અભે સર્વદા,
પદ્મા જેહ કરારવિંદ ગ્રહીને, મસ્તક મૂંકે સર્વદા;
ટાલે (જેહ) પ્રણિપાત પાતક સહૂ, ગોવત્સ પૂંઠે ફરે,
વાહ્લાં તેહ પદારવિંદ વેહેલાં, હઈયે જ આંણી ધરે.          ૩૫

જીવે સજ્જન તાપ ટાલી તરશા, પીતાં જ તાહી કથા,
નાસે કલ્મષ કોટિ કોટિ ભવનાં, તૂં કાં ન ટાલે વ્યથા?
મૂક્યાં સજ્જન તાત માત ભર્તા, ભ્રાતા ઉલ્લંઘી કરી,
આવ્યા શર્ણ જ એક નાથ તાહરે, તૂં કાં તજે શ્રીહરિ?’          ૩૬

ગોપી એક અનેક પ્રેમભરથી, ગેહ્લી વિલાપે થઈ,
નાવે નાથ અનાથ (સાહ)સ ઘણું, તો દેહલજ્જા ગઈ;
દીઠા દેવ મુરારિ દૃષ્ટિ સહસા, સૂર્યેન્દુ કોટિ કલા,
પીતાંબર પરિધાં(ન) સ્યામ તનુને, સોહે મહા નિર્મલા. ૩૭

ચર્ચ્યૂં ચંદન પુષ્પ સાર તુલશી, મન્મત્થ મંથે ઘણૂં,
ઊઠી સુંદરી સાંમટી જ સંઘળી, જે પ્રાંણ આવ્યેં હૃદે.
એકા કૃષ્ણ કરારવિંદ ગૃહીનેં, આનંદ અંગેં ધરે,
એકા તાંબુલપત્ર ચર્વિત ધરી, ચુંબંન તેહંનેં કરે.          ૩૮


એકા અંધ્રિ અનંત સંત ભજતાં, તે સ્તન્ય સથ્યેં ઘસ્યાં,
ટાલો તાપ અપાર પાપ ભવનાં, શ્રીકૃષ્ણ હૈયે જ હશ્યાં;
એકા કોપિ કરી કટાક્ષ ધનુષા, બાણં ચ સંધાંનતી,
તે-શૂં અંગ અનંગ બાણ બહુલાં, પ્રેમેં જ તે બાંધતી.          ૩૯

એકા કૃષ્ણ મુખારવિંદ નિરખે, આંખ્યેં નિમિષે નહીં,
પીયે અમૃત પાદ સંત સંઘળાં, નિત્યે અતૃપ્તા સહી;
એકા નેત્ર કરી જ કૃષ્ણ ગ્રહતી, યોગીવ માંહે મલી,
તે આનંદ મહારસી રસભરી, થઈ મગ્ન, સંજ્ઞા ટલી.          ૪૦

ગોપીનાથ નિરક્ષણે જ હરખી, સંતોષ સાચો થયો,
પાંમે પ્રાજ્ઞ અનંત ચિત્ત ધરતાં, તિમ તાપ તેહનો ગયો.
કાંતા-યૂથ વિધુત-શોક-કલુષા, પાખલ્ય તે પર્વરી,
સોહેં જમ સવે જ ભકત્ય કરતી આનંદ લીલા ધરી.          ૪૨

... ... ...

બાંધી બાહુ પ્રસારિ સાર રસ-તેં, સ્રીરત્ન સાથેં રમેં,
લાગાં કંઠ કરાગ્ર ઉગ્ર તપતે, હસ્તાં જ હઈયે ગમેં;
જોએ જે સુરલોક લોક સંઘળા, બેંસી વિમાને બહુ,
તેની નારી અનંત પ્રીત ધરતી, સાથ્યેં જ લાવ્યા સહુ.          ૪૮

વાહે દુંદુભી દેવ સેવ કરતા, પુષ્પે જ વર્ષી રહ્યા,
ગાયે કિન્નર સર્વ કૃષ્ણગુંણને, તેણે ન જાયે કહ્યા;
વાજે નૂપુર કિંકિણી વલયયુક્, ગૌરાંગી ગોપી-તણી,
સોહે મધ્ય મુરારિ મર્કત જશો, હેમાંગ-માંહે મણિ.          ૪૯

પાદન્યાસ, વિલાસ હાસ્ય મુખનું, તે ધન્ય વેલ વલી,
હાલે જે કુચ, વસ્ર, કુંડલ કરી, વર્ષા જસી વીજલી;
ગાએ એક અનેક ઉચ્ચ સ્વર-શૂં, નાચે બહુ બાલિકા,
તેનૂં ગીત ચરિત્ર વ્યાપ્ત સઘલે, દે(તી) વને તાલિકા.          ૫૦

એકા ગાન સુકંઠ વંશ-સરખૂં, સારું વખાંણે સહી,
એકા શ્રાંત અનંત નૃત્ય કરતી, વાહલા વ્યલાગી રહી;
એકા ચંદનલિપ્ત હાથ હરિનો, સૌરભ્ય ચૂંબે ગ્રહી.
તન્વી તાંબુલ-ચર્વિતં ચ બહુલં, ગાલે ધસે લે સહી.          ૫૧